Get The App

ભારતનાં જંગલોમાં ફરી ચિત્તા દોડતાં થશે?

Updated: Feb 16th, 2020

GS TEAM

Google News
Google News
ભારતનાં જંગલોમાં ફરી ચિત્તા દોડતાં થશે? 1 - image

સમયાંતર- લલિત ખંભાયતા

સુપ્રીમની મંજૂરી પછી સરકાર હવે ચિત્તાને વસાવી શકાય એ માટે યોગ્ય જંગલ શોધી રહી છે. પણ જો પહેલેથી ધ્યાન રાખ્યું હોત તો ચિત્તા ગુમાવાનો વખત જ ન આવત..

વર્ષ 1947, 

મહારાજાનો કાફલો જંગલ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. નજીકમાં આવેલાં રામગઢ ગામના થોડા-ઘણા દીવા બળતા હતા. બીજા દીવા આકાશમાં તારલિયાં સ્વરૂપે પ્રગટવાની તૈયારીમાં હતાં. 'નામદાર, જંગલમાં કોઈ પ્રાણી હોવાનું જણાય છે...' કાફલામાંથી કોઈએ ખબર આપ્યાં એ સાથે જ શિકાર શોખીન મહારાજાનો હાથ બાજુમાં પડેલી જોટાળી તરફ ગયો. શિકારનું ઠામ-ઠેકાણું તો માણસોએ શોધી જ રાખ્યું હતું. મહારાજા આવ્યા અને આથમતી સંધ્યા આથમે એ પહેલાં જ એક પછી એક ભડાકા કર્યા.. માળામાં ગોઠવાઈ રહેેલા પંખીડા ડરના માર્યા ઊડી ગયાં, આસપાસના સજીવો બીકના માર્યા ભાગી ગયાં.. ઘાસ વચ્ચેથી થોડી વાર ઊંહકારા સંભળાયા અને પછી એ પણ શાંત થયા.

એ શાંતિ સાથે ભારતમાં હજારો વર્ષથી ચાલ્યો આવતો ચિત્તાનો અવાજ પણ શાંત થયો. કેમ કે રાજાએ શિકાર કર્યો એ ભારતમાં નોંધાયેલા છેલ્લાં 3 ચિત્તા હતાં. હજુ તો જુવાનીમાં પ્રવેશી રહ્યાં હતા ત્યાં પ્રજાપાલક રાજાએ તેમને ઠાર કર્યા.

રજવાડું (આજે છત્તીશગઢમાં આવેલું) સરગુજાનું હતું અને રાજવીનું નામ રામાનુજ પ્રતાપ સિંહ. એ શિકાર સાથે રામાનુજનું નામ ઇતિહાસમાં દર્જ થયું, કારણ કે હજારો વર્ષથી ભારતવર્ષની ભૂમિ પર ધમધમાટી બોલવતા ચિત્તાનો કાયમી ધોરણે ખાત્મો થયો હતો. ધારો કે ત્યારે શિકાર ન કર્યો હોત તો પણ રામાનુજનું નામ શિકાર-સમ્રાટ તરીકે ઇતિહાસમાં લખાવાનું જ હતું. કેમ કે તેમના નામે સૌથી વધુ વાઘનો શિકાર કરવાનો રેકોર્ડ છે. સૌથી વધુ એટલે કેટલા? રામાનુજે પોતે એકરાર કરેલો આંકડો 1,150નો છે, બાકી તો દાવો છેક 1700 ઉપર સુધી પહોંચે છે! એકલા રામાનુજ શા માટે બીજા કેટલાંક રાજવીઓ પણ ચિત્તાના શિકારનાં શોખીન હતા. જેમ કે કોલ્હાપુરનાં મહારાજાએ તો 1937માં આફ્રિકાથી 10,000 પાઉન્ડના ખર્ચે શિકારાર્થે ચિત્તા આયાત કર્યા હતા!

***

પછીનાં પાંચ વર્ષ સુધી ઓડિશા, આંધ્રપ્રદેશ.. અને અન્ય કેટલાક વિસ્તારોમાં ચિત્તા જોવા મળ્યાનાં દાવા થતા રહ્યાં પણ ઠોસ પુરાવા ક્યારેય મળ્યા નહીં. માટે સરકારે 1952માં ચિત્તા ભારતમાંથી નષ્ટ થયાનું જાહેર કર્યું. ભારતમાંથી નષ્ટ જાહેર કરેલા પ્રાણીઓની સંખ્યા બહુ ઓછી છે. જયરામ રમેશ પર્યાવરણમંત્રી હતા ત્યારે ત્યાં સુધી કહ્યું હતુ કે  છેલ્લા હજાર વર્ષમાં ભારતમાંથી સંપૂર્ણપણે નષ્ટ થયેલું કોઈ મોટા કદનું પ્રાણી હોય તો એ ચિત્તા છે. બીજા પ્રાણીઓની સંખ્યા ઘટી છે, પરંતુ ચિત્તાની માફક સાવ સ્કોર શૂન્ય સુધી નથી પહોંચ્યો. જ્યાં ચિત્તાનો શિકાર થયો એ છત્તીશગઢ-મધ્યપ્રદેશની સરહદે આવેલો વિસ્તાર આજે 'ગુરુ ઘાસિદાસ નેશનલ પાર્ક' નામે ઓળખાય છે. રાજાના પરિવારજનોના દાવા પ્રમાણે અને અમુક ઐતિહાસિક લખાણો મુજબ ચિત્તો આદમખોર હતો એટલે તેને મારી નખાયો હતો. એ વાતમાં કોઈ દમ નથી કેમ કે ચિત્તા 3 હતા, જે તસવીરમાં જ દેખાય છે. વળી એ બાળ ચિત્તા હતા, આદમખોર બનવાની હજુ એમની ઉંમર ન હતી.

***

હવે સુપ્રીમ કોર્ટે સરકારને મંજૂરી આપી છે કે વસવાટ યોગ્ય જંગલ મળે તો ભારતમાં ચિત્તાને ફરીથી લાવી શકો છો. 2013માં કોર્ટે ચિત્તાને ભારતમાં વસાવાની અરજી રદ કરી દીધી હતી. કારણ એવુ આપ્યુ હતું કે કોઈ પરદેશી સજીવને દેશમાં વસાવવા અંગેનો વૈજ્ઞાનિક અભ્યાસ થયો નથી. એ પછી ફરી અરજીઓ થતી રહી. એમાં વળી કોઈએ ધ્યાન દોર્યું કે ચિત્તા ભારતમાં પરદેશી પ્રજાતિ નથી, ભારતમાં હતા જ. ભારતમાં હતા એ 'એશિયાટિક ચિત્તા (જેમ એશિયાટિક લાયન છે એમ)', જ્યારે હવે આફ્રિકામાં મોટી વસતી છે એ 'આફ્રિકી ચિત્તા' છે. એશિયાટિક ચિત્તા સાવ ખતમ નથી થયા, ઈરાનમાં ચાલીસેક જેટલા છે. માટે ભારતે ઇરાન પાસેથી ચિત્તાની ડિમાન્ડ કરી હતી. પરંતુ વસતી પાંખી હોવાથી ઈરાને ના પાડી દીધી. એ પછી ભારતે આફ્રિકન દેશ નામિબિયાનો સંપર્ક સાધ્યો અને એ દેશે 2011માં આપવાની તૈયારી પણ દાખવી હતી. હવે ફરીથી નામિબિયાની નાડ તપાસવી પડે. એ નાનકડો દેશ ના પાડીને ભારત સાથે સંબંધ ન બગાડે, વળી ત્યાં વસતી પણ સાડા ત્રણ હજાર જેવી છે.

ભારતમાં 1970થી વારંવાર ચિત્તાને ફરીથી વસાવવાના પ્રસ્તાવો રજૂ થતા રહ્યા છે. સરકાર તૈયાર થાય તો સુપ્રીમ કોર્ટ પ્રસ્તાવ અટકાવે અને સુપ્રીમ હા પાડે તો વળી વૈજ્ઞાનિક દૃષ્ટિએ અચડણ આવે. એ બધુ ઓકે થાય તો પણ ચિત્તાને ક્યાં રાખવા એ સમસ્યા તો છે જ! જગતમાં ચિત્તાનો વિચરણ વિસ્તાર સદી પહેલા હતો એ ઘટીને માંડ 8-9 ટકા જેટલો રહ્યો છે. હવે મોટા ભાગની વસતી આફ્રિકાના ૬ દેશોમાં છે. એમાંય ઝિમ્બાબ્વેમાં બે દાયકા પહેલા 1,200 ચિત્તા હતા, આજે પોણા બસ્સો જેટલા જ છે.

વાઘ-દીપડા-સિંહની માફક 'બિલાડ કુળ (કેટ ફેમિલી)'ના હોવા છતાં ચિત્તા આ શિકારીઓ જેવા આક્રમક નથી. માણસ પર હુમલો કરવાની ઘટના તો ભાગ્યે જ બને. ચિત્તાનું શરીર નાનું, વજન ઓછું, તાકાત પણ ઓછી.. એટલે માણસ તો શું ઝેબ્રા જેવા પ્રાણીનો શિકાર કરવામાં પણ તેને ભારે જહેમત લેવી પડે. શિકારની દૃષ્ટિએ તેનો પ્લસ પોઈન્ટ તેની અસાધારણ ઝડપ છે. બીજો પ્લસ પોઈન્ટ સુંદર દેખાવ છે. એટલે કોઈ જંગલમાં ચિત્તા દાખલ થાય તો માણસોને તેનાથી ખતરો નથી. પરંતુ બીજા દરેક પ્રાણીને માણસોથી ખતરો છે, એમ ચિત્તાને પણ છે.

કદ નાનું હોવા છતાં ચિત્તાને ઘણી જમીન જોઈએ. જ્યારે જંગલો સંકોચાઈ રહ્યા છે. એટલે અન્ય પ્રાણીઓ કે મનુષ્યો સાથેના સંઘર્ષમાં ચિત્તા મૃત્યુ પામે છે. ટાન્ઝાનિયામાં આવેલા 15 હજાર ચોરસ કિલોમીટરના 'સેેરેંગટી નેશનલ પાર્ક'માં ચિત્તા છે. એ રીતે દક્ષિણ આફ્રિકાના 'ક્રૂગર પાર્ક'માં ચિત્તા છે અને ક્રૂગરનો વિસ્તાર 19 હજાર ચોરસ કિલોમીટર કરતાં પણ વધારે છે. તેની સામે ભારતમાં જ્યાં ચિત્તાને લઈ આવવાના છે એ બધા વિસ્તારો નાના છે. ઈનફેક્ટ આફ્રિકા જેવડા મેદાની જંગલો ભારતમાં છે જ નહીં. 


ભારતનાં જંગલોમાં ફરી ચિત્તા દોડતાં થશે? 2 - image

(શરગુજાના રાજા રામાનુજે ભારતનાં છેલ્લા 3 ચિત્તાની કેવી અવદશા કરી એ અહીં જૂઓ..)


***

ભારતમાં ચિત્તા હતા એ ભારતીય જ હતા કે કેમ એ વળી ચર્ચાસ્પદ વિષય છે. કેમ કે શિકાર શોખીન મોગલો ભારત તરફ આવ્યા, ભારતમાં અડિંગો જમાવ્યો એ પછી ઇરાનથી ચિત્તા લઈ આવ્યા હતા. રાજા-મહારાજા પાસે ઘોડાની ફોજ હોય એમ અકબર પાસે તો હજારેક ચિત્તાની ફોજ હતી, જેથી શિકાર શોખ પૂરો કરવામાં કોઈ કમી ન રહે. સદી પહેલા એશિયા અને આફ્રિકામાં એકાદ લાખથી વધારે ચિત્તા હતા. હવે સાત હજાર બાકી રહ્યાં છે અને ભારતમાં તો એકેય નથી, સિવાય કે પ્રાણી સંગ્રહાલયોમાં કેદ હોય! 

ચિત્તા ભારતમાં રહી શકે એવુ સાબિત કરવા માટે 2009માં ચાર ચિત્તા સિંગાપોરથી લાવવામાં આવ્યા હતા. આફ્રિકાના સેંકડો કિલોમીટરમાં ફેલાયેલા મેદાનોમાં દોડવા ટેવાયેલાં એ ચિત્તાને જૂનાગઢના સક્કરબાગના નાનકડાં પાંજરામાં પૂરી દેવાયાં. વાતાવરણ માફક ન આવ્યું એટલે પાંચ વર્ષમાં તો એ બધા ચિત્તા મૃત્યુ પામ્યા.

તો પણ સાવ નિરાશ થઈ શકાય એમ નથી. કેમ કે આફ્રિકાના દેશ માલાવિમાં બે-સવા બે દાયકા પહેલા બધા ચિત્તા ખતમ થઈ ગયા હતા. પરંતુ 2017માં ત્યાં ચિત્તાને ફરી વસાવવામાં આવ્યા. અઢી-ત્રણ વર્ષ પછી હવે તેના સારા પરિણામો જોવા મળી રહ્યા છે. ચિત્તા જંગલમાં ટકી શક્યા અને બચ્ચાંને જન્મ પણ આપ્યો. એટલા ભારતના કેસ પર સાવ ચોકડી લાગી શકે એમ નથી.

બીજી તરફ વન્યજીવ નિષ્ણાતો એ સવાલ પણ કરી રહ્યા છે કે ભારતમાં જ છે એ પ્રાણી-પક્ષીઓને સાચવવામાં સરકાર પૂરતું ધ્યાન આપી શકતી નથી. જેમ કે કચ્છ-રાજસ્થાનમાં જોવા મળતાં 'ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)'ની સંખ્યા ઘટી રહી છે. એમાં પણ નર ઘોરાડ તો છે જ એક જ છે. એ પણ ક્યાં છે, તેની વનખાતાને ખબર નથી. આવા તો ઘણા સજીવો છે, જે સરકારની બેદરકારીનો ભોગ બની રહ્યાં છે. તો પછી ચિત્તા ક્યાંથી સાચવાશે?


ભારતનાં જંગલોમાં ફરી ચિત્તા દોડતાં થશે? 3 - image

(વડોદરા, ભાવનગર જેવા રજવાડાંમાં ચિત્તેવાનીની કળા પ્રચલિત હતી. પાળેલા ચિત્તાને જંગલમાં હરણ જેવા પ્રાણી પર છોડવામાં આવતા હતા. આ તસવીર 1890ની છે, જેમાં દેવગઢ બારિયાના જંગલોમાં ગાયકવાડના ચિત્તેવાનો આદેશની રાહ જોઇને ઉભા છે.)


***

ભારતમાં કામ કરી ચૂકેલા અંગ્રેજ કર્નલ હાર્ડીએ પોતાના પુસ્તક 'અવર હોર્સિસ'માં 1878નો એક પ્રસંગ લખ્યો છે : 'મારા પગી (ટ્રેકર)એ આવીને માહિતી આપી કે સાહેબ સાત કિલોમીટર દૂર તમારે શિકાર કરવા જેવો વાઘ છે, ચાલો. હું બંદૂક લઈને બહાર નીકળ્યો. થોડે આગળ ચાલ્યો ત્યાં ચિત્તા નજરે પડયા. મેં એક પછી એક છ ચિત્તાનો શિકાર કર્યો. એટલે પગીએ કહ્યું કે સાહેબ તમે ચિત્તા પાછળ શા માટે કાર્તૂસ બગાડો છો? એને તો અમે જ ખતમ કરી દઈશું.'

થયું પણ એવુ જ. ભારતીયોએ જ પોતાના ચિત્તા ખતમ કરી દીધા. એટલે હવે ભારતને ચિત્તા સાથે આજે સબંધ હોય તો એટલો જ કે ચિત્તો શબ્દ મૂળ સંસ્કૃત 'ચિત્રકા'માંથી આવ્યો છે.

ભારતમાં ચિત્તા ક્યાં-ક્યાં વસાવી શકાય?

કુનો-પાલપુર (મધ્યપ્રદેશ)

ગીરના સિંહની રાહ જોતો આ વન પ્રદેશ વાઘ-દીપડા ધરાવે છે અને ચિત્તા માટે યોગ્ય ગણાય છે.

નૌરાદેહી (મધ્યપ્રદેશ)

બારસો ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ જંગલ બે ડઝન ચિત્તા સમાવી શકે એમ છે. ભારતમાં ચિત્તા હતા ત્યારે આ પંથકમાં પણ હતા. 

મોયાર (તમિલનાડુ)

મોયાર નદીના ખીણ વિસ્તારમાં અંગ્રેજોએ ચિત્તાના શિકાર કર્યાના દાખલા નોંધાયા છે. અહીંનું જંગલ જરા વધારે ગાઢ છે જે માઈનસ પોઈન્ટ ગણી શકાય.

તાલ છાપર (રાજસ્થાન)

આ જંગલ ઇરાન કે આફ્રિકાની યાદ અપાવે એવુ સુક્કું અને ઘાસિયા મેદાન ધરાવતું વન છે. પરંતુ વિસ્તાર એક ચિત્તો રહી શકે એવડોય નથી.

શાહગઢ (રાજસ્થાન)

જેસલમેર પાસેનો આ વિસ્તાર ખૂબ મોટો છે અને સાવ ખાલી છે. કાળિયાર જેવા હરણનો વસવાટ છે, જે ચિત્તા માટે ઉપયોગી છે. 

વેળાવદર (ગુજરાત)

ભાવનગર પાસેના આ જંગલમાં એક સમયે ભાવનગરના રાજવીઓ પાળેલા ચિત્તાને જંગલી જીવો પર છૂટ્ટા મુકી શિકાર કરાવતા હતા. 

ઝડપી ચિત્તામાં પણ સૌથી ઝડપી!
ચિત્તાની ઝડપ અંગે સંશોધકોમાં મતમતાંતર છે. 100 કિલોમીટરની ઝડપ હાંસલ કરી શકે, પરંતુ જંગલમાં રહેતા દરેક ચિત્તાની સ્પીડ માપી શકાતી નથી. જે ચિત્તાઓની સ્પીડ માપી શકાઈ એમાંથી સૌથી ઝડપી તો આફ્રિકાના મેદાનોને બદલે અમેરિકાના સિનસિનાટી શહેરના ઝૂમાં હતો. સારાહ નામની એ માદાની ઝડપ 2012માં મપાઈ ત્યારે કલાકના 98 કિલોમીટર નોંધાઈ હતી. માપણી વખતે સારાહે 100 મિટરનું અંતર 5.95 સેકન્ડમાં પુર્ણ કર્યુ હતું. બીજા કોઈ ચિત્તાની ઝડપ વધુ નોંધાય ત્યાં સુધી આ વિક્રમ ગણાશે. થોડા વર્ષો પહેલા અવસાન થયું ત્યારે સારાહને અંજલિ આપતા વન્યજીવ અભ્યાસુ સામયિક 'નેશનલ જ્યોગ્રાફિક'માં લખાયું હતું : 'એ દોટ મૂકે ત્યારે પોલકા ડોટેડ મિસાઈલ રવાના થઈ હોય એવુ લાગતું હતું'. 

Tags :