મહાદેવનો 'શિવયોગ' સાધનારો યોગી અમૃતત્વને પ્રાપ્ત કરે છે!
અગોચર વિશ્વ - દેવેશ મહેતા
જેમણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, અમૃતત્વ મેળવી લીધું હોય તેમને 'મૃત્યંુજય' કહેવાય. દેવાધિદેવ મહાદેવ ભગવાન શ્રી શંકરને મૃત્યુંજય કહેવામાં આવે છે
'હસ્તાભ્યાં કલશદ્યયામૃતરસૈરાપ્લાવયનાં શિરો
દ્વાલ્યાં તૌ દધતં મૃગાક્ષવલયે દ્વાલ્યાં વહન્તં પરમ્ ।
અઙકન્યસ્ત કરદ્વયામૃતઘટં કૈલાસકાન્તં શિવં
સ્વચ્છામ્બોજગતં નવેન્દુમુકુટં દેવં ત્રિનેત્રં ભજે ।।
કૈલાસધામના અધિપતિ ત્ર્યમ્બક (ત્રિનેત્ર) ભગવાન શિવ અષ્ટભુજ છે. એમના એક હાથમાં અક્ષમાલી અને બીજા હાથમાં મૃગમુદ્રા છે. બે હાથથી બે કલશોમાં અમૃતરસ લઇને એનાથી પોતાના મસ્તક પર એનો અભિષેક કરી રહ્યા છે અને બે હાથથી એમને પકડી પણ રાખ્યા છે. બે હાથ એમણે પોતાના ખોળામાં રાખેલા છે અને એમાં અમૃત ભરેલા ઘડા છે. તે શ્વેત કમળ પર બિરાજમાન છે, લલાટ પર ત્રણ નયન શોભાયમાન છે, આવા દેવાધિદેવ કૈલાસપતિ ભગવાન શિવને હું ભજું છું.
જેમણે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો હોય, અમૃતત્વ મેળવી લીધું હોય તેમને 'મૃત્યંુજય' કહેવાય. દેવાધિદેવ મહાદેવ ભગવાન શ્રી શંકરને મૃત્યુંજય કહેવામાં આવે છે. માનવીનું આયુષ્ય પૂરું થઇ જાય છે ત્યારે એના શરીરમાંથી એના પ્રાણ નીકળી જાય છે એ વખતે એનું શરીર નિષ્ક્રિય થઈ જાય છે. એની અંદર ચેતના (Consciousness)નું કોઇ લક્ષણ દેખાતું નથી. એના સ્થૂળ શરીરથી એનું સૂક્ષ્મ શરીર, લિંગ શરીર છૂટું પડી જાય છે એ જ મૃત્યુ કહેવાય છે. મૃત્યુ પછી જીવ નવું શરીર ધારણ કરે છે.
આપણે દિવસ દરમિયાન કેટલાય લોકોને મળીએ છીએ અને અનેકવિધ કામ કરીએ છીએ પણ રાત્રે નિદ્રાધીન થયા બાદ એ બધું ભૂલી જઈએ છીએ. નિદ્રા એક રીતે નાના, ટૂંકા મૃત્યુ સમાન છે અને બીજા દિવસે થયેલું જાગરણ એ નવા જન્મ સમાન છે. છતાં બંને વચ્ચે મોટો ફરક છે. આપણે સવારે જાગીએ ત્યારે ગઇકાલે જે કર્યું હોય તેને સદંતર ભૂલી જતા નથી. થોડો પ્રયત્ન કરીએ તો એ બધું પાછું યાદ કરી શકીએ છીએ. જ્યારે મૃત્યુ પછી નવું શરીર ધારણ કરીએ છીએ ત્યારે પાછલા જન્મનું સમગ્ર જીવન યાદ કરી શકતા નથી. પણ યોગનિદ્રા જેવી કે અર્વાચીન મનોવિજ્ઞાનીઓ હિપ્નોટિક રીગ્રેસન જેવી પ્રક્રિયા કરે છે ત્યારે એને પણ યાદ કરી શકાય છે.
આ બાબત એ સિદ્ધ કરે છે કે મૃત્યુ પૂર્વજન્મના જ્ઞાનના સાતત્યને વિચ્છિન્ન કરી શકતું નથી. સ્થૂળ શરીરનું મૃત્યુ થવા છતાં સૂક્ષ્મ શરીરમાં સંસ્કારો, અનુભવો અને સ્મૃતિઓ જળવાઇ રહે છે. ઇચ્છા મૃત્યુ પામનારા બીજા જન્મમાં પણ 'જાતિ સ્મર' પામી લે છે. સંસારના બંધનથી મુક્ત થવા છતાં ઘણા મહાન સંતો કે યોગીઓ જીવોના કલ્યાણ માટે અનેક વાર શરીર ધારણ કરી જગતમાં આવાગમન કરે છે. તેમણે યોગ દ્વારા મૃત્યુ અને પ્રાણતત્ત્વ પર વિજય પ્રાપ્ત કરી લીધો હોય છે. મૃત્યુ એમને વશવર્તી રહે છે. એમને જ ધ્યાનમાં રાખીને તૈત્તિરીય આરણ્યકમાં કહેવાયું છે - 'યસ્તદ્વેદ યત આબભૂવ સન્ધામ્ય યાં સન્દધે બ્રહ્મણેષઃ । રમતે તસ્મિન્નુત જીર્ણે શયાને નૈનં જડીત્યહસ્સુ પૂર્વ્યેષુ ।।
એક પ્રકારનું અમૃતત્વ બીજું પણ છે. એમાં યોગી હમેશાં એક જ ભાવમાં રહે છે. તે નિત્ય, સર્વગત, જ્ઞાનમય અને આનંદમય ભાવે છે. જે યોગથી સદૈવ અલિપ્ત, અનાસક્ત, નિર્વિષય રહે છે તે આનંદમય અવસ્થામાં રહે છે. શિવજી યોગીઓના પણ યોગી છે. યોગીરાજ શંકર મૃત્યુંજય, અમર, અમૃતત્વના અધિપતિ છે. શિવજીના સ્વરૂપનું ધ્યાન કરતાં જે અમૃત કળશની વાત કરવામાં આવી છે તે એ જ વાતનો નિર્દેશ કરે છે કે શિવ યોગ કે તંત્રયોગ તમારા મસ્તિષ્ક પર અમૃતનો અભિષેક કરી નિત્ય આનંદની અનુભૂતિ કરાવશે. શિવ સદૈવ અમૃત રૂપ જ છે. તેમનો સાક્ષાત્કાર અમૃત પ્રદાન કરે છે.
'મધ્યે વિશુદ્ધસત્વમુભયતો રજસ્તમસી - મધ્યમાં વિશુદ્ધ સત્વ અને બાજુમાં રજોગુણ અને તમોગુણ તે જ બ્રહ્મ કે પરમાત્માનું વ્યાવહારિક કે જાગતિક રૂપ છે. જે લોકો રજોગુણ અને તમોગુણથી છૂટીને મધ્યમાં રહેલા વિશુદ્ધ સત્વનો પૂર્ણપણે આશ્રય કરે છે તે મૃત્યુના રાજ્યથી ત્રાણ પામી લે છે. દેહાદિ પ્રકૃતિના પરિવર્તન સાથે હું પણ પરિવર્તિત થઈ રહ્યો છું એ પ્રકારની અણસમજ જ અજ્ઞાન છે. પરિવર્તનનું નામ જ મૃત્યુ છે અને એનાથી વિપરીત જ્ઞાન એટલે કે પ્રકૃતિના પરિવર્તન સાથે મારું પરિવર્તન નથી થતું એ જ અમૃતત્વ છે. પરિવર્તનશીલ, મર્ત્ય સંસારમાં એક અપરિવર્તન શીવ, સ્થિર, અમર શિવ સ્વરૂપ આત્મતત્વ છે.
શિવલિંગ પર જળ કે દૂધનો અભિષેક કરાય છે. જળ કે દૂધનો પ્રવાહ અત્યંત સૂચક છે. પ્રવાહ, નદી, નાડી વગેરે શબ્દો સ્પંદન, ક્રિયા કે ગતિના વાચક છે. શિવજી એમના હસ્ત દ્વારા જે બે ધારાઓથી એમના મસ્તકને આપ્લાવિત કરે છે તે સ્થૂળ રીતે ગંગા-યમુનાનો પ્રવાહ અને સૂક્ષ્મ રીતે તમસ્ અને રજસ્ શક્તિઓનો તથા યૌગિક રીતે ઇડા અને પિંગલા નાડીઓની ઊર્જાઓનું સૂચન કરે છે. આ બે શક્તિઓ જ જગતનું, જાગતિક ક્રિયાઓનું કારણ છે. આ બે શક્તિઓ જ્યારે સામ્યાવસ્થામાં રહે છે, જ્યારે એમના ક્રિયાફળનો પૃથક્ રીતે અનુભવ નથી થતો ત્યારે પ્રકૃતિજ્ઞાન રૂપ 'સરસ્વતી'નો પ્રવાહ દ્રષ્ટિગોચર થાય છે. એને જ સુષુમ્ણા નાડીનો ભાવ કહેવામાં આવે છે. તે જ વિશુદ્ધ સત્વ છે.
શિવયોગથી એમના સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર શિવરૂપ બને છે. તે ઇડા-પિંગળાની ભાવ વધારાઓને સુષુમ્ણા સંબંધી શુદ્ધ સ્વરૂપ એવા મસ્તક પર રેડી એમને સામ્યાવસ્થા સંપન્ન કરે છે. પછી તે જગત સંબંધી મૃત્યુના તત્વનું અતિક્રમણ કરી અમૃતત્વની અનુભૂતિ કરી અમરતા પ્રદાન કરે છે. વેદો-ઉપનિષદો કહે છે - સિત (શુભ્ર, ગંગા) અને અસિત (કૃષ્ણા, યમુના) આ બે નદીઓ જ્યાં મળે છે ત્યાં સ્નાન કરનારા લોકો સ્વર્ગ કે દિવ્ય લોકમાં જાય છે જ્યાં તે અમર રહીને વસે છે. ત્રિવેણી સ્નાનનો આધ્યાત્મિક લાભ આ જ નિર્દેશ કરાયો છે :
'સિત્તાસિતૈ સરિતે યત્ર સઙગતે, તત્ર પ્લુતાસો દિવમુત્પતન્તિ ।
યે વૈ તત્વં વિસૃજન્તિ ધીરાસ્તે જનાસો અમૃતત્વં ભજન્તે ।।
મસ્તિષ્કથી ચૈતન્યશક્તિ (ઊર્જા)નું આવવું - જવું એ એક પ્રકારની ક્રીડા કે કેલિ છે. એ કેલિઓના સ્થાનને જ 'કૈલાસ' કહેવામાં આવે છે. કેલીનાં સમૂહઃ કેલમ્ 'તેન આસ્યતે અત્ર ઇતિ કૈલાસઃ । આ કૈલાસમાં શિવ નિવાસ કરે છે. શિવ સંસાર રોગને હરી, મૃત્યુને મિટાવી, અમૃત અભિષિક્ત કરી અમરતા આપે છે. યજુર્વેદસંહિતાના સોળમાં અધ્યાયના પાંચમા શ્લોકમાં કહેવાયું છે -
'અધ્યવોચદધિવકતા પ્રથમો દેવ્યો ભિષક્ ।
અહીં શ્ચસર્વાઞ્જમ્ભયન્ત્સર્વાશ્ચ યાતુધાન્યો। ધરાચીઃ પરાસુવ ।।
'હે રુદ્ર (શિવ) ! ધર્મોપદેશ કરનારા શ્રેષ્ઠ વકતા અને આદિ દિવ્ય ચિકિત્સક ! બધા રોગોનો નાશ કરીને અને નિમ્ન ગતિ પ્રાપ્ત કરાવનારા અસુરો (અધાર્મિક વાસનાઓ)નો નાશ કરી અમારું રક્ષણ કરો.' એટલે જ શિવજીની સ્તુતિ કરતાં કહેવાય છે - 'મૃત્યુંજય મહાદેવ ત્રાહિમાં શરણાગતમ્ । જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મબન્ધનૈઃ ।। હે મૃત્યુંજય, હે મહાદેવ, તમારા શરણે આવેલા મને જન્મ, મરણ, ઘડપણ, રોગ, પીડા અને કર્મના બંધનોમાંથી છોડાવી મારું રક્ષણ કરો.'