જિંદગી જેવો શ્રાપ આપીને, એ ખુદા છે ફરાર વર્ષોથી
અંતરનેટની કવિતા - અનિલ ચાવડા
લોગઇન
ક્યાં પડી છે સવાર વરસોથી,
મિત્ર ! છે અંધકાર વરસોથી.
ઇશના માટે તો હતો એક જ,
અહીં તો છે શુક્રવાર વરસોથી.
પાનખરનો રૂઆબ ત્યાં પણ છે,
જ્યાં વસે છે બહાર વરસોથી.
તોય મક્તા સુધી નથી પહોંચ્યો,
છું કલમ પર સવાર વરસોથી.
દિલમાં છે ગેરકાયદેસરનો,
નહિ જતો આ જનાર વરસોથી.
જિંદગી જેવો શ્રાપ આપીને,
એ ખુદા છે ફરાર વરસોથી.
- ટેરેન્સ જાની 'સાહેબ'
ગુ જરાતી ભાષામાં ઘણા કવિઓ એવા થયા, જે ઓછું જીવ્યા, પણ સબળ લખી ગયા. આ વિશે વિચારવાનું આવે એટલે તરત આપણા મનમાં રાવજી પટેલ અને કલાપીની છબી દેખાય. થોડું વધુ ઝીણવટથી જોઈએ તો જગદીશ વ્યાસ અને મણિલાલ દેસાઇ પણ દેખાઇ આવે. હજી વધારે દ્રષ્ટિ સ્પષ્ટ કરીએ તો શીતલ જોશી, પાર્થ પ્રજાપતિ, રાહુલ જોશી, હેમલ ભટ્ટ, હિમાંશુ ઉપાધ્યાય અને ટેરેન્સ જાની જેવા યુવાનો પર આપણી આંખ ઠરે. આ સિવાય અન્ય કવિઓ પણ ખરા જે અકાળે આથમી ગયા.
આ કવિઓ મધ્યાહ્ને અસ્ત સૂર્યો જેવા હતા. કલાપી કે રાવજીના પ્રદાનથી તો સૌ કોઈ અવગત છે. તેમણે જે કામ કર્યું છે, તે ગુજરાતી ભાષાના શણગાર સમું છે. પણ તેમના સિવાય પણ કાચી ઉંમરે એક્ઝિટ કરી ગયેલા અમુક કવિઓ છે, જેમના તરફ લોકોનું ધ્યાન ઓછું ગયું છે. ટેરેન્સ જાની તેમાંનો એક હતો. હજી તેની કવિતાની ડાળી પર પુષ્પો આવવાની શરૂઆત થઈ હતી, તે પહેલાં જ છોડ કરમાઈ ગયો.
નડિયાદમાં રહેતો આ કવિ મૂળે શિક્ષક તરીકે નોકરી કરતો, પણ જીવ કવિનો. આંગળીના વેઢે ગણી શકાય એટલી ગઝલો લખીને ૨૭ વર્ષની કાચી ઉંમરે નૈપથ્યમાં ચાલ્યો ગયો. મગન મંગલપંથી જેવા તેમના મિત્રોએ 'ખરા છો સાહેબ' નામે તેમની કવિતાઓ એકઠી કરી મરણોત્તર સંગ્રહ પણ કર્યો.
વર્ષોથી અનુભવાયેલા અંધકારમાં ગૂમ આ કવિ, સદેહે પણ અંધકારમાં વહેલા ગૂમ થયો. તેમની કવિતા પર પ્રકાશની જરૂર છે. રોજ સૂરજ ઊગે છે, પણ અંધારું દૂર થતું નથી. આપણે એવી ડાર્કનેસમાં જીવીએ છીએ, જ્યાં કોઈ જ પ્રકાશની આશા નથી. છતાં જીવતા રહેવું પડે છે. વળી માત્ર જીવતા રહેવું પડે એટલું પૂરતું નથી.
રોજ સૂળીએ ચડવું પડે છે. ઈશુ ખ્રિસ્તે તો શુક્રવારે, એક જ દિવસે સૂળીએ ચડવું પડેલું, આપણે તો દરરોજ, ક્ષણેક્ષણે ને પ્રસંગે પ્રસંગે અણીદાર સૂળીનો, ઝીંકાતા ખીલાનો સામનો કરવો પડે છે. તમે ગમે તેટલું ખલ્યા કરો, પાનખર ચુપકિદીથી તમારો પીછો કરતી રહે છે. કોઈ માણસ જીવનમાં એક પણ વાર દુઃખી થયું હોય તેવું આ ધરતી પર શક્ય નથી. જ્યાં બહાર છે, ત્યાં પણ પાનખર હોવાની જ !
અંતિમ શેરને ગઝલમાં 'મક્તા' તરીકે ઓળખવામાં આવે છે. મલ્તાથી શરૂ થતી ગઝલ મત્લા સુધી પહોંચે ત્યારે પૂર્ણતા પામે છે. પણ અહીં કવિ વર્ષોથી કલમ પર સવાર છે, પરંતુ મત્લા સુધી નથી પહોંચ્યા. અપૂર્ણતા જ કદાચ આગળ વધવાનો જુસ્સો આપતી હોય છે. જે ક્ષણે ખબર પડે કે મંજિલે પહોંચી ગયા, તે ક્ષણે આપણો જુસ્સો શાંત થઈ જાય છે. મંજિલને પામી જવા કરતા તેને પામવાની પ્રોસેસમાં વધારે મજા હોય છે. અને અમુક નામ ગેરકાયદેસર આપણામાં સ્થાપિત થઈ જાય છે. આપણા ચિત્તમાં પોતાનો અડ્ડો જમાવી લે છે. કોઈ જોહુકમી ધરાવતી વ્યક્તિ જમીનના પ્લોટ પર હક જમાવે તેમ હૃદય પર હક જમાવી બેસે છે અને આપણે તેને 'નીકળ અહીંથી' એમ પણ કહી શકતા નથી.
જિંદગી શ્રાપ જેમ ભોગવવી પડે છે. પણ જિંદગી આપનાર છે કોણ ? ઈશ્વર, અલ્લાહ, ગોડ કે એવું કોક... આવા નામે જ ઓળખીએ છીએને આપણે એ પરમ શક્તિને ? પણ તેને કોઇએ જોઇ નથી, એ તો આપણી આંખથી ફરાર થઇ ગયો છે. પણ ટેરેન્સ જાનીને આ સજા મંજૂર નહોતી, એટલે જિંદગીની જેલ તોડીને ભાગી નીકળ્યો...
શક્યતાની કૂંપળ તેની કલમમાં મહેકતી હતી. તે આશાસ્પદ કવિ હતો. ટેરેન્સ જાની 'સાહેબ'ની અન્ય એક શક્યતાભરી ગઝલથી લોગઆઉટ કરીએ.
લોગ આઉટ
પામવા જેવું કશું પણ નથી,
રાખવા જેવું કશું પણ નથી
શું કરું રેતીને ફેંદીને હું
શોધવા જેવું કશું પણ નથી
દાસ થઇ બેઠા છે શબ્દો છતાં
બોલવા જેવું કશું પણ નથી
જિંદગી કશકોલ લઇ ઊભી છે
મૂકવા જેવું કશું પણ નથી
વેદનાઓ તો વધે છે સતત
ને દવા જેવું કશું પણ નથી
પ્રેમ નાહક તું હવે માંગ ના
આપવા જેવું કશું પણ નથી
શ્વાસ આ 'સાહેબ' ત્યાં પણ લે છે
જ્યાં હવા જેવું કશું પણ નથી