Get The App

સબ્યસાચીનું સર્વાંગ પરિવર્તન .

Updated: Jul 15th, 2023

GS TEAM

Google News
Google News
સબ્યસાચીનું સર્વાંગ પરિવર્તન                                   . 1 - image

આજકાલ - પ્રીતિ શાહ

- 'ભારત ઔર વિશ્વ'માં ભારતના અઠ્ઠાવીસ મ્યુઝિયમો અને ત્રણ ખાનગી સંગ્રાહકોએ ભાગ લીધો હતો, જે સૌથી સફળ 'મ્યુઝિયમ ઇવેન્ટ' માનવામાં આવે છે

આ પણે ત્યાં મોટાભાગના મ્યુઝિયમોની વિલક્ષણ સ્થિતિ એવી છે કે તેના નિભાવ માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, પરંતુ ત્યાં આવતા રોજના મુલાકાતીઓની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી માંડ હોય છે. આવે સમયે આપણને યાદ આવે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયના મહાનિદેશક સબ્યસાચી મુખર્જી. મૂળે 'પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ' તરીકે ઓળખાતા આ મ્યુઝિયમની ૧૯૨૨માં બ્રિટીશરોએ સ્થાપના કરી હતી. ૧૯૯૮માં તેનું નામ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય રાખવામાં આવ્યું. હેરિટેજ બિલ્ડીંગ તરીકે ઍવૉર્ડ મેળવનાર આ બિલ્ડીંગમાં મ્યુઝિયમની યોગ્ય જાળવણી ન થતાં અહીં આવનારા મુલાકાતીઓની સંખ્યા ઘટી ગઈ. એનું કારણ એ હતું કે મ્યુઝિયમમાં પચાસ હજારથી વધુ કલાકૃતિઓની ગોઠવણી યોગ્ય રીતે નહોતી થઈ. તેના પર માહિતીદર્શક લેબલ પણ બહુ ખરાબ રીતે લગાવેલા હતા. વિઝિટર સેન્ટર અને કાફે ગંદા રહેતા તેમજ બાળકોના કાર્યક્રમોને નામે તો કંઈ ન મળે, પરંતુ સબ્યસાચીની મહેનતથી આજે અહીં વર્ષે દસ લાખ મુલાકાતીઓ આવે છે.

સબ્યસાચી મુખર્જી પ. બંગાળના શાંતિનિકેતન પાસે આવેલા ગામમાં મોટા થયા છે. શિક્ષક પરિવારમાં જન્મેલા સબ્યસાચીને સંગીત, સાહિત્ય અને કલાનું વાતાવરણ મળ્યું. તેમને તો સામાજિક કાર્યકર બનવું હતું, પરંતુ વિચાર બદલાતાં મ્યુઝિયમ અંગે અભ્યાસ કર્યો અને ૧૯૯૦માં તેઓ મુંબઈ પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં ઇન્ટર્નશિપ માટે આવ્યા. તે સમયે તેમને મહિને અઢારસો રૂપિયા મળતા હતા. રહેવાની કોઈ જગ્યા ન હોવાથી ત્રણ દિવસ રેલવે સ્ટેશને સૂઈ રહ્યા. પછી તો મ્યુઝિયમ સાથે જોડાયેલા રહ્યા અને ડોમ્બિવલીથી પંદર વર્ષ સુધી આવ-જા કરતા રહ્યા. એમના જીવનમાં વળાંક આવ્યો ૨૦૦૩માં. તેમને લંડનના વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમમાં જવાની તક મળી, પરંતુ જ્યાં જ્યાં ગયા ત્યાં ભારતના મ્યુઝિયમ અને સાંસ્કૃતિક સંસ્થાઓ વિશે ટીકા સાંભળવા મળી, ત્યારે એમણે વિચાર્યું કે તેઓ કંઈક સારું કરશે. એમણે જોયું કે  મ્યુઝિયમમાં કામ કરતાં કર્મચારીઓ નોકરીના ભાગરૂપે મ્યુઝિયમ ખોલે છે, પછી જેને આવવું હોય તે આવશે એમ વિચારે છે, પરંતુ લોકોને મ્યુઝિયમ જોવા પ્રેરિત કરવા માટે કોઈ પ્રયત્નો થતા નથી. સબ્યસાચીએ મૌલિક દ્રષ્ટિથી કામ શરૂ કર્યું. શરૂઆતમાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડયો. જેમકે ઓછી તાલીમ પામેલા કર્મચારીઓ, મુલાકાતીઓની ઘટતી સંખ્યા, કર્મચારીઓના કાયદાકીય પ્રશ્નો, આર્થિક પ્રશ્નો વગેરે.

૨૦૦૭માં સબ્યસાચી મુખર્જીની મ્યુઝિયમના મહાનિદેશક તરીકે નિમણૂક થઈ. તેમણે ઘણાં પરિવર્તનો કર્યા. ધીમે ધીમે તેમણે વિદેશના મ્યુઝિયમો અને તેમના તાલીમ પામેલા કર્મચારીઓ સાથે સંબંધો સ્થાપવાનું શરૂ કર્યું.  છેલ્લાં કેટલાય વર્ષોથી તેઓ વિદેશથી ઘણી કલાકૃતિઓ લાવી રહ્યા છે. પ્રતિ વર્ષ વિશેષજ્ઞાો અને કલા ખરીદ સમિતિના સભ્યો સાથે પરામર્શન કરીને ખાનગી સંગ્રાહકો તથા જેમની પાસે લાયસન્સ છે એવા કલાડીલરો પાસેથી કલાની વસ્તુઓ ખરીદવામાં આવે છે. પુરાવશેષો ઉપરાંત સમકાલીન લઘુચિત્રો, વસ્ત્ર, સજાવટની કલા, સમકાલીન શિલ્પ, આધુનિક તેમજ આદિવાસી કલાની ખરીદી કરે છે. ૨૦૧૬-૧૭ના વર્ષમાં ૨૨૧ કલાકૃતિઓ વસાવી, જેમાંથી ૨૦૫ તો ભેટરૂપે મળી. ૨૦૧૭-૧૮માં ૩૨ કલાકૃતિઓ વસાવી. ૨૦૧૭-૧૮માં 'ભારત ઔર વિશ્વ'માં ભારતના અઠ્ઠાવીસ મ્યુઝિયમો અને ત્રણ ખાનગી સંગ્રાહકોએ ભાગ લીધો હતો, જે સૌથી 'મ્યુઝિયમ ઇવેન્ટ' માનવામાં આવે છે.

વૈશ્વિક મ્યુઝિયમની વધતી સ્પર્ધા, ઇન્ટરનેટ અને ટૅક્નૉલૉજીનો પ્રભાવ, કલાસંગ્રહ, અન્ય સંસાધન, સરકારની ઉદાસીનતા, અપર્યાપ્ત માનવ સંસાધન, જાગૃતિનો અભાવ, શહેરી જીવન, સાંસ્કૃતિક સંઘર્ષ - આ બધાં પરિબળો વચ્ચે આધુનિક મ્યુઝિયમના અભ્યાસ માટે અધ્યયનની જરૂર છે એમ તેમનું માનવું છે. સૌથી મુશ્કેલ કામ પાયાનો દ્રષ્ટિકોણ બદલવાનો છે. જે લોકો મ્યુઝિયમમાં આવે તેને અનુકૂળ રીતે ભારતીય કલાની સ્પષ્ટ સારી સમજ આપવી, ઉચ્ચ ગુણવત્તાવાળા શૈક્ષણિક કાર્યક્રમો કરવા, સંગ્રહના સંરક્ષણ માટે અતિ આધુનિક સ્ટુડિયો બનાવવો,  વિભિન્ન ધર્મો વચ્ચે સાંસ્કૃતિક સંવાદ શરૂ કરવો - આવા અનેક કાર્યો હાથ ધર્યાં. એમણે બાળસંગ્રહાલયના સ્વપ્નને સાકાર કર્યું. બાળસંગ્રહાલય માટે છ હજાર સ્કવૅરફીટ જગ્યા ફાળવી અને ૨૦૧૯માં આઠથી પંદર વર્ષના પચીસ બાળકોએ જુદી જુદી પ્રવૃત્તિ કરીને તેનું ઉદ્ધાટન કર્યું. બાળવિકાસમાં રમત અને મુક્ત વાતાવરણના મહત્ત્વને સમજીને તેનું આયોજન કર્યું છે. આ સંગ્રહાલય બાળકો માટે અને બાળકો દ્વારા ચાલે તેવો આશય રાખવામાં આવ્યો છે. મનોરંજન, રમકડાં, ચિત્ર, સિક્કા, પ્રાકૃતિક ઇતિહાસ, પુરાતત્ત્વ સંગ્રહ, ક્રિયેટીવ કલ્ચરલ લેબ, એક્ટીવિટી પ્લાઝા, શૈક્ષણિક કાર્યક્રમ, પ્રદર્શન, વર્કશોપ જેવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. ૨૦૧૫થી મ્યુઝિયમ ઑન વ્હીલ અંતર્ગત જે લોકો મ્યુઝિયમ જોવા આવી નથી શકતા, તેમને ત્યાં જઈને લોકોને મ્યુઝિયમ વિશે જાણકારી આપે છે. યુનેસ્કોનો એશિયા-પેસિફિક ઍવૉર્ડ મેળવનાર સબ્યસાચી કહે છે કે સંગ્રહાલય એ માત્ર સાંસ્કૃતિક અવશેષોનો ભંડાર નથી, પરંતુ આપણી મૂર્ત-અમૂર્ત વિરાસતનો સંગ્રહ છે અને ભવિષ્ય માટે નવીન શોધની પ્રયોગશાળા છે.

સબ્યસાચીનું સર્વાંગ પરિવર્તન                                   . 2 - image

- દિવાનો પ્રોજેક્ટ સૂર્યા

- પ્રોજેક્ટ સૂર્યા અંતર્ગત તેઓ પંદર હજાર લોકો સુધી પહોંચ્યા છે અને પાંચસોથી વધુ ઇન્સ્યુલિન સીરીંજ મેળવવામાં સફળતા હાંસલ કરી છે

વિ શ્વમાં ચીન પછી સૌથી વધારે ડાયાબિટીસના દર્દી ભારતમાં છે અને ઝડપથી વધી રહ્યા છે, તો બીજી બાજુ ટાઈપ વન ડાયાબિટીસ કે જુવેનાઈલ ડાયાબિટીસ પણ ધીમે ધીમે વધી રહ્યા છે. બઁગાલુરુમાં રહેતી બાર વર્ષની દિવા ઉત્કર્ષ એના નાના ભાઈ સૂર્ય અને માતા-પિતા સાથે રહેતી હતી. ડૉક્ટર દંપતીના આ બંને સંતાનો કોવિડ મહામારી દરમિયાન ઘરેથી જ સ્કૂલનો અભ્યાસ કરતા હતા. સુખીસંપન્ન અને ખુશહાલ પરિવારમાં આપત્તિ તો ત્યારે આવી કે એમને જાણ થઈ કે સૂર્યને ટાઈપ વન ડાયાબિટીસ છે. બાર વર્ષની દિવાને તો ટાઈપ વન ડાયાબિટીસ એટલે શું તેની જ ખબર નહોતી. તેણે જોયું કે બે-ત્રણ મહિનામાં તો ઘણું બધું બદલાઈ ગયું. માતા-પિતા સૂર્યની સતત કાળજી લેતા હતા. તેનું ખાવા-પીવાનું બદલાઈ ગયું. ઈન્સ્યુલિનનું ઇંજેક્શન આપતા હતા. આ બધી હકીકતને સ્વીકારતા તેને લાંબો સમય લાગ્યો. દિવા વિચારવા લાગી કે એના માતા-પિતા ડૉક્ટર છે. એમના માટે બધાં સંસાધનો ઉપલબ્ધ છે અને નિદાન થયા પછી સૂર્યની સતત કાળજી લેવાઈ રહી છે, પરંતુ જે બાળકોને આ રોગ થતો હશે તેના વિશે કોઈ જાગૃતિ ન હોય અને સંસાધનો કે પૈસા પણ ન હોય તેમનું શું થતું હશે?

દિવા ડાયાબિટીસ વિશે વધુ વાંચવા લાગી. અત્યાર સુધી તેની સમજ એવી જ હતી કે મોટી ઉંમરના લોકોને જ ડાયાબિટીસ થાય, પરંતુ તે જેમ જેમ આ વિષયમાં ઊંડી ઉતરતી ગઈ, તેમ તેમ ખ્યાલ આવ્યો કે ટાઈપ વન ડાયાબિટીસ ધરાવનારાં બાળકો લાખોની સંખ્યામાં છે. ટાઈપ વન ડાયાબિટીસ ધરાવનારા બાળકોનું જીવન બદલાઈ જાય છે. રોજિંદા જીવનમાં વ્યાયામ, આહારનું સંતુલન, સમયસર દવા લેવી, શરીરમાં ગ્લુકોઝના પ્રમાણનું મોનીટરીંગ કરતા રહેવું જેવી અનેક બાબતો પર ધ્યાન રાખીને જીવવાનું હોય છે. બીજી બાજુ એણે એ પણ જોયું કે ઓછી આવકવાળા કે ગરીબ લોકો નિયમિત ઇન્સ્યુલિન લઈ શકતા નથી અને કેટલાક લોકોમાં આના વિશે જાગૃતિ જ નથી, તે પરિણામે નિદાન વગર આ બાળકો મૃત્યુ પામે છે. આવી સ્થિતિમાં ટાઈપ વનવાળા બાળકો માટે કંઈક કરવું જોઈએ એમ વિચારીને દિવાએ 'પ્રોજેક્ટ સૂર્યા'ની શરૂઆત કરી. પ્રત્યેક બાળક સમાન તકનો અધિકારી છે એવું માનનારી દિવા આ પ્રોજેક્ટ દ્વારા ડાયાબિટીસના દર્દીઓની સંભાળ લે છે.

નાનપણથી જ ડૉક્ટર માતા-પિતાને સ્વાસ્થ્ય સેવાઓ માટે અથાક પ્રયાસ કરતા જોતી. આરોગ્ય શિબિરમાં માતા-પિતા સ્વયંસેવક તરીકે સેવા આપતા. દિવા માને છે કે આ બધી બાબતોના એના ચિત્ત પર ઊંડા સંસ્કાર પડયા. પ્રોજેક્ટ સૂર્યા ત્રણ પ્રકારે કામ કરે છે. સૌપ્રથમ તો તેઓ લોકોમાં આ રોગ અંગે જાગૃતિ લાવવાનું કામ કરીને તેની સાથે કેવી રીતે જીવવું તે અંગે કાર્યક્રમ કરે છે. બીજું તેઓને એન્ડોક્રીનોલોજિસ્ટ, ડાયેટિશિયન અને અન્ય ડાક્ટરો આ રોગ અંગેની સમજૂતી આપીને યોગ્ય માર્ગદર્શન આપે છે. તે લોકોનું કાઉન્સેલિંગ કરીને માનસિક રીતે સધિયારો પૂરો પાડે છે. ત્રીજું કામ તેઓ ફંડ ઊભું કરવાનું કરે છે. ક્રાઉડફંડીંગ દ્વારા ફંડ ઊભું કરે છે. તે ઉપરાંત ઇન્સ્યુલિન, ગ્લુકોઝ, સ્ટ્રીપ્સ, સીરીંજ માટે સ્પોન્સરશિપ કાર્યક્રમ રાખે છે. અત્યાર સુધીમાં પ્રોજેક્ટ સૂર્યા અંતર્ગત તેઓ પંદર હજાર લોકો સુધી પહોંચ્યા છે અને પાંચસોથી વધુ ઇન્સ્યુલિન સીરીંજ મેળવવામાં સફળતા હાંસલ કરી છે.

દિવાએ કર્ણાટકના એકસો જેટલા ગરીબ કુટુંબોનો સંપર્ક કર્યો કે જેમના બાળકોને ટાઈપ વન ડાયાબિટીસ છે. જેમના માતા-પિતા આ જાગૃતિ અભિયાનમાં આવે છે. તેઓ દિવાના આ પ્રયત્નને બિરદાવે છે, કારણ કે તેઓ પોતાના સંતાનોની હવે વધુ સારી રીતે કાળજી લઈ શકે છે. દિવાએ બઁગાલુરુની રાજાજીનગરની નેશનલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. આજે તે બઁગાલુરુની કેટલીક સ્કૂલોમાં પણ આ રોગ અંગે વિશેષ જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરીને બે હજારથી વધુ વિદ્યાર્થીઓને સામેલ કર્યા છે. આશા કાર્યકર્તા સાથે પણ તે કામ કરે છે. અત્યાર સુધીમાં ફંડમાં દોઢ લાખ રૂપિયા મેળવનાર દિવાએ વધુ ફંડ મેળવવા માટે મિડનાઈટ મેરેથોનનું આયોજન કર્યું હતું, જેમાં આશરે આઠ હજાર લોકોએ ભાગ લીધો હતો. દર્દીઓને ઇન્સ્યુલિન વાજબી દરે મળે તે માટે તેના પરથી જીએસટી દૂર કરવાની અરજી પણ તેણે કરી છે.

દિવા વંચિત લોકોને મદદ કરવા માટે યુનાઇટેડ નેશન્સ દ્વારા ચાલતા 'વન મિલિયન ફૉર વન બિલિયન' સંગઠન સાથે જોડાઈ છે. આ સંગઠન યુવાનોને તેની યોજના અંગે સલાહ આપે છે અને મદદ કરે છે. એનો હેતુ એવો છે કે દસ લાખ યુવાનોની બુદ્ધિશક્તિના ઉપયોગથી એક અબજ લોકોમાં પરિવર્તન લાવી શકાય. વન મિલિયન ફૉર વન બિલિયનના સ્થાપક માનવ સુબોધ કહે છે કે પ્રથમ તેઓ યુવાનોને મળીને તેની પસંદગીનું કામ સોંપે છે. દિવાને પણ એ જ રીતે માર્ગદર્શન આપ્યું. સામાજિક ક્ષેત્રે કે માનવતાનું કાર્ય કરનાર ૯થી ૨૫ વર્ષની વ્યક્તિને અપાતા ડાયના ઍવૉર્ડથી ૨૦૨૩માં દિવાનું સન્માન કરવામાં આવ્યું. અભ્યાસ સાથે કામ કરવું મુશ્કેલ છે, પરંતુ તે સમયનો પૂરો ઉપયોગ કરે છે. પોતાના પ્રોજેક્ટને વૈશ્વિક ઓળખ મળી તેનો એને આનંદ છે. તેનું સ્વપ્ન છે કે આવા બાળકો સારવાર માટે દત્તક લેવાય. સમગ્ર વિશ્વમાં ટાઈપ વન ડાયાબિટીસવાળા બાળકોને સહેલાઈથી ઇન્સ્યુલીન મળે અને પીડામાંથી મુક્ત બને.