Get The App

વ્‍હાઇટ ‌ડિલના ગ્રીનલેન્‍ડ પર વ્‍હાઇટ હાઉસનું ‌દિલ કેમ આવ્યું?

Updated: Mar 16th, 2025

GS TEAM


Google News
Google News
વ્‍હાઇટ ‌ડિલના ગ્રીનલેન્‍ડ પર વ્‍હાઇટ હાઉસનું ‌દિલ કેમ આવ્યું? 1 - image


- એકનજરઆતરફ-હર્ષલપુષ્કર્ણા

- અમે‌રિકી પ્રમુખ ટ્રમ્‍પઃ ‘ગ્રીનલેન્‍ડને શાં‌તિપૂર્વક અમે‌રિકા સાથે ભેળવી દો... ન‌હિતર અમે એક યા બીજી રીતે તેને મેળવી લઈશું!’ | આખરે ગ્રીનલેન્‍ડમાં અમે‌રિકાનો શો સ્‍વાર્થ છે?

- ગ્રીનલેન્‍ડના ‌ડિલે (શરીરે) સફેદ ‌હિમચાદર લપેટાયેલી છે. અહીંનું આઇસ કોલ્‍ડ વાતાવરણ અત્‍યંત ‌વિષમ છે. વસ્‍તી માંડ પચાસેક હજારની છે. વેપાર-ઉદ્યોગનો અભાવ છે.તો પછી પ્રમુખ ટ્રમ્‍પ ગ્રીનલેન્‍ડમાં એવું તે શું ભાળી ગયા?

‌ઈસ્‍વી સન ૧લી સદીની વાત છે. એ‌રિક થોર્વેલ્‍ડસન નામનો (અને રતાશ પડતા કેશને લીધે એ‌રિક ધ રેડ તરીકે ઓળખાતો) નો‌ર્ડિક જા‌તિનો સાગરખેડુ માદરે વતન આઇસલેન્‍ડથી દેશ‌નિકાલ પામ્‍યા પછી પૃથ્‍વીના ઉત્તર ગોળાર્ધનો દ‌રિયો ખૂંદવા નીકળ્યો હતો. સમુદ્રી સફર વખતે આઇસલેન્‍ડની ઉત્તર-પ‌શ્ચિમે તેને એક ‌વિશાળ ટાપુ જોવા મળ્યો, જેના પર તેણે ઈ.સ. ૯૮પમાં સમગ્ર માનવજાત વતી પહેલી વાર પગ મૂક્યો. ટાપુનું ભૂપૃષ્‍ઠ અફાટ બર્ફીલા રે‌ગિસ્‍તાન સમું હતું. ખુલ્‍લી જમીન ક્યાંય શોધી જડે ન‌હિ. વન-વૃક્ષોની હ‌રિયાળી પણ ન‌હિવત્—અને છતાં એ‌રિક ધ રેડે ટાપુને નામ આપ્યું ગ્રીનલેન્‍ડ! 

આવું ભૂલભરેલું ને ભ્રામક નામ એ‌રિક ધ રેડે પસંદ કર્યાનું કારણ હતું. નવા શોધાયેલા ટાપુ પર આઇસલેન્‍ડના નો‌ર્ડિક જા‌તિના લોકોને એ‌રિક કાયમી ધોરણે વસાવવા માગતો હતો. ટાપુ પર ચોમેર બરફની બારમાસી ચાદર છવાયેલી રહેતી હોવાની વાસ્‍ત‌વિકતા જાણ્યા પછી કોઈ નો‌ર્ડિક ત્‍યાં પગ મૂકવાનું નામ ન લે. આથી એ‌રિકે જાણીબૂઝીને ગ્રીનલેન્‍ડ શબ્‍દ પ્રયોજ્યો, જેથી હ‌રિયાળાં મેદાનો તથા વન-વૃક્ષોની કલ્પના સાથે આઇસલેન્‍ડના વસાહતીઓ અહીં ખેંચાઈ આવે. ધુપ્‍પલછાપ કી‌મિયો કામ કરી ગયો અને સમયાંતરે ૪૦૦ નો‌ર્ડિક પ‌રિવારો ગ્રીનલેન્‍ડ પર આવીને વસી ગયા. એ‌રિક ધ રેડે ખોટી રીતે પ્રયોજેલા શબ્‍દે એક બર્ફીલા, ઉજ્જડ અને વેરાન  ટાપુને માનવ જીવન વડે ધબકતો કરી દીધો.

આજે પણ ગ્રીનલેન્‍ડનું નામ પડે, એટલે સરેરાશ વ્‍ય‌ક્તિના મનમાં લીલુડી ધરતીનું ‌ચિત્ર ઊપસી આવે તે બનવાજોગ છે. પરંતુ હકીકત સાવ ‌‌વિરોધાભાસી છે. ગ્રીનલેન્‍ડનું ક્ષેત્રફળ ૨૧,૬૬,૦૦૦ ચોરસ ‌કિલોમીટર જેટલું છે. આમાંનો ૮૦ ટકા પ્રદેશ બારેય માસ બરફના ધાબળા ઓથે ઢંકાયેલો રહે છે. ધાબળો પાછો આછોપાતળો નથી. સાડા છ હજાર ફીટથી લઈને સાડા નવ હજાર ફીટ જેટલી તેની જાડાઈ છે. બરફના જથ્થાનો ‌હિસાબ માંડવા બેસો તો આંકડો ૨૮.પ લાખ ઘન ‌કિલોમીટર જેટલો નીકળે છે. આવતી કાલે ધારો કે કોક આક‌સ્‍મિક કારણસર એ તમામે તમામ બરફ પીગળી જાય, તો તેના પગલે મુક્ત થતી અધધ જળરા‌શિ જગતની સમુદ્ર સપાટીને ૨૪ ફીટ જેટલી વધારી દે અને મુંબઈ જેવાં અનેક તટવર્તી નગરોનું આવી બને.

બારમાસી બર્ફીલા ધાબળા ‌સિવાયના ખુલ્‍લા પ્રદેશનો વળી ઘણો બધો ભાગ ઉજ્જડ, ‌બિનઉપજાઉ રે‌ગિસ્‍તાન છે. ખરું પૂછો તો ગ્રીનલેન્‍ડ નામને સાર્થક કરી શકે તેવો વન-વગડાઉ પ્રદેશ જ એ ટાપુ પાસે નથી. હ‌રિયાળી તરીકે જેની દૂધપૌંઆ ગણતરી કરાય તે ‌વિસ્‍તાર માંડ સવા બે ચોરસ ‌કિલોમીટરનો છે. હાડ થિજાવી દેતી કડકડતી ઠંડી, સૂસવતા આઇસ કોલ્‍ડ પવન, વર્ષના ઘણાખરા ‌દિવસ ‌ ‌હિમવર્ષા, પૃથ્‍વીના એકદમ ઉત્તર ગોળાર્ધમાં ‌સ્‍થિત હોવાથી છ મ‌હિનાનો ‌દિવસ અને છ મ‌હિના અંધારપટ, માંડ પચાસેક હજારની પાંખી વસ્‍તી, વેપાર-ઉદ્યોગનો અભાવ... આવાં ઘણાં બધાં પાસાં ગ્રીનલેન્‍ડની ‌વિરુદ્ધમાં જાય છે. આથી સહજ સવાલ થાય કે અમે‌રિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ એવું તે શું ભાળી ગયા ગ્રીનલેન્‍ડમાં કે સામ-દામ-દંડ પૈકી કોઈ પણ તરીકો અપનાવી તેના પર અમે‌રિકી આ‌ધિપત્‍ય સ્‍થાપી દેવા માગે છે.

સવાલનો જવાબ ગ્રીનલેન્‍ડની બર્ફીલી સપાટી પર ન‌હિ, બલકે સફેદ ધાબળા નીચે છુપાયો છે.

■■■

ગ્રીનલેન્‍ડને ભૂસપાટી પર ભારોભાર ‌વિષમતા આપનાર કુદરતે તેની ભૂગર્ભઝોળી અનેક બેક‌શિંમતી ખનીજો વડે છલકાવી દીધી છે. જેમ કે, 

■ અહીં અઢારમી સદીમાં મળી આવેલી કોલસાની ખાણનો ભંડાર (ત્રણસો વર્ષથી ખાણકામ થતું હોવા છતાં) હજી ત‌‌ળિયું દેખાડવાનું નામ લેતો નથી. 

■ ગ્રીનલેન્‍ડના ઊંડા પેટાળમાં ૩૧ અબજ બેરલ જેટલું ખનીજ તેલ છે. ધાતુનું ૧ બેરલ = ૧પ૯ ‌લિટર એવો ‌સિમ્‍પલ આંકડાકીય ‌હિસાબ સમજવામાં કદાચ મજા ન આવે. આથી વાતને જરા જુદા પ‌રિપ્રેક્ષ્‍યમાં મૂકીએ.

એક બેરલ ખનીજ તેલનું ‌રિફાઇનરીમાં ‌વિભાગીય ‌નિસ્‍યંદન કરવામાં આવે ત્‍યારે ૭૩ ‌લિટર પેટ્રોલ, ૪૦ ‌લિટર ‌ડિઝલ અને ૧પ.પ ‌લિટર ‌(વિમાનો માટેનું) એ‌વિએશન ફ્યૂલ મળે. તદુપરાંત સ્‍ટીલ તથા એલ્‍યુ‌મિ‌નિયમ જેવી ધાતુના ‌નિર્માણમાં આવશ્‍યક પેટ્રો‌લિયમ કોક/ PetCokeસાડા આઠ ‌લિટર જેટલું પ્રાપ્‍ત થાય. પ્રવાહી રાંધણ ગેસ/ LPG ૭.પ ‌લિટર, સડક ‌નિર્માણમાં ઉપયોગી ‌બિટુમેન પ.૩ ‌લિટર, મશીનો માટેનું લૂ‌બ્રિકે‌ટિંગ ઓઈલ ૧.પ ‌લિટર, પ્‍લા‌સ્‍ટિકની અનેક‌વિધ ચીજો બનાવવા માટે જરૂરી કાચો માલ ૬.૪ ‌લિટર તથા ઔદ્યો‌ગિક વપરાશ માટેની બીજી કેટલીક પેટ્રો‌લિયમ પ્રોડક્ટ્સ હાથ લાગે. આ ‌હિસાબે ગ્રીનલેન્‍ડના પેટાળમાં રહેલા ૩૧ અબજ બેરલ ખ‌નિજ તેલનું મૂલ્‍ય કેટલું માતબર હશે!

■ સફેદ ‌હિમનું ‌ડિલ ધરાવતા ગ્રીનલેન્‍ડને કુદરતે સોનાનું ‌દિલ આપ્યું છે. આ ટાપુના ભૂગર્ભમાં સોનાની ‌સંખ્‍યાબંધ ખાણો છે, જે પૈકી અત્‍યાર સુધી નાલુનાક નામની ફક્ત એકમાં ખાણકામ પ્રવૃ‌ત્તિ હાથ ધરવામાં આવી છે. નાલુનાકમાં રહેલો સોનાનો કુદરતી જથ્‍થો ૯,૦૭૧ ‌કિલોગ્રામ જેટલો અંદાજવામાં આવ્યો છે. નાલુનાક જેવા બીજા ઘણા સુવર્ણ ભંડારો હજી તો ગ્રીનલેન્‍ડે ફંફોસવાના જ બાકી છે.

■ અણુવીજળીથી માંડીને અણુશસ્‍ત્રોના ઉત્‍પાદન માટે યુરે‌નિયમ અ‌નિવાર્ય તત્ત્વ છે. ધરતીમાં દર ૧૦ લાખ ભાગે ફક્ત ૨.૮ ભાગ યુરે‌નિયમ ભળેલું છે. આથી ખડકોમાંથી યુરે‌નિયમ હસ્‍તગત કરવું એ કાંકરામાંથી ઘઉં વીણવા જેવું ધૂળધોયાનું કામ છે. પરંતુ જગતમાં એવાં સ્‍થળો પણ છે કે જ્યાં ખડકોમાં યુરે‌નિયમની માત્રા અત્યધિક છે. ગ્રીનલેન્‍ડનો સમાવેશ એવાં સ્‍થળોમાં થાય છે. એક અંદાજ મુજબ અહીંની ધરતીમાં ૧,૧પ,૦૦૦ ટન જેટલું યુરે‌નિયમ સંગ્ર‌હિત છે. ભૌગો‌‌લિક ‌વિસ્‍તારની દૃ‌ષ્‍ટિએ ગ્રીનલેન્‍ડ કરતાં ૪.પ ગણા મોટા અમે‌રિકાની ભૂ‌મિમાં યુરે‌નિયમનો કુદરતી જથ્‍થો એકાદ લાખ ટન કરતાં વધુ નથી.

■ ચાંદી, જસત, તાંબું, ગ્રેફાઇટ, ‌નિકલ, સીસું, ક્રો‌મિયમ, ‌લિ‌થિઅમ વગેરેનો પુષ્‍કળ ભંડાર ગ્રીનલેન્‍ડને મળ્યો છે. તદુપરાંત બોનસ તરીકે કેટલાક rare earth elements/ રેર અર્થ એ‌લિમેન્‍ટ્સ અર્થાત્ અ‌તિ દુર્લભ ખનીજો પણ ખરા!

પૃથ્‍વીના કોઈ પણ નૈસ‌ર્ગિક પદાર્થના (દા.ત. ‌સિ‌લિકોન, કાર્બન, એલ્‍યુ‌મિ‌નિયમ) ગુણધર્મો તેના અણુમાળખામાં ઇલેક્ટ્રોન્સની સંખ્‍યા તેમજ તેમની વર્તણૂક દ્વારા નક્કી થાય છે. આ સંદર્ભે રેર અર્થ એલિમેન્‍ટ્સ તરીકે ઓળખાતા અ‌તિ દુર્લભ ખનીજની વાત કરીએ તો તેની અણુનાભિ ફરતે બાહ્ય ભ્રમણકક્ષાના ઇલેક્ટ્રોન્સની પ્રકૃતિ લોખંડના કે સીસાના બાહ્ય ઇલેક્ટ્રોન્સ કરતાં ખાસ જુદી હોતી નથી, પરંતુ આંત‌રિક કક્ષાના ઇલેક્ટ્રોન્સ વિદ્યુત ક્ષેત્ર સાથે વિશિષ્ટ પ્રકારના ખેલ કરે છે—અને તે પ્રતિક્રિયા જાદુભરી અસર જન્માવે છે. પરિણામે રેર અર્થ એ‌લિમેન્‍ટ્સમાં એવા ‌વિ‌શિષ્‍ટ ગુણધર્મો છે કે જે બીજા કોઈ ખનીજોમાં નથી.

જેમ કે, લોહચુંબક બનાવતી વખતે ‌તેમાં નિઓ‌ડિ‌મિયમ નામના રેર અર્થ એ‌લિમેન્‍ટનો નજીવો ભેગ કરવાથી ચુંબકનો મેગ્‍ને‌ટિક પાવર ગુણાંકમાં વધી જાય છે. આથી નાના કદના લોહચુંબક વડે પણ શ‌ક્તિશાળી ચુંબકીય ક્ષેત્ર રચી શકાય છે. આજે પવનચક્કીના ટર્બાઇનથી માંડીને ‌ઇલે‌ક્ટ્રિક કારની વિદ્યુત મોટરમાં ‌નિઓ‌ડિ‌મિયમ મિ‌શ્રિત ચુંબકે સ્‍થાન લીધું છે.

બીજો દાખલો ઝર્કો‌નિયમ નામના તત્ત્વનો છે, જેનો વ્‍યાપક ઉપયોગ લેબોરેટરીમાં કૃ‌ત્રિમ હીરા બનાવવા માટે થાય છે. ઝર્કો‌નિયમ વડે બનતા હીરાની ચમક દમક એટલી ઉત્કૃષ્‍ટ હોય કે દેખાવે તે કુદરતી હીરા જેવો જ લાગે. 

ઇન્‍ટરનેટના થોકબંધ ડેટાનું અહીંથી તહીં વહન કરી આપતા ઓ‌પ્‍ટિકલ ફાઇબરમાં સંદેશાની આપ-લે લેસર ‌કિરણો વડે થતી હોય છે. ઓ‌પ્‍ટિકલ ફાઇબરની આંત‌રિક સપાટી પર ઇ‌ર્બિયમ નામના રેર અર્થ એ‌લિમેન્‍ટનું પાતળું આવરણ જરૂરી ન‌હિ, બલકે અ‌નિવાર્ય છે. ઇ‌ર્બિયમનો ગુણધર્મ લેસર ‌કિરણોને એમ્પ્લિફાય કરવાનું છે. મતલબ કે, પ્રકાશની માત્રને તે પોતાના ભીતરી ભ્રમણકક્ષાના ઇલેક્ટ્રોન્‍સ વડે વધારી આપે છે. પ‌રિણામે ઓ‌પ્‍ટિકલ ફાઇબરમાં વહેતા પ્રકાશ‌કિરણરૂપી સંદેશા હજારો ‌કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે છે.

■■■

આવા તો બીજા ઘણા દુર્લભ ખનીજો ગ્રીનલેન્‍ડના નૈસ‌ર્ગિક ખજાનામાં પડ્યા છે, જેમનો ઉપયોગ આધુ‌નિક ઉપકરણોમાં અ‌નિવાર્ય રીતે થતો હોય છે. એક અંદાજ મુજબ ગ્રીનલેન્‍ડ પાસે રેર અર્થ એ‌લિમેન્‍ટ્સનો કુલ જથ્‍થો ૧પ લાખ ટન જેટલો છે.

કોલસો, પેટ્રો‌લિયમ, સોનું, ચાંદી, યુરે‌નિયમ, ખનીજો તથા અ‌તિ દુર્લભ ખનીજો જેવી કુદરતી સંપદાનું મૂલ્‍ય ગણો તો આંકડો સહેજે ૨,પ૪૦ અબજ ડોલર થાય. એક તુલનાઃ ર‌‌શિયાનું વા‌ર્ષિક કુલ ઘરેલુ ઉત્‍પાદન/ GDP ૨,૧૦૦ ડોલર છે.

આધુ‌નિક જમાનામાં આપણું જીવન એક યા બીજી રીતે ૧૭  rare earth elements/ અ‌તિ દુર્લભ ખનીજો પર નભે છે. મોબાઇલ ફોન, ટે‌લિ‌વિઝન, પવનચક્કી, ઓ‌પ્‍ટિકલ ફાઇબર, ઇલે‌ક્ટ્રિક કાર વગેરે ચીજવસ્‍તુઓ ‌વિનાનું જીવન કલ્‍પી ન શકાય—અને અ‌તિ દુર્લભ ખનીજો ‌વિના એવી ચીજવસ્‍તુઓનું ‌નિર્માણ કલ્‍પી ન શકાય. જગતનાં અગ‌ણિત ઔદ્યો‌ગિક એકમોને મળતો ૧૭ રેર અર્થ એ‌લિમેન્‍ટ્સનો ૯૭ ટકા પુરવઠો વર્ષોથી ચીનને આભારી છે. વૈ‌શ્વિક બજારમાં ચીન મોનોપલી ભોગવતું આવ્યું છે. હજી ભોગવી રહ્યું છે. પરંતુ હવે ફાયર બ્રાન્‍ડ ‌મિજાજના અમે‌રિકી પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ ચીની મોનોપલી તોડવા માગે છે. કહેવાની જરૂર ખરી કે, ગ્રીનલેન્‍ડ પર અમે‌રિકાનો રાજકીય ભોગવટો સ્‍થાપી દેવાય તો ત્‍યાંના ‌કિંમતી ખનીજો પર અને બેશ‌કિંમતી રેર અર્થ એ‌લિમેન્‍ટ્સ ભંડારો પર અમે‌રિકી મા‌લિકી સ્‍થપાય?

ગ્રીનલેન્‍ડને અમે‌રિકી છાબડીમાં ખેરવી લેવા પાછળ પ્રમુખ ટ્રમ્‍પની હજી બીજી બે ગણતરીઓ છે. લેખનું સમાપન કરતા પહેલાં તેમના ‌વિશે પણ જાણકારી આપી દઈએ. 

■■■

(૧) ભૌગો‌લિક રીતે ગ્રીનલેન્‍ડ ટાપુ પૃથ્‍વીના ગોળા પર અમે‌રિકા માટે એકદમ મોકાના સ્‍થાને છે. આ ટાપુ પર અમે‌રિકાએ વર્ષો પહેલાં ર‌શિયા જોડેના Cold War/ શીત યુદ્ધકાળમાં પોતાનું લશ્‍કરી હવાઈ મથક સ્‍થાપ્યું હતું. મથક આજની તારીખેય સ‌ક્રિય છે, પણ હવે પ્રમુખ ટ્રમ્‍પ તે મથકને ઓર ‌વિકસાવવા માગે છે. ર‌શિયા તથા ઉત્તર કો‌રિયા જેવા શત્રુ તરફથી સંભ‌વિતપણે દાગવામાં આવનાર આંતરખંડીય ‌મિસાઇલો ‌વિરુદ્ધ એર-‌ડિફેન્‍સ મોરચો ગ્રીનલેન્‍ડ ખાતે ઊભો કરવાનો તેમનો મનસૂબો છે. ભ‌વિષ્‍યમાં રખે શત્રુનું એકાદ ‌મિસાઇલ ઉત્તર ધ્રુવના માર્ગે અમે‌રિકા તરફ ધસી આવે, તો ગ્રીનલેન્‍ડના એર-‌ડિફેન્‍સ મથકેથી તત્‍કાળ એ‌ન્‍ટિ-‌મિસાઇલ ‌દાગી તેનો આકાશમાં જ ખાતમો બોલાવી શકાય. આ રીતે અમે‌રિકાના માથેથી હુમલાની ઘાત ટળી જાય. વળી ગ્રીનલેન્‍ડમાં અમે‌રિકાનું માતબર લશ્‍કરી મથક ઊભું કર્યા પછી મારકણાં આયુધોના ભય વડે ર‌શિયા તથા ઉત્તર કો‌રિયા જરા દાબમાં રહે તે બીજો ફાયદો છે.

(૨) ગ્‍લોબલ વો‌ર્મિંગને કારણે ઉત્તર ધ્રુવ પ્રદેશની ‌હિમચાદર અસાધારણ ઝડપે સંકોચાઈ રહી છે. આજે આર્ક‌ટિક સમુદ્રનો બહુ મોટો ‌વિસ્‍તાર એવો છે, જેની સપાટી ભર ‌શિયાળે પણ થીજી જતી નથી. ગ્‍લોબલ વો‌ર્મિંગની નઠારી અસરથી આર્ક‌ટિક સમુદ્રનો વધુને વધુ ‌હિસ્‍સો જહાજી ટ્રા‌ફિક માટે ખૂલી રહ્યો છે—અને સંશોધકોના મંતવ્‍ય મુજબ ૨૦પ૦ સુધીમાં તો આર્ક‌ટિક સમુદ્ર માલવાહક જહાજો માટે બારમાસી જળમાર્ગ બની જશે. આનો પ્રથમ અને પ્રમુખ લાભ અમે‌રિકાને થાય તેમ છે. અત્‍યારે અમે‌રિકાના માલવાહક જહાજોએ દેશના પૂર્વ-પ‌શ્ચિમ કાંઠાની ખેપ કરવા માટે દ‌ક્ષિણ ‌દિશામાં વાયા પનામા નહેરનો લાંબો રસ્‍તો લેવાનો થાય છે. ભ‌વિષ્‍યમાં આર્ક‌ટિક સમુદ્રનો રૂટ ખૂલી જાય, તો પૂર્વ-પ‌શ્ચિમ કાંઠા વચ્‍ચે ખેપ કરતા અમે‌રિકી માલવાહક જહાજોને ૬,૩૦૦ ‌કિલોમીટરની, ૪ ‌દિવસની તથા હજારો ‌લિટર બળતણની બચત થાય તેમ છે. ગ્રીનલેન્‍ડમાં માલવાહક જહાજો માટેનાં કેટલાંક બંદર રચી દેવામાં આવે તો આર્ક‌ટિક સમુદ્રના રસ્‍તે આવનજાવન કરનારાં અનેક આંતરરાષ્‍ટ્રીય જહાજોના ટ્રા‌ફિક વડે અમે‌રિકાને વર્ષેદહાડે માતબર આવક મળી શકે.

આ છે ગ્રીનલેન્‍ડને સામ, દામ યા દંડ વડે પ્રાપ્‍ત કરી લેવા પાછળ ટ્રમ્‍પનો ગેમપ્‍લાન, જે અમલમાં મુકાય તો જગતની રાજકીય ભૂગોળમાં નવાજૂની બનવાની!■

Tags :