દૈવ જાણી શકાતું નથી, પણ એને અનુકૂળ કરી શકાય છે
સુભાષિત-સાર - કુલીનચંદ્ર પો. યાજ્ઞિક
દૈવ એટલે અજ્ઞાત તત્વ. અકસ્માત કે આપણા અજ્ઞાાનને કારણે આપણાથી અકળ રહે, પણ તેમાં જે નિષ્ફળતાનાં કારણો છૂપાયાં હોય, તે સંશોધનથી જાણી શકાય
(अनुष्टुभ् )
अधिष्ठानं तथा कर्ता करणं च पृथग्विधम्।
विविधाश्च पृथक्चेष्टा दैवं चैवात्र पञ्चमम्।
એક અપવાદ રૂપે આ શ્લોકના ચોથા ચરણના વિવરણમાં પૂર્તિ કરવાની જરૂર રહે છે, કારણ કે દૈવ અદીઠ, અગમ્ય અકળ રહે છે, પણ તેને અનુકૂળ કરી શકાય છે. તે કેવી રીતે, તે સમજવાથી સફળતાની શક્યતા વધે છે.
દૈવ આપણા કાબૂમાં નથી. પણ તેનો ફાળો પાંચમાં ભાગનો જ છે. બાકીનાં ચાર તત્વોમાં સુધારો કરવો માણસને આધીન છે. જમીન-મકાનમાં સુધારા અને સગવડ કરી શકાય, કર્તાને તાલીમ અને પ્રોત્સાહન આપી શકાય, સાધન વધારે શુદ્ધ અને ઝડપી બનાવી શકાય. અને પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનાવી શકાય. આમ ચારે તત્વો સુધરવાથી સફળતાની શક્યતા વધે. દૈવ પણ વધારે અનુકૂળ બને, તેનો નકારાત્મક ફાળો કમી થાય.
બીજું, દૈવ એટલે અજ્ઞાત તત્વ. અકસ્માત કે આપણા અજ્ઞાનને કારણે આપણાથી અકળ રહે, પણ તેમાં જે નિષ્ફળતાનાં કારણો છૂપાયાં હોય, તે સંશોધનથી જાણી શકાય. આમ થતાં નિષ્ફળતાનાં કારણો દૂર કરાતાં દૈવ વધારે સાનુકૂળ થાય. સફળતાનાં કારણો પણ સમજીને તેમનો વધુ લાભ લેવાય, તો સફળતાની તક પણ વધે, અને દૈવની માઠી અસર ન થાય.
વળી દૈવ એ પાંચમાં છેલ્લું તત્વ છે. માણસની જાણમાં અને કાબૂમાં અગાઉના ચાર તત્વો પાસે બરાબર કામ લીધા પછી જ દૈવનો વિચાર કરવાનો છે. શરૂઆતથી દૈવમાં આશા રાખીએ તો ભલે, પણ એના ઉપર ભરોસો રાખીને બેસી રહીએ તે ન ચાલે. ઇશ્વરની આરાધના- બંદગી કરીશું, પ્રસાદ-બલિદાન ધરાવીશું, નામ રટણ કરીશું, માત્ર તેટલાથી જ સિદ્ધિ નહી મળે. માળા- તસ્બી ફેરવવાથી મશીન આપોઆપ નહિ ચાલે. સબળ પુરૂષાર્થથી અગાઉનાં ચારે તત્વો સંભાળવાં, અને સફળતા માટે સજાગ રહેવું, તે કાર્યસિદ્ધિ માટે આવશ્યક છે.