જગા ! આગળ વધ...અર્જુન બની જા..અને તારા લક્ષ્યને વીંધી નાખ !!
ઝાકળઝંઝા - પરાજિત પટેલ
શાળાના આચાર્ય બેહદ ખુશ છે, જગાની પીઠ પર હાથ મૂકીને કહે છે : 'વધ... આગળ વધ, જગા ! સોનેરી ભવિષ્ય તને હાથ લાંબા કરીને બોલાવી રહ્યું છે...
(ગતાંકથી ચાલુ)
હા, આ આખાય શહેરની હવામાં ગોમતીનો સવાલ ઘુમરાઈ રહ્યો છે ! એનો અવાજ આભના ઓટલા સુધી પહોંચીને શહેરના વાતાવરણ પર પછડાય છે : 'કોક તો બતાવો મારા દીકરાને !'
ગોરો ગોરો છે
હસમુખો છે.
કપાળમાં ચીપિયા જેવું, લાલ રંગના તિલક આકારનું લાખું છે. શિવરાત્રિના મેળામાંથી ખોવાયો છે મારો દીકરો !
મારા શંભુ !
મારા હર હર ભોલે !
મારા ત્રિલોકીનાથ !
શોધી આપો મારા દીકરાને....
હું મા છું, મારી ભીતરમાં
એક જખ્મી જનેતાનું રદિયું છે.
રદિયું લોહીમાણ થઈ ગયું છે મા ચીસો પાડે છે ! મા રડે છે ! મા શોધે છે ! મા દોડે છે !
જડયો ?
મારો લાલ જડયો ?
જવાબ મળતો નથી !
દિશાઓ બહેરી બની ગઈ છે !
વાતાવરણ મૂંગું બની ગયું છે !
- બસ, ગોમતીનો આ જ તો નાદ છે ! દીકરાને શોધવો છે ! દીકરાને સ્પર્શવો છે : 'લાલ, મારા લાલ' કહીને એના માથે હાથ ફેરવવો છે.
ત્યાં સુધી ?
રદિયામાં રઘવાટ છે !
મન બેચેન છે !
તન તિખારા નાખે છે !
દિલ બેકરાર છે !
ખોવાયેલા દીકરાની માને સંતૃપ્તિ હોય ? કરાર હોય એના કાળજાને ?
કેટલાંક લેભાગુ પણ તેની પાસે આવતા કહેતા : 'ગોમતી મા, જગા જેવા લાગતા માણસને મેં જોયો હતો !'
'ક્યાં ?'ચ
'શહેરમાં.'
'તો લઈ આવને, બેટા, મારા લાલને ! જઈશ ?'
'જાઉં તો ખરો પણ-'
'પણ ?'
'ખર્ચ ?'
'કેટલા થાય ?'
'હજારેક રૂપિયા આલો તો કામ પતી જાય..'
ગોમતી અંદર જાય.
બહાર આવી પાંચસો - પાંચસોની બે નોટો એના હાથમાં મૂકી દે....ને પછી કહે : 'જો ભઈલા, કામ થવું જોઈએ !'
'થઈ ગયું જ સમજો, મા !'
'તો ઝટ આવજે.'
- ને એ તો ગયો એટલે ગયો. પાછા આવે એ બીજા ! ગયો, સાવ ગયો ! મા ઝુરતી રહે ! વાટ જોતી રહે ! આંખો પર હાથની છાજલી કરીને માર્ગ પર આંખો બિછાવતી રહે !
પણ ના !
કોઈ ન આવે !
નિરાશ થઈ જાય ગોમતી મા !
હતાશ બની જાય એક ઝુરાપો અનુભવતી જનેતા !
- ત્યારે ગોમતી માંડ પાંત્રીસની હતી....એની સમગ્ર આશા એક માત્ર એના લાલ પર ઠરી હતી ! એનો જગો એના હૈયામાં સપનાં જગાવતો હતો ! ઠેરઠેરથી જગાના નામ પર પ્રશંસાનાં પુષ્પો વેરાતાં હતાં !
જગો હોંશિયાર છે !
જગો તેજસ્વી છે !
જગો હોનહાર છે !
મા-બાપનું નામ ચમકાવશે જગો !
ગામનું નામ રોશન કરશે જગો !
જગો ખૂબ આગળ વધશે.
પગથિયાં પરની ઊંચાઈ એની રાહ જોઈ રહી છે !
માર્ગના છેડે આવેલી મંઝીલ એની રાહ જોઈ રહી છે !
એક ઉજ્જવલ ભવિષ્ય એને બોલાવી રહ્યું છે..હોનહાર જગા માટે મંઝીલો સાદ દઈ રહી છે...આગળ વધે છે જગો !
મા ખુશ છે !
દોસ્તો ખુશ છે !
શિક્ષકો ખુશ છે !
શાળાના આચાર્ય બેહદ ખુશ છે, જગાની પીઠ પર હાથ મૂકીને કહે છે : 'વધ...આગળ વધ, જગા ! સોનેરી ભવિષ્ય તને હાથ લાંબા કરીને બોલાવી રહ્યું છે...જા, આગે બઢ, બેટા ! તારી ઊંચેરી મંઝીલ સુધી પહોંચી જા, ને શાળાનું-ગામનું અને મા-બાપનું નામ રોશન કર, જગા !'
તાળીઓ પડે છે ! 'જગા, તું તો કંઈક કહે !'
- ને બીજા ધોરણમાં ભણતો જગો કહે છે : 'હું મારા ગુરૂજીના આશીર્વાદથી જરૂર આગળ વધીશ. પણ આ શાળાને તો નહિ જ ભૂલું !'
'વાહ, વાહ !'
'લહેરાવી દે વિજય ધ્વજ !'
'કમાલ કરી દેખાડ !'
'આસમાનને સ્પર્શી બતાવ.'
'તાળીઓ ! તાળીઓ !'
'તીન તાલી જગા તેરે નામપે !'
'ઈશ્વરની કૃપા સદા તારા પર વરસો !'
'અર્જુન બન ! લક્ષ્યને વીંધી નાખ....છોડ તીર !'
- પણ માણસ ધારે છે કંઈ, અને બને છે કંઈ ! આજની વાત કરો. આ ક્ષણની વાત કરો ! આવતી કાલે આમ બનશે, એવાં દીવા સ્વપ્નોમાં ન રાચો. આ ક્ષણ પછીની ક્ષણે શું બનશે, એની કલ્પના કરીને સુખી કે દુઃખી ન બનો ! ચોવીસ કલાક સહુને આપ્યા છે ઉપરવાળાએ ! ભિખારીને પણ દિવસના ચોવીસ કલાક આપ્યા છે ! તો અબજો-પતિઓ અને સત્તાધીશોને પણ ચોવીસ કલાક જ આપ્યા છે. એક મિનિટ વધારે પણ નહિ, ને એક મિનિટ ઓછી નહિ ! યૂ આર હેવીંગ ટ્વેન્ટી ફોર અવર્સ ઈન એ ડે ! બેગર્સ આર ઓલ્સો હેવીંગ ટ્વેન્ટી ફોર અવર્સ ઈન એ ડે ! મલ્ટીમિલિયોનર્સ આર ઓલ્સો હેવીંગ ટ્વેન્ટી ફોર અવર્સ ઈન એ ડે ! બટ મેઈન થીંગ ઈઝ નોટ ધેટ ! મેઈન થીંગ ઇઝ ધેટ ! હાઉ યૂ યૂઝડ ધેમ ! એન્ડ ધેટ્સ મેઈક યૂ ડીફરન્ટ ! જગો મહેનત કરે છે એનું નાનકડું દિમાગ સાવધાન છે...એ કશુંક કરવા માગે છે. સૂર્યની જેમ ચમકવા માગે છે. ગામનું નામ રોશન કરવા માગે છે, પણ - આવતી કાલે ?
કોણ જાણે છે કાળના ગર્ભમાં રહેલા આવતી કાલના રહસ્યને ?
જગો ય નહોતો જાણતો !
ગુરુઓ પણ નહોતા જાણતા !
મારા અનુમાનો !
માત્ર ઊજળાં સપનાં !
પણ આવતીકાલ અલગ જ નીકળી. આશા ઠગારી નીવડી ! સપનાં તકલાદી નીકળ્યાં !
અને - અને શિવરાત્રિના મેળામાં જગો ખોવાઈ ગયો ! ગોમતી પર આભ તૂટી પડયું ! એની આશાનો સૂરજ બૂઝાઈ ગયો ! ને એ રઝળવા લાગી, ઠેર ઠેર ફરવા લાગી, એકનો એક સવાલ ઉછાળવા લાગી : 'કોઈએ જોયો છે મારા દીકરાને ? બસ, એક જ મતલબ ના શબ્દો : મારા જગાને કોઈ શોધી આપો !'
શહેર જેવા શહેરમાં ધૂમે છે ગોમતી ! સડક જેવી સડક પર દોડે છે ગોમતી !
ચીસો પાડે છે ગોમતી !
કારમું રૂદન કરે છે ગોમતી !
આંસુ સૂકાતાં નથી !
આંસુના દરિયા ભરાય છે !
ધોધમાર વરસે છે ગોમતી માની આંખો !
મોંઢામાં એકના એક જ શબ્દો છે.
લાલ !
જગો !
મારો દીકરો !
મારો છૈયો !
ને ત્યાં જ એને ઠોકર વાગે છે. પડતાં પડતાં રહી જાય ગોમતી ! કોઈ અફલાતુન કાર સાથે અથડાય છે ગોમતી !
કાર ઊભી રહે છે.
કારનું બારણું ખુલે છે
ને એક પેન્ટશર્ટ અને ટાઇધારી યુવાન બહાર આવે છે. માથા પર કેપ છે. ઊજળો વાન છે એ ગોમતીનો હાથ પકડી એને પડતી બચાવી લે છે ને કહે છે : માજી, આમ સડક વચ્ચે ન ચલાય. આ શહેર છે. કેટલો બધો ટ્રાફિક છે.. તમે તો વચ્ચોવચ્ચ ચાલો છો ! ન ચલાય...મને દયા આવે છે તમારી !''
'દયા આવે છે ?' 'હા, માજી ! મને દયા આવે છે ! તમારો દીકરો કેટલો નઠોર કે તમને એકલાં ને સડક પર ફરવા છુટ્ટાં મૂકે છે !'
'દીકરો ?'
'હા, દીકરો ! તમારો દીકરો નઠોર હશે. કાળજાનો કઠોર હશે.. નહિંતર તમને એકલાં આમ ન છોડે !'
'ના !'
'ના ?'
'મારો દીકરો એવો નહોતો !'
'નહોતો...એટલે આજે નથી ?'
'ના.'
'ક્યાં ગયો છે ?'
'ખોવાઈ ગયો છે !'
'ક્યારે ?'
'પચીસ વરસ થયાં એ વાતને !'
'તમારું નામ ગોમતી મા છે ?'
'હા, સાહેબ ! પણ તમને કેવી રીતે ખબર પડી કે મારું નામ ગોમતી છે ? એકાએક ગોમતી મા બોલી ઊઠયાં...ને પેલા યુવાને માથા પરની કેપ દૂર કરી : 'મા, જોઈ લો તમારા આ જગાને ! તમારો જગો હું જ છું ! તમારો પચીસ વરસ પહેલાં ખોવાયેલો જગો !''
'હેં ?'
ને દીકરાને ભેટી પડી ગોમતી. એના હાથ પર, લલાટ પર ચુંબનો ચોંડવા લાગી ગોમતી ! એના માથે હાથ ફેરવવા લાગી ગોમતી, ને સહજભાવે એ બોલી : 'તારા લલાટ પરના આ લાલ તિલકે જ તારી રક્ષા કરી, બેટા !'
અને પછી થોડીવારે પૂછી બેઠી : 'કોણ લઈ ગયું હતું તને મેળામાંથી ?'
'એક નિઃસંતાન દંપતી !!' બહુ ઉત્તમ સ્વભાવના હતા એ મહાનુભાવ ! હા હું ઠોકર વાગતાં પડી ગયો હતો...ને મારા દિમાગ પર તેની અસર થઈ હતી...હું યાદશક્તિ ખોઈ બેઠો હતો, લમણા પર ધારદાર પથ્થર વાગવાને કારણે ! હું એ અજાણ્યાં છતાં પ્રેમાળ દંપતીની ગાડીમાં બેઠો. શહેરમાં આવ્યો. એમણે દત્તકના કાયદાનું એડવોકેટ દ્વારા પાલન કર્યું...ને માનશો, હા, બા, આજે તો એ હયાતથી...પણ બા ! આજે તો હું તેમની કરોડોની સંપત્તિનો માલિક છું...હું એક અનાથાશ્રમ ચલાવું છું...ને કૈંક મા-બાપ વગરનાં અનાથ બાળકોના ભવિષ્યનું ઘડતર કરું છું. બા, તમને જોયાં ને મારા દિમાગમાં ઝણઝણાટી થઈ ! જાણે વીજળીનો ઝબકારો થયો ! તમારો સ્પર્શ થતાં જ મારી યાદશક્તિ પાછી આવી ગઈ છે. મા, હું છું તમારો લાલ ! જગો ! જગન્નાથ પંડિત ! અનાથાશ્રમનો સંચાલક ! અઢીસો જેટલાં અનાથ બાળકોનું ભવિષ્ય ઘડનારો...ને જગન્નાથ પંડિતે બૂમ મારી : અનન્યા, બહાર આવ. આ છે મારી જનેતા ! તારાં સાસુ ! એમનો ચરણ સ્પર્શ કર !
અનન્યા બહાર આવી. ગોમતીબાનો ચરણ સ્પર્શ કરતાં બોલી : 'બા, ચાલો અમારી સાથે બેસી જાવ કારમાં !' 'તું પરણ્યો છે, બેટા ?' 'હા, મા ! અનન્યા ખૂબ ગુણિયલ છે !!'
'તો મેં બાધા રાખી છે, તમને બંનેને ત્રિલોકીનાથ વિષ્ણુનાં દર્શનની ક્યારે જઈશું ?'
'તમે કહેશો ત્યારે...અત્યારે તો બેસી જાવ કારમાં...! ને ચંદક્ષણોમાં તો એ ફોર્ચ્યુનર કાર અનાથાશ્રમની દિશામાં દોડવા લાગી. ને કારમાં બેઠાં હતાં ત્રણ જણ : મા, દીકરો અને વહુ ! ને ગોમતી માના ચહેરા પર રાજીપો રેલાઈ રહ્યો હતો !!'