બુલેટ ટ્રેનની યોજનાને લટકાવા-ભટકાવાનો કારસો
હોટલાઈન - ભાલચંદ્ર જાની
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનની યોજના પર પાણી ફેરવી દેવા કેટલાક વિઘ્નસંતોષીઓ સંપી ગયા છે. હાલની પરિસ્થિતિ જોતા એવું લાગે છે કે આ ડ્રીમ પ્રોજેક્ટને લટકાવા, ભટકાવાનો પ્રયાસ મહારાષ્ટ્રના રાજકારણીઓ દ્વારા થઈ રહ્યો છે. મુંબઈ- અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન મુખ્યત્વે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય સંબંધિત છે. જેમાં મહારાષ્ટ્રની સરકાર રોજ આ યોજનાને આંચકા લાગે તેવા નિવેદનો કરી રહી છે.
કોંગ્રેસ, એન.સી.પી. નો હાથ પકડી સત્તારૂઢ થયેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં જણાવ્યું હતું કે મુંબઇ અને ગુજરાતના અમદાવાદ વચ્ચેની બુલેટ ટ્રેનની વ્યવહારુતા તથા ઉપયોગીતાની મને ખાતરી થાય નહીં ત્યાં સુધી આ મહત્વાકાંક્ષી મેગા પ્રોજેક્ટનું કામકાજ અટકાવવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે બુલેટ ટ્રેન ભલે કદાચ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ હોય પરંતુ લોકોને તે કઇ રીતે ઉપયોગી થશે તે વિશે ચર્ચા જરૂરી છે.
મહારાષ્ટ્રના મહાવિકાસ આઘાડીના નેતાઓનું કહેવું છે કે બુલેટ ટ્રેનના મહારાષ્ટ્રને લાભ થવાનો નથી. બુલેટ ટ્રેનનો ખર્ચો એટલે સફેદ હાથી પાળવા/પોસવા જેવું હોવાનું મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે. બુલેટ ટ્રેન માટે મહારાષ્ટ્રમાં 431 હેક્ટર જમીનની જરૂર છે, જેમાં 81 હેક્ટર જમીનનું સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું છે.
બુલેટ ટ્રેન દ્વારા સાંકળી લેવામાં આવનારા પ્રદેશોની પ્રગતિ તથા વિકાસ થશે એવું વચન કેન્દ્ર સરકારે આપ્યું છે, પરંતુ આ પ્રોજેક્ટ માટે પોતાની જમીન આપનારા નાના સ્તરના ખેડૂતો માટે આ પ્રગતિ અને વિકાસનો શો અર્થ તે મુદ્દે ચિંતા પ્રવર્તે છે. આવી દલીલ કરીને મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનની યોજના તેમ જ વડોદરા એક્સપ્રેસ-વેની યોજના રદ કરાવીને જ રહેશું એવો હુંકાર શિવસેનાએ વારંવાર કર્યો છે.
શિવસેનાના વિધાનસભ્ય ડો. નિલમ ગોર્હેએ થોડા દિવસ પૂર્વે તલાસરીથી સેનાની સંપર્ક યાત્રાની શરૂઆત કરી એ વખતે સંબોધન કરતા કહ્યું હતું કે પાલઘર લોકસભાની પેટાચૂંટણી વખતે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બુલેટ ટ્રેન અને વડોદરા એક્સપ્રેસ-વે સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ વિરોધ વધુ ઉગ્ર બનાવવા માટે ગામેગામ જઈને ગ્રામપંચાયતોમાં વિરોધ પ્રસ્તાવ રજૂ કરો એવો આદેશ તેમણે શિવસેનાના હોદ્દેદારોને આપ્યો હતો.
ત્યારપછીના તબક્કામાં દહાણુ તાલુકાના આંબેસરી, વનઈ, પાલઘર તાલુકાના નંડારે, વિરાજન વગેરે ગામોમાં જનસંપર્ક યાત્રા યોજી વિરોધ માટેની ભૂમિકા તૈયાર કરાઈ હતી. બુલેટ ટ્રેન અને વડોદરા એક્સપ્રેસ-વેને લીધે ગ્રામજનોની ખેતીલાયક જમીન ઝૂંટવાઈ જશે એવો તેમને ડર છે.
મનસેના રાજઠાકરે પણ ખેડૂતોની આ જ રીતે કાનભંભેરણી કરી રહ્યા છે. જોવાની વાત એ છે કે આ યોજનાનો વિરોધ કરવા તેઓ જાતજાતના વાંધાવચકા પાડે છે. લાગતા-વળગતા લોકોને યોજના વિરુદ્ધ ઉશ્કેરે છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરેને તો તેજસ એક્સપ્રેસનો પણ આડકતરો વિરોધ કર્યો હતો. આ ટ્રેનમાં પેસેન્જરોની સરભરા કરતા સ્ટાફના પોશાક બાબત પણ તેમણે અણછાજતી ટીપ્પણી કરી હતી.
બુલેટ ટ્રેનનું સ્ટેશન બાંદરા- કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) ખાતે બાંધવાની યોજના છે પરંતુ આ વિસ્તારની ગીચતાની સમસ્યાને કારણે ઉદ્ધવ ટાકરેના નેતૃત્વમાંની મહારાષ્ટ્ર સરકાર વર્સોવામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન ખસેડવા વિચારે છે. હાલમાં બુલેટ ટ્રેનનો માર્ગ બીકેસીમાં પૂરો થશે એમ નિશ્ચિત થયેલું છે અને આ કોમ્પ્લેક્સમાં તેના સ્ટેશન માટે જમીન પણ ફાળવી દેવાઇ છે. જમીનની સપાટીએ ઇન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટર અને તેની હેઠળ ભૂગર્ભમાં બુલેટ ટ્રેનનું સ્ટેશન બાંધવાની યોજના છે. રાજ્યના શહેરી વિકાસ ખાતાના સર્વેક્ષણ મુજબ બીકેસીમાં સ્ટેશન બંધાય તો સરકારને રૂા.48 હજાર કરોડનું નુકસાન થાય તેવી દલીલ કરાઈ રહી છે. ઠાકરેએ અગાઉ એવી સ્પષ્ટતા કરી હતી કે તેમની સરકાર કોઇ પણ નિર્ણય જડતાપૂર્વક નહી લે તેમણે કહ્યું કે બુલેટ ટ્રેનનું પણ બાકીના પ્રકલ્પની જેમજ ફેર તપાસ કરાશે.
આ પ્રોજેક્ટને નડતો મુખ્ય મુદ્દો જમીન સંપાદનને લગતો છે. યોજના મુજબ પાલઘર અને થાણે જિલ્લાના 108 ગામડાંની જમીન સંપાદીત કરાશે. આમાં મુંબઈ નજીકના દીવાના અસગાન, માથાર્ડી, દેસાઈ, ટાવાડી અને દાતીવલી ગામડાંનો સમાવેશ થાય છે. આ ગામડાઓના ખેડૂતોએ કલેક્ટરને જણાવ્યું હતું કે અમે અમારી જમીન વેચવા તૈયાર છીએ, પરંતુ સરકારની ઓફર કરતાં અમને વધુ નાણાં જોઈએ છે. રેડીરેકનર દર મુજબ દીવામાં એક ચોરસ ફૂટ જમીનની કિંમત રૂા. પાંચ હજાર છે. જ્યારે સરકારે પ્રતિ ચોરસ ફૂટે રૂા. 12,500ની ઓફર કરી છે, પરંતુ ખેડૂતોએ મુંબઈના ભાવે પ્રતિ ચો. ફૂ.ના રૂા. 20 હજારની માગ કરી છે. તદુપરાંત બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જમીન ગુમાવનારા પ્રત્યેક પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે, એવી બાંયધરી પણ ખેડૂતોને જોઈએ છે.
2022ની 15મી ઓગસ્ટે બુલેટ ટ્રેન દોડતી થવાની ધારણા સાથે પ્રોજેક્ટના સમયપત્રક મુજબ જમીન સંપાદનનું કામકાજ 2018ના ડિસેમ્બર સુધીમાં પૂરું થવું જોઈએ. પરંતુ આ લખાય છે ત્યારે 10 ફેબુ્રઆરી 2020ના રોજ પણ આ કામ પૂરું થયું નથી.
એવી જ રીતે આ પોર્જેક્ટ માટે મહારાષ્ટ્રના થાણે અને પાલઘર જિલ્લામાં 640 હેક્ટર જમીનનું અધિગ્રહણ કરવાનું છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 70 હેક્ટર જમીન મેળવી શકાઈ છે. જમીન સંપાદન માટે 31મી માર્ચ 2019ની અંતિમ મુદત વીતી ગઈ છતા પ્રોજેક્ટ માટે જમીન નથી મેળવી શકાઈ. પરિણામે વધુ એક વર્ષની મુદત આપવામાં આવી છે. થાણે અને પાલઘર જિલ્લાના ગામોમાં રાષ્ટ્રીય હાઇસ્પીડ રેલ કોર્પોરેશને જમીનનું સંયુક્ત સર્વેક્ષણ અને મોજણીનું કામ પૂરું કરીને જ સંતોષ માનવો પડયો છે.
બુલેટ ટ્રેન માટે જરૂરી 1,400 હેકટર જમીન પૈકી 353 હેકટર જમીન થાણે અને પાલઘર જિલ્લાનાં 98 ગામડામાંથી મેળવવામાં આવશે. એનએચએસઆરસીએલએ આ પ્રોજેક્ટ માટે જમીન આપવા બદલ રેડીરેકનર (આરઆર)ના દર કરતાં પાંચ ગણા વધુ ભાવની ઓફર કરી છે અને પ્રોજેક્ટ માટે જમીન આપવા સ્વેચ્છાએ આગળ આવનારા માલિકને તે 2.5 ટકા અધિક વળતર પણ ચૂકવશે.
સરકારી ઓફિસરો સમજાવટથી કામ લઈ રહ્યા છે છતાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જગ્યાની માપણી કરવા ગયેલા અધિકારીઓને સ્થાનિક નાગરિકોએ ધક્કે ચડાવ્યા હતા. આ મામલો થાણે જિલ્લાના પરિસરમાં બન્યો હતો. બુલેટ ટ્રેન માટે ભૂસંપાદન પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ ખેડૂતોએ કર્યો હતો. આ પરિસરમાં જમીન માલિક ખેડૂત છે, પણ તેને શાહુકારોને જમીન મોરગેજ કરી છે. સત્તાવાળા જગ્યાનું વળતર ખેડૂતોને આપવાના બદલે શાહુકારોને પૈસા આપે છે. આથી આ સંપૂર્ણ પ્રક્રિયામાં અધિકારી અને શાહુકાર વચ્ચે સાંઠગાઠથી મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ ખેડૂતો કરે છે. જ્યાં સુધી અમારા પૈસા મળશે નહીં ત્યાં સુધી આ પ્રોજેક્ટ શરૂ કરવા દઈશું નહીં, એવી ધમકી આપી છે.
મુંબઈમાં જમીન સંપાદન માટે એક બીજી અડચણ છે. બુલેટ ટ્રેનની પ્રસ્તાવિત યોજના માટે રાજ્ય સરકાર ગોદરેજ કંપનીની માલિકીની દસ હેક્ટર જમીન સંપાદન કરવા માંગે છે. આ માટે રાજ્ય સરકારે સામાજિક અસર આકારણીની જોગવાઇની અવગણના કરવાનો નિર્ણય લીધો હતો. ગોદરેજ કંપનીએ રાજ્ય સરકારના આ પગલાને પડકાર્યો હતો. પરંતુ કોર્ટે આ માગણી નકારી દીધી હતી અને તાત્કાલિક અન્ય રાહતો પણ નહોતી આપી. બુલેટ ટ્રેન યોજનાનો અમલ કરતી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે કહ્યું હતું કે એમને જમીનના આ ટુકડાની તાત્કાલિક ધોરણે જરૂરિયાત છે અને આ માટે એમણે 572 કરોડ રૂપિયાની ઓફર કંપનીને કરી હતી.
ગુજરાતની વાત જુદી છે એવી જાણકારી પણ મળી છે કે સરકારે ગ્રામ્ય વિસ્તારમાં જંત્રીના ચાર ગણાં અને શહેરોમાં જમીનોની બમણી કિંમત ખેડૂતોને ચૂકવામાં આવી છે. શહેરી વિસ્તારોમાં શહેરી ઓથોરિટીના કાયદામાં ફેરફાર કરી જમીનના ચાર ગણા ભાવ આપવા નિર્ણય કરાયો છે. 508 કીમીના આ પ્રોજેક્ટમાં 32 તાલુકાની 197 ગામોની જમીન સંપાદિત કરવામાં આવી રહી છે જેમાં 1110 ખેડૂતોએ સંમતી આપી દીધી છે.છેલ્લા બે વર્ષમાં વડોદરા જિલ્લામાં 9,22,145 ચો.મી અને ભરુચ જિલ્લામાં 11,33,726 ચો.મી જમીન સંપાદન કરવામાં આવી છે. કુલ મળીને ખેડૂતોને રૂા.620 કરોડની ચૂકવણી કરાઇ છે.
જો કે તાજા અહેવાલ પ્રમાણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે હજુય પૂરતી જમીન સંપાદન થઇ શકી નથી. વલસાડના 831 ખેડૂતોની 109,38,93 ચોમી જમીન સંપાદન કરવાની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત ભરુચના 885 ખેડૂતોની 128,38,14 ચોમી જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ થઇ ચૂકી છે. બીજી તરફ 1716 ખેડૂતો પૈકી 499 ખેડૂતોને રૂા.216 કરોડ ચૂકવીને જમીન સંપાદન કરવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી 1217 ખેડૂતોબુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન આપવા આનાકાની કરી રહ્યાં છે.
અધિકારીઓનો દાવો છેકે, ટેકનિકલ મુદ્દાઓને લઇને અમુક જમીન સંપાદન બાકી રહ્યુ છે. 70 ટકા જમીન સંપાદન થઇ ચૂકી છે.અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જમીન સંપાદન એ રાજ્ય સરકાર માટે પણ એક પડકાર સમાન છે. આ મામલો છેક કોર્ટ સુધી પહોંચ્યો છે એટલે કાયદાકીય લડત પણ ચાલી રહી છે. ગુજરાતના મહેસુલ મંત્રી કૌશિક પટેલે પણ બેઠક યોજીને જમીન સંપાદનની કામગીરી અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરે છે.
બુલેટ ટ્રેન માટે ગુજરાતનાં આઠ જિલ્લાઓમાં 196 ગામોની કુલ 676 હેકટર જમીન સંપાદન કરવાની થાય છે. આઠ જિલ્લામાં અમદાવાદ, આણંદ, સુરત, વડોદરા, નવસારી, વલસાડ, ભરૂચ, ખેડાનો સમાવેશ થાય છે. બુલેટ ટ્રેનનું ફાઈનલ એલાઇમેન્ટ પણ પૂર્ણ થઇ ગયું છે.
ગુજરાત સરકાર દ્વારા સોશિયલ સર્વે કરાવાયો હતો. આ અંગે મહેસુલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, 190 ગામની જમીન સંપાદન માટે મંજૂરી આપી તેમાં 2013ના કાયદા હેઠળ શહેરી વિસ્તાર હોય તો બજારભાવના ડબલ જ્યારે ગ્રામ્ય વિસ્તાર હોય તો બજાર ભાવથી ચાર ગણા વધુ પૈસા ખેડૂતોને ચૂકવવાનું નક્કી કરી તે મુજબ અમલ કરાયો છે. 190માંથી 175 ગામોમાં સંપાદનની કામગીરી લગભગ પૂર્ણ થવા પર છે.
પરંતુ 21 ગામોમાં હજુ જમીન સંપાદન કરવાનું બાકી છે. બીજી તરફ અમદાવાદમાં 10 ગામોની કુલ 3.28 લાખ ચો.મી.જમીનનું સંપાદન કરવામાં આવનાર છે. જેમાં ચેનપુર ગામની સૌથી વધુ 1.6 લાખ ચો.મી. જમીન સંપાદીત કરાશે. આ માટેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. સાબરમતીથી અમદાવાદ રેલવે સ્ટેશન સુધીની હયાત રેલવે લાઇન ઉપર બુલેટ ટ્રેન દોડાવવાનું આયોજન છે.
થોડાં મહિના પૂર્વે સુરત સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે જમીન સંપાદનના કાયદા પ્રમાણે જ્યારે એકથી વધુ રાજ્યમાં જમીન સંપાદિત થતી હોય ત્યારે રાજ્ય સરકારો એ નહીં પરંતુ કેન્દ્ર સરકારે જમીન સંપાદન માટેના નોટિફિકેશન મોકલવાના હોય છે. જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના જમીન સંપાદનના તમામ નોટિફિકેશન ગુજરાત અને મહારાષ્ટ્ર સરકારે મોકલ્યા છે. તેથી આ તમામ નોટિફિકેશન રદ્દ થવા જોઈએ.
ખેડૂતોને જમીન સંપાદનનું વળતર મળી રહે તે માટે આ કાયદામાં આવેલા નવા ફેરફાર મુજબ ખેડૂતોની જમીનનું મૂલ્યાંકન મહત્તમ બજારકિંમત પ્રમાણે થવું જોઈએ અને તેનાથી બેથી ચાર ગણી કિમતની ચૂકવણી થવી જોઈએ. જેના માટે આ જમીનની જંત્રીને રિવાઈઝ અને અપગ્રેડ કરવાની જરૂર છે, પરંતુ સરકારે વર્ષ 2011ની જંત્રી પ્રમાણે આ જમીનોનું મૂલ્યાંકન કર્યુ છે. જેના કારણે ખેડૂતોનેે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
ઉલ્લેખનીય છેકે, જમીનની સારી કિંમત આપવાની માંગ સાથે ખેડૂતોએ જમીન નહી આપવા નક્કી કર્યુ છે.બજાર ભાવ કરતાં ઓછો ભાવ મળતાં ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ પડી છે. આ મુદ્દો છેક હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. અત્યારે તો સરકારે એમ જણાવ્યું છેકે, જમીન સંપાદનની કામગીરી પુર્ણ થયાં બાદ એવોર્ડ જાહેર કરીને વળતર ચૂકવવામાં આવશે.
બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં બીજો મોટો અવરોધ પર્યાવરણના મુદ્દે ઊભો થયો છે. અગાઉ એવી જાહેરાત થઈ હતી કે મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેનના માર્ગમાં આવનાર 40 હજાર વૃક્ષો કાપવામાં આવશે. 4381 વૃક્ષ થાણા જિલ્લામાં આવે છે. મહારાષ્ટ્રમાં 83 હેક્ટરથી વધુ જંગલ વિભાગની જગ્યાનો ઉપયોગ આ પ્રકલ્પ માટે થનાર છે. આ પ્રકલ્પના માર્ગમાં નદીઓ, ખાડા અને 34 જેટલા તળાવ આવતા હોઇ કેટલેક ઠેકાણે માર્ગ બદલવામાં આવશે અથવા તે પૂરવામાં આવશે તે નક્કી નથી. આ ટ્રેનના સૌથી વધુ લંબાઇના બોગદા થાણાની આસપાસ હશે. તે પાણીના નીચે 30 મીટર ઉંડુ હશે. થાણા જિલ્લામાં એકંદર 29 ગામોને અસર પહોંચશે એવી માહિતી પર્યાવરણ હેવાલમાં જણાવી છે.
એક ચિંતા વ્યક્ત કરવામાં આવે છે કે આ પ્રોજેક્ટ માટે મહારાષ્ટ્રની 13.36 હેક્ટર જમીનમાંના ઓછામાં ઓછા 54 હજાર સુંદરી વૃક્ષો (મેન્ગ્રોઝ) કાપવામાં આવશે. જો કે સાથે એવી સ્પષ્ટતા પણ તે વખતની ફડણવીસ સરકારે કરી હતી કે આ પ્રોજેક્ટ માટે કપાશે તેના કરતાં પાંચ ગણા વધુ વૃક્ષોનું વાવેતર કરાશે.
મેન્ગ્રોવ્ઝ તથા પર્યાવરણને શક્ય તેટલું ઓછું નુકસાન થાય તે માટે બુલેટ ટ્રેનના ટ્રેક ઉંચા પિલર પર નાખવામાં આવશે. દરમિયાનમાં સૂરત વલસાડના કેટલાંક ખેડૂતોે એવી દલીલ કરી છે કે આ પ્રોજેક્ટના કારણે દક્ષિણ ગુજરાતમાંથી આંબા અને ચીકુના 4 લાખ વૃક્ષોનું નિકંદન નીકળી જશે. જીકાની માર્ગદર્શિકામાં ખેડૂતોને અન્યાય ન થવો જોઈએ એવી વાત હોય તો પછી સરકાર દ્વારા આ ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન ન થવું જોઈએ. એવું જણાવતા ખેડૂત આગેવાનોએ એવી ધમકી ઉચ્ચારી છે કે જો સરકાર ન્યાયી વલણ નહીં અપનાવે તો ખેડૂત સમાજ જાપાનની કોર્ટમાં કેસ કરશે!
આવા પ્રચંડ વિરોધ છતાં કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે નાણાકીય વર્ષ 2020-2021 માં 56 અબજ રૂપિયા ફાળવ્યા છે. મુંબઈને અમદાવાદ સાથે જોડીને વર્ષ 2022માં આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવવાના ઈરાદે મોદીએ ઉક્ત યોજના શરૂ કરી હતી.
બુલેટ ટ્રેન પ્રકલ્પનો અંદાજીત ખર્ચ 11 લાખ કરોડ રૂપિયા છે તેમાનું 81 ટકા ભંડોળ જાપાન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી આપશે જેને 0.1 ટકાના વ્યાજ પર 50 વર્ષની અંદર પાછુ અપાશે તે માટે નેશનલ હાય સ્પીડ રેલ કોર્પોરેશનની પણ સ્થાપના કરાઇ છે. આ કોર્પોરેશનના મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્ય 5000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે જ્યારે કેન્દ્ર સરકાર 10000 રૂપિયાનું રોકાણ કરશે. આ પ્રકલ્પની મુદત 2023 સુધીની છે.
એવું લાગે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેનની યોજનાના વિરોધમાં વિપક્ષોએ સંગઠિત થઇ અવાજ ઉઠાવવાનો નિર્ધાર કર્યો છે. શિવસેના, કોંગ્રેસ અને બીજા ચાર પ્રાદેશિક પક્ષો બુલેટ ટ્રેનના વિરોધમાં ઠેર ઠેર રેલીનું આયોજન કરે છે. બુલેટ ટ્રેન વિશે કેન્દ્રની મોદી સરકારની આચોલના કરતા શિવસેનાએ એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાત રાજ્યમાં વધુ મૂડીરોકાણને આકર્ષવા માટે એક લાખ કરોડની બુલેટ ટ્રેન યોજના હાથ ધરવામાં આવી છે.
આમ ચોતરફી વિરોધના વંટોળ વચ્ચે બુલેટ ટ્રેનની યોજના પાટા પર ચડે તે પૂર્વે ડિરેઈલ થઈ જાય તેવો ભય સતાવે છે.