- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ
- હેમંતને વધાવવા મનુષ્યો નવા વર્ષની ઉજવણી કરે છે. દેવો પણ આ દિવસોમાં દેવદિવાળી જેવા દિવસને મુકરર કરી હેમંતનો આદર કરે છે - ચંદ્રની શીતળતાનો દોર, શરદથી શરૂ થયો છે
ત મે તમારી હથેળીમાં ચપટી ઘઉં લઈને એ દાણાની આત્મકથા સાંભળવાનો પ્રયત્ન કર્યો છે ? ઘઉંએ આપેલો ઉત્તર સાંભળવાની ક્ષમતા તમારી કર્ણેન્દ્રિયો પાસે છે ક્યાં ? તો તમે તમારા ઘરના કોઈ વડીલ કે કોઈ ખેડૂતને ઘઉની જનમકુંડળી વિશે પૂછી જોજો. તમને અવશ્ય ઉત્તરો મળશે.
ઘઉં હેમંતની કૂખમાં જન્મે છે. ઝાકળના જળછાંટા તેનાં વધામણાં કરે છે. શીતળ પવન તેને હાલરડાં નાખે છે માત્ર ઘઉં શા માટે ? સમસ્ત રવિ પાકોની જન્મોેત્રી હેમંત ગણાય છે રાઈ, રાજગરો, વરિયાળી, જીરૂ, અજમો, કપાસ, આમળાં, શેરડી, લીલી ડુંગળી અને મગફળી જેવા પાકોને હેમંતનું હવામાન વધારે માફક આવે છે. રવિપાકોનું કાઠુ હેમંતના હેત થકી બંધાય છે.
હેમંતના આગમનની ખબર કેવી રીતે પડે ? હેમંતને શરદ અને શિશિરથી કઈ રીતે મુક્ત કરી શકાય ? ત્રણેયની સરહદો નક્કી થઈ શકે ખરી ? હેમંતને શરદ જેવા મોટાભાઈનાં અને શિશિર જેવી નાની બહેનનાં વ્હાલ પ્રાપ્ત થયાં છે હેમંત આવે એટલે વાતાવરણમાં શું બદલાય ?
કાળચક્ર સતત ચાલ્યા કરે છે સમયની ગાડી વર્ષા સ્ટેશનથી ઊપડી શરદે આવી થોભે પછી શરદેથી ઊપડી હેમંત નામના સ્ટેશને થોભે છે. ત્યારે ગાડીના કોઈકોઈ ડબ્બામાં વર્ષાનાં પેસેન્જર શરદ સ્ટેશને ઉતરવાની ટિકિટ લીધી હોય તો પણ હેમંતના સ્ટેશને ઉતરે અને કોઇ પેસેન્જર 'શિશિર' ના હવે પછીના સ્ટેશને ઉતરી પડે એક સ્ટેશન ઉપર બીજા સ્ટેશનનાં મુસાફરોની અવરજવર તો હોય, કોઈને ના થોડી પડાય ? તમે બસ કે ટ્રેઈનમાં મહેસાણા પસાર કરો કે તરત ઊંઝાના જીરાની વાસથી ઘેરાઈ જાઓ છો ને ? એવું છે ઋતુઓનું પણ.
'ઊગે છે સુરખીભર્યો રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં' કવિ કલાપીએ હેમંતના સૂર્યને કોમળ કહ્યો છે અને વળી તેમાંથી સુગંધ પણ માણી છે - હેમંતના આગમને પવન શીતળ થાય છે. દિશા પલટે છે. તેમાં ખુશ્બૂ ભળે છે. રવિ મોસમનાં વાવેતર થવા માંડે છે. વર્ષાને વિદાય કરી શરદનો ઉત્સવ માણી ખેડૂત 'ખેતર અને વાવેતર'એ શબ્દો સાથે સંવાદ રચે છે - એ મોસમનું નામ હેમંત ! આમ તો, રવિ પાક ઓછા પાણીએ તૈયાર થતો હોય છે. ભાલિયા ઘઉં તો ચોમાસાના પાણીના રસકસથી પાકતા હોય છે. અલબત્ત હવે સિંચાઈની સગવડો થતાં પાણીનાં પાણ પાવાની પરંપરા વધી છે. વરસાદી પાણીથી પાકતા ભાલિયા ઘઉં વધારે સ્વાદિષ્ટ હોય છે ભાલ પંથકની પ્રતિષ્ઠા હેમંતે વધારી છે. ભાલિયા ઘઉનો દાણો કાઠો અને કરચલીવાળો હોય છે ઉપરાંત ટુકડી ઘઉંથી સ્હેજ લાંબો પાતળી-ઊંચી ગુણિયલ નારી જેવો એનો દાણો કેવળ આકારનું જ નહિ, સ્વાદનું પણ સૌંદર્ય ધરાવે છે. ભાખરી અને કંસાર જેવાં વ્યંજનોનો એ પ્રતિષ્ઠિત પદાર્થ છે.
ખેતરની છાતી ઉપર લ્હેરાતા રાયડાનાં પીળાં પુષ્પો અને રાજગરાનાં રાતાં પુષ્પો હેમંતના રંગો છે. શેરડીમાં જે માધુર્ય સંક્રાન્ત થતું જાય છે એ પણ હેમંતનું હોય છે. વૃક્ષોની ડાળેડાળે જે વિશ્રાંતિ છે, એ પણ હેમંતની છે. ટુકડી ઘઉની ઊંબીને જે મૂછ ફૂટે છે તે શૌર્ય પણ હેમંતનું જ બોર અને જામફળમાં જે ખટાશ અને મીઠાશ હોય છે તેનો યશ પણ હેમંતને જ...
હેમંતની સાચી ઓળખ વ્હેલી સવારે પરોઢિયે થાય... ખેતરના મોલ ઉપર, શેઢા ઉપર અનંત ઝાકળ પ્રસરે... પૃથ્વી પર ઉપર પથરાતી જળબિંદુની જાજમ... એ જાજમ ઉપર પણ પગલીઓ પાડવા જેવી હોય છે ! શીતળતાનો માહોલ રચાય છે. ઘર-બંગલામાં ચાલતા કૃત્રિમ પંખા અને એ.સી.ની સ્વીચો ઓફ થાય છે. હૂંફાળા કપડાં અને તાપણાં હેમંતના ઉમ્બરે આવીને ઊંભા રહી જાય છે. હેમંત 'આવો' કહે એટલી જ વાર...! ગોદડી અને રજાઈનું ચલણ વધવા માંડે છે. હેમંત પાસે હેત છે પણ એને હૂંફની જરૂર છે. હેત અને હૂંફ સાથે મળે ત્યારે ઊજળી આશા જન્મે છે. કસરતની સહાયથી કદાવર બનવામાં હેમંતનો સમયગાળો ઔષધની ગરજ સારે છે. કોડભર્યા કારતકનો કનક કોટ ઓળંગી માગસરના મ્હેલમાં પ્રવેશ કરવાનો પરવાનો હેમંત પાસે જ હોય છે.
હેમંતને વધાવવા મનુષ્યો નવા વર્ષની ઉજવણી કરે છે. દેવો પણ આ દિવસોમાં દેવદિવાળી જેવા દિવસને મુકરર કરી હેમંતનો આદર કરે છે - ચંદ્રની શીતળતાનો દોર, શરદથી શરૂ થયો છે - એ લંબાય છે. રાત્રિ વ્હાલ કરવા જેવી લાગે છે. અંધારાને પણ ઠંડી લાગે છે. સૂરજ પણ હેમંતના દિવસોમાં ઓછા તાપમાને એનું ચક્ર ચલાવે છે. પૌષ્ટિક આહારનો માનવજીવનમાં પ્રવેશ થાય છે - ખજૂરપાક, બદામપાક વસાણાં હેમંતનો હાથ પકડીને આવતાં હોય છે. એની સાથે આમળાનો જાદુ જેટલો હેમંત જાણે છે એટલી બીજી કોઈ ઋતુ ભાગ્યે જ જાણે ! ધરતીની મીઠાશ શેરડીમાં - સાંઠામાં અદ્રશ્ય રીતે સંક્રાન્ત થઈ રહી છે !! અને કોબીઝ, ફલાવર, ટામેટાં, પાલક, મેથી, લીલી હળદર લીલી ડુંગળી અને રિંગણ જેવાં શાકભાજી હેમંતના બજારમાં શોભે છે. બોર, જામફળ, આમળાં જેવા ફળો હેમંતના થાળમાં સ્થાન ધરાવે છે. કદમ્બ, ચંપો અને પારિજાતનાં પુષ્પો દીવાની જેમ હેમંત પ્રગટાવે છે. વર્ષાએ તૃપ્ત કરીને છલકાવેલાં તળાવો, નદીઓ, કૂવાની ટાઢક ધરાના અંગે અંગે અનુભવાય છે. મેઘવર્ષાની આગાહીઓ હવે હેમંતમાં થતી બંધ થઈ છે. ધરતી તૃપ્ત તપસ્વીની જેમ ભેજયુક્ત બની ગઈ છે. કુબેરભંડારીનો રથ પ્રત્યેક સ્ટેશને પોતાની કૃપાનો ગુલાલ છાંટતો છાંટતો આગળ વધી રહ્યો છે. માણસોએ પોતાના શરીર ઉપરનો પહેરવેશ બદલવા માંડયો છે. હૂફાળો પરિધાન પોતીકી પ્રતિષ્ઠા વધારી રહ્યો છે વાતાવરણમાં શાંતિ અને શીતળતાનો જે માહોલ રચાય છે એનો યશ હેમંતને જાય છે.


