- અર્જુનસિંહ કે. રાઉલજી
- કોઈક કહેતું - બધી બે આંખોની શરમ છે. બાપા જીવતા હતા ત્યારે પૈસા માગવામાં તેને શરમ આવતી હશે, પણ હવે બાપાની આંખ મીંચાઈ ગઈ એટલે શરમ નડતી નથી
ડૉ. પ્રસાદે જે વાત કરી તેનાથી બધાંને આંચકો લાગ્યો. ડૉ. પ્રસાદ આવું કહી જ કઈ રીતે શકે? આવું બોલતા પહેલા ડૉ. પ્રસાદે સો વાર વિચારવું જોઈએ...! રણજીતરાય એમના બાપ હતા તે વાત સાચી, પણ તેઓ ડૉ. પ્રસાદના પણ બાપ જેવા જ હતા. અગણિત ઉપકારો હતા રણજીતરાયના ડૉ. પ્રસાદ ઉપર...! એ બધા ઉપકારો એ ભૂલી ગયા ? માત્ર પૈસાની લાલચમાં જ...! અને રણજીતરાયે ડૉ. પ્રસાદ પાસેથી દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા વગર વ્યાજે- એ વાત પણ ઘરના કોઈની સમજમાં આવતી નહોતી. બાપાને આમ પૈસા ઉછીના લેવાની શી જરૂર પડી ? અને લીધા હોય તો ઘરમાં કોઈકને તો ખબર હોય ને ? પણ ના... મા પણ આ વાત જાણતી નથી. ત્રણે ભાઈઓ દવાખાનાના વેઇટીંગ રૂમમાં બેઠા હતા અને આ જ ચર્ચા કરતા હતા સાથે તેમના કાકા પણ હતા બૈરાં તો ખરાં જ...! સવારમાં લગભગ સાત વાગ્યે રણજીતરાયે પોતાનો દેહ છોડી દીધો હતો ત્યારનાં બધાં જ આવી ગયા હતા, માત્ર એક બહેન આવવાની બાકી હતી, બહેનની આર્થિક સ્થિતિ સારી નહોતી અને જો બસમાં આવવા રહે તો બપોર ચઢી જાય તેમ હતું એટલે મોટા જયદીપે જ બહેનને કહી દીધું હતું કે - 'તમે લોકો ટેક્સી કરીને આવી જાવ.... ટેક્સીનું ભાડું હું આપી દઈશ.' એટલે આમ તો ખાલી બહેનની જ રાહ જોવાની હતી... પણ આ ડૉક્ટરે વચ્ચેથી ખરું ફેલું ઘાલ્યું...!
રણજીતરાય બાવીસ દિવસથી દવાખાનામાં એડમીટ હતા આઇસીયુમાં વેન્ટિલેટર ઉપર રાખેલા હતા પડી ગયા હતા એટલે કોમામાં જતા રહ્યા હતા, માથામાં વધારે વાગ્યું હતું. ડૉ. પ્રસાદે તેમને બચાવવાના બધા જ પ્રયત્નો કર્યા હતા પણ... છેવટે તેઓ ઉકલી ગયા હતા. ડૉક્ટરે ત્રણે ભાઈઓ અને તેમના કાકાને પોતાની ચેમ્બરમાં બોલાવીને કહ્યું હતું કે, 'તમારા બાપા હવે હયાત નથી, એ મારા પણ અન્નદાતા હતા... એમના મારા પર અગણિત ઉપકાર છે. મને એમણે જ ભણાવ્યો છે અને ડૉક્ટર બનાવ્યો છે. એ ઉપકારનો બદલો તો હું વાળી શકું તેમ નથી એટલે મારે મારી ફી કે દવાખાનાનો કોઈ ચાર્જ લેવાનો નથી પણ...' કહીને ડૉક્ટર અટક્યા હતા. તેમનો કંઠ રૃંધાઈ ગયો હતો કે પછી તેમને બોલવામાં સંકોચ થતો હતો. બધા તેમના ચહેરા તરફ આતુરતાથી જોઈ રહ્યા હતા. ડૉક્ટર શું કહેવા માગે છે તેની એમનામાંથી કોઈને સમજ પડતી નહોતી પણ પછી ડૉક્ટરે જ ફોડ પાડતા કહ્યું હતું કે, રણજીતરાયે તેમની પાસેથી ત્રણ વરસ અગાઉ દસ લાખ રૂપિયા ઉછીના લીધા હતા. તેમને તેનું વ્યાજ પણ જોઈતી નથું. આપતી વખતે જ તેમણે રણજીતરાયને કહી દીધું હતું કે, તેઓ વ્યાજ લેવાના નથી... પણ હવે રણજીતરાય રહ્યા નહોતા એટલે એમના પૈસાનું શું ? ત્રણે ભાઈઓ અથવા તેમા કાકા આ પૈસાની કબૂલાત કરી લો... તેમને હમણાંને હમણાં તો પૈસા જોઈતા નથી પણ તેમના પૈસાની ગેરન્ટી જોઈએ છે પણ...! કોણ કબૂલ કરવા તૈયાર થાય ? કોણ દસ લાખ રૂપિયાની ખોટ ભોગવે ? બધાંએ ચોખ્ખી ના પાડી દીધી. તેમની તો એક જ વાત હતી કે, અમને ખબર નથી કે અમારા બાપાએ અમારાથી છુપાવીને દસ લાખ રૂપિયાનું દેવું કર્યું છે... તેમને એટલા બધા પૈસાની જરૂર હોય તો તેઓ તેમને કહે જ...! પણ તેમણે કોઈને વાત કરી નથી. એ લોકોએ તો ચોક્ખો નન્નો જ ભણી દીધો. અંદરો અંદર ચર્ચા કરતા હતા કે બાપાએ પૈસા લીધાં જ નહીં હોય - આ ડૉક્ટર તેમની પાસેથી પૈસા પડાવવા માંગે છે. પણ ડૉ. પ્રસાદ તો છેલ્લા પાટલે બેસી ગયા, તેમણે તો અલ્ટીમેટમ આપી દીધું કે- મારે હમણાં ને હમણાં પૈસા જોઈતા નથી, પણ કોઈકની કબૂલાત જોઈએ છે - જે આ પૈસા આપવાનું કબૂલે તેની પાસે જ હું પૈસાની ઉઘરાણી કરીશ. જ્યાં સુધી મારા પૈસાની કબૂલાત નહીં થાય ત્યાં સુધી હું ડેડબૉડી સોંપીશ નહીં, ત્યાં સુધી લાશનો કબજો મળશે નહીં... અને એટલે જ બધા વિમાસણમાં મુકાઈ ગયા હતા - શું કરવું તેની કોઈનેસમજ પડતી નહોતી...!
ડૉ. પ્રસાદ પણ આમ તો તેમના ફેમિલી મેમ્બર જેવા હતા. ડૉ. પ્રસાદ અનાથ હતા અને રણજીતરાયને ખબર પડી કે આ છોકરો અનાથ જ છે, તેના માતાપિતા નથી તે તેના દૂરના માસીને ત્યાં જ રહે છે એટલે કે તેમણે પહેલાં તો તેને દત્તક લેવાનો પ્રયત્ન કર્યો, પણ તેના માસીએ ના પાડી એટલે પછી તેના ભણવાનો બધો જ ખર્ચ તેઓ આપતા હતા. બીજા શબ્દોમાં કહીએ તો તેમના પાલક પિતા જ હતા તેઓ...! મેડીકલમાં ભણતર કેટલું મોંઘુ છે... એ બધો જ ખર્ચ રણજીતરાયે ઉપાડયો હતો. તેમના લીધે જ તે ડૉક્ટર બની શક્યા હતા. પ્રસાદે આ વાત ભૂલવી ન જોઈએ. પણ એ માણસ જ નગુણો કહેવાય...! બાકી આટલો ઉપકાર કર્યો હોય તે કેમ ભૂલાય ?
... તો કોઈક વળી કહેતું હતું કે, આમાં ડૉક્ટર પ્રસાદનો કોઈ વાંક નથી. તેઓ રણજીતરાયે કરેલા ઉપકારના બદલામાં પોતાની બધી જ ફી અને દવાખાનાનો ચાર્જ તો જતો કરે છે ને...! આ તો તેમણે આપેલા પૈસાની વાત છે... તેમણે દસ લાખ રૂપિયા આપ્યા હોય તો થોડા છોડી દે...! તેમાં તેમનો કોઈ વાંક નથી.
... તો તરત જ બીજો ભાઈ બોલી ઉઠતો - તને ડૉ. પ્રસાદનું આટલું બધું કેમ લાગે છે ? એવું હોય તો તેમના પૈસા તું જ કબૂલ કરી લે ને... એટલે વાતનો ફેંસલો થાય...! તરત જ પેલો ભાઈ નન્નો ભણતાં કહેતો - હું એકલો શા માટે ભોગવું ? તમે લોકો બાપાની જમીનમાંથી મને બે એકર વધારે આપવાના છો ? કે ઘરમાંથી ભાગ છોડી દેવાના છો ? પછી હું શા માટે?
તરત જ ત્રીજો બોલી ઉઠતો : 'ડૉ. પ્રસાદ છે જ લુચ્ચો અને નગુણો, બાપાએ ભણાવ્યો ના હોત તો દસ લાખ રૂપિયા તો શું દસ હજાર કમાવાની પણ તેની ત્રેવડ ના રહેત અને એવું જ હતું તો બાપા જીવતા'તા ત્યારે કેમ ના બોલ્યો ? કશું નહીં એને બાપાના નામે આપણી પાસે પૈસા પડાવવા છે.'
કોઈક કહેતું - બધી બે આંખોની શરમ છે. બાપા જીવતા હતા ત્યારે પૈસા માગવામાં તેને શરમ આવતી હશે, પણ હવે બાપાની આંખ મીંચાઈ ગઈ એટલે શરમ નડતી નથી.
સો વાતની એક વાત કે ત્રણે ભાઈઓમાંથી કે કાકા કોઈ પૈસા કબૂલવા તૈયાર નથી... અને સામા પક્ષે ડૉક્ટર પણ મક્કમ છે કે જ્યાં સુધી કોઈ તેમના પૈસા કબૂલશે નહીં ત્યાં સુધી તે લાશનો કબજો સોંપશે નહીં. એ તો એમ પણ કહે છે કે, રણજીતરાય તેમના પણ બાપા હતા. એમનામાંથી જો કોઈપણ લાશનો કબજો લેવા તૈયાર નહીં થાય તો તે પોતે અંતિમ સંસ્કાર કરી દેશે, કાંઈ લાશને સડવા કે ગંધાવા નહીં દે...!
સામા પક્ષે મહિલા મંડળમાં પણ દરેક સ્ત્રી પોતાના પતિને ચઢાવતી હતી કે, ભૂલે ચૂકે તમે એ પૈસા કબૂલ કરતા નહીં.. મિલ્કતનો ભાગ બધા લેશે. કોઈ કટકો જમીન પણ છોડવાનો નથી. પછી આપણે પૈસા કાઢીને શા માટે મૂરખા બનવું ? કોકડું ખરેખર ગુંચવાયેલું હતું એવામાં બહેન આવી...! આવતા વેંત જ ચક્કર ખાઈને બાપા ઉપર જ પડી અને મોટી પોક મૂકી. તેના મોટેથી રડવાનો અવાજ સાંભળીને ડૉક્ટર પણ પોતાની કેબિનમાંથી બહાર આવ્યા... રણજીતરાયની દિકરીને રડતી જોઈ તેઓ તેની નજીક આવ્યા, તેને માથે હાથ ફેરવતા બોલ્યા - 'રડીશ નહીં બહેન... થવા કાળ હતું તે થઈ ગયું. તને તો ખબર છે કે એ મારા પણ બાપા હતા. મેં મારાથી બનતા બધા પ્રયત્નો તેમને બચાવવા કર્યા પણ વિધિના લેખ કોણ ટાળી શકે છે ? બાપાની ખોટ તો નહીં પૂરી શકાય પણ આ ભાઈના ઘરનાં બધાં જ બારણા સદાય તારા માટે ખુલ્લા રહેશે. જ્યારે પણ તને બાપાની યાદ આવે ત્યારે મારી પાસે દોડી આવજે. હું તને બાપાની ખોટ નહીં પડવા દઉં.' કહેતાં કહેતાં ડૉ. પ્રસાદની પણ આંખો છલકાઈ ઉઠી એટલે સીસ્ટરે પાણી આપવાનો ઇશારો કરી ડૉ. પ્રસાદ પોતાની કેબિનમાં જતા રહ્યા. કેબિનમાં બેસતાંવેંત જ તેઓ ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયા અને ટેબલ ઉપર રાખેલા રણજીતરાયના ફોટા તરફ જોઈ મનોમન બોલ્યા : 'મને માફ કરજો બાપા, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે જ મારે નાછૂટકે આ રસ્તો લેવો પડયો છે. બાકી તમારા ઉપકારનું ઋણ તો હું સાત ભવ સુધી ઉતારી શકું તેમ નથી મારી ચામડીના જૂતા સીવડાવી તમને પહેરાવત તો પણ તમારું ઋણ ઉતારી શકત નહીં.' ડૉક્ટર ના જાણે ક્યાંય સુધી રણજીતરાયના ફોટા સાથે વાતો કર્યા કરત પરંતુ કેબિનનું બારણું ખકડયું એટલે તેમણે ઉંચે જોયું. બારણમાં બહેન રોતલ ચહેરે ઉભી હતી અંદર આવી તે ડૉક્ટરને પગે લાગી અને બોલી, 'ભાઈ, મારી એવી સ્થિતિ નથી કે હું તાત્કાલીક તમારા પૈસા આપી શકું પણ હું તમને વચન આપું છું કે, મારા બાપાએ તમારી પાસેથી જેટલા પણ પૈસા લીધા હશે તે દૂધે ધોઈને આપી દઈશ... મારા ઉપર વિશ્વાસ રાખો જ્યાં સુધી હું તમારું દેવું ચૂક્તે નહીં કરું ત્યાં સુધી જંપીને બેસીશ નહીં.' ડૉ. પ્રસાદ ઘડીભર તો બહેન સામે જોઈ રહ્યા, તેના ચહેરા પર એક મક્કમતા ઝળહળતી હતી. ડૉક્ટરે બેલ મારી પટાવાળાને બોલાવ્યો અને તેને કહ્યું કે, રણજીતરાયના બધાં સગાંને અહીં બોલાવો.
બધાં જ આવી ગયા. રણજીતરાયના ત્રણે દિકરાઓ, તેમની પત્નીઓ, તેમનો ભાઈ... બધાં જ. ડૉ. પ્રસાદે મોટા દિકરા જયદીપ તરફ જોઈને બોલવાનું શરૂ કર્યું, 'જુઓ, આ તમારી બહેન મારા રૂપિયા પાછા વાળવાનું કબૂલ કરે છે. તમને કોઈને તેનો વાંધો નથી તો નથી ને ?' અને પછી વારાફરતી દરેકના ચહેરા જોવા લાગ્યા. મોટો જયદીપ જ બોલ્યો, 'એ કબૂલ કરતી હોય તો એ જાણે. પણ એમાં અમારી કોઈ જવાબદારી નહીં. તેની આર્થિક સ્થિતિ તમારા આટલા બધા રૂપિયા આપી શકે તેવી નથી. અમે તે જાણીએ છીએ, એટલે પછી પાછળથી અમને કહેવાનું નહીં...!' લગભગ ચીમકી જ આપી દીધી જયદીપે તો...
'હું તમારી પાસે નહીં આવું એની ગેરન્ટી... પણ તમારી બહેન આ પૈસા કબૂલ કરે તેનો તમને કોઈને વાંધો તો નથી ને ?'
'અમને શું વાંધો હોય ? એ કબૂલ કરે તો તે એની જવાબદારી... અમારે શું લાગે વળગે ?' નાનો બોલ્યો.
બધાંએ સંમતિ આપી દીધી એટલે ડૉક્ટરે ખોંખારો ખાધો અને પછી બોલ્યા, 'મારે આ જ જાણવું હતું વાસ્તવમાં રણજીતરાયે મારી પાસેથી એક પૈસો પણ લીધો નથી પણ મને દવાખાનું ખોલવા માટે ત્રીસ લાખની મદદ કરી હતી અને મારે એ ત્રીસ લાખ રૂપિયા કોને આપવા એ અંગે હું મુંઝાતો હતો. જો કે, તમારા અને મારા પણ બાપાએ મને કહ્યું હતું કે, મારે આ પૈસા પાછા આપવાના નથી પણ તેના કારણે મારા દિલ ઉપર મોટો બોજો હતો. હું એ બોજો ઉતારવા માંગતો હતો - અસલી હકદાર અને વારસદારને એ રકમ પરત કરીને... એટલે હવે એ રકમ હું બહેનના હાથમાં જ આપું છું.' ડૉ. પ્રસાદની વાત સાંભળીને બહેન સિવાય બધાના ચહેરા પરથી તેજ હણાઈ ગયું - જાણ કે જીવતો સાપ પકડી લીધો હોય તે રીતે...! પણ બહેન બોલી 'પ્રસાદ ભાઈ, બાપાએ એ રકમ તમને આપી હતી અને પાછી લેવાની ના પાડી હતી તેમ છતાં જો હું એ રકમ હાથમાં પકડું તો મારા બાપાને ચોક્કસ દુ:ખ થાય, એટલે મારા માટે તો એ રકમ હરામ બરાબર છે.' કહેતાં બહેન ફરીથી જોરથી પોક મૂકીને રડી પડી. ડૉ. પ્રસાદ તેના બરડે હાથ ફેરવતાં રહ્યાં.


