માઉન્ટ એવરેસ્ટ ! તને પરાજિત કર્યા વિના જંપીશ નહીં !
પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ
સામેની વ્યક્તિની આંખ જોઇને તાગ પામી જશો કે એ વ્યક્તિ જીવનથી, જગતથી કે એના વ્યવસાયથી થાકેલી અને ભાંગેલી છે કે પછી એનામાં જીવન અને કાર્ય પ્રત્યે અદમ્ય ઉત્સાહ રહેલો છે. થાકી ગયેલી આંખો એ આથમી ગયેલા વર્તમાનકાળનો જીવંત પુરાવો છે અને ઉત્સાહી આંખ એ ભવિષ્યના નવસર્જનની ઝંખનાનો સંકેત છે. જીવનમાં કે વ્યવહારમાં અથવા તો જગતનાં સઘળાં સ્થળોએ કેટલીક વ્યક્તિ એવી મળતી હોય છે કે જે જીવન કે કામથી વહેલી સવારે જ એટલું બધું થાકી ગઇ હોય છે કે એને એના કામમાં લેશમાત્ર રસ પડતો નથી. માંડ માંડ બેળે-બેળે કામ કરતો હોય, એ રીતે એ દબાયેલા અવાજે અને નિસ્તેજ ચહેરે તમારી સાથે તૂટતા અવાજે કે મંદ ગતિએ વાત કરશે.
નિઃસાસા એ કેટલીક વ્યક્તિઓનો સનાતન ઉચ્છ્વાસ હોય છે. એ જે કંઇ કામ કરતી હશે, તે અંગે નિઃસાસા નાખશે. કેટલાક કામથી આજીવન કંટાળેલાં હોય છે એટલે એ કોઇપણ કામ આવે તો સતત એને ખો આપવાની વેતરણમાં હોય છે. નસીબને લીધે કે ઈશ્વરની મરજીને કારણે લમણે હાથ મૂકીને પોતાના કામમાં માંડમાંડ ડગ ભરતાં લોકોને તમે જોયા હશે. આવી વ્યક્તિઓના ચહેરા પર કરચલી પડતી જાય છે, એનાથી વધુ એમના હૃદય-બુદ્ધિ પર કરચલીઓ પડતી જાય છે.
આ પ્રકારની વ્યક્તિઓ એક મહત્ત્વની બાબત ગુમાવી બેસે છે અને તે છે ઉત્સાહના કારણે પ્રગટતો આનંદ. કોઇ એક સ્ત્રી રસોઇ બનાવે અને 'નસીબ તે કેવું કે ચૂલો ફૂંકવો પડે છે.' એમ માને અને બીજી ભોજન બનાવીને રસોઇનો આનંદ માણનારી સ્ત્રી સમાન વાનગી બનાવે, તો પણ એના સ્વાદમાં આકાશ-જમીનનું અંતર હોય છે.
એવી જ રીતે કામ કરવા ખાતર કામ કરતા હોય અને જે કામ કરવાનું છે, તેમાં ઉત્સાહ દાખવતા હોય તો બનશે એવું કે પ્રથમ પ્રકારની વ્યક્તિ જલદી થાકી જશે નિરાશામાં ડૂબી જશે, જ્યારે બીજા પ્રકારની વ્યક્તિ કામ પરત્વેના પોતાના ઉત્સાહને વધુને વધુ આગળ ધપાવતો રહેશે. એનો આ ઉત્સાહ એને કાર્યની દિશામાં આગળ વધવાની પ્રેરણા આપશે.
1952માં એડમન્ડ હિલેરીએ એવરેસ્ટ આંબવાનો પ્રયાસ કર્યો, કિંતુ સાવ નિષ્ફળ ગયો, છતાં એનો ઉત્સાહ સહેજે ઓછો થયો નહોતો. પોતાના ઘરના દિવાનખંડની દિવાલ પર રાખેલા એવરેસ્ટના ચિત્રને જોઇને એણે કહ્યું,
'ઓહ માઉન્ટ એવરેસ્ટ ! તેં મને એક વાર પરાજિત કર્યો, પણ હવે તું જાણી લેજે કે હું તને પરાજિત કરવાનો છું. કારણ એટલું જ કે તારે વિકસવાનો હતો એટલો તું વિસ્તરી-વિકસી ચૂક્યો છું. જ્યારે હું ઉત્સાહથી સતત વધુ વિકસી રહ્યો છું.' અને 1952માં આવી નિષ્ફળતા મેળવનાર એડમન્ડ હિલેરીએ 1953ની 29મી મેએ 29028 ફૂટ ઊંચું એવરેસ્ટ શિખર સર કર્યું. એ હંમેશા કહેતો કે તમે તમારામાં સ્વપ્નોને બરાબર પકડી રાખશો, તો તમે તમારા સ્વપ્નાને સાચાં પાડી શકશો. આથી 'કથાસરિતસાગર'માં કાશ્મીરી બ્રાહ્મણ કવિ સોમદેવ કહે છે,
‘आपत्कारे च कष्टेडपति नोत्साहस्त्यपज्यते बद्धे।’
'આપત્તિ અને કષ્ટમાં પણ બુદ્ધિમાન પુરુષ ઉત્સાહ છોડતો નથી.'
સોમદેવની આ સૂક્તિનું સ્મરણ કરીશું, ત્યારે મનમાં આપોઆપ નેલ્સન મંડેલા યાદ આવે છે. આખોય માનવ ઇતિહાસ ફેંદી વળો તો પણ એના જેવો સ્વાતંત્ર્યપ્રેમી નહીં મળે કે જેણે કારાવાસની કાળી કોટડીમાં રહીને 28-28 વર્ષ સુધી આઝાદીનું આંદોલન ચલાવ્યું હોય. ગોરા સામ્રાજ્યવાદીઓની એ જાણીતી પદ્ધતિ હતી કે વ્યક્તિને કાળાપાણીની સજા કરીને એને શરીર અને મનથી ભાંગી નાખવો. નેલ્સન મંડેલાને નિર્જન રોબિન આયલેન્ડ ટાપુ પર રાખવામાં આવ્યા, ત્યારે એમણે મનોમન નિરધાર કર્યો કે જેલના નિયમોનું પાલન કરીને હું ગોરાઓની સત્તાનો સતત વિરોધ કરતો રહીશ. અને નેલ્સન મંડેલાએ પોતાની આ આગવી પદ્ધતિથી આઝાદી માટેનો પોતાનો ઉત્સાહ જાળવી રાખ્યો અને વિશ્વને અશ્વેત લોકોની વેદનાનો સતત સંકેત આપ્યો.
આથી વ્યક્તિએ પોતાના તમામ કાર્યમાં પછી એ સર્જન હોય, ઉત્પાદન હોય કે સરકારી સંસ્થા યા સેવાભાવી સંસ્થાનું કામ હોય, તેમાં ઉત્સાહ દાખવવો જોઇએ. આ ઉત્સાહ જ એને સામાન્યમાંથી અસામાન્ય બનાવે છે. આ ઉત્સાહ જ એને સહુનો માનીતો બનાવે છે અને આ ઉત્સાહ જ એનામાં સ્વયં જીવનબળ રેડે છે. બૌદ્ધિક નિરુત્સાહથી કામને માંડી વાળતી વ્યક્તિને બદલે ભૂલો કરતી હોવા છતાં ઉત્સાહથી કામ કરતી વ્યક્તિ વધુ સારી ગણાય.
આનું કારણ એ છે કે ઉત્સાહ એના કામમાં એક નવો રંગ લાવે છે. એને માટે એ કામ આનંદનો ઉત્સવ બને છે અને કર્મયોગીનો શક્તિમંત્ર બને છે. આવા ઉત્સાહને પરિણામે એના જીવનનો ઉત્તરોત્તર વિકાસ થાય છે. નિરુત્સાહી વ્યક્તિને સઘળે નિષેધ દેખાય છે, 'આ મારાથી નહીં થઇ શકે' એમ વિચારે છે અથવા તો 'આવું કરવાનો કશો અર્થ નથી' એમ વિચારે છે જ્યારે ઉત્સાહનું જોશ ધરાવતી વ્યક્તિ એના કાર્યમાં એક નવું બળ અને નવું જોમ પૂરે છે, એમર્સન જેવા ચિંતક તો કહે છે કે ઉત્સાહ વિના કોઇ મહાન ઉપલબ્ધિ થતી નથી.
સર્જક સર્જન કરે કે વૈજ્ઞાનિક સંશોધન કરે, એની પાછળ જો એનો ઉત્સાહ ન હોય તો એ સર્જન કે સંશોધન કરી શકતો નથી. બલ્કે, ઉત્સાહ હોય તો જ એ સીમાચિહ્નરૂપ સર્જન કે સંશોધન કરી શકે છે. 'જોસ્સા'થી સર્જન કરનાર 'ઉત્સાહમૂર્તિ' નર્મદે 1858ની 23મી નવેમ્બરે સાંજે નિશાળેથી આવી, ઇષ્ટદેવતા કલમની સામે માથું નમાવીને કલમને આધારે જીવવાનું નક્કી કર્યું હતું. 24-24 વર્ષ સુધી આ અસિધારા વ્રત એણે પાળ્યું. અપાર માનસિક વિટંબમણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તો પણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતા હસતા જીવન ગાળનાર અને સાહિત્યસર્જન કરનાર નર્મદની તિતિક્ષાનું સ્મરણ થાય છે.
મુંબઇમાં ધીકતી વકીલાત ચાલતી હોય તથા કચ્છ અને જૂનાગઢ જેવાં રાજ્ઓની દીવાનગીરી મળતી હોય, તેમ છતાં 43મા વર્ષે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઇને આર્થિક સંકડામણ વચ્ચે પણ ગોવર્ધનરામ ત્રિપાઠી નિવૃત્તિ લઇને નડિયાદમાં આવીને 'સરસ્વતીચંદ્ર' મહાનવલનું સર્જન કરે છે. માંદગીની પરંપરા ખર્ચના ખાડામાં ઉતારતી હોવા છતાં 'દુઃખને પરમશક્તિની ઇચ્છા પ્રસાદી' ગણે છે અને ઉત્સાહથી કર્તવ્યને તેનો છેવટનો આદેશ ગણીને અંત સુધી વળગી રહે છે.
વિશ્વના લાંબા અંતરના સૌથી મહાન દોડવીર તરીકે ખ્યાતિ પામેલા અને 1952ની હેલસિન્કી ઑલિમ્પિકમાં પાંચ હજાર મીટર, દસ હજાર મીટર અને મેરેથોન દોડ - એમ ત્રણેય લાંબા અંતરની દોડમાં વિજય હાંસલ કરીને સુવર્ણચંદ્રક મેળવનાર એમિલ ઝેટોપેકે એ સમયે ત્રણેય સ્પર્ધામાં ઑલિમ્પિક રેકોર્ડ તોડયો હતો. એક જ ઑલિમ્પિકમાં લાંબી દોડના ત્રણ વિક્રમ સર્જનાર તરીકે નામના મેળવનાર એમિલ ઝેટોપેકે કહ્યું, 'દોડવીરે ખિસ્સામાં પૈસા સાથે દોડવું જોઇએ નહીં, પરંતુ એણે હૃદયમાં આશા અને મનમાં સ્વપ્નાં સાથે દોડવું જોઇએ.'
આવો ઉત્સાહ ભારતના મહાન નિશાનબાજ અભિનવ બિંદ્રામાં હતો. એની પાસે ખેલાડીને માટે યોગ્ય સુદ્રઢ શરીર નહોતું, મજબૂત તાકાત નહોતા, ખેલની નૈસર્ગિક પ્રતિભા નહોતી, તેમ છતાં રોજેરોજ ઉત્સાહથી સખત મહેનત કરીને એણે શૂટિંગમાં ભારતને ઑલિમ્પિક સુવર્ણચંદ્રક અપાવ્યો.
આનું કારણ એટલું કે ઉત્સાહ વ્યક્તિમાં લક્ષ્યની એકનિષ્ઠા, ચિત્તનો ઉલ્લાસ અને સાહજિક પ્રેમ જગાડે છે. આથી તમે જગતને પલટાવનારા મહાન સર્જનો, સંશોધનો, બનાવો કે આંદોલનોને જોશો, તો તમને ખ્યાલ આવશે કે એ બધાના મૂળમાં અખંડ ઉત્સાહ રહેલો છે.
ક્ષણનો સાક્ષાત્કાર
ધીમા કલકલ નાદે વહેતા ઝરણાના સાહજિક પ્રવાહના જેવી વિભૂતિઓ અને સંતોની વાણી હોય છે ! વેદોની ઋચા હોય, ભગવાન બુદ્ધનું પ્રવચન હોય, પ્રભુ મહાવીરની વાણી હોય કે ઇશુ ખ્રિસ્તનો ઉપદેશ હોય, એને સરળતાથી સહુ કોઇ સમજી શકે છે. એમાં વિદ્વત્તાની કે તત્ત્વની જાણકારીની ઝાઝી અપેક્ષા હોતી નથી. વળી એ વાણીમાં શબ્દોનાં સાથિયા પૂરવામાં આવ્યા હોતા નથી. ભાષાની ભભકભરી છટા એમાં મળતી નથી. શૈલીની અવનવી કરામતો એમાં હોતી નથી. ઉપમાઓનો ખડકો કે અલંકારોનો બોજ તો ક્યાંય દીઠો જડતો નથી. નરસિંહની કવિતા, મીરાંનું પદ, ઋષિ વાલ્મીકિ કે સંત તુલસીદાસનું રામાયણ અથવા તો ભક્ત સૂરદાસ કે યોગી આનંદધનનાં પદ વાંચો અને તે હૈયાંને સોંસરા ઊતરી જશે.
એમાં પડેલું હોય છે ગહન અધ્યાત્મ, એમાં રહેલી હોય છે સૂક્ષ્મ તત્ત્વદ્રષ્ટિ, પરંતુ એ અધ્યાત્મને સાધક પ્રસન્ન ચિત્તે નિરાવરોધ એ તત્ત્વદ્રષ્ટિને પામી શકે છે. આ વાણી કે ઉપદેશની આસપાસ કોઇ આવરણ હોતું નથી. એમાં તો ભીતરનો સૂર અને કાલાતીત સત્ય પ્રગટ થયેલું હોય છે અને એથી જ તે સર્વજન હૃદયસ્પર્શી બની રહે છે. પણ વિચિત્રતા તો એ છે કે આવા ઉપદેશકોના ઉપદેશ અને આવા કવિઓની કવિતાને પાંડિત્યભરી રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. સરળતાને બદલે આડંબરને અપનાવીને ડોળભર્યું આલેખન કરવામાં આવે છે.
એ પંડિત એવી વાણી બોલશે કે જે શ્રોતાઓ સમજી શકે નહીં. એને વધુ ને વધુ કઠિન અને દુર્ગમ બનાવવા માટે એ અજાણ્યા અને અઘરા શબ્દો પસંદ કરશે, ક્યારેક તો પારિભાષિક શબ્દોની ભરમાર વરસાવીને શ્રોતા કે સાધકને માટે એ સરળ વાતને વધુ મુશ્કેલ બનાવશે. એથી ય આગળ વધીને એ એવી તર્કજાળ રચશે કે સામી વ્યક્તિ એમાં ગૂંચવાઇ જાય, કારણ એટલું જ કે એ જેટલી અઘરી વાણી બોલે, એટલો એ મોટો પંડિત ગણાય ! એને પ્રજા તરફથી પંડિતાઇનું સર્ટિફિકેટ મેળવવું હોય છે ! પણ આવી પંડિતાઇ એ પંડિતને કે એના શ્રોતાઓને ક્યારેય લાભદાયી કે ફળદાયી બનતી નથી !
મનઝરૂખો
એક હોટલની ઉત્કૃષ્ટ વ્યવસ્થા જોઇને માનવજીવનના સાફલ્ય વિશે ગ્રંથલેખન કરતા ડૉ. નોર્મન વિન્સેન્ટ પિલ અતિ પ્રસન્ન થઇ ગયા. યુરોપની કેટલીય હોટલોમાં એ રહી ચૂક્યા હતા, પણ એમણે ક્યાંય પ્રવાસી માટે આટલી ચીવટ કે એની જરૂરિયાતોની ચિંતા જોયાં નહોતાં. આ માટે અભિનંદન આપવા તેઓ આલીશાન હોટલના કરોડપતિ માલિક આલ્ફ્રેડ ક્રેબ પાસે પહોંચ્યા અને કહ્યું, 'તમે તમારી અઢળક સંપત્તિનો સાચે જ ઉત્તમ ઉપયોગ કર્યો છે.''
આલ્ફ્રેડ ક્રેબે કહ્યું, 'સાહેબ, હું બાળપણમાં એટલો બધો ગરીબ હતો કે અંધારિયા ભંડકિયામાં અમે જીવન ગુજારતા હતા. મારી નોકરીનો પ્રારંભ હોટલમાં કપ-રકાબી અને એઠાં વાસણો સાફ કરવાથી કર્યો. સોંપાયેલું કામ ચીવટથી કરવું એ મારો નિશ્ચય. પરિણામે માત્ર એક મહિનામાં મારા માલિકે મને 'પ્રમોશન' આપ્યું. વાસણો સાફ કરવાને બદલે એ વાસણો બરાબર સ્વચ્છ થયાં છે કે નહીં, એની દેખરેખની કામગીરી સોંપી. કામ સોએ સો ટકા સંતોષકારક ન થાય, તો હું બેચેન બની જતો અને તેથી જ આળસુ અને પ્રમાદી લોકો મારી પાસે ટકી શકતા નહોતા. આમ પ્રગતિ કરતાં કરતાં હોટલના મેનેજરના પદ સુધી પહોંચ્યો અને પછી થોડીઘણી મૂડી ભેગી થઇ એટલે આ સાહસ કર્યું.'
'એહ ! તમે તો ઘણું મોટું સાહસ કર્યું. થોડી મૂડીએ આવી આલીશાન હોટલ બંધાવવી, એ તો ઘણું મોટું સાહસ કહેવાય !'
'સાચી વાત ! પણ મેં મારા જેવા વ્યવસ્થિત, ચીવટવાળા અને મહેનતુ માણસોને તૈયાર કરવા માંડયા અને ઈશ્વરકૃપા, આપ જેવાની શુભેચ્છા અને મહેનતુ માણસોના સાથને કારણે હું એક પછી એક હોટલ મેળવતો ગયો અને વ્યવસાયમાં આગળ વધતો ગયો. આ બધાનું કારણ એક જ કે હું હંમેશાં મારી હોટલોમાં ગ્રાહકોને વધુ ને વધુ સુવિધા આપતી સગવડો મળી રહે તે માટે મૌલિક યોજનાઓ કરું છું અને સૌથી મોટી વાત તો એ કે નાનું હોય કે મોટું કામ હોય, પણ તરવરાટથી કરવામાં માનું છું. સાચું કહું તો મારા અંતરના આ તરવરાટે જ મને ઘણાં તોફાનો સામે પાર ઉતાર્યો છે અને એને કારણે જ આ સ્થિતિએ પહોંચ્યો છું.'