પ્રતિકુળતાઓના ઝંઝાવાત સમયે મનને આશાવાદી રાખવાના સાત ઉપાયો કયા ?
એક જ દે ચિનગારી - શશિન્
જીવનની કસોટીની ક્ષણોમાં ઉદ્ભવતા પ્રશ્નો :
* જીવન એક 'પ્યાસ' ?
* નવા અર્થની 'તલાશ' ?
* આશ્વાસનની 'આશ' ? કે
* પછી સમાધાનનો 'અવકાશ' ?
જિંદગી એટલે વળાંકોની કથા, તૂટેલાં સ્વપ્નોની વ્યથા જીવન સરિતા માણસને સદાય ખેંચતી રહે છે. એમાં તણાતો માણસ કયા જ્ઞાત-અજ્ઞાત સ્થાને ફેંકાશે, એની કોને ખબર ? જીવનમાં નિયંત્રણબહારની આંધી આવે, સર્વનાશનાં ચિહ્નો માણસને હતાશ-નિરાશ બનાવી મૂકે ત્યારે માણસ ભાંગી પડે છે ! જીવન નિરર્થક પસાર થયાની વેદના એને ઘેરી વળે છે. કવિ હરિવંશરાય બચ્ચને પણ એવી પરિસ્થિતિનો સામનો કર્યો હતો ! એમાંથી ઉદ્ભવી એક હતાશાની કવિતા
''મૈં જીવન મેં કુછ કર ન સકા,
જગ મેં અંધિયારા છાયા થા,
મૈં જ્વાલા લેકર આયા થા,
મૈને જલકર દી આયુ બીતા,
પર જગતી કા તમ હરન સકા,
મૈં જીવન મેં કુછ કર ન સકા !''
પ્રથમ પત્ની શ્યામાજીના અવસાનથી જીવનમાં ઉદ્ભવેલો ખાલીપો, આર્થિક વિટંબણાઓનો ભોગવવો પડેલો ભયાનક ત્રાસ ! કવિ જીવન પ્રત્યેની શ્રદ્ધા ગુમાવ્યાના આરે પહોંચી જાય છે !
પણ આ હતાશામાંથી એમને લાધે છે જીવનનું એક પ્રેરક અને પ્રોત્સાહક સત્ય : તે છે : હૈ અંધેરી રાત પર,
દીયા જલાના કબ મના હૈ ?
કવિએ કલ્પનાવિભૂષિત જીવનમંદિરને સજાવ્યું હતું. એમાં નોખા-અનોખા રંગ પૂર્યા હતા. ભાવનાનો ચંદરવો સ્વપ્નોથી સજ્જ બનાવી સ્વહસ્તે જ તેને રૂચિકર બનાવ્યો હતો. સ્વર્ગોપમ દુર્લભ રંગોથી એને રસ્યો હતો... પણ...
પણ એ મહેલ જમીનદોસ્ત થઇ ગયો... તો શું રડી રડીને જિંદગીને અભિશપ્ત બનાવવી ? કવિને લાધેલું જીવનદર્શન સધિયારો આપતાં કહે છે, એ ધ્વસ્ત થએલા એ મંદિરની ઇંટો, કપચી, કાંકરાનો ઉપયોગ કરી શાન્તિ માટે નાનકડી કુટીર બનાવતાં કોણ રોકે છે. અંધકારની ફરિયાદ કર્યા કરવા કરતાં અંધકારને નેસ્તનાબૂદ કરવા એક દીપક પ્રગટાવતાં કોણ રોકે છે.
પણ યાદોની વણઝાર માણસનો પીછો છોડતી નથી ! માણસ ભૂતકાળને વાગોળે છે. એની પ્રસન્નતાની ક્ષણો અને ખિન્નતાની પળો વળી પાછી બેચેનીનો 'માહોલ' સર્જી દે છે ! પણ બચ્ચને જીવનની નવી પરિભાષા આત્મસાત કરી લીધી છે : તે છે :
''જો બીત ગઈ,
સો બાત ગઈ.
જીવન મેં એક સિતારા થા,
માના, વહ બેહદ પ્યારા થા,
વહ ડૂબ ગયા સો ડૂબ ગયા,
અંબર (આકાશ) કે આનનકો દેખો,
કિતને ઇસકે તારે તૂટે,
કિતને ઇસકે પ્યારે છૂટે,
જો છૂટ ગયા ફિર કહાં મિલે,
પર બોલો તૂટે તારોં પર
કબ અંબર શોક મનાતા હૈ !
જો બીત ગઇ સો બાત ગઈ !''
જીવન એક આગવી મસ્તીનો મોકો છે, એવી ખુમારી કેળવવાનો સંદેશો આપતાં કવિ હરિવંશરાય બચ્ચન કહે છે -
''જો માદકતા કે મારે હૈં,
વે મધુ લૂટા હી કરતે હૈં,
વહ કચ્ચા પીને વાલા હૈ,
જિસકી મમતા ઘટપ્યાલોં પર
જો સચ્ચે મધુ સે જલા હુઆ,
કબ રોતા હૈ, ચિલ્લાતા હૈ,
જો બીત ગઇ સો બાત ગઈ !''
માત્ર કવિ બચ્ચન આગળ જ નહીં, માનવમાત્ર આગળ જીવનની કસોટીની ક્ષણોમાં એક પ્રશ્ન ઉદ્ભવે છે :
'જીવન એક 'પ્યાસ'
નવા અર્થની 'તલાશ'
આશ્વાસનની 'આશ'
કે પછી
સમાધાનનો 'અવકાશ' ?'
જીવવું એ આપણો જન્મસિધ્ધ અધિકાર છે. આત્માની અમરતા માનીે, તો જીવન સત્ય છે, 'મૃત્યુ' નહીં, કારણ કે મૃત્યુ એ પડાવ છે, અંતિમ ધ્યેય તો મુક્તિ છે. પણ એ 'મુક્તિ' એટલે પરમાત્માના ધામમાં જલસા કરવાની તક નહીં, પણ આપણા પાર્થિવ જીવનને જ અગણિત ઇચ્છાઓ, વાસનાઓ અને તૃષ્ણાઓની કેદમાંથી મુક્ત રાખી જીવન-નિર્ઝરને ખુમારીપૂર્વક વહેતા રાખવું.
વિપરીતતાની આંધી ફૂંકાય ત્યારે માણસ આશ્વાસન ઝંખે છે. આશ્વાસકો પૈકી મોટા ભાગના લોકોના શબ્દો હૈયામાંથી આવવાને બદલે મોટેભાગે હોઠોથી નીકળતા હોય છે. આશ્વાસનો દુઃખ, પીડા અને વેદનાની શમવા મથતી આગને શબ્દોના ઇંધણ દ્વારા વધુ પ્રજ્જવલિત કરે છે. જખ્મી થયેલા, ઘવાયેલા લોકોની ખબર કાઢવા દોડી જનાર લોકો સાચી લાગણીથી દોડી જતા નથી પણ, 'પબ્લિસિટી' સ્ટંટ માટે દોડી જતા હોય છે. એવા તકસાધુઓના શબ્દો કે આંસુ કેવળ દંભ હોય છે. આકરી કસોટીની ક્ષણોમાં માણસનો સાચો કોઈ આશ્વાસનદાતા હોય તો માણસ પોતે જ છે, જીવન પ્રત્યેનો તેનો સકારાત્મક દ્રષ્ટિકોણ છે, એની હિંમત અને અડગ આત્મા વિશ્વાસ છે ! વળી પાછી કવિ હરિવંશરાયની પંક્તિઓનું સ્મરણ :
''કિન્તુ ઐ નિર્માણ કે
પ્રતિનિધિ તુઝે હોગા બતાના,
જો બસે હૈં વો ઉજડતે,
હૈં પ્રકૃતિ કે જડ નિયમ સે,
પર કિસી ઉડે હુએ કો.
ફિર બસાના કબ માના હૈ,
હૈ અંધેરી રાત પર
દીયા જલાના કબ મના હૈ ?''
માણસ નિર્માણનો પ્રતિનિધિ છે, વિનાશનો નહીં. એટલે પ્રતિકૂળતાને સાનુકૂળતામાં પલટવાનો પ્રયત્ન એનંઅ જીવનવ્રત બનવું જોઇએ. પરીક્ષામાં ધાર્યું પરિણામ ન મળવું, ઉદ્યોગ-ધંધામાં પારાવાર નુકસાન થતાં દેવાદાર બની જવું, પ્રેમમાં નિષ્ફળતા મળવી, બેરોજગારીથી હતાશ બનવું - વગેરે પરિસ્થિતિઓમાં પલાયનવાદી બની જીવનનો અંત આણવાની કોશિશ કરવી એ ઇશ્વરે આપેલા જીવનના વરદાનનું અપમાન છે ! ઇશ્વરનો જ દાખલો લેવા જવો છે. એણે બનાવેલો ઇન્સાન શેતાનની જેમ વર્તશે, એવી એણે કલ્પના કરી હતી ખરી ? અને તેમ છતાં ઇશ્વરે માણસમાંથી શ્રધ્ધા ગુમાવી નથી, કારણ કે ઇશ્વર નિર્માણનો પ્રતિનિધિ છે, વિનાશનો નહીં.
જીવનનો મહામંત્ર છે. સમાધાન. જતું કરી ફરી પૂર્વવત્ જીવન જીવવાનો દ્રઢ નિર્ધાર, જીવનને નવો ઓપ આપવાની પુનઃ તૈયારી.
જીવનમાં સમાધાનની ભાવના માણસને શિખવે છે કે જીવનમાં સદાય પોતાને 'ફાવતું' ને ભાવતું કોઇને પ્રાપ્ત થતું નથી. જીવન એટલે જ અધિક પ્રતિકૂળતાઓ અને અલ્પ અનુકૂળતાઓનો સરવાળો. જીવનમાં ફાવતું ને ભાવતું ન મળે તો જે છે એને ફાવતાને ભાવતા રૂપે બદલતાં આપણને કોણ રોકે છે. મન જ આપણો મિત્ર છે અને આપણું મન જ આપણો શત્રુ છે. મન તમને હરાવવા મથશે, પણ તમે તેને પડકારો તો એ તમારી શ્રદ્ધા, હિંમત અને આત્મવિશ્વાસથી પોતાની હાર કબૂલી લેશે. માણસનો અહંકાર તેને જિદ્દી બનાવે છે. વિવેકહીન બનાવે છે અને ઉત્કર્ષને બદલે પતનના દ્વાર તરફ ધકેલી દે છે. 'કોન્સોલેશન' અને 'કોમ્પ્રોમાઇઝ' (સમાધાન) બેમાંથી એકને પસંદ કરવું હોય તો 'કોમ્પ્રોમાઇઝ'ને જ પસંદ કરી શકાય. પ્રતિકૂળતાઓના ઝંઝાવાત સમયે મનને આશાવાદી રાખવાના સાત ઉપાયો કયા ?
1 શમી જવું એ પ્રત્યેક આંધીની નિયતિ છે, એટલે વિકટ પરિસ્થિતિ અનૂકુળ થવાની જ છે એવી શ્રધ્ધા ટકાવી રાખો.
2 દુઃખદ ભૂતકાળનું સ્મરણ કરીને ઉજળી આવતી કાલમાં તેને 'ગ્રહણ'ની ભૂમિકા અદા ન કરવા દેશો.
3 અંધકારની ફરિયાદો કરવાને બદલે અજવાળુ પ્રગટાવવાના માર્ગનું ચિંતન કરો.
4 જીવનને ક્યારેય નિરર્થક માનશો નહીં.
5 જીવન એટલે જ પરિવર્તન. પરિવર્તન પ્રતિકૂળ હોય ત્યારે આત્મશ્રધ્ધાને અડગ રાખો.
6 બાહ્ય આશ્વાસનોની અપેક્ષાઓને બદલે મનને સ્વસ્થ રાખી તમે જ તમારી સમસ્યાઓનું સમાધાન શોધો.
7 આત્માને અજવાળે ચાલશો તો જીવન તમને છેતરશે નહીં.