વેલેન્ટીનાથી ક્રિસ્ટ્રીના : મહિલા અંતરીક્ષયાત્રાનાં રેકોર્ડસ....
ફયુચર સાયન્સ - કે.આર.ચૌધરી
આજથી ચાર દાયકા પહેલાં કોઇ મહિલાને અંતરીક્ષયાત્રા કરવી એ વાત સ્વપ્ન જેવી બની રહેતી હતી. અંતરીક્ષને પુરૂષોના જાગીર માનવામાં આવતી હતી. રશીયાએ પ્રથમ મહિલાને અંતરીક્ષમાં મોકલ્યા બાદ, બીજી મહિલાને અંતરીક્ષમાં મોકલવામાં નાસાને બે દાયકા એટલે 20 વર્ષ લાગ્યા હતાં.
સોવિયેત યુનીઅને વિશ્વની પ્રથમ મહિલા કોસ્મોનર તરીકે વેલેન્ટીના મેરેસ્કોવાને અંતરીક્ષમાં મોકલી તેના લગભગ 20 વર્ષ બાદ નાસાએ અમેરિકાની પ્રથમ મહિલા એસ્ટ્રોનટ સેલી કર્સ્ટેન રાઇડ 1983માં અંતરીક્ષમાં મોકલી હતી. અંતરીક્ષમાં જનારી સેલી રાઇડ ત્રીજી મહિલા હતાં.
આ પહેલાં સોવિયેત યુનીઅનની વેલેન્ટીના ટેરેસ્કોવ 1963માં અને સ્વાતલેના સ્વીત્સ્કીયા 1982માં અંતરીક્ષ સફર ખેડી હતી. 1978 સુધી નાસા મહિલાઓ પાસે અંતરીક્ષયાત્રી માટે અરજી પણ મંગાવી ન હતી.
આજે એજ નાસાની મહિલા એસ્ટ્રોનટ ક્રિસ્ટીના કોચે અંતરીક્ષમાં સૌથી લાંબો સમય રહેવાનો રેકોર્ડ બનાવ્યો છે. અંતરીક્ષમાં લાંબો સમય વિતાવનાર એસ્ટ્રોનટમાં ક્રિસ્ટીના કોચ સાતમા સ્થાને છે. આ રેકોર્ડ બ્રેક હિસ્ટ્રી સમયે મહિલા અંતરીક્ષ યાત્રીનાં ઈતિહાસ અને નાસાનાં ઈતિહાસમાં મહિલા અંતરીક્ષ યાત્રીનું સ્થાન ચકાસી લઇએ.
વેલેન્ટીના : 'ફર્સ્ટ લેડી ઓફ સ્પેસ'
અંતરીક્ષયાત્રાનો ઈતિહાસ ખોલીએ તો પ્રથમ પ્રકરણ યુનીયન ઓફ સોવીયેત સ્ટેટ ઓફ રશીયાની જાજરમાન શરૂઆત તમને નજરે પડે. પ્રથમ કુત્રીમ ઉપગ્રહ સ્પુટનીક સોવીયેત યુનીયને છોડયો. અંતરીક્ષમાં યુરી ગાગારીનને વિશ્વનાં પ્રથમ માનવી તરીકે તેમણે મોકલ્યો ત્યાર બાદ ઈતિહાસમાં નામ નોંધાવવા એક રશીયન મહિલા આગળ આવી જેનું નામ છે વેલેન્ટીના ટેરેસ્કોવા.
400 મહિલામાંથી અંતરીક્ષમાં જનાર પ્રથમ મહિલા બનવાનું બહુમાન ટેરેસ્કોવાને મળ્યું. સાથે બિરુદ મળ્યું છે ''ફર્સ્ટ લેડી ઓફ સ્પેસ''. વોસ્તોક 6 મિશન દ્વારા 16 જુન 1963માં પ્રથમવાર તેણે અંતરીક્ષ યાત્રા કરીને નવો ઇતિહાસ અને રેકોર્ડ કર્યો જેને કોઇ બદલી શકવાનું નથી.
અંતરીક્ષયાત્રા દરમ્યાન તેમણે વિજ્ઞાન અને બાયો-મેડિકલને લગતાં પ્રયોગો કર્યા હતાં. શરીર પર અંતરીક્ષ યાત્રાની શું અસર થાય છે તે જાણવાનો પ્રયત્ન કરનાર પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રી વેલેન્ટીના છે. તેણે અંતરીક્ષનાં ફોટોગ્રાફ લીધા તેમાં વાતાવરણમાં રહેલા એરોસ્પેસનાં અણુઓને પ્રથમવાર ઓળખી કાઢવામાં આવ્યા હતાં.
આ સમયમાં અંતરીક્ષયાનને પાયલોટ બની તેઓ ચલાવતા હતાં. વોસ્ટોક-5 યાન અને ટેરેસ્કોવાના યાન વોસ્તોક-6 ની ત્રણ માઇલ નજીકનાં અંતરેથી પસાર થયું ત્યારે વેલેન્ટીના એ વેલેરી બીકોવસ્કી સાથે રેડિયો સંપર્ક કરી વાત કરી હતી. કાપડની ફેકટરીમાં કામ કરનાર વેલેન્ટીનાની કોલ સાઇન 'સીગલ' હતી. સીગલનાં નામે તેની સાથે રેડિયો સંપર્ક થતો હતો. વાતાવરણમાં પાછા ફરતી વખતે એ સમયે 7000 ફુટની ઊંચાઇએ એન્ટ્રી કેપ્સ્યુલ છોડીને પેરેસ્યુટ દ્વારા અંતરીક્ષયાત્રીને લેન્ડીંગ કરવું પડયું હતું.
ટેરેસ્કોવાએ અંતરીક્ષયાત્રા સમાપ્ત કરી તેના બે દાયકા સુધી અંતરીક્ષમાં પુરૂષોનું આધિપત્ય જળવાઇ રહ્યું. ત્યારબાદ 1982 અને 1983માં અનુક્રમે સ્વેતલાના સાવીસ્ક્યા અને સેલી રાઇડ અંતરીક્ષમાં ગયા અને પુરૂષોની મોનોપોલીવાળા બીઝનેસમાં મહિલાઓની એન્ટ્રી થઇ અને નવો ઈતિહાસ પણ રચાવા લાગ્યો.
328 દિવસ : નવો રેકોર્ડ
ક્રિસ્ટીના કોચે કઝાકસ્તાનનાં ઝેકસ્કાજેન રણમાં સહપ્રવાસી લુકા પસ્મીટાના અને એલેકઝાન્ડર સ્કોર્ટસોવ લેન્ડીંગ કર્યું ત્યારે નાસાનાં ઈતિહાસમાં નવો રેકોર્ડ બન્યો. ક્રિસ્ટીના કોચે આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ મથક ISS ઉપર લાગલગાટ એક જ પ્રવાસમાં 328 દિવસ રોકાવાનો નવો રેકોર્ડ સ્થાપી દીધો.
2017માં નાસાની મેગી વ્હીટસને 289 દિવસ ISS પર રહેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. જેને ક્રિસ્ટ્રીના કોચે તોડીને, કોચ 328 દિવસ અંતરીક્ષમાં વિતાવી આવી છે. વ્હીટસન, કોચ માટે આદર્શ સમાન હતી. જે જુન 15, 2018નાં રોજ નાસાની ડયુટી પરથી રિટાયર્ડ થઇ હતી. ક્રિસ્ટીના કોચ તેના સાથી સાથે સોયુઝ કેપસ્યુલ દ્વારા રશિયામાં ઉતરી હતી. જ્યાંથી તે જર્મની ગઇ હતી અને ત્યાંથી હ્યુસ્ટન અમેરિકા જવા એ રવાના થઇ હતી.
ISSની અંતરીક્ષ સફરમાં તેણે પૃથ્વીની 5248 વાર પ્રદક્ષીણા કરી હતી. જેમાં અંદાજે 14 કરોડ માઇલની મુસાફરી કરી હતી. આ ચંદ્રને અડીને પાછા આવવાની 291 ટ્રીપ કરો એટલું આ અંતર થાય. ગયા ઓકટોબર મહીનામાં ક્રિસ્ટીના કોચે, વિશ્વની પ્રથમ 'ઓલ વુમન સ્પેસ વોક'નો નવો રેકોર્ડ જેસીકા મીર સાથે મળીને સ્થાપ્યો હતો. જેસીકા અને ક્રિસ્ટીના ISSની બહાર નિકળીને 18 કલાક સ્પેસ વોક કરી, યાનનું રીપેરીંગ કર્યું હતું.
ક્રિસ્ટીના કોચની અંતરીક્ષયાત્રીને નવો ડેટા આપશે, જેથી લાંબો સમય અંતરીક્ષમાં રહેવાથી મહિલાનાં શરીર ઉપર ગ્રેવીટી અને સ્પેસ રેડિયેશનની શું અસર થઇ છે એ વાત વૈજ્ઞાનિકોને જાણવા મળશે. જ્યારે ચંદ્ર ઉપર નાસા પરમેનેંટ બેઝ સ્થાપવાની વાત કરે છે ત્યારે આ સંશોધન નાસા માટે મહત્વનું સાબિત થશે.
1963માં સોવિયેત યુનીઅનની મહિલા કોસ્મોનટ વેલેન્ટીના ટેરેસ્કોવાએ સોલો મિશનમાં અંતરીક્ષમાં જનાર પ્રથમ મહિલા અંતરીક્ષયાત્રી તરીકેનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારબાદ મહિલાઓ અનેક રેકોર્ડ સર્જન કરતી આવી છે. 2014માં યેલેના સેરેવા 2014માં ISS ઉપર મહિલા એસ્ટ્રોનટ તરીકે ગઇ હતી. આજે બેઉ મહિલા રશીયાની પાર્લામેન્ટમાં ચૂંટાઇ દેશ સેવા કરી રહી છે.
નાસાનાં ઈતિહાસમાં ''મહિલાઓ''
અમેરિકાની 'નાસા', વિશ્વ માટે અંતરીક્ષ સંશોધનનો પર્યાય ગણાતી 'મોનોપોલી' ધરાવતી મોટી સંસ્થા માનવામાં આવે છે. 61 વર્ષના નાસાનાં ઈતિહાસમાં મહીલાઓનું મહત્વનું યોગદાન રહેલું છે. નાસાનાં ગોલ્ડન હિસ્ટરીમાં પોતાનું યોગદાન આપનાર મહત્વની મહીલાઓ ઉપર એક નજર નાખીએ તો... ક્રિટી ઓબ્રાયન વર્જીનીયા યુનીવર્સીટીમાંથી પાસ થનાર મહીલા ગ્રેજ્યુએટ એન્જીનીયર હતી. નાસાની પુર્વજ સંસ્થા (NACA) નેશનલ એડવાઈઝરી કમીટી ફોર એરોનોટીક્સમાં એન્જીનીયર તરીકે સેવા આપનાર પ્રથમ મહીલા પણ એજ હતી.
1971માં તે નાસામાંથી રિટાયર્ડ થઈ હતી. અમેરિકન પ્રથમ અંતરીક્ષ યાત્રી એલન સેફર્ડને અંતરીક્ષમાં મોકલવા માટે પ્રવાસ માર્ગ ટેજેકટરી નક્કી કરવાનું કામ કેથેરીન જ્હોનસને કર્યું હતું. જેને NACAમાં હયુમન કોમ્પ્યુટર ગણવામાં આવતું હતું. 1969માં એપોલો-11નો ફલાઈટ માર્ગ પણ એક મહીલા એટલે કે ખુદ કેથેરીન જ્હોનસને ગણી આપ્યો હતો. 2015 તેને પ્રેસીડિન મેડલ આપવામાં આવ્યો હતો.
ડોરોથી વોગીન કોમ્પ્યુટર લેગ્વેજ ફોરચ્યુનની જાણકાર અને ગણીતશાસ્ત્રી હતી. તેણે 1949 થી 1958 સુધી નાસાની પ્રથમ આફ્રીકન અમેરીકન મેનેજર તરીકે સેવા આપી હતી. તેની સાથે અન્ય બ્લેક મહીલા મેરી જેકસન કામ કરતી હતી. જેનું નામ છે મેરી જેકસન નાસાની પ્રથમ બ્લેક ફીમેલ એન્જીનીયર બની હતી. 20 વર્ષની કારકીર્દીમાં તેણે અનેક રીસર્ચ પેપર પ્રકાશીત કર્યા હતાં.
નાન્સી રોમન ''મધર ઓફ હબલ'' તરીકે જાણીતી છે. અંતરીક્ષમાં ટેલીસ્કોપ ગોઠવવાનું સ્વપ્ન નાન્સી રોમનનું હતું. જે હબલ ટેલીસ્કોપ દ્વારા પુરૂ થયું હતું. નાસાએ એના લી ફીશરને જણાવ્યું કે નાસા તેને અંતરીક્ષમાં મોકલવા માંગે છે ત્યારે તે ગર્ભવતી હતી. ફીશર 'ના' પાડવા માંગતી ન હતી. 'ડિસ્કવરી' દ્વારા 1984માં અંતરીક્ષમાં જનાર પ્રથમ 'મધર' એના ફીશર છે. 'ચેલેન્જર' અકસ્માત થયા બાદ તેણે રજા લઈને અંતરીક્ષયાત્રા છોડી દીધી હતી. 1996માં સ્ટેશન ચીફ તરીકે સેવા આપવા પાછી આવીને, 2017માં એના રિટાયર્ડ થઈ હતી. સેલી રાઈડનું સ્વપ્ન હતું કે તે પ્રોફેશનલ ટેનીસ પ્લેયર બને પરંતુ નસીબમાં કંઈક અલગ લખ્યું હતું. 1983માં અંતરીક્ષમાં જનાર અમેરિકન પ્રથમ મહીલા અંતરીક્ષયાત્રી તરીકે સેલી રાઈડનું નામ નોંધાઈ ગયું.
અંતરીક્ષમાં નાસાની 'ઉડાન'
1978માં પ્રથમવાર નાસાએ મહિલાઓને એસ્ટ્રોનટ કાર્યક્રમમાં સામેલ કરવાનું શરૂ કર્યું હતું. જેમાં સેલી રાઈટ અને જુડીવ આર્લેન રેસનીકનો સમાવેશ થતો હતો. એવું માનવામાં આવતું હતું કે સેલી રાઈડ અથવા જુડીવ રેસનીક, અંતરીક્ષમાં જનાર પ્રથમ અમેરીકન મહીલા બનશે. જે બહુમાન સેલી રાઈટનાં ફાળે ગયું અને રેસનીક 'સેકન્ડ વુમન' બનીને રહી ગઈ.
'ડિસ્કવરી' સ્પેસ શટલ દ્વારા 1984માં પ્રથમ વાર તેણે અંતરીક્ષ સફર ખેડી હતી. અંતરીક્ષમાં જઈને તેણે કેમેરા સામે 'હાય ડેડ' લખેલી સાઇન બોર્ડ બતાવી હતી. ટી.વી. કેમેરા સામે મુલાકાત આપતાં તેણે પ્રમુખ રોનાલ્ડ રિગન સાથે વાત પણ કરી હતી. અંતરીક્ષમાં જનારી પ્રથમ યહુદી મહિલા જુડીથ રેસનીક હતી.
ચેલેન્જર સ્પેસ શટલ માટે તેની મિશન સ્પેશ્યાલીસ્ટ તરીકે પસંદગી થઈ હતી. 'ચેલેન્જર'માં સાત અંતરીક્ષયાત્રી સફર ખેડતા હતા. 28 જાન્યુ. 1986નાં દિવસે 'ચેલેન્જર'નું રોકેટ ઉપર લોંચીગ થયાની થોડીક સેકન્ડોમાં જ ટીવી કેમેરા સામે, અંતરીક્ષમાં જતા પહેલાં જ વિસ્ફોટ સાથે 'ચેલેન્જર' તૂટી પડયું હતું. જેમાં જુડીથ રેસનીક સહીત અન્ય છ અંતરીક્ષયાત્રીનું અકાળે આકસ્મીક મૃત્યુ થયું હતું. આમ બીજી અમેરીકન અંતરીક્ષયાત્રીનાં જીવનનો કરૂણ અંજામ આવ્યો હતો.
ક્રિસ્ટ્રીના કોચે નાસાનાં ઈતિહાસમાં સૌથી લાંબી સીંગલ ફલાઈટમાં 328 દિવસ વિતાવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. 1965માં પ્રથમ સ્પેસ વોક કરવામાં આવી હતી. જ્યારે 1984માં કેથરીન સુલીવાને, અંતરીક્ષમાં સ્પેસ વોક કરવાનો અને સ્પેસવોક કરનારી પ્રથમ અમેરિકન મહિલા તરીકે નવો રેકોર્ડ કર્યો હતો. થોડા સમય પહેલાં ક્રિસ્ટ્રીના કોચ અને જેસીકા મીર બંનેએ સાથે મળીને વિશ્વની પ્રથમ સ્પેસ વોક કરનારી મહિલા જોડીનું બીરૂદ મેળવ્યું હતું.
આ સાહસની ક્ષણોમાં પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ બંને મહિલા સાથે વાત કરી હતી. બંને અંતરીક્ષયાત્રીની 2013ની બેચમાં ભરતી થઈ હતી. ડૉ. મીર મરીત બાયોલોજી અને ઓસનોગ્રાફીની નિષ્ણાંત છે. ક્રિસ્ટ્રીના ઈલેકટ્રીકલ એન્જીનીયર છે. સ્પેસ વોક માટે અંતરીક્ષયાત્રી 40 વર્ષ જુનો ડિઝાઈન થયેલ સ્પેસ સ્યુટ પહેર્યો હતો. નવા મુન મિશન 'આર્ટેમીસ' માટે નાસા નવો સ્પેસ સ્યુટી ડિઝાઈન કરી રહી છે.