Get The App

કેજરીવાલનો નહીં, 'પોલિટિક્સ ઓફ વર્ક'નો વિજય !

Updated: Feb 16th, 2020

GS TEAM

Google News
Google News
કેજરીવાલનો નહીં, 'પોલિટિક્સ ઓફ વર્ક'નો વિજય ! 1 - image

હોરાઈઝન - ભવેન કચ્છી

દિલ્હીના મતદારો સમક્ષ કોમવાદનું ઝેર કામે ન લાગ્યું, મતદારો 'લિટમસ ટેસ્ટ'માં પાસ  

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી (આપ)એ ભાજપ અને કોંગ્રેસનો રકાસ સર્જતા જે રીતે  ઝાડુ ફેરવી દીધું એ પછી એક અંગ્રેજી અખબારે વેધક હેડિંગમાં એવો સુર વ્યક્ત કર્યો કે ભાજપની 'hate speech' સામે સતત ત્રીજી ટર્મ જીતતા કેજરીવાલની 'hat trick'. ભાજપે તેની ચુંટણીસભામાં મતદારોને ઉગ્રતાપૂર્વક અપીલ કરી હતી કે મતદાન કેન્દ્રમાં જઈને વોટિંગ મશીનનું બટન એટલું જોરથી દબાવજો કે કરંટ સીધો શાહીન બાગમાં બેસેલા CAA વિરોધી આંદોલનકારોને લાગે.

પરિણામ આવતા બધાએ જોયું કે ખરેખર જોરદાર કરંટ ભાજપને લાગ્યો છે. આથી જ કોલકાતાનાં દૈનિકે CURRENTJRIWAL' તેવું હેડીંગ આપ્યું. મતદારોના પાકટ અભિગમ સાથેના  ચુકાદાને દાદ આપતા  અંગ્રેજી શબ્દ જોડે ગમ્મત કરી Delhivered'.અને  'CAAtastophe' જેવા હેડીંગ પણ અપાયા.

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ સીધું મોદી પર જ નિશાન તાંકતા કોમેન્ટ કરી કે હવે 'જન કી બાત' ચાલશે 'મન કી બાત' નહીં. કેજરીવાલ અને રાજકીય વિવેચકોનાં મતે  દિલ્હીની જીત એ રાજકારણનો નવોદય છે. દિલ્હીએ દેશના નાગરીકો માટે એવું ઉદાહરણ પૂરું પાડયું છે કે હવે કામની રાજનીતિને આવકારો. ભાજપ પાસે કેજરીવાલની ટર્મ 2015થી શરુ થઇ હતી તે પછી પાંચ વર્ષ હતા જેમાં તેઓએ દિલ્હીમાં ગ્રાઉન્ડ લેવલથી સતત નાગરીકો જોડે જ સંપર્ક જારી રાખી કામ કરતા રહે  તેવું  કોઈ મજબુત સંગઠન બનાવવામાં ધ્યાન ન આપ્યું. ભાજપ 2014ની લોકસભાની ચુંટણી વખતના પ્રચારની ફોર્મ્યુલા જ વિધાન સભાની ચુંટણી પ્રચારમાં પણ અજમાવે છે જેને લીધે સાત રાજ્યોમાં માર પડયો છે.

રાષ્ટ્રીય મુદ્દાઓ, વિરોધ પક્ષના નેતાની મજાક કે તેઓ માટેના અસામાજિક તત્વો જેવો ભાષા પ્રયોગ તેમજ સોશિયલ મીડિયામાં બહુમતિ નાગરિકોને બતાવાતો ભય કે જો ભાજપને સત્તા પર નહીં રાખો તો લઘુમતીઓ અને રાષ્ટ્રવિરોધી તત્વોનું રાજ આવી જશે તે ફંડા હવે મતદારોને મુર્ખ બનાવવા જેવો લાગે છે. ભાજપ એવી ધારણા સેવે છે કે મતદારો લાગણીના આવેશમાં આવી મતદાન કરે પણ હવે તેમ જોવા નથી મળતું. મતદારો લોકસભા, વિધાનસભા અને પાલિકાની ચુંટણી વચ્ચેનો ભેદ સમજતા થઇ ગયા છે.

હજુ નવ મહિના પહેલા જ લોકસભાની ચુંટણીમાં વિધાનસભામાં કેજરીવાલની સરકાર હતી તો પણ  દિલ્હી સંસદની સાતેય બેઠક પર ભાજપ જીત્યું હતું. આ જ નાગરિકોએ નવ મહિના પછી યોજાયેલી વિધાનસભાની આ વખતની ચુંટણીમાં ભાજપને 70માંથી આઠ બેઠક સુધી જ સીમિત રાખ્યું.

62 બેઠકોમાં આપનો વિજય થયો.  દિલ્હીના શાણા નાગરિકોએ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે કેન્દ્રમાં મોદીને અમે દેશના સુકાન માટે પોંખીએ છીએ પણ રાજ્યમાં જેમણે પાંચ વર્ષથી નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે તેને જ વધુ બહેતર દિલ્હી બનાવવાની તક આપીશું. રાષ્ટ્રીય મુદ્દાની મહત્તા હોય તેવી લોકસભાની ચુંટણી આવશે ત્યારે જોઈશું. ત્યાં અને ત્યારે કેજરીવાલ કંઈ કરી ન શકે તે અમે જાણીએ છીએ. દિલ્હીના નાગરિકોનો આ યોગ્ય અભિગમ જો દેશના નાગરિકો અપનાવશે તો 'પોલિટિક્સ ઓફ વર્કસ'નું કલ્ચર ખીલી ઉઠશે.

હજુ પણ ભાજપના સમર્થકો આ હદે  હાર્યા પછી પણ જમીન પરની વાસ્તવિકતા સ્વીકારવાની જગાએ સોશિયલ મીડિયા પર એવી જ પોસ્ટ વાયરલ બનાવે છે  કે 'જે દેશના નાગરિકો કેજરીવાલ દ્વારા અપાતી મફત વીજળી, શિક્ષણ અને આરોગ્યની ખેરાત સામે વેચાઈ જઈને બદલામાં દેશદ્રોહી તત્વોને સત્તા સોંપવાનો સોદો કરી શકે છે તેવા આપણા દેશના નાગરિકો શરમથી ડૂબી  મરો.'  બીજી આ પ્રકારની પોસ્ટમાં મતદારોને ભાવિ જુલમ  યુગનો સામનો કરવા તૈયાર રહેજો તેમ કહી ડરાવાય છે કે એક પછી એક ઐતિહાસિક કરવટ બદલતા નિર્ણય જેવા કે સર્જીકલ સ્ટ્રાઈક, કાશ્મીરમાંથી 370મી કલમ  નાબુદી, ટ્રીપલ તલ્લાક પ્રથા પર પડદો, રામ મંદિર, એન આર સી ભણી આગેકુચ અને સીએએ છતાં ભાજપની જગાએ મતદારો ગદ્દારોને મજબુત કરે છે ત્યારે દેશમાં કોનું સુકાન આવશે તે વિચારજો. ખરેખર તો ભાજપના આંધળા સમર્થકોએ જ આત્મ નિરીક્ષણ કરવાની જરૂર છે કે  તમે  મતદારોને મુર્ખ અને નાદાન ખપાવી તેઓનું અપમાન કરો છો.

વિધાનસભાની ચૂટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓ કે મતોના ધર્મના નામે બે ફાંટા પાડી દેવાનો કીમિયો હવે કારગત નહીં નીવડે તે કબૂલવું પડશે. મતદારોના ચુકાદાને માથા પર ચઢાવી તેઓનો આભાર માની એમ કહેવું જોઈએ કે અમે રાજ્યમાં વિકાસના કાર્યોની રીતે હજુ વધુ સારું પ્રદાન આપી તમારી અપેક્ષાઓ સંતોષતા વધુ સારા રેકોર્ડ સાથે ફરી 2025માં તમારો મત માંગવા આવીશું. મતદારોને દેશદ્રોહીઓ જોડે બેસી ગયા છો તેમ કહેવું તે તેઓનાં પાકટ અભિગમનું અપમાન છે.

આંદોલનકારો જેમને અભિવ્યક્તિની સ્વતંત્રતા માને છે અને લોકશાહી મૂલ્યોનો એક ભાગ સમજે છે તેઓને કરંટ આપવાની વાત હોય કે આંદોલનકારોને ગોળી મારો કે પછી કેજરીવાલ આતંકવાદી છે તેવા હીન પ્રચારથી જે રીતે 2014માં મોદીને  ફાયદો થયો હતો તેવું કેજરીવાલને તે ફળ્યું. જેની વિરુદ્ધ વ્યુહાત્મક ધિક્કાર ફેલાય તેને જ ફાયદો થતો હોય છે તે ભાજપ જ ભૂલી ગયું.

કેજરીવાલને આતંકવાદી કહેવાતા તેણે આબાદ તક ઝડપી લેતા દિલ્લીવાસીઓની સહાનુભુતિ જીતતા કહ્યું કે 'તમે જ નક્કી કરજો કે તમારો પુત્ર આતંકવાદી છે કે તેણે તમારા માટે ખંત અને પ્રામાણિકતાપૂર્વક કામ કરવાનો પ્રયત્ન કર્યો છે'. 

સોશિયલ મીડિયાની ઉત્ક્રાંતિ સાથે નાગરિકો પણ વિકસ્યા છે. હવે મિમ, કાર્ટુન, કેરીકેચર અને અંગત મજાકમાં હસી તો લે છે પણ તેમના મંતવ્ય પર અસર નથી થવા દેતા. આવી મીડિયા વોરને હરિફની હતાશા તરીકે પણ મુલવે છે. કેજરીવાલની ખાંસીની બીમારી, ટોપી, મફલરને જોડીને થતી  અંગત મજાક નાગરિકોને ચીપ લાગે છે. આવું કોઈપણ નેતાની મશ્કરીના સંદર્ભને લાગુ પડે છે. પક્ષની મજાક ઉડાવતા સ્લોગન વધુ ગમ્મત આપે છે.

370મી કલમ નાબૂદીથી માંડી સીએએ જેવા કોઈપણ નિર્ણયો  દેશને ખુમારી સાથે પ્રભુત્વ બક્ષે અને દુશ્મનોના મેલા ઈરાદા ન ફળે તે માટે રાષ્ટ્પ્રેમની ભાવના સાથે જ લેવાયેલા છે નહીં કે મતપેટી માટે તેવો મેસેજ દેશના નાગરિકોને પહોંચવો જરૂરી છે. દિલ્હીમાં સીએએ સામેના આંદોલનકારો અને યુનિવર્સીટીઓના વિદ્યાર્થીઓને દેશદ્રોહી જણાવી જે રીતે ભાજપે ચુંટણી મુદ્દો બનાવ્યો તેનાથી આ તો દેશભક્તિથી  પ્રેરાઈને નહીં મતોના ધ્રુવીકરણ માટેની ચાલ છે તેવી ગંધ આવતી હતી. 

ભાજપે જે પણ આ નિર્ણયો લીધા છે તે શાબાશીને પાત્ર છે. ભાજપ સિવાય કોઈ પક્ષે આવા નિર્ણયો લેવાની હિંમત બતાવી ના હોત. આઝાદીના 67 વર્ષમાં જે થવું જોઈતું હતું તેવું સીમાચિન્હ રૂપ છેલ્લા છ વર્ષમાં થયું છે. પણ અર્થતંત્રના કથળેલ સ્તર,વધતી બેકારી અને કોર્પોરેટ જગતની સરકાર કરતા નાગરિકોના સન્માન અને સૌજન્ય માટેની સરકાર જેવી ઈમેજ ખડી કરવામાં કચાશ જોઈ શકાય છે. તુમાખી અને વધુ પડતો આત્મવિશ્વાસ પણ ડોકાય છે.

કેજરીવાલ અને તેના મંત્રીઓ 'નાયક' ફિલ્મના હીરોની જેમ સ્કુલ, કોલેજ, કચેરી, હોસ્પિટલ વારંવાર ઓચિંતા પહોંચી જાય છે. ત્યાંને ત્યાં જ કસુરવારોને દંડે છે. ફરિયાદી જોડે જ કારમાં બેસી ન્યાય આપવા દોડી જાય છે. મુખ્યમંત્રી અને મંત્રીઓ વિજીલન્સ અધિકારી જેમ દરોડા પાડતા રહે છે. કેજરીવાલે એક ભૂલ એ પણ સુધારી છે કે પહેલા તે મોદીના નિર્ણયોની જલદ અને ઘણી વખત તેમની શિક્ષિત પ્રતિભાને ન છાજે તે રીતે ટીકા  કરતા હતા.

ભાજપ જે ટ્રેપ ઘડે તેમાં આવી જતા હતા પણ છેલ્લા બે વર્ષથી તેઓ મોદીની વિરુદ્ધ એક કોમેન્ટ સુદ્ધા નથી કરતા. કેજરીવાલ દિલ્હીના વિકાસ અને નાગરિકોને કેન્દ્રિત જ રહ્યા.પોતે સી એ એના વિરોધી  છે છતાં  શાહીનબાગના આંદોલનકારોની  છાવણીની મુલાકાત લેવાનું ટાળ્યું.  જે એન યુ ,જામિયા યુનિ. એપિસોડ કે તેઓના વિદ્યાર્થી નેતાઓથી પણ સલામત દુરી રાખી. હનુમાન ચાલીસા પણ ટીવી પર બોલ્યા અને જીત માટે તેમના આશીર્વાદ ફળ્યા તેમ પણ  કહ્યું.

હવે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષો માત્ર મોદી વિરોધી જ રાજનીતિ કરવા કરતા પાયાથી કામ-સેવા -લોકસંપર્કમાં લાગી જવાની પ્રેરણા મેળવે છે કે કેમ તે જોવાનું રહ્યું.

Tags :