Get The App

અમેરિકામાં જોયાં ભારતીયતાનાં રખોપાં

Updated: Feb 15th, 2020

GS TEAM

Google News
Google News
અમેરિકામાં જોયાં ભારતીયતાનાં રખોપાં 1 - image

આજમાં ગઈકાલ - ભગીરથ બ્રહ્મભટ્ટ

'મારા પિતાજી બીમાર હતા ત્યારે ભીખા ઠાકોરે તેની પુત્રવધૂના દાગીનાની પોટલીવાળી મારે ત્યાં આવી મને કહે લ્યો, ભાભી દવા કરાવો.' કેટલી ગજબની ખાનદાની ?

અ મેરિકામાં વસતા ભારતીયો પોતાની સંસ્કૃતિ જાળવવા મથી રહ્યા છે. તેમની કોશિશ પોતાની ભાષા, ધર્મ, પ્રણાલિકા વગેરેને સાચવવાની છે, તેના માટે તેમના પ્રયત્નો પણ આવકારદાયક છે. ઘણાં પરિવારોમાં પોતીકી ભાષા જળવાઈ છે ઘણાં કુટુંબો સાથે મળી ભારતીય તહેવારો ઉજવે છે. મંદિરોનું સાનિધ્ય ભારતીયતાને ટકાવવા માટે સહાય રૂપ બની રહ્યું છે એક તરફ યાંત્રિકતા અને આધુનિકતાનું આક્રમણ છે અને બીજી તરફ ભારતીયતાને સાચવવાની મથામણ છે - એમાં અમેરિકામાં વસતો ભારતીય ભીંસાય છે. અલબત્ત એક ગુજરાતી તરીકે મેં એક સિનિયર સિટિઝન ગુ્રપની જે મુલાકાત લીધી, એના પરિવારમાં ભળ્યો એનો અનુભવ વહેંચી રહ્યો છું.

આપણે એકવીસમી સદીના બીજા દાયકાના છેલ્લે પગથિયે ઉભા છીએ. હું વાત કરું છું. અમેરિકાના કેલિફોર્નિયા સ્ટેટના એક ફ્રિમોન્ટ શહેરની. આ વિશાળ નગરના એક વિસ્તારમાં વસતા ભારતીય વયસ્કોનું એક ગુ્રપ ફોરેસ્ટ પાર્ક પ્રાયમરિ સ્કૂલના મેદાનમાં દરરોજ (શનિ-રવિ-સિવાય) બપોરે 11.30 થી 1.30 વાગ્યા સુધી નિયમિત મળે છે એ ગુ્રપમાં હું પણ થોડો સમય ભળ્યો અને પરિવારનો સભ્ય બન્યો તેની વાત તમને કરું.

ના કોઈ બંધારણ, ના કોઈ ફી, ના કોઈ સભ્યપદ બસ તમે જાઓ એટલે સભ્ય. તમારી હાજરી એ તમારી ફી... ના કોઈ કૂથલી ના ટીકા, નહિ કોઈ ધર્મ - સંપ્રદાયની કે રાજકારણની વાત... આ બંધારણ...માત્ર મળવું. પરિચય કેળવવો. હકારાત્મક વાતો કરવી... પોતપોતાની પાસે જે કંઇ ઉત્તમ હોય તે અભિવ્યક્ત કરવું. પ્રત્યેક વયસ્ક પાસે પોતપોતાની નવલકથા હોય છે, પણ પ્રત્યેક વયસ્ક પોતીકી ભારતીયતા કઇ રીતે સાચવે છે તેની વાત કરે છે. એની અભિવ્યક્તિમાંથી એની મ્હેંક આવ્યા કરે. શાળાના ચોગાનમાં, ઘાસમાં શેતરંજીઓ પથરાય અને ભારતીયો ગોઠવાતા જાય. કર્ણાટકી, કેરાલિયન, મરાઠી, બંગાળી અને ગુજરાતી જેવા ભારતીયો તેના સભ્યો. વિનુભાઈ નામના એક ગુજરાતી વયસ્કે આ મંડળીની માટલી મુકેલી. ફ્રિમોન્ટ નગરમાં આઈ.ટી.ના ક્ષેત્રે કામ કરનારા ભારતીય યુવાનોની સંખ્યા વધારે. બે યુવાનોની સાથે તેમના મા-બાપ આવે ત્યારે તેમનો સમય પસાર કરવા માટેનું સ્થળ એટલે સિનિયર સિટિઝન ફ્રિમોન્ટ ફોરમ... પંખીડાં આવે, ઊડી જાય. નળ સરોવરનાં પંખીડાંની જેમ વિઝિટર્સ વિઝા લઇને આવેલા ભારતીયો એના સભ્ય બને કોઈ ઉમેરાય કોઈ બાદ થાય. બાવાજીના ધૂણાની જેમ એ મંડળી ટકતી રહે. ધખારો ચાલુ કેલિફોર્નિયાનું હવામાન ઇન્ડિયાને મળતું. એટલે બહાર ખુલ્લામાં, તડકે, ચોગાનમાં ઇન્ડિયનો એકઠા થાય. પછી ગુજરાતી, હિંદી, કેરાલિયન ભાષામાં ભજનો શરૂ થાય. ભજનો ગવાય. એનો અર્થ પણ અપાય... પોતપોતાના ધર્મની વાત પણ થાય પોતપોતાની પરંપરાઓની આપ લે થાય. ગીત, ગાણાં, ભજન, લોકગીત, પ્રાર્થના એક પછી એક બોલાતાં જાય. એક તરફ સ્કૂલમાં બાળકો ભણતાં હોય અને આમ બીજી તરફ વયસ્કો પોતાની પરંપરા રજૂ કરતાં હોય. આકાશમાં વિમાનો અને બાજુ પરના વિશાળ રોડ ઉપર દોડતી કારો... ફૂટબોલ, વોલીબોલના અવાજો બાકી શાંતિના સરોવરમાં આ વયસ્કો પોતાની કથા માંડીને કહેતા હોય. સમૂહમાં પ્રાર્થના, ભજન, ગીત ગવાતાં જાય છેલ્લે હનુમાન ચાલીસા પણ બોલાય. લોકગીતોની પણ રમઝટ જામે. દેશવાસીઓ પોતાની પ્રણાલિકાઓ પોતીકી રીતે નિભાવે... કોઈ કહે - 'અમારે ઘરમાં પ્રાર્થના થાય અને ગુજરાતી જ બોલાય.' કોઈ કહે - 'અમારા ઘરમાં બાળકો વડીલોને પગે પડે જ' તો કોઈ રમેશભાઈ જેવા સ્વામિનારાયણના ભક્ત કહે - 'અમારા ઘરમાં અગિયારસ ફરજિયાત પણે બધાજ સભ્યો કરે' તો કેરલનાં બેન કહે - 'અમારે આંગણે આજેય રંગોળી હોયજ' તો કોઈ કર્ણાટકી ભાઈ કહે - 'અમે દર મહિને મંદિરમાં યથાશક્તિ દાન ધરમ કરીએ' વળી ભૂપેન્દ્રભાઈની જૈન ફિલસૂફી માનવને કેટલી બધી ઉપકારક છે !

પોતપોતાની પ્રણાલિકાઓ જણાવતાં કોઈ સુધાબેન પોતાની ગુજરાતી સાડીના આગ્રહની વાત પણ કરે દરરોજ કોઇને કોઈ સભ્ય સંસ્થાએ પ્રસાદીરૂપે કંઇનું કઇ ખાણુ લાવે, બિસ્કીટ, સેવમમરા, ભાખરવડી, સમોસા, ચવાણુ, ફળ, રતલામી સેવ કે કેરલના ચોખાનાં બિસ્કીટ હોય ખાવાનું તો એક નિમિત્ત જ હોય પણ પેલાં ભજનો ગાયા પછીનો પ્રસાદ જાણે લેતાં હોય !! વાતો એમાં થાય એમાંથી ભારતીયતાની સુવાસ આવે. એકબીજાના ખબર અંતર પુછાય. કોઈ કોઈ પોતાના અનુભવો કહે એમાંથી શિક્ષણ મળે મૂળે વયસ્કો પણભારતની સાથે પરદેશની તુલના કરવાના શોખીન ભારતીયતાનો મહિમા કરતા રહે.

અસલ ચરોતરી પટેલ રમેશભાઈ જે બામણ ગામના વતની, પરદેશમા સ્થિર અમેરિકન સિટીઝન છે તેમ છતાં આજેય તેમના ખાનદાન ખેડૂતની વાત કરતાં આંખો ભીની કરે છે. તેમના ભીખુભાઈ ઠાકોર ખેડૂતથી તેઓ વરસોથી વિખૂટા પડયા છે. પણ તેમનું ગામ, ખેતર અને ખેડૂત તેમનાથી છૂટયા નથી તેઓ કહે છે - 'મારા પિતાજી બીમાર હતા ત્યારે ભીખા ઠાકોરે તેની પુત્રવધૂના દાગીનાની પોટલીવાળી મારે ત્યાં આવી મને કહે લ્યો, ભાભી દવા કરાવો.' કેટલી ગજબની ખાનદાની ? અલબત્ત એનો ઉપયોગ રમેશભાઈએ ન્હોતાં કર્યા પણ એ ખેડૂતની આત્મિયતાને ભુલ્યા નથી. એ ખેડૂત કેટલો બધો કૃતજ્ઞા હતાં ? તે વળીવળીને સંભારે છે તો કોઈ નિવૃત ડિસ્ટ્રીક્ટ જજ પોતાના અનુભવો કહેતાં એમ કહે કે ક્યારેક તો ખૂબ સજ્જન લાગતો માણસ ત્યારે ગુનાની દ્રષ્ટિએ કસૂરવાર કાયદામાં ફસાય ત્યારે અમારી આંખો પણ ભીની થઇ જતી.

તો ચરોતરી દિલિપભાઈ પોતાની દાસ્તાનના મૂળમાં કેવળ પુરુષાર્થ જ નહિ, પ્રારબ્ધ પણ ખૂબ મહત્ત્વનું છે તેવું ભારપૂર્વક કહ્યા કરે છે... ભરતભાઈ નામના પટેલ પણ પરમાત્માને ત્યાં દેર છે અંધેર નથી એ વાત ઉપર મહોર મારે છે.

મણિભાઈ નામના ભારતીય માણસને માયામુક્ત થવા માટે ભક્તિ કેવી સહાયક થાય છે તેની વાત કરતાં કરતાં માયામુક્ત થવું સરળ નથી એ વાતનો પણ સ્વીકાર કરે છે. સુહાસભાઈ કર્ણાટકથી આવે છે. તેઓ 'ધ્યાન'નો મહિમા કરે છે. દરેક સભ્યોને અઠવાડિયે ધ્યાન કરાવી ધ્યાનના ફાયદા બતાવે છે. પિરામિડ દ્વારા ધ્યાન ઝડપથી લાગે... એટલે પિરામીડથી ધ્યાન પણ કરાવે છે. કોઇને કોઇ નિમિત્ત શોધી કાઢી ભારતીય અને ગુજરાતી વાનગીઓની રસલ્હાણ પણ કરે છે. ક્યારેક પાકાં ભોજન બહાર ખુલ્લામાં ઉજાણીની જેમ આરોગે છે.

અમેરિકામાં પણ મોહનથાળ, ઊંધિયું, જલેબી, ગોટા, ઇડલી, ફાફડાને ભારતીયો અને ગુજરાતીઓ ભૂલતા નથી. દશેરા હોય ત્યારે ફાફડા જલેબી, હોળી હોય ત્યારે ખજૂર-ધાણી, દિવાળી હોય ત્યારે મોહનથાળ અને ઉત્તરાયણ હોય ત્યારે ઊંધિયા-જલેબીનો સ્વાદ માણે છે. અને ભારતીય તહેવારોની યાદ તાજી કરે છે. ભારતીય સમાચારો લાવે અને વહેંચે... આ વયસ્કો અમેરિકામાં પોતાના મલકની માયા ભૂલ્યા નથી તેઓને જીવન વિશે ફરિયાદ નથી. સંસ્કૃતિની સાચવણીની ચિંતા છે. આ વૃધ્ધો દેશને અકબંધ સાચવીને અમેરિકામાં જીવે છે. તેમને પોતાના સંતાનો વિશે ફરિયાદ નથી પણ સંસ્કૃતિની સાચવણી અંગેની ચિંતા છે. તેનો પોતાની તબીયતની કે જીવનની પણ ફરિયાદ નથી બસ ધર્મ ભુલાય નહિ એની ફિકર છે...

બપોર થાય અગિયાર વાગે એટલે ગાયો આવે ગોદરે એમ વૃધ્ધો ભેગા થાય છે. એક પરિવાર મળે છે. એક ભારતીય પરિવાર ઊભો થાય છે. પોતાની સંસ્કૃતિની ચિંતા કરે છે. એની પરંપરાઓ વાતોમાં ખાણી-પીણીમાં અને આચારોમાં શક્ય તેટલી સાચવે છે. ભજન-વાર્તા પ્રાર્થના. લોકગીતો ગાઈને પોતાની ભારતીયતાને જીવંત રાખે છે. પંખીની જેમ આવે છે. અને પંખીની જેમ ઊડી જાય છે. હનુમાનકૂદકો મારી આમ અમેરિકામાં આવતા વયસ્કો વિદેશમા પણ રામ-સીતાની રટણા કરતા રહી ભારતીયતાને સાચવી રહ્યા છે. ભારતની ભૂમિની ઉજળી બાજુઓનું ગૌરવ લઇ રહ્યાં છે. ક્યારેક મંદિરોમાં જઇ, ક્યારેક બે ત્રણ પરિવારો સાથે મળી ક્યારેક સ્વાધ્યાય પરિવારો રચી ક્યારેક ધાર્મિક પ્રવાસો ગોઠવી, ક્યારેક મેળાવડાઓ રચી ભારતીયો પોતપોતની યથાશક્તિ ભારતીયોને માહોલ રચવા કોશિશ કરે છે... આમ અમેરિકાના ખોળામાં મા ભારતી જે લાલનપાલન થઇ રહ્યું છે એનો રાજીપો પ્રગટ કરું છું.

Tags :