Get The App

ઊજમફોઈ .

Updated: Jun 15th, 2024

GS TEAM

Google News
Google News
ઊજમફોઈ                                                    . 1 - image


- વિન્ડો સીટ-ઉદયન ઠક્કર

રમણીક અરાલવાળાએ દોરેલા 'ઊજમફોઈ'ના રેખાચિત્રનો આ સંક્ષેપ છે:

'કાળિયું કૂતરું મરી ગયું હોય તોય એમને નહાવાનું આવે ને સાત પેઢીના પૂર્વજોની સગાઈ કાઢી આખા કુટુંબને નહાવડાવીને જ જંપે. પરગામ કાણે જવાનું હોય ત્યારે પોતાની પ્રવાસીટીમના કેપ્ટન તેઓ જ હોય છે. એક વૃદ્ધ દિગ્વિજયીની શ્રદ્ધાપૂર્વકની છટાથી વેંત વેંત ઊંચા થઈને કૂટતાં સામા પક્ષનો મજબૂત સામનો કરે છે ને જીતીને જ જંપે છે. શરીરના પ્રત્યેક અંગના મરોડદાર અભિનય સાથે કૂટતાં ઊજમફોઈના મુખેથી 'હાય હાય રે રામે બાણ માર્યા' જ્યારે હું સાંભળું છું ત્યારે સમજાય છે કે કૂટવું એક કંઠસાધ્ય કલા છે, જે સાંભળીને આપણને ભલે રડવું ના આવે પણ રુવાં જરૂર ઊંચાં કરાવે. ઊજમફોઈ સવા કલાક સુધી એકધારું ખેંચી શકે અને દરેક શ્વાસે મરનારનું અંગત સ્મરણ કે અધૂરી આશાને રડીને ડૂસકું લે, જાણે કોઈ કવિનું સ્વતંત્ર સર્જન. પતિના મરણથી ટાઢી હિમ થઈ ગયેલી પત્નીઓ,પુત્રના શબ પાછળ દોડતી માતાઓને પકડી રાખવી, ધમકાવવી તેમ જ વિધવા થયેલી બાળાઓનું ચૂડાકર્મ કરી ભલભલા સુધારકોની હાજરીમાં ખોળામાં બેસાડીને મૂંડી નાખવી વગેરે કર્મો ઊજમફોઈ પતાવી દે છે.

પોતે વૈષ્ણવ હોવાથી દરજીને હંમેશા કપડાં 'શીવી આપ' ન કહેતાં 'બનાવી આપ' કહે છે, જેથી 'શીવ' ઉચ્ચારવાથી બચાય. પ્રત્યેક એકાદશીનો ઉપવાસ કરે અને સંબંધીઓના છેલ્લા શ્વાસ ખેંચાતા હોય ત્યારે તેના કાનમાં કહી આવે, 'મારી પાંચ અગિયારસો માગી લેજો.' ગરુડપુરાણ ઉપર ગજબ શ્રદ્ધા. દર વર્ષે ધર્મરાજાનું વ્રત કરે. ઉત્તરાયણને દિવસે માગણોને કુલેરની લાડુડીઓ, કણસઈ, પાઈપૈસો આપે. પછી ભાગવત અને ગરુડપુરાણનું પઠન કરનારાઓને પોતાને પરલોકમાં ગાય મળે તદર્થે ગોદાન કરે અને ત્યાંની કાંટાળી જમીન પર ચાલવા પગરખાં મળે માટે જૂતાંનું દાન કરે છે.આ જીવન જાણે સુખથી છલોછલ પારલૌકિક જીવન મેળવવાનું સાધન માત્ર હોય એમ ઊજમફોઈ જીવે છે. :

'કૂતરો મરે તોય નહાવડાવે', 'પ્રવાસી ટીમના કેપ્ટન', 'સામા પક્ષનો સામનો', 'અંગનો મરોડદાર અભિનય', 'બાળાઓને મૂંડી નાખવી' 'દરજીને શીવી આપ ન કહેવું' વગેરે વર્ણનો અને પદાવલિથી લેખકની વિનોદવૃત્તિ કળાય છે. લેખક આવી રૂઢિઓના સમર્થક બિલકુલ નથી, છતાં ઊજમફોઈનો ઉપહાસ ન કરતાં તેમને તટસ્થતાથી નિહાળે છે. રંડાપાને લીધે ભાઈના આશ્રયે જીવવાનો વારો આવ્યો, માટે અર્થશૂન્ય જીવનને તેઓ ક્રિયાકર્મોથી ભરે છે. આજે કૂટવાનો રિવાજ ઘટી રહ્યો છે ત્યારે અસલનાં મરસિયાં કેવાં હતાં તે સ્મરી લઈએ. સાસરવાસે કમોતે મરેલી દીકરી માટેનું આ કૂટણું-

ચકલી છૂંદી,હાય,હાય

નેવે ટાંગી,હાય,હાય

ધીડ ધડાકો,હાય,હાય

હાય રે લાડી, હાય,હાય

નગરજનોમાં ગરુડપુરાણના શ્રવણનો ચાલ ઘટી રહ્યો હોવાથી, એનાં કેટલાંક સુવાક્યો તાજાં કરી લઈએ: 'દૂઝણી ગાયના બે શિંગડાઓ દસ તોલા સોનાના પતરે મઢાવી, ચાર ખરીઓ સાત તોલા રૂપે મઢાવી બ્રાહ્મણને આપવી.' (અધ્યાય ૯૮.) 'આવી ગાયનું પૂછડું પકડીને બ્રાહ્મણને ઘરે જવું. યમમાર્ગ પર વૈતરણી નદી આવે ત્યારે આ ગાય હાજર થશે અને પ્રેત તેનું પૂછડું પકડીને નદી તરી જશે.' (ઉત્તરખંડ, અધ્યાય ૩૬.)

લેખક બાળલગ્ન કે વિધવાવિવાહ વિશે અભિનિવેશપૂર્વક લખતા નથી, પરંતુ ઊજમફોઈ બાળાઓની ચૂડી ફોડી નાખે, તેમને મૂંડી નાખે તે વાંચીને આપણને અરેરાટી થાય છે. સાહિત્યમાં ઉપદેશ ન હોય, નિર્દેશ હોય.

રમણીક અરાલવાળાનો કાવ્યસંગ્રહ 'પ્રતીક્ષા' ૧૯૪૧માં પ્રકટ થયો હતો. તેમનું સોનેટ 'વતનનો તલસાટ' માણીએ:

ગાળી લાંબો સમય દૂરનાં

દોહ્યલાં પાણી પી પી,

જાવા હાવાં જનભૂમિએ

પ્રાણ નાખે પછાડા.

કૂવાકાંઠે કમરલળતી

પાણિયારી, રસાળાં

ક્ષેત્રે ક્ષેત્રે અનિલલહરે

ડોલતાં અન્નપૂર્ણા,

હિંડોળતાં હરિત તૃણ

ને ખંતીલા ખેડૂતોનાં

મીઠાં ગીતો,ગંભીર વડલા,

શંભુનું જીર્ણ દ્હેરું,

વાગોળતાં ધણ,ઊડી રહ્યો

વાવટો વ્યોમ ગેરું,

ઓછી ઓછી થતી ભગિની

લંગોટિયા બાલ્ય ભેરું;

ઝંખી નિંદ્રામહીં ઝબકતો,

જાગતાં નિંદ લેતો.

ઘેલા હૈયા ! સહુય મળશે

કિંતુ કાલાગ્નિમાંથી

સંભાળેલાં સ્મૃતિસુમનના

સારવેલા પરાગે

સીંચાયેલું અબ નીરખવું

મોઢું કયાં માવડીનું ?

વ્હાલી તો યે જનનીરહિતા

જન્મભૂમિ ન તોષે,

જીવું ઝંખી જનનીસહિતા

જન્મભૂમિ વિદેશે.

કવિને યાદ આવે છે વતનની પાણિયારી, ખેતરો, કૃષિકારનાં ગીત, વાગોળતાં ધણ, શંભુનું દહેરું, વતન જવા પ્રાણ પછાડા નાખે છે. ત્યાં સાંભરે કે માતાનું તો અવસાન થઈ ગયું છે. કવિ નક્કી કરે છે કે જન્મભૂમિ પાછા ફરીને માવડીની ગેરહાજરી અનુભવવી, એનાથી બહેતર કે પાછા ફરવું જ નહિ,અને માવડી વતનમાં જ છે એ કલ્પનામાં રાચવું.

Tags :