માનવજાત સાથે મૈત્રી કરીએ .
- લેન્ડસ્કેપ-સુભાષ ભટ્ટ
સા માન્ય રીતે આપણને માણસ તો છીએ કે માણસ પણ છીએ તેવો અનુભવ અને તેને વ્યક્ત કરવાની ઈચ્છા ક્યારેક જ થતી હોય છે. કદાચ, બે પ્રસંગે આવી ઈચ્છા થાય છે: મોજ-પીડાની કે આનંદ-વિષાદની પળે. આપણને મારગ મળી ગયાની કે ભૂલા પડી ગયાની પળ અને પ્રસંગ સૌ સાથે વહેંચવાની ઝંખના હોય છે. કારણ તેમાં ઊંડુ માનવીય સત્ય હોય છે. બ્રાન્ડી સેલીમ રોબર સન નામની એક માતાએ તેની દીકરી સાથે ઈ.સ ૨૦૨૨માં સ્ટારબક્સ કોફી શોપમાં બનેલ એક ઘટના હમણાં સોશિયલ મીડિયામાં સૌ સાથે શેર કરી છે. જુઓ,
ઈ.સ ૧૯૭૧માં સ્થપાયેલા સ્ટારબક કોફી શોપનાં આજે ૮૦થી વધારે દેશોમાં ચાલીસ હજારથી વધારે આઉલેટ્સ છે. આજે તો કોફી કલ્ચર છે. લાઈફ સ્ટાઈલ છે. જ્યાં 'એનીથીગ કેન હેપન ઓવર અ કપ ઓફ કોફી'ની બાંયેધરી છે.
ફેબ્રુઆરી-૨૦૨૨ના દિવસે એક ટીનેજ છોકરી ટેક્સાસની સ્ટારબક્સમાં આવીને બેઠી. થોડીવારમાં થોડોક આક્રમક અને અસ્થિર દેખાતો એક જુવાનીઓ પણ આવીને તે છોકરી સામે બેઠો. તે બન્નેની વાતો અને વ્યવહાર પરથી ત્યાંના સ્ટાફને એમ લાગ્યું કે છોકરી મૂંઝાય છે- મુશ્કેલીમાં છે. એક ફિમેલ બરીસ્તા (કોફી બનાવવાર અને પીરસનાર) આવીને એક કોફી પેલી છોકરીને આપી અને કહ્યું 'આ એક્સ્ટ્રા હોટ ચોકલેટ છે. કોઈ ભૂલી ગયું છે.' તે કપ પર કાળી પેનથી છોકરીને સંદેશ આપવા આમ લખેલું, 'તું બરાબર છો ને? તને લાગે છે કે અમે દખલગીરી કરીએ? જો હા હોય તો કપ પરનું ઢાંકણું ખોલી નાખ...' અલબત્ત, છોકરીએ સ્વસ્થતાથી કહ્યું કે કોઈ સમસ્યા નથી. આ વાત સાવ નાની જ છે પણ નાની નથી. તેની માતા બ્રાન્ડી માટે આ ખૂબ શ્રદ્ધેય પ્રસંગ છે. તેને થયું કે માનસિક જડતા અને સાંવેગિક મંદતાવાળા ઉદાસીન અને બેપરવાહ વિશ્વમાં કોઈક છે જેને અન્યની પીડામાં નિસબત છે. ક્યાંક ભલમનસાઈ અને સંવેદનશીલતા છે. આઠ અબજની માનવજાત સાવ માંડી વાળવા જેવી નથી. કવિ ભગવતી શર્મા લખે છે :
આપણે ખોઈ ચુક્યા છીએ આંસુઓ,
ને ગુમાવી દીધી છે ભીની વેદના.
આપણી માલમત્તા સમય પરહરી જાય છે,
કોઈને કૈં પડી છે જ ક્યાં.
આપણા ફેસલેસ અને હાર્ટલેસ વિશ્વમાં જીવવા માટે જરૂરી છે;
એકાદ સાદ અને પડઘાની,
એકાદ ખોંખારા અને હોંકારાની,
એકાદ સાંત્વના આપે તેવા હાથની,
એકાદ વાત્સલ્યસભર ખોળાની.
આપણા હૃદયની જરૂરિયાતો લાંબી-મોટી નથી. જુઓ, પોરો લેવા ઓટલો, વાતો કરવા આંગણું અને સાથે ચા પીવા પ્રેમાળ ઓસરી, બસ! આપણે એક માણસનો હાથ પકડીએ છીએ ત્યારે આખી માનવજાત સાથે મૈત્રી કરીએ છીએ. આ ધગધગતા અને બળબળતા રણ વચ્ચે એકાદ માણસ તો બને છે આપણી જીવનભરની છાંયડી અને તલાવડી. વિશ્વભરની સમસ્યાઓનો ઉકેલ અને ઉપચાર એક તો છે : પ્રેમ મૈત્રી!