તમે જ્યાં છો, ત્યાં તમે નથી!
જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર
કેવું અવિરત રોમાંચક યુદ્ધ ચાલી રહ્યું છે. તમે શબ્દોને ફંગોળો છો અને વળતા તમારી સામે શબ્દો ફંગોળાય છે. તમે તમારી વાત અન્યને કરો છો અને બીજો માનવી પોતાની વાત તમને કરે છે. ક્યારેક તો એમ લાગે કે માણસ અહર્નિશ શબ્દનું સમરાંગણ ખેલી રહ્યો છે. મહાભારતનું યુદ્ધ તો માત્ર અઢાર દિવસ ચાલ્યું હતું, પરંતુ શબ્દોનું સમરાંગણ તો ક્યારેય અટકતું નથી. માનવીના મન પર સતત શબ્દોનો હુમલો થતો રહે છે અને માણસ પ્રતિકાર કરીને વળતો હુમલો કરે છે.
આજના સમયમાં તો મોબાઈલ હોય કે વોટ્સએપ હોય કે પછી કોઈ પણ અદ્યતન સાધન હોય, એ બધાને શબ્દ સાથે એક જુદો જ લગાવ છે. કોઈનો જન્મદિવસ હોય અને વૉટ્સએપ પર અભિનંદનના એકધારા સંદેશાઓના નિર્દયી હુમલા થાય છે. વૉટ્સએપ પર કંઈક વાંચ્યું કે તરત જ જવાબ આપવા માટે માનવમન ઊછળી ઊઠે છે. એને તત્કાળ જવાબ આપવો છે અને આ એની ઝડપ ઘણીવાર મોટાં અનર્થો સર્જે છે. તમે ઇમેઈલ કરો અને ઇમેઈલ પર લાંબા લાંબા જવાબો આવે અને જેવો જવાબ વાંચો કે તત્ક્ષણ તમે એનો પ્રતિભાવ આપ્યો. આ 'તત્કાળ અપાતો પ્રતિભાવ' અહિતનું કે કલેહનું કારણ બને છે. કોઈક વ્યક્તિએ કરેલા આક્ષેપો અંગે તરત જ વળતો જવાબ આપવામાં આવે, તો એના જવાબમાં આવેશ વિશેષ હોય છે અને સમજદારી ઓછી હોય છે. પછી તો પરસ્પર આક્ષેપરોની અનંત મુક્કાબાજી ચાલવા લાગે છે.
ચિંતક ગુર્જિયેફને એના પિતાએ અંતિમ ઘડીએ એવી સલાહ આપી હતી કે 'બેટા, મારી તને એક જ સલાહ છે કે કાંઈ પણ પ્રશ્નનો ઉત્તર આપ, તો ચોવીસ કલાકનો સમય લેજે. આ ચોવીસ કલાકનો સમય એ 'વેઇટિંગ પિરિયડ' નથી, પરંતુ જવાબ આપતાં પહેલાં સર્વગ્રાહી વિચારણા કરવાનો 'થિંકીંગ પિરિયડ' છે. પરંતુ તત્કાળ જવાબ આપવામાં અંગત બાબતો ઉમેરાય છે, પૂર્વગ્રહો ડોકાય છે, ગુસ્સો ઉમેરાય છે અને પરિણામે ઘણા સંબંધોમાં આવી 'હાજર જવાબી' મોટી તિરાડ પાડી દેતી હોય છે.
વર્તમાન સમયમાં માનવી સતત શબ્દો સાથે જીવતો હોય છે. પહેલાં તો એ શબ્દ પોતાની વાણીથી બોલતો હતો, તેથી સામેની વ્યક્તિને એની વાણીની મીઠાશનો સ્પર્શ થતો હતો. વાણીની મધુરતા પણ એટલી જ મહત્ત્વની છે, કે જેને કારણે એ વાણી શ્રવણનું સૌંદર્ય બની શકે છે. હવે તો એ મધુર વાણીનો સવાલ જ ન રહ્યો. બીજી બાબત એ માનવીની આંખ છે અને આંખ એના અંતરની વાતને છતી કરતી હોય છે. એ આંખમાં રહેલી ભીનાશનો સામી વ્યક્તિ અનુભવ કરતી હોય છે અને વ્યક્તિના ચહેરા પર રમતી ભાવરુચિ એના ભાવોને દર્શાવતી હોય છે.
વળી માણસ એટલો વ્યસ્ત હોય છે કે વિડિયો દ્વારા જનસામાન્ય સાથે વાત કરવાની એને ફુરસદ હોતી નથી. આ બધાને પરિણામે યંત્ર દ્વારા એ બીજી વ્યક્તિને મળે છે. એને એ શબ્દો લખવાના હોતા નથી, આથી ચિત્તની એકાગ્રતા સાથે એના હસ્તાક્ષરોને જે સુમેળ સધાતો હોય છે, એવો સુમેળ અહીં સધાતો નથી. લેખનથી આવતી એકાગ્રતાને આજે આપણે ભૂલી ગયા છીએ. મારો આગ્રહ તો એ છે કે વ્યક્તિએ રોજ ત્રણચાર પૃષ્ઠો લખવાં જોઈએ. કારણ કે લખવાની ક્રિયા એ એના સમગ્ર ચિત્તને એકાગ્ર કરીને ધ્યાન કેન્દ્રિત કરવાની ક્રિયા આપનારી બની શકે છે.
એક તો તત્કાળ જવાબ આપવાની આદત અને બળતામાં ઘી ઉમેરાય તેમ મેસેજ ફોરવર્ડ કરવાની ટેવ. ઘણીવાર તો વાંચ્યા વિના જ ફોરવર્ડ કરી દેવાય છે અને એવા મેસેજ જેને મોકલવામાં આવે છે, તે એને કઈ રીતે ગ્રહણ કરશે, તેનો તો કોણ વિચાર કરે છે ખરા? એ વ્યક્તિને આવો મેસેજ મોકલવો યોગ્ય છે કે નહીં તેની પણ 'હોલસેલ' મેસેજના જમાનામાં કોણ ફિકર કરે છે?
ભલે આપણા ધર્મગ્રંથો અને વિચારકો વારંવાર કહેતાં હોય કે વર્તમાનમાં જીવો, વર્તમાનમાં જે ક્ષણમાં છો, તેનો આનંદ લો. 'આજની ઘડી રળિયામણી છે, ભાઈ!' પરંતુ આજનો માનવી વર્તમાનથી વિમુખ બની ગયો છે. એ વર્તમાનમાં રહેતો જ નથી. નાટક કે ફિલ્મ જોવા જતો હોય ત્યારે વચ્ચે વચ્ચે મેસેજ જોતો હોય છે. થોડી નવરાશ મળતાં જ એ આસપાસની સૃષ્ટિ નિહાળવાને બદલે વૉટ્સએપ પર આવેલા મેસેજ વાંચવામાં લાગી જતો હોય છે. એનું મન સતત કૂદકા મારતું હોય છે કે લાવ, જોઈ લઉં કે કોનો મેસેજ આવ્યો છે. કોઈ જરૂરી સંદેશો આપવાનો ન હોય, તો પણ એનું મન એકાગ્ર રહી શકતું નથી.
એમાં પણ જો એ સંદેશો રસપ્રદ હોય, તો એ ઘરમાં હશે, હોટલમાં હશે કે રસ્તા પર હશે, એમાં ડૂબી જશે. કેવી વિચિત્રતા છે કે વ્યક્તિ જ્યાં હોય છે, ત્યાં હોતો નથી, પણ એ બીજે ક્યાંક દોડી-દોડીને જીવતો હોય છે. આમ ચોતરફ શબ્દો અને સંદેશાઓનો કોલાહલ મચી રહ્યો છે. મોબાઈલ પર અડધો કલાક સુધી વાતો કરનારા વાણીવીરોનો હવે પાર રહ્યો નથી. આવી વ્યક્તિ જિંદગીની અમૂલ્ય પળોને વેડફી નાખતી હોય છે એ તો એક વાત, પણ પોતાની વાતને લંબાવવા માટે નાની-નાની વાતો કરીને એ ભાવવિહીન શબ્દરમત ખેલતો હોય છે.
સમયની કિંમત અને જિંદગીનો અર્થ તે ગુમાવતો જાય છે, પરંતુ એને આવી સાંસારિક વાતોનો ચસ્કો એવો લાગ્યો હોય છે કે એ ચસ્કામાંથી છૂટી શકતો નથી. સ્હેજ મોકળાશ મળે કે તરત જ પેલો ચસ્કો કે વ્યસન એને યાદ આવે અને ઘણીવાર તો પોતાના કાર્યસમયે પણ એ ચસ્કો એના મનને સતત પજવતો રહે છે અને વિચારે છે કે ક્યારે કામ પૂરું થાય અને મોબાઈલ પર વાત કરવાની તક મળે !
બસ, વાણી હોય કે ટેકનોલોજી હોય, પણ બધે જ માણસને શબ્દોનું વ્યસન પડી ગયું છે. જરૂરી શબ્દો કરતાં ઘણાં વધારે શબ્દો બોલવાની આદત પડી ગઈ છે અને આને પરિણામે એ કોઈનો 'બર્થ ડે' હોય કે પછી કોઈની એનીવર્સરી હોય, એને એ સતત શબ્દોમાં પલટતો રહે છે. બસ, મનમાં કંઈક આવ્યું એટલે એને મોબાઈલમાં ઉતાર્યું જ સમજો. એ સુંદર દ્રશ્ય જુએ તો એ સુંદર દ્રશ્યને નિરખીને આનંદ પામવાને બદલે તમે તરત જ એનો ફોટો લઈને સામી વ્યક્તિને મોકલવા માટે તલપાપડ બની જાય છે.
તમારે માટે કુદરતી સૌંદર્ય ધરાવતું મનોહર દ્રશ્ય જોવુ તે મહત્ત્વનું નથી, કોઈ પ્રકૃતિ પ્રેમીની માફક તમે એ સૌંદર્યનો આનંદ પામવાનો પણ પ્રયાસ નહીં કરો.
થોડીવાર એ ઘટાદાર વૃક્ષોની વચ્ચે ઊભા રહીને કે મહેકતાં ફૂલોની મનભર સુવાસ માણવાને બદલે તમે તરત જ મોબાઈલમાં ફોટો ઝડપી લો છો અને સામે કુદરત સોળે કળાએ ખીલી હોય ત્યારે તમે પેલા ફોટોગ્રાફને કેટલા લોકોને મોકલવું, તેમાં વ્યસ્ત બની જાવ છો.
દરેક વસ્તુને શબ્દમાં બધ્ધ કરી દઈને એ વસ્તુના મૂળભૂત મહાત્મ્યને ઝાંખુ કરી દઈએ છીએ. કોઈ સંત, મહાત્મા કે મહાન વ્યક્તિને તમે મળો છો, ત્યારે કઈ રીતે મળો છો? તમારા એ મિલનને અવિસ્મરણીય બનાવવા માટે તમે તરત જ સેલ્ફી લો છો અથવા તો કોઈને તસવીર ખેંચવાનું કહો છો. પણ કોઈ સંતને જોઈને એના સંતત્ત્વનો ભીતરી અનુભવ કરવાનો પ્રયાસ કર્યો ખરો? કોઈ સંતને જોતાં એની આસપાસના આભામંડળને જોયું ખરું? કોઈ સંત કે મહાપુરુષના ચહેરા પર પડેલી રેખાઓમાં રહેલી ભાવનાઓને પામવાનો પ્રયાસ કર્યો ખરો?
આપણે તો તરત જ એ સંતના ફોટોગ્રાફ સાથે આપણી મુલાકાત દર્શાવીને અન્ય વ્યક્તિઓને એ મોકલી આપીએ છીએ. આપણું મન એવું ઊછળકૂદ કરતું થઈ ગયું છે કે જીવનની પ્રત્યેક ઘટના સાથે મોબાઈલની 'કી'નો સંબંધ બંધાઈ ગયો છે. આને પરિણામે વ્યક્તિ પરિસ્થિતિની અનુભૂતિને જ ગુમાવતો નથી, પરંતુ એ પરિસ્થિતિમાંથી પ્રાપ્ત થતાં આનંદને ખોઈ બેસે છે. આમ તમારા જીવનમાં બનતી પ્રત્યેક ઘટના પ્રત્યેક પરિસ્થિતિ કે પ્રત્યેક માનવીનું સામીપ્ય એ તરત જ બીજા માધ્યમમાં રૂપાંતરિત થઈ જાય છે અને એટલે તમારી આસપાસની વસ્તુ તમે પ્રતિતી પામી શકતા નથી. મન સતત એને રૂપાંતરતિ કરવા માટે દોડતું રહે છે અને આથી જ કેશવ સ્વામીની એ પંક્તિઓ યાદ આવે છે,
'મનમેં ગંગા, મનમેં કાશી
મનમેં સદા શિવગુરુ અવિનાશી,
મન કો મરમ ન જાને કોય,
મન સમજે સો વીરલા હોય.'
પણ વિચારો કે જ્યાં મન સતત મોબાઈલ અને બીજી ટેકનોલોજીમાં ડૂબેલું છે, એવા મનને ક્યાંથી ગંગાજીની પવિત્રતાનો અનુભવ થવાનો કે ક્યાંથી એ મનમાં કાશીનું પાવનત્વ પ્રગટવાનું. આથી મનમાં જાગતા શબ્દો, ઊઠતા તરંગો, પ્રગટતાં ભાવો કે આવતા વિચારો એ બધા જ આજે તો શબ્દના કારાવાસમાં આજે કેદ થઈ ગયા છે!