Get The App

21મી સદી સ્ત્રીઓની મુક્તિ અને મસ્તીની છે! .

Updated: Mar 16th, 2025

GS TEAM


Google News
Google News
21મી સદી સ્ત્રીઓની મુક્તિ અને મસ્તીની છે!                                   . 1 - image


- એક ક્લાસિક કૃતિની આંગળીએ સમજીએ કે 

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- શક્તિની પ્રગતિ કરવા માટે જીવનની સારી નહીં અંધારી બાજુના, પીડા અને પરાજયના અનુભવમાંથી પસાર થવું પડે. સલામત ઘરમાંથી બહાર નીકળવું પડે. અગવડ ભોગવીને, પડકાર ફેંકીને નેચરમાં ચિત્ત પરોવવાનું એડવેન્ચર કરવું પડે. એક વાર દુનિયાને જાણી લો, પછી દુનિયા તમારી છે !

અફસોસ નામના પ્રદેશને 

વળોટી જવાય, તોયે ઘણું...

પિંજરને જ ગગન ગણીને 

પાંખો પસારાય, તોયે ઘણું...!

પેલી તરફનું આખું આકાશ 

તત્પર છે આવકાર આપવા કાજે, 

અધખુલી બારીને જરા મિજાજથી 

ધક્કો મરાય, તોયે ઘણું....!!!

જેના પર ક્યારેય ચાલી ન શક્યા 

એ પગદંડીના નક્શા પર પણ 

કદમ ઉપાડી શકાય, તોયે ઘણું...!

પ્રદૂષિત યાદોમાં ગૂંગળાઈ મરવા કરતાં 

સ્વચ્છંદતાના એકાદ શ્વાસને 

ફેફસાંમાં ભરી લેવાય, તોયે ઘણું....!!

નીયતિના નામને બદનામ શીદને કરવું?

ખુદ કરેલી વિકલ્પોની પસંદગીને, 

ખુદની અદાલતમાં હાજર રહેવાનું 

ફરમાન મોકલાય, તોયે ઘણું....!!!

કોણ અસીલ? કોણ વકીલ?

કોણ સાક્ષી? કોણ ન્યાયાધીશ?

પડદો ઊંચકાય ને રંગમંચને 

એકપાત્રીય અભિનયનો 

પરચો બતાવાય, તોયે ઘણું....

આકાશ પણ ઓવારી જાય, 

એમ ઊડી બતાવાય તોયે ઘણું...

અફસોસને પાછળ છોડીને 

આગળ વધી બતાવાય, તોયે ઘણું....!

ડૉ. નીલી દેસાઈની આ કવિતામાં ફફડાટ છે. જગત નારીને ચૂંથી નાખશે એવી બીકનો નહિ, દુનિયા ઓળખવા માટે ઉડવા પહોળી થતી સ્ત્રીની પાંખોનો ફફડાટ. સ્ત્રીને ઘણી વાર સ્ત્રી હોવામાં જ રિગ્રેટ થાય એવો સમાજ આપણે બનાવી લીધો છે. મૂળભૂત રીતે આપણા સમાજને ઘરમાં સાવિત્રી જોઈએ છે મા, બહેન, પત્ની કે ભાભી તરીકે. એમની આગવી ઓળખ તો જવા દો, અંગત આનંદ હોય એવું પણ સમજીને સ્વીકારી શકતા નથી. માને મમ્મી કે મોમ કહો તો પણ ઘણાની હાજત સાફ નથી આવતી. એમને તો દરેક બાને સાડલામાં વીંટી ખીંટી પર ફોટોગ્રાફની જેમ ટીંગાડી દેવા છે. પરમ પવિત્ર. ના કોઈ ભૂલ કરે, ના કોઈ શોખ રાખે. બસ ઘસાઈને આશીર્વાદ આપ્યા કરે એવી આભારમૂર્તિ. સાવિત્રી પાછી બધાને ઘરમાં જોઈએ છે. બહાર તો આમ્રપાલી જોઈએ છે ! બિન્દાસ, આધુનિક, રસિકરંગીન, નખરાળી, નટખટ નારીને ગર્લફ્રેન્ડ બનાવવી છે. પણ એવરેજ ઇન્ડિયન મેલ એને તો ગણિકા જ સમજે છે. એટલે ઘરમાં બેસાડવાથી કતરાય છે. 

સની લિયોનીની સિદ્ધાર્થ રાંદેરિયાના નાટક પર એક ફિલ્મ આવેલી રામ કપૂર જોડે નામે 'કુછ કુછ લોચા હૈ' એના કલાઈમેક્સમાં એના સંવાદો રિયલ લાઈફની નજીક હતા કે દરેક મર્દની એક ફેન્ટેસી હોય છે, બોલ્ડ હીરોઈન જેવી દેખાતી મોડર્ન ફેશનેબલ નારી મેળવવી એ. પણ મેળવ્યા પછી એ એને જીરવી શકે એટલો મેચ્યોર્ડ કે સિક્યોર્ડ હોય છે ખરો ? એની પ્રોફેશનલ લાઈફ, એનું દુનિયા સાથે હસીને વર્તવું, એના રૂપજોબન પાછળ બીજાઓનું પાગલપન એ બધું જોઇને એની ઇનસિક્યોરિટી વધી જાય છે, કારણ કે એ ઔરતને મિલકત સમજે છે. એની કાયા પર માલિકીભાવ રાખે છે. જે આકર્ષણથી મોહિત થયો એ બીજાને દેખાવું ના જોઈએ એવું સમજી એના પર બુરખા કે ઘૂંઘટથી શરુ કરી નિયમો અને પ્રતિબંધોની જંઝીરોમાં બાંધી દે છે. હજુ આપણે ત્યાં માથે ઓઢવાના કે હિજાબના મર્યાદાના નામે સમર્થકો ચોમેર છે. હજુ પણ વિધવાવિવાહ કોઈ હિંદુ જ્ઞાતિમાં નથી થતા તો કોઈ મુસ્લિમ સમાજમાં સ્ત્રીના ગુપ્તાંગોમાં બળજબરીથી ખત્ના કરવાની ઘાતકી પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે.  

રીડરબિરાદર અલ્વીરા કહે છે એમ 'બધા ગ્રહોમાં ગુરુ (જ્યુપિટર)ની ગ્રેવિટી સૌથી વધુ છે. ને સ્ત્રીએ એ હદના નીચે જકડી રાખતા બળથી ઉપર ઉઠવું પડે છે! સંઘર્ષ કરીને.' યસ, સમાજ સ્ત્રીઓ માટે પાપની વિવિધ વ્યખ્યાઓના રાક્ષસી જડબા ખુલ્લા રાખે છે જેથી એ ધરતી પર મનગમતી રીતે જીવવામાં પણ સતત કોઈ અજ્ઞાત ભયમાં રહે, સંકોચમાં રહે. એના પર લેબલ લગાવવા એ લોકો થનગને છે, જેમને એ મળતી નથી. કોઈ પુરુષ સ્ત્રીને એની મરજીથી ભોગવે તો પણ બીજા વાંક-અદેખાઓને જ્વાળામુખી જેવા ધુમાડા નીકળી જાય છે, અને એ પંચાત કરીને સ્ત્રીને સાધ્વીની જેમ જ જીવવા માટે મશહૂર કરે છે. રંગે રમવા માટે નારી જોઈએ, પણ પછી એ જો રંગીન મસ્તી ધરાવતી થાય તો એનું દહન કરી નાખવાનું, એને બ્લેક એન્ડ વ્હાઈટ પવિત્રતાની ફ્રેમમાં ફિટ કરી એના તમામ રંગો ચૂસી લેવાના. પ્રેમ નામના શબ્દ તરફ જ નફરત રાખવાની. સ્ત્રીનું શરીર જોવું અડવું ચૂમવું બધા નોર્મલ પુરુષોને પ્રકૃતિસહજ ગમે છે, પણ એ ગમે છે એવું દુનિયાને દેખાડવું નથી ગમતું એમાંથી દંભ જન્મે છે, અને એ લાલસાભરી વાસના બેકાબૂ થાય તો બળાત્કારની વિકૃતિ જન્મે છે. એમાં વીંખાઈને રગદોળાઈ જાય છે એક સ્ત્રીની આકૃતિ. જે પરમાત્માની ઘડેલી સૌથી સુંદર કૃતિ છે. 

પણ જો આપણે આપણી અંદર પડેલી શરમ અને બહારની દુનિયાએ આપેલા ઘડતરના નામે બદલાઈને ધરબાઈ જવાના જખમ - એ બાબતોને ઓવરટેક કરી લઈએ તો જીવવાની કેવીં અદ્ભુત મજા પડે ? બસ, આ પોઈન્ટને કેન્દ્રમાં રાખીને ફ્રાન્સના મહાન વિચારક વોલ્તેરે એક નવલકથા લખી. ૧૭૫૯માં પ્રકાશિત ને ઘણા લિસ્ટમાં વિશ્વના ૧૦૦ વાંચવા જેવા પુસ્તકોમાં એક ગણાતી એ કથાનું નામ છે 'કેન્ડીડ'. જેનો નાયક એક ભોળો સરળ આદર્શવાદી છે. એના ગુરુ પ્રોફેસર પેનગ્લોસ એને આખા જગતની શ્રેષ્ઠતાની શિખામણો આપે છે, પણ જગત તો વિકરાળ, બિહામણું પણ છે. એ આપે છે, એમ છીનવી પણ લે છે. એમાંથી ખુશી જડે છે, તો અન્યાય પણ જડે છે. એમાં નાઈટ ક્લબ પાર્ટી જેવી સ્વર્ગની ભ્રાંતિ છે, તો દારુણ દુખો, બીમારી, હતાશા, જૂઠ પણ છે. આશાવાદી નાયક કેટલાય અનુભવોમાંથી પસાર થઈને એટલું સમજી જાય છે, કે આપણે વધુમાં વધુ આપણી આસપાસ એક સુંદર બગીચો રચી શકીએ તો ય ઘણું. 

૧૮૧૮માં મેરી શેલીએ ક્લાસિક ગોથિક સાયન્સ ફિક્શન બ્રિટનમાં લખી (જેના અનુવાદ નરાસુર પર આખો લેખ લખેલો છે) નામે ફ્રેન્કેન્સ્ટાઈન. એક સંવેદનશીલ ડોક્ટર મૃત્યુને જીતવાની વિદ્યા મેળવી લાશના ટુકડા સજીવન કરે છે, એક બેડોળ પણ ધરખમ વિરાટ આકૃતિ એ રીતે પેદા થાય છે, જેનું શરીર કદાવર છે, પણ હજુ એનો તો બાળકની જેમ જન્મ જ થયો છે લેબોરેટરીમાં. એ ડોક્ટર વિક્ટરને પોતાનો ભગવાન માને છે, પણ વિક્ટર રાક્ષસ માની એને તરછોડી દે છે અને સમજી ના શકે એવી બાબતો સાથે શું કરવું એની જગતને ગતાગમ નથી હોતી. એટલે એ ફક્ત એની ઠેકડી ઉડાડે કે એને પરેશાન કરે. એમાં એ સાચે જ રાક્ષસ બની જાય છે બદલાની આગમાં ઝુલસતો ! ૧૮૬૯માં રશિયન લેખક ફ્યોદોર દોસ્તેય્વસ્કીએ ક્લાસિક નોવેલ લખી 'ઈડિયટ'. (એના પર પણ લેખ લખેલો છે) જેનો ભોળિયો નાયક ગામડેથી શહેરમાં આવે છે, અને બધા આટાપાટા રાજકારણથી રિલેશનશિપ સુધીની ગેમ્સમાં સાફ દિલ ને માસૂમ સવાલો લઇ ભૂલો પડી જાય છે ને મૂરખો યાને ઈડિયટ સાબિત થાય છે. પણ છતાં એનામાં એક આગવો ચાર્મ છે, સચ્ચાઈ અને સહજ ભોળપણનો. 

આ બધી કથાઓમાં ક્યાંક એક તાર જોડાયેલો છે થીમનો. પણ એ વાત નોંધી કે બધામાં પુરુષ નાયકો છે. નાયક કોઈ સ્ત્રી હોય ને જગતમાં એના આવેગો ને નેકદિલી સાથે ભૂલી પડે તો ? સ્ત્રીને એનો દેહ ને એનું આકર્ષણ પહેલા નડે. એ શું હમણાં એક ભારતીય મૂળની ટોચની અમેરિકન સ્કૂલમાં ભણતી વિદ્યાર્થિની સુદીક્ષા ડોમિનિકન રિપબ્લિકના બીચ પર ખોવાઈ ગઈ એમ ક્રાઈમ કે અકસ્માતનો ભોગ બને તો? કે હમણાં ૨૨ વર્ષની બ્રિટીશ સ્ટુડન્ટ લૌરાએ આમ તો મફતમાં ગુમાવવાની થશે એના કરતા હરાજી કરી રોકડા કરી જીવન આસન ના બનાવવું માની ઓનલાઈન વર્જીનિટીના ૧૮ કરોડ મેળવ્યા એમ શોષણમાં બિઝનેસ શોધવો પડે તો ?  શીશે સે બની એક લડકી, પથ્થર કે નગરમેં આઈના ઘાટ સાથે ધૂની ગણાતા સ્કોટિશ લેખક આલ્સાડેર ગ્રેએ ૧૯૯૨માં એક નોવેલ લખી. 'પૂઅર થિંગ્સ'. જેના પરથી ૨૦૨૩માં જાણીતા ગ્રીક ફિલ્મમેકર યોગોઝ લાન્થીમોઝે એમ સ્ટોનને લઇ એની ધમાકેદાર ફિલ્મ 'કૃએલા' લખનાર ટોની મેક્નમારા પાસે સ્ક્રીનપ્લે  તૈયાર કરાવીને કથાના રાજકારણને સાઈડમાં રાખી સ્ત્રીત્વ પર ફોકસ કરીને ફિલ્મ બનાવી 'પૂઅર થિંગ્સ'. આ રોલ જીવી ગયેલી એમા સ્ટોને વરસ શું ફિલ્મ ઇતિહાસના શ્રેષ્ઠ અભિનયમાંનો એક કરેલો. કારણ કે જરાક ચૂક કરત તો એનું કેરેક્ટર કાં વલ્ગર લાગત, કાં કાર્ટૂન. નેચરલી એને ઓસ્કાર મળ્યો હતો ગયા વર્ષે ને એક વર્ષે સ્પોઈલર એલર્ટ ના કહેવાનું હોય એનો કથાસાર માંડતા પહેલા !

ફિલ્મનો આરંભ થાય છે ગોડવિન નામના એક અડધા અપંગ છતાં જીનિયસ પાગલ વિજ્ઞાનીના મહેલ જેવા મકાનમાં ઉછરતી બેલા બેક્સ્ટર નામની સુંદર કન્યાને મેક્સ નામનો પ્રોફેસરનો નિષ્ઠાવાન અને ડાહ્યોડમરો શિષ્ય મળે છે, ત્યાંથી. બેલા દેખાવડી છે ને તેજ છે. પહેલા તો મંદબુદ્ધિની લાગે છે. પ્રોફેસરની દીકરી લાગે છે, પણ પ્રોફેસર તો એને આકર્ષક સર્જન કહે છે પોતાનું કોઈ ગમતા રમકડાં જેવું. એના નામને ટૂંકું કરી બેલા એને ગોડ કહે છે. એના ગાલ પર ક્રોસ જેવો જખમ છે. ભગવાન જાણે આ દુનિયા બનાવતી વખતે પરફેક્ટ નહિ પણ ભૂલો કરનાર ધૂની પાગલ હોય છતાં મહાપ્રજ્ઞાવાન જાદૂગર હોય, એ ભાવ અભિપ્રેત છે. 

ફિલ્મમાં મોડેથી એ રહસ્ય ખુલે છે કે બેલા મૂળ તો આપઘાત કરવામાં નદીમાંથી મળી આવી હતી, જિંદા લાશ જેવી હાલતમાં અને પ્રેગનન્ટ હતી. એના ગર્ભનું બાળક પણ મરી ગયું હતું ને જીનિયસ ગોડવિને સર્જરી કરી એ શિશુના મગજના અંશો બેલામાં નાખ્યા એટલે એની કાયા પુખ્ત સ્ત્રીની હતી ને દિમાગ બાળક જેવું વિસ્મયમુગ્ધ ! પણ એ ફટાફટ બધું શીખતી જાય છે. એઆઈની જેમ માહિતી ધડાધડ યાદ રાખી પોતાને ક્વિકલી અપગ્રેડ કરતી જાય છે. પણ હજુ મનથી એક મુગ્ધા છે ત્યાં શરીરના એના આવેગો પ્રકૃતિના વરદાન જેવા બધાને મળે છે, એ જાગી ઉઠે છે. એના મેન્ટોર પ્રોફેસર એના લગ્ન મેક્સ સાથે કરવાનું વિચારે છે. પણ બેલાને મોહિત કરે છે, ઘેર આવતો ઉસ્તાદ વકીલ ડંકન વેડરબર્ન. ડંકન હોશિયાર, સમૃદ્ધ પણ ચાલુ કિસમનો માણસ છે. એના શિકારી સ્વભાવને સુંદર ને સાવ ભોળી માસૂમ બેલામાં આકડે મધ દેખાય છે. બેલાને મહેલ અને બગીચાની જિંદગી સલામત ને સુખી હોવા છતાં રોમાંચના અભાવે જેલ જેવી લાગે છે. એને છટકવું છે એમાંથી. ડન્કન એને જહાજ પર જગતની સફર કરાવવાના બહાને ભોગવવાની લાલચે ભગાડી જાય છે.

આપણા થ્રી ઈડિયટ્સના ઘપાઘપની અદામાં બેલા સેક્સને ફ્યુરિયસ જમ્પ કહે છે. એને તો મજા પડી જાય છે. વકીલ ડંકન પેહલા તો આવી સેક્સ બાબતે કોઈની પરવા વિના એકદમ વાઈલ્ડ ને ભૂખી નારી પોતાની છે એમ માની પોતાને બડભાગી સમજે છે. પણ બેલાને તો ચાઈલ્ડની જેમ આ નવી રમતમાં એવો લુત્ફ આવે છે કે એ એને ખુશ કરવામાં રીતસર થાકી જાય છે. બેલા કહે છે પુરુષ શું સેક્સ સેક્સ કર્યા કરે , એ તો આ મામલે સ્ત્રી કરતા નબળો છે ને માંડ ત્રણ રાઉન્ડ ટકી શકે છે. બેલા પાસે સામાજિક શરમના નામે ફોર્મલ થવાની સ્વીચ જ નથી. એ અલ્ટ્રા માસૂમ છે. જેમ કે શિપ પર એક બાળક રડે છે તો એ બોલી જાય છે કે આઈ મસ્ટ પંચ ધ બેબી. હવે ઉજાગરો હોય ને બસમાં બાજુની સીટ  પર કોઈ સતત ભેંકડો તાણે તો મનોમન બે ઘડી આપણને આવું થાય પણ આપણે કન્ટ્રોલ કરીએ, બેલા એ કન્ટ્રોલ નથી કરી શકતી. શિપ પર એને સાહિત્યપ્રેમી યુવક મળે છે, ને બેલા જીવનની કાળી અંધારી બાજુ અનુભવે છે. ગરીબીમાં પીડાતા લોકો જોઇને સાથી ડંકને જુગારમાં જીતેલી ને સાચવેલી બધી રકમ એ વહેંચી દે છે. ઉદારતાની વાતોના નામે ખુદ ગરીબ થઇ જવાનું કોઈ કરતુ નથી પણ બેલા જેવી છે એવી છે. એની પાસે સંવેદના છે. બુદ્ધિ છે. પણ ચાલાકીના મામલે હમ હૈ અનાડી છે.

પૈસાના અભાવે બેઉનો વિશ્વપ્રવાસ અધૂરો રહે એમ ફ્રાન્સમાં એમને ઉતારી દેવાય છે. બેલા પૈસા કમાવા માટે એક બ્રોથેલમાં જઈને દેહવ્યાપાર શરુ કરે છે. એનો ફંડા કલીયર છે. મારે ઘણું તો જાણવું ને માણવું છે. જોવું ને ભણવું છે. દુનિયાએ બધે પૈસા નામની સીસ્ટમ રાખી છે. માત્ર શરીરના ઉપભોગના ચંદ મિનિટોમાં રોકડા મળે તો એ પુરુષોની દુનિયાએ બનાવેલા ધંધાનો આપણા ફાયદા માટે ઉપયોગ કરી લો. પોતાની ગુડિયા સમજી એને કન્ટ્રોલ કરવા લઇ આવેલો ડંકન હવે એને પોતાની પહોંચ બહાર જતી જોઇને કેવળ ગેમ રમનારો પ્લેયર નથી રહેતો. પણ સાચે જ એના પ્રેમમાં પડી જાય છે. 

દરેક પ્રેમ કરતા પુરુષની જેમ એ ભયભીત છે. બેલા કોન્ફિડન્ટ છે. પ્રેમ એને ગૂંગળામણ લાગે છે આ તબક્કે, ને પુરુષ પાસે ધીરજ કે સમજ નથી  એ રોવા લાગે છે, રોષ કરે છે ને એવા રોતલ ને છટકેલ પુરુષ સાથે પ્રેમ હોય તો પણ ઓસરી જાય. 

ફિલ્મમાં આ તબક્કે સરસ સંવાદો છે. બેલા વેશ્યાગૃહમાં એની માલિકણને કહે છે કે 'હું કેમ મારે કોની જોડે સુવું છે એ સિલેક્ટ ના કરી શકું? એ પૈસા આપે છે તો હું પણ શરીર ને સમય આપું છું ને. એને તો થોડી મીનીટોમાં ઠલવાઈ જવાનું છે. મારો પ્લેઝર લાંબો ચાલે છે. હું પુરુષને પસંદ કરું તો એને વધુ મજા આવે. બાકી તો આ યાંત્રિક પ્રક્રિયામાં આનંદ રહે નહિ. પણ મારતો પ્રેમી રાખી સુખ નથી મેળવવું કારણ કે પ્રેમીઓ બાળક જેવા હોય. એના પર બહુ ધ્યાન આપવું પડે એમની કેર કરવી પડે. આ સારું, વીસ મીનીટમાં હું ફ્રી, બાકીની લાઈફ મારી. 

અને એમ કરતા એ જગતને સમજે છે, એ કહે છે કે 'બહારની દુનિયામાં મને હતું કેવું મજાનું એડવેન્ચર હશે પણ એમાં તો બે જ બાબતનો અતિરેક છે : શુગર એન્ડ વાયોલન્સ ! આપણે બધા જંગલી પશુઓ છીએ. આમ જન્મીએ છીએ, આમ જ મરીએ છીએ. ફિલોસોફી ને કળા આપણી આ ભયાનક અસલિયત ઢાંકવાના નકાબ છે. ગોડ કહેતો મને ઘેરમાં કે માણસ એડવાન્સ વિચારે, સાહસ કરે, એમ એની પ્રગતિ થાય. આમ જ દવાઓ આવી. સારા કપડા ને વાહનો આવ્યા, વીજળી ને એના સાધનો આવ્યા. પણ આપણને વિકાસ કરતા વિનાશ વધુ ગમે છે. આપણે બધાએ સત પરિવર્તનનો સ્વીકાર કરતા રહેવું જોઈએ તો દુનિયામાં મજા આવશે.'

ફિલ્મમાં બેલા જેમ જેમ વધુ જ્ઞાની થાય છે એમ એની ભાષા ને ચાલ સુધરતી જાય છે. એ સલાહોથી નહિ, પણ અનુભવોથી વધુ ઠરેલ બને છે. એ પોતાની શરતોએ કોઈના અભિપ્રાય કે ઈમેજની પરવા વિના સેટલ થવાના ખ્વાબને ઠોકર મારી સાહસ કરી જિંદગી જીવવા મથે છે. 

કહાનીમાં ટ્વીસ્ટ આવે છે, જ્યારે એનો પાલક મરણપથારીએ હોઈ એને શોધી પાછી બોલાવે છે, એના પ્રયોગો તો ચાલુ છે, પણ આવરદા ખૂટી છે. બેલા એને માટે આવે છે પણ એને ત્યાં પકડી લે છે લશ્કરી અધિકારી અલ્ફી બ્લેસિંગટન. જે ક્રૂર પુરુષ છે. બેલને વિક્ટોરિયા કહે છે. અને ખબર પડે છે કે એ ભારે અબ્યુઝીવ હતો અને એની પત્ની હતી બેલા. સાવ નરમ ને ગભરુ. માર ખાતી, ગાળો ખાતી. અને એ જીવનથી એવી કંટાળી કે સગર્ભાવસ્થામાં બાળકને આ દુનિયામાં જીવવું ના પડે એટલે આપઘાત કરવા ગયેલી. કારણ કે લડીં શકે એમ નહોતી. પૂર્વ પતિ એને પરાણે ઘસડી જાય છે, પણ હવે આ સ્ત્રી પુઅર થિંગ નથી. દુનિયા જોઇને ઘડાઈ ગઈ છે. પુરુષો એને પગની જૂતી સમજે તો એમને લાત મારતા શીખી ગઈ છે. કોઈની ચાવીએ જીવતી નથી. કોઈના સેક્સની ગુલામ નથી. એ અણધાર્યો પ્રતિકાર કરે છે. એનો ગ્રોથ એ જ હેપી એન્ડિંગ છે. એ સમજે છે કે જીવન કોઈ ગુલદસ્તો  નથી. ફૂડમાં આપણે ભાવે એ બીજી વાર લઈએ ને ના ભાવે એ ફેંકી દઈએ એમ જીવનમાં મિક્સ એક્સ્પિરિયન્સીઝ છે. સારા અને ખરાબ. પણ જીવવું જરુરીં છે. બહાર નીકળી નવા અનુભવો લઈએ તો ઘડાઈએ મુકાબલા માટે. ને લાજ છોડીએ તો આપણું રાજ આવે. 

માઈન્ડ વેલ, આ વાઈડ લેન્સથી શૂટ થયેલી જીયો હોટસ્ટાર પર રહેલી ફિલ્મમાં નગ્નતા છે, પણ વાસ્તવિકતા માટે છે. એ આપણા કપડાં ઉતારીને કહે છે. આવતીકાલની દુનિયા સ્ત્રીઓની છે. એ સ્ત્રીઓની જે પોતાની શરતોએ જીવવામાં શરમ નહિ રાખે ને મોજમસ્તી સાથે વિચારને સર્જકતાની બુદ્ધિ પણ કેળવશે. આ તીર છૂટી ગયું છે, કમાનમાંથી. પુરુષો એને રોકી નહિ શકે ! 

ફાસ્ટ ફોરવર્ડ 

જલ્દી નારાજ થનારા પુરુષો વંચિત રહી ગયા 

સ્ત્રીના નાઝ નખરાની મજાથી 

સતત સલાહ આપનારા પુરુષોએ 

ન જોયો સ્ત્રીઓનો જલસો 

કંજૂસ પુરુષો જાણી જ ન શક્યા 

સ્ત્રીના ઉત્સવ અને ઉમંગ 

પુરુષનો અહંકાર 

એની આંખે પાટો બનીને રહી ગયો 

એ જોવા ન પામ્યો 

સ્ત્રીની અનુપમ કલા 

પુરુષોની ઉદાસીનતાએ 

પ્રસન્નતાના ઝરણા પર બાંધી દીધો બંધ 

પોતાની પ્રત્યેક ઇચ્છા 

સ્ત્રી પર પરાણે લાદી દેનારા પુરુષ 

અનુભવી ન શક્યા સ્ત્રીના પ્રેમની પ્રગાઢતા

સમય કેવળ વહેતો ગયો શોર મચાવતો 

અનંત સંભાવનાઓ અને સપનાઓના 

આવરણમાં ઢંકાયેલી એક નદી 

એમ જ સુકાઈ ગઈ !

(તુષાર શુક્લ)

Tags :