Get The App

રાધનપુરના રજવાડે - ચિત્રયાત્રા .

Updated: Jul 15th, 2023

GS TEAM

Google News
Google News
રાધનપુરના રજવાડે - ચિત્રયાત્રા                          . 1 - image

- રસવલ્લરી - સુધા ભટ્ટ

રાધનપુરના ચિત્રાંકનનું 

સૌ પ્રથમ શબ્દાંકન 

આ પણા અખંડ ભારતમાં સદીઓથી કળાના વિવિધ આયામોનો મહાવરો રહ્યો છે. જુદા જુદા સમયે વિવિધ રાજાઓ, સલ્તનોનો અને સ્વદેશી રાજયકર્તાઓના અંકુશમાં જેટલી સત્તા હતી તે પ્રમાણે અને શાસનકર્તાઓની મન મરજી મુજબ કળાઓનો રાજ્યાશ્રય મળતો રહ્યો. ભૌગોલિક રીતે, ઐતિહાસિક તવારિખ અનુસાર અને ભાષાવાર પ્રાંત, કસબાઓ, રિયાસત અને રાજ્યોમાં કળાકસબીઓ અને કળા સચવાયા પણ ખરા. ચિત્ર, શિલ્પ, સંગીત અને સ્થાપત્યમાં પારંપરિક કળાનો દબદબો આજ સુધી વરતાય છે. પ્રસિદ્ધ ઈતિહાસવિદ્ અને સાહિત્યકાર ડૉ. પ્રવીણચંદ્ર પરીખના મતે તો પશ્ચિમ ભારતમાં ચિત્રકળાનો વિકાસ તાડપત્રો અને કાળની પોથીઓમાં સચવાયો. કલ્પસૂત્ર અને કાળકાચાર્ય કથા જેવા જૈન વિષયો ઉપરાંત બાલગોપાલ સ્તુતિ જેવા વૈષ્ણવ વિષયો ખેડાયા. 'દેવી મહાત્મ્ય' જેવી શાકત પારંપરિક રચનાઓ પણ સત્તરમી સદી સુધી નોંધાતી રહી છે અને મુખ્યત્વે ધાર્મિક વિષયોનું તો દસ્તાવેજી કરણ પણ થયું છે એમ વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય કક્ષાના ચિત્રકાર અમિત અંબાલાલ તેમના સંશોધન સંદર્ભે ટીપ્પણી કરતાં કહે છે. મુઘલ કાળમાં કળાક્ષેત્રે એટલી પ્રગતિ થઈ કે કળાકારોની બહુમુખી પ્રતિભા દેશ-વિદેશે ઝળકી રહી. મુઘલ શૈલી, રાજસ્થાની શૈલી આદિ અંતર્ગત લઘુચિત્રો પણ વિષય આધારિત સર્જાયા. ચિત્રકલાકારોને સાહિયારા પુરુષાર્થને કારણે જશ મળ્યો. મધ્યકાળના પૂર્વાર્ધમાં સુરુચિપૂર્વક રંગ પસંદગીને કારણે રેખાઓ દીપી ઉઠતી. સોનેરી, રૂપેરી, લાલ, લીલો, પીળો, ભૂરો જેવો ઉત્સવીરંગો ચિત્રની ખાસિયત ગણાતા. ચિત્રોમાં આકાર અને પાત્રોમાં ઊંડાણ લાવવા સુરેખ લકીરો સ્વયંમ્ એક પાત્ર બની જતી જાણે !

- સંશોધન અને રસદર્શન

ભાષાવાર રાજ્યોના જન્મ પૂર્વે મિશ્ર ભાષાઓની અનેક રિયાસનો, રાજા-રજવાડાઓ અને વિવિધ વસાહતોમાં ચિત્રપરંપરા ચાલતી. અઢાર-ઓગણીસમી સદી આવતાં સુધીમાં તો એ પ્રવૃત્તિમાં થોડો ઘસારો દેખાયો. એમાંય ગુજરાતના રાધનપુરમાં સંગ્રહાયેલાં ચિત્રો છેક હવે જ હાથ લાગ્યાં છે. જેનો સઘળો જશ-તેના સંશોધનોના પ્રયાસ અને પ્રવાસ કરનાર ચિત્રકળાના તજજ્ઞા અમિત અંબાલાલને ફાળે જાય છે. હા, રાધનપુર 'ચિત્રના હબ' તરીકે સિદ્ધ થવા જઈ રહ્યું છે ત્યારે એ યાદ કરી લઈએ કે બસ્સોથી વધુ રાજા રજવાડાઓનાં વિરલ સંયોજનયુક્ત જે રાજય છે તે છે - ગુજરાત! કચ્છ અને જામનગરના જાડેજા વંશ, ભાવનગરના ગોહિલ, જૂનાગઢ અને પલાનપુરના મુસ્લિમ નવાબો વડોદરાના ગાયકવાડ અને રાધનપુરના બાબીઓ. સ્થાનિક ઉપરાંત અન્ય રાજ્યોના કલાકારોને નિમંત્રી તેમણે ચિત્રકળાને પોંખીને ઊંચાઈ અપાવી. એ પરંપરાને જામનગરના કડિયાઓએ અને કચ્છના કમાંગર ચિત્રકારોએ જાળવી. તેઓ ભીંતચિત્રોમાં પણ માહિર હતા. ભાવનગરના સિહોરની મહેલની ભીંતોના ચિત્રો તેની સાખ પૂરે છે. આ કલાકાર સમુદ્રાય ગુજરાતના પારંપરિક ચિત્રોના વારસોને નિભાવ્યો. તેનો વિકાસ સાધ્યો. રાધનપુર એ સમયે ૧૧પ૦ ચો. માઈલમાં વિસ્તરેલું. ચારે કોરથી સમુદ્ધ ગામોથી ઘેરાયેલું આ નગર કચ્છના રણના આગોશમાં સચવાયેલું હતું. સોળમી સદીમાં રાધનખાન બલોચની એ જાગીર હતી. પર્શિયાથી આવેલા બાબીઓએ એની પર રાજ ચલાવ્યું. અઢારમી સદીના મધ્યે નવાબ કમાલ-ઉદ દિન ખાન બાબી ગુજરાતના પ્રથમ સૂબા તરીકે નિયુક્ત થયા. દરમ્યાન મરાઠાઓ સામે ઝૂઝયા બાદ તેણે સંધિ કરી રાધનપુર, પાટણ, વડનગર આદિની સ્વતંત્ર હકૂમત સ્થાપી ત્યાં જ સ્થિર થયા.

- બોલતા પુરાવાઓ

રાધનપુરનાં ચિત્રોનો ચિત્રાત્મક પરિચય મળે છે લેખકની કલમે. અઢારમી સદીના વાયરા મુજબના નવાબ  કમાલ-ઉદ્દિન ખાન બાબીનું પોર્ટ્રેઈટ-રૂપ ચિત્ર માણીએ તો તેઓ ભવ્ય-ઝાકમઝળ મુઘલ જામામાં સજ્જ છે. સફેદ પશ્ચાદ્ભૂમાં ઝીણી લાલ લીલી સોનેરી છીદભાત, સુંદર સિલાય અને સોનેરી કિનારે પાછળ મૂકેલા તકિયાના કેસરી-લીલા રંગ સાથે અદ્ભુત લાગે છે. સાથે આસન અને ચાદર તથા પાછળ ફૂલકવારી શોભે છે. વીરતાની મિસાલ એવા નવાબ 'જર્વા મર્દ ખાન-ર' નો ઈલ્કાબ ધરાવે છે તો 'બાબી બહાદુર' પણ ખરા. એમને શોભે એવી તલવાર અને હાથમાં ફૂલ વિરોધાભાસી સૌદર્ય ધરાવે છે. ૧૭૬૦નું આ ચિત્ર રાધનપુરના સર્વોત્તમ રૂપચિત્રોમાનું એક છે. કચ્છના એક પીઢ કલાકારને ફાળે એનો યશ જાય છે. એની સાઈઝ 26 x 21 C.M. છે. ઉપર દેવનાગરી લિપિમાં લખ્યું છે. 'નવાબ સાહેબ શ્રી કમાલ-ઉદ-દિન ખાન બહાદુર બાબી.'

રાજસ્થાની શૈલીની અણિયાળી આંખો અને તીણા નાકવાળા નવાબ કમાલ ઉદ-દિન ખાનનું જ અન્ય પોર્ટે્રઈટ રાજસ્થાનના કુશળ કલાકારના હાથની કમાલ સહ બગીચાવાળા શમિયાણામાં નોખી ભાત પાડે છે. ત્યાં મધ્યમાં જ તેઓ ઊભા છે એક હાથમાં ફૂલ લઈને. બીજા હાથમાં જબરજસ્ત પકડથી તેમણે તલાવારને ધારણ કરી છે. મહેલની બારીમાં ઉભેેલી બે ઉત્સુક નારીઓ ઝરૂખાની શોભા વધારે છે અને નવાબને તેઓ નિરખી રહી છે.  વિચારશીલ મુદ્રા સહુના ચહેરા આસપાસ અભાવર્તુળ જણાય. જાળીવાળો વિસ્તાર અને સોનેરી રંગ ચિત્રને મૂલ્યવાન બનાવે છે. 3D  અસર સાથે ઊંડે સુધી સરકતી લીલોતરી, પેઈન્ટિંગની ઝીણી ટેકનિક અને આકાશને અપાયેલ માવજત 1840ના ચિત્રને અનોખું બનાવે છે. 41 x 33.1 C.M. વાળાઆ ચિત્રમાં નવાબનું નામ દેવનાગરી લિપીમાં લખેલું છે.

- બૈતી કલાકારોએ રૂપચિત્રો કર્યા

નવાબના પૌત્ર નવાબ શેરખાન બાબીનું રૂપચિત્ર ૧૮૪૦માં રાજસ્થાની-દેવગઢના કલાકારનું જ કલાકર્મ છે. રંગબેરંગી ઝુમ્મરોથી શોભિત શામિયાણામાં ઉભેલા બાબીવારસ ગુલાબી, લીલા, પીળા રંગની ઝાંયમાં પ્રતિભાશાળી લાગે છે. બારણે તોરણ, પરિવેશધવલ, ખેસ, મુંગટ, કંઠ મોતી માળ, હાથમાં ફૂલ અને તલવાર એમને ખાસ શોભા દે છે. તળાવમાં માછલી અને કમળપત્ર, નાના ફૂવારામાંથી ઉડતી જળશિકરો ચિત્રને નવો ઓપ આપે છે. રાજસ્થાની શૈલીનું આ ચિત્ર પણ રંગ છોળ ઉડાડે છે. 33x25.5નો આ ચિત્ર પર દેવનાગરી લિપિમાં નવાબનું નામ લખ્યું છે. ચોથું પોટ્રેઈટ બહુદિશ, મલ્ટિટેલેન્ટેડ નવાબ જોરાવર ખાન બાબીનું છે. જેમને યશ મળે છે સ્કૂલ, પોસ્ટઓફિસ, બાગ-બગીચા, ધર્મશાળાના બાંધકામ અને કળાના કદરદાન અને રસિકજન નવાબના કાર્યકાળમાં કળા એની ઊંચાઈએ પહોંચી. ભારતીય સંગીતને 'રાગમંડળ' પ્રકલ્પ થકી નવાજ્યું. તેઓએ વડનગરા નાગર બ્રાહ્મણ ત્રિકમલાલ નામના તેમના દિવાનને કલાના ઉત્થાનની જવાબદારી સોંપી. આ ચિત્રમાં નવાબ હાથી સવારી કરે છે જેમની પડખે કપાળે તિલકવાળા દિવાનશ્રી છે. હાથી અને તેની અંબાડી અતિ અલંકૃત અને હાથી સાથેનું ડોલન પણ રસપ્રદ હાથીની મદમસ્ત ચાલ ચિત્રમાં પ્રાણ પૂરે છે. રાજસ્થાનના બૈતી કલાકારોનું આ પ્રદાન નોંધનીય છે. 34x39 c.m.ના આ ચિત્ર પર્શિયનમાં નવાબનું નામ છે. પેઈન્ટર છે બહાદુર ખાન બૈતી. અદ્ભુત! આ વારસો શોધનારને પણ ઘણી ખમ્મા !

લસરકો

રંગસભર ચિત્રોમાં સોનેરી રંગનો પ્રયોગ છટાદાર અને આવકારદાયક. દક્ષિણ ભારતની તાંજોર ચિત્રશૈલીની યાદ આવી ?