શારીરિક અને માનસિક સમસ્યા અને તેના ઉપાયો
ફિટનેસ - મુકુંદ મહેતા
ડાયાબિટીસ એક એવો કાયમનો રોગ છે જેમાં દર્દીનું પેન્ક્રિયાસ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલીન ઉત્પન્ન કરી શકતું નથી અથવા દર્દીનું શરીર ઉત્પન્ન થયેલા 'ઇન્સ્યુલીન'નો ઉપયોગ કરી શકતું નથી...
8. ફેફસાના પ્રોબ્લેમ્સ : તમે શ્વાસ લો છો ત્યારે વાતાવરણમાં રહેલા સૂક્ષ્મ જીવાણું (બેક્ટેરિયા, ફંગસ, વાઇરસ) તેમજ એલર્જી અને ધુળ, ધુમાડો વગેરે તમારા શ્વાસમાં જાય છે તેને કારણે ફેફસાને ચેપ લાગે, દમ, ટીબી, સી.ઓ.પી.ડી. અને કેન્સર જેવા રોગો થાય.
શું કરશો ?
ફેફસા શરીરનું ખુબ જ અગત્યનું અંગ છે. આ માટે વાતાવરણમાં રહેલા શરીરને નુકશાન કરનારા પદાર્થો શ્વાસમાં જાય ને ફેફસાની અનેક પ્રકારની તકલીફો કરે નહીં માટે જ્યારે જ્યારે બહાર જાઓ ત્યારે મોં પર મેડિકલ માસ્ક લગાડો અને દર ત્રણ મહિને ફેફસાના રોગોના ખાસ ડોક્ટર પલ્મોનોલોજિસ્ટ પાસે તપાસ કરાવો.
9. ડાયાબિટીસ
ડાયાબિટીસ એક એવો કાયમનો (ક્રોનીક) રોગ છે જેમાં દર્દીનું પેન્ક્રિયાસ પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલીન ઉત્પન્ન કરી શકતું નથી અથવા દર્દીનું શરીર ઉત્પન્ન થયેલા 'ઇન્સ્યુલીન'નો યોગ્ય ઉપયોગ કરી શકતું નથી. ઇન્સ્યુલીન એક પ્રકારનો હોર્મોન છે જેનાથી શરીરમાં લીધેલી સાકર (સુગર)નું નિયમન થાય છે. આખા જગતના ડાયાબિટીસના રોગવાળા બધા જ દર્દીઓમાં 80 થી 90 ટકા લોકો આ રોગ જે મોટી ઉમ્મરે થાય છે તેના કારણોમાં વધારે વજન અને કસરત કે શ્રમનો અભાવ અને જાડાપણું છે. તમારા શરીરનો બોડીમાસ ઈન્ડેક્ષ 25 થી વધારે હશે તો તમને મોટી ઉમ્મરે થનારા ટાઇપ - 2 ડાયાબિટીસ થવાની પૂરેપૂરી શક્યતા છે.
શું કરશો ?
1. કોઇ પણ પ્રકારના ડાયાબિટીસના દર્દીએ ડાયાબિટીસના નિષ્ણાત ડોકટર જેને ડાયાબિટોલોજીસ્ટ કહેવાય તેની પાસે સારવાર કરાવવી પડે. તેમની સલાહ પ્રમાણે દર ત્રણ મહિને લોહી અને પેશાબની તપાસ કરાવી અને બ્લડ સુગરનું પ્રમાણ નક્કી કરીને આખી જિંદગી ડાયાબિટીસ કાબૂમાં રાખવાની ગોળીઓ અથવા ઈંજેકશન લેવા પડે. 2 નિયમિત ગમતી કસરત 30થી 40 મિનિટ કરવી જોઇએ જેથી જે સુગર શરીરમાં વપરાતી નથી અને પેશાબ મારફતે બહાર નીકળી જાય છે તે વપરાઇ જાય અને લોહીમાં વધે નહીં. 3. ખોરાકમાં ગળપણ ના આવે તે માટે મનને ખૂબ કાબુમાં રાખીને તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. 4. એજ રીતે તમારું વજન વધે નહીં એટલે કે તમારે બી.એમ.આઇ. 24 થી વધે નહીં તેનું ધ્યાન રાખવું જોઇએ.
10. બ્લડ પ્રેશર :
શરીરના દરેક અંગોને તેમના કાર્યમાં મદદ કરવા માટે લોહી પહોંચાડવાનું હૃદયનું કાર્ય આખા શરીરમાં ફેલાએલી લોહીની નળીઓ મારફત થાય છે. હૃદયના દરેક ધબકારાથી લોહી જ્યારે લોહીની નળીઓ (આર્ટરી)માં જાય ત્યારે નળીઓ ઉપર જે દબાણ થાય તેને 'બ્લડ પ્રેશર' કહેવાય. જ્યારે હૃદય સંકોચાય (કોંટ્રેક્ટ થાય) ત્યારે લોહીની નળીઓ પર પણ દબાણ વધે તેને કારણે તમારું બ્લડ પ્રેશર વધે અને જ્યારે હૃદય ઢીલું (રિલેક્ષ) થાય ત્યારે તમારું બ્લડ પ્રેશર ઘટે. આ રીતે હૃદયના દરેક ધબકારા વખતે તમારું બ્લડ પ્રેશર વધે ત્યારે તેને સિસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય જ્યારે તમારું બ્લડ પ્રેશર ઘટે ત્યારે તેને ડાયસ્ટોલીક બ્લડ પ્રેશર કહેવાય. ક્વોલિફાઇડ ડોકટર માર્ક્યુરી વાળા બ્લડ પ્રેશર માપવાના સાધનથી તમારું લોહીનું દબાણ (બ્લડ પ્રેશર) માપે ત્યારે ઉપરનો આંકડો 'સિસ્ટોલિક' અને નીચેનો આંકડો 'ડાયસ્ટોલિક' કહેવાય. બ્લડ પ્રેશરના માપનો આંકડો 120/80 હોય તે નોર્મલ કહેવાય. જો લોહીનું દબાણ 120/80 થી વધારે આવે ત્યારે તેને 'હાઇ બ્લડ પ્રેશર' અથવા 'હાઇપરટેન્શન' કહેવાય અને જો લોહીના દબાણનો આંકડો 90/50 આવે ત્યારે 'લો બ્લડ પ્રેશર' અથવા હાઇપોન્ટેશન કહેવાય.
શું કરશો ?
1. નિષ્ણાત ડોકટરને બતાવી સારવાર કરો. એ જણાવે તે ગોળીઓ નિયમિત આખી જિંદગી લો. 2. બીડી સિગારેટ પીવાનું વ્યસનનો ત્યાગ કરો. 3. ધીરે ધીરે વધારીને રોજ સવારે અર્ધો કલાક ચાલો. 4. માનસિક તનાવ ઓછો થાય તેવા પગલાં લો માટે દરેક બાબતમાં ખોટી ચિંતા ના કરો, તમારા જીવનમાં જે કંઇ થાય છે, થઇ ગયું છે અથવા થવાનું છે તે તમારા કારણે નથી થયું એમ સ્પષ્ટપણે માનો. કોઇની સાથે તકરાર ના કરો. 5. ખોરાકમાં એ. લસણ, લીંબુ, તરબૂચ નિયમિત લો. બી. રાંધેલા ચોખા ખાઓ. સી. રોજ દૂધી, સરગવો, પાલખ અને કોબીનો જ્યુસ અથવા સૂપ પીઓ. ડી. તમારું બ્લડપ્રેશર વધારે હોય ત્યારે પોટાશ્યમ જેમાં આવે તેવા ખોરાક રીંગણાં, કેળાં, નાળિયેરનું પાણી અને શેકેલા બટાકા લેશો. 6. ખોરાકમાં 2 થી 2.5 ગ્રામથી વધારે મીઠું ના લેશો (એક ચમચી એટલે પાંચ ગ્રામ મીઠું ગણાય) તેમજ 7. વજન વધે તેવો ચરબીવાળો ખોરાક પણ ના લેશો. 7. નિયમિત 30 મિનિટ યોગ, મેડિટેશન, પ્રાણાયામ કરો. તમારું વજન વધે નહીં એટલે કે તમારો બી.એમ.આઇ. 24થી વધે નહીં તેનું ધ્યાન રાખશો.
11. હાર્ટ એટેક :
હાર્ટ એટેક આવે ત્યારે પુરુષોમાં છાતીમાં ડાબી બાજુ દુખે અને ભીંસ આવતી હોય તેમ લાગે. આવો દુખાવો ધીરે ધીરે બરડામાં, જડબામાં અને ગળાના ભાગમાં ફેલાય. છાતીમાં બળતરા (હાર્ટ બર્ન) થાય, ઊબકા આવે. અપચો થયો હોય તેમ લાગે. શ્વાસ બરોબર ના લેવાય, ગભરામણ થાય, દર્દીને ખૂબ પરસેવો થાય, નબળાઇ લાગે, શ્વાસ લેવામાં તકલીફ પડે, હૃદયના ધબકારા વધી જાય અથવા અનિયમિત થઇ જાય. આંખે અંધારા આવે જેને કારણે દર્દી ગભરાઇ જઇને બૂમો પાડે કે રડવા માંડે. દર્દીને ખૂબ નબળાઇ લાગે, દર્દી બેભાન પણ થઇ જાય, ખૂબ થાક લાગે, પગમાં દુખાવો થાય અને સોજો આવે. શરીરની ચામડી ફીકી પડી જાય. સ્ત્રીઓમાં હાર્ટ એટેક આવે ત્યારે તેમને છાતીમાં દુખાવો ના થાય પણ ડાબા ખભામાં અને પડખામાં દુખાવો થાય. આ ઉપરાંત પુરુષોમાં થાય છે તેવા ઉપર જણાવેલા લક્ષણો થોડા ઘણા પ્રમાણમાં થાય. તે સિવાય છાતીમાં બળતરા (હાર્ટ બર્ન) થાય, ખૂબ થાક લાગે, ભૂખ જતી રહે, વારે વારે ઉધરસ આવે.
શું કરશો ?
1. દર છ મહીને હાર્ટ સ્પેશ્યાલિસ્ટની પાસે તપાસ કરાવો અને તેમની સલાહ લઇ લોહીના રિપોર્ટ પણ કરાવો પછી તેમની સલાહ પ્રમાણે દવા લો. 2. વ્યવસ્થિત આયોજન કરીને કસરતનો તમને ગમતો એક કાર્યક્રમ શરૂ કરો. 3. તમારું વજન કાબૂમાં રાખો. આ માટે તમારા બોડી માસ ઇંડેક્સ 25 થી વધવા ના દેશો. 4. માનસિક તનાવ ઓછો કરો. 4 સિગારેટ અને દારૂ પીવાનો તાત્કાલિક બંધ કરો. 5 બ્લડ પ્રેશર અને ડાયાબિટીસને કાબૂમાં રાખવા કસરત કરો, ગળ્યા પદાર્થો ખાવાના ઓછા કરો.
12. સ્ટ્રોક (બ્રેઇન એટેક) :
સ્ટ્રોક એટલે બ્રેઇન એટેક. જ્યારે મગજના અગણિત કોષ ન્યુરોનને લોહી મગજમાં રહેલી લોહીની નળીઓ મારફતે લોહી મળતું બંધ થઇ જાય કે નિયમિત મળવામાં કોઇ કોઇ વાર અટકી જાય તેને 'બ્રેઇન એટેક' કહેવાય જેને પરિણામે લકવો (હેમિપ્લેજિયા) થાય. આ એક પ્રકારની મેડિકલ ઈમરજન્સી કહેવાય જેની સારવારમાં થોડી પણ વાર થાય તો ભયાનક પરિણામ આવે એટલે કે દર્દીને લકવો થાય અને આખી જીંદગી હેરાન થાય કે કોઇક વાર મૃત્યુ પણ થાય.
શું કરશો ?
1. તંદુરસ્ત ખોરાક એટલે લીલા શાકભાજી, તાજા ફળો, ઓછી ચરબી, ઓછું ગળપણ, ઓછું મીઠું અને પ્રમાણસર જેટલી જરૂરત હોય તેટલો ખોરાક લો. 2. વજન કાબુમાં રાખો એટલે બોડી માસ ઇંડેક્ષ 25 કે 25 થી નીચે રાખો. 3. નિયમિત ગમતી કસરત 40 મિનિટ કરો. 4. સિગારેટ અને દારૂ પીવાનું બંધ કરો. 5. બ્લડ પ્રેશર 120/80 રાખો. 2. સ્ટ્રોકનો એટેક આવ્યા પછી રિહેબિલીટેશન જરૂરી છે. તે માટે એક્ષપર્ટ ફિઝીઓથેરાપિસ્ટની સલાહ લઇને એ. સ્પીચ થેરેપિ બી. ફિઝિકલ થેરેપિ અને 3. ઓક્યુપેશનલ થેરેપિની સારવાર લો.