Get The App

વલ્લભભાઈનો બોરસદથી ઈંગ્લેન્ડ જવાનો મનસૂબો છતે પૈસે પણ પૂરો થઈ ના શક્યો

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
વલ્લભભાઈનો બોરસદથી ઈંગ્લેન્ડ જવાનો મનસૂબો છતે પૈસે પણ પૂરો થઈ ના શક્યો 1 - image

- સરદાર @150-હસિત મહેતા

- જેમ મેટ્રિક પાસ થયા પછી વલ્લભભાઈએ વકીલાતનો પાક્કો નિર્ણય કર્યો હતો, એમ પ્લિડર થયા પછી તેમણે બૅરિસ્ટર થવાનો નિર્ધાર પણ પાકે પાયે જ કરી નાંખ્યો હતો 

ઈ.સ.૧૯૦૧માં વલ્લભભાઈ ગોધરાની વકીલાત પડતી મૂકીને બોરસદની કોર્ટમાં આવ્યા હતા. અહીં, બોરસદે, થોડા જ વખતમાં તેમની વકીલાત સારી એવી જામી ગઈ હતી. બેએક વર્ષમાં તો તેઓ બોરસદ પંથકના અગ્રણી વકીલ તરીકે પંકાઈ ગયા હતા. બોરસદમાં તેમને પ્રતિષ્ઠા પણ મળી અને પૈસા પણ મળ્યાં.

જેમ મેટ્રિક પાસ થયા પછી વલ્લભભાઈએ વકીલાતનો પાક્કો નિર્ણય કર્યો હતો, એમ પ્લિડર થયા પછી તેમણે બૅરિસ્ટર થવાનો નિર્ધાર પણ પાકે પાયે જ કરી નાંખ્યો હતો. તેમને એવો અનુભવ અનેક વખત થયો હતો કે પૈસાદાર અસીલ ભલે પોતાને વકીલ તરીકે રોકે, પરંતુ જીતવા માટે તેઓ અધિરાઈથી વધારાના બૅરિસ્ટર પણ રાખતાં. આ બૅરિસ્ટર અમદાવાદથી આવતાં, તેઓ મૅજિસ્ટ્રેટ સામે રોફબંધ બોલીને, ધમપછાડા કરીને, હોંશિયારી દેખાડીને તગડી ફી પડાવતા.

આ જોઈને વલ્લભભાઈને થતું કે કેસ ચલાવવાની આવડત-હોંશિયારીમાં તો આ બૅરિસ્ટરો પોતાની તોલે આવે એવા નથી. તો ય એમને તગડી ફી, મોટું માનપાન અને ખોટું નામ. પોતાના કરતાં પણ ઓછી આવડતવાળા આવા બૅરિસ્ટરોના મદદનીશ તરીકે કોર્ટમાં બેસવું પડે એ પણ વલ્લભભાઈથી હરગીઝ સહન થતું નહીં.

આ કારણે વલ્લભભાઈએ બોરસદની વકીલાત દરમ્યાન જ મનમાં ગાંઠ વાળી દીધી હતી કે ગમે તેમ કરીને પૈસા ભેગા કરવા, ઈંગ્લેન્ડ જવું,  બૅરિસ્ટર થવું, રોફ જમાવતા બૅરિસ્ટરોને ક્યાંય આંટી દે તેવી વકીલાત કરી જાણવી.

ગોધરાની કોલગ'માં વલ્લભભાઈ પાટીદારશાઈ પાઘડી પહેરીને જતાં, પણ બોરસદ કોર્ટમાં તો પ્રચલિત કસબી કિનારનો સફેદ ફેંટો પહેરતાં. એમની બોરસદની ઓફિસ એકદમ સ્વચ્છ અને સુઘડ હતી. ટેબલ-ખુરશી પૉલિશ કરેલાં ચકચકિત હોય. ગાદીની ચાદર અને તકિયાના ગલેફ બગલાની પાંખ જેવા સફેદ હોય. ક્યાંય ધૂળ કે કચરાનું નામોનિશાન નહીં. બોરસદના પાલિકા પ્રમુખ જીવણલાલ લક્ષ્મીદાસની હવેલી (ખડકી)માં તેઓ રહેતાં હતા. આ ખડકીની બાજુમાં જ આવેલ કીસાભાઈ ફોજદારની ખડકીમાં પેસતાં જ જમણી બાજુએ છેલ્લું મકાન છે, ત્યાં વલ્લભભાઈએ પોતાની ઓફિસ કરી હતી.

આ ઓફિસમાં વલ્લભભાઈ લાંબી નેળવાળો હુક્કો ગગડાવતા આરામ ખુરશીમાં બેઠાં હોય અને કોઈ અસીલની રાહ જોતાં હોય. એક સફળ અને સમૃદ્ધ વકીલની ઑફિસનો એ નજારો વલ્લભભાઈએ કાયમને માટે ખડો કરી દીધો હતો. પરિણામે ત્રણેક વર્ષમાં જ વલ્લભભાઈને ઈંગ્લેન્ડ જવા માટેના પૈસા ભેગા થવા માંડયા હતા. એ માટે તેમણે દસેક હજારની મૂડી ભેગી થાય તો ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટરી મળી જાય, તેવો પાક્કો હિસાબ મનમાં માંડી રાખ્યો હતો.

વલ્લભભાઈએ ઈંગ્લેન્ડ જઈને બૅરિસ્ટર થવાનો મનસૂબો આ પહેલા પણ, નાનપણે મનમાં ઘડેલો હતો, એ વાત પોતે ઈ.સ.૧૯૨૧માં આપેલાં એક હૃદયસ્પર્શી ભાષણમાં કહી જણાવી હતી. એ ભાષણ હતું મોડાસાના વતનીઓ આગળ 'હાલની સ્થિતિ અને અસહકાર' ઉપર ૨૯-૩-૧૯૨૧ના રોજ એક જાહેર સભાને સંબોધવા માટેનું. એ સભામાં વલ્લભભાઈ બોલવા ઉભા થાય તે પહેલાં મોહનલાલ પંડયાએ તેમનો ટૂંકો છતાં ઊંડો પરિચય આપ્યો, જેમાં તેમની કુશળતા, અડગતા અને દેશસેવાની નિષ્ઠાના વખાણ થયા. પરંતુ વલ્લભભાઈએ તો ઉભા થઈને પોતાના જૂના વિચારો અને વર્તનની પોલ ખોલતાં જણાવી દીધું કે.....

'હું પહેલાં આબેહૂબ અંગ્રેજની નકલ કરતો હતો.... મારી માન્યતા હતી કે આ નિર્ભાંગી દેશમાં પરદેશની નકલ કરવી.... દેશના માણસો હલકા અને નાલાયક છે અને આપણા ઉપર રાજ્ય કરનાર પરદેશી માણસો જ સારા ને આપણો ઉદ્ધાર કરવાને સમર્થ છે......હું નાનપણથી જે લોકો પરદેશથી સાત હજાર માઈલ દૂરથી રાજ્ય કરવા આવે છે, તેમનો દેશ કેવો હશે તે જોવા તથા જાણવાને તરફડિયાં મારતો હતો. હું તો સાધારણ કુટુંબનો હતો. મારા બાપ મંદિરમાં જ જિંદગી ગાળતા, તે તેમાં જ પૂરી કરી. મારી ઈચ્છા પૂરી કરવા તેમની પાસે સાધન(સગવડ) નહોતાં.'

એ વખતે, બાળપણે, પણ વિલાયત જવા વલ્લભભાઈએ વલખાં મારી જોયા હતા. મેટ્રિક અને પ્લિડરની પરીક્ષા પાસ કરી ત્યારે તેમને કોઈક મિત્રએ એવું કહેલું કે ઈડરના રાજમાં દરબાર વ્યાજે રૂપિયા આપે છે. તે જાણીને વલ્લભભાઈ અને તેમના એ મિત્ર વ્યાજે પૈસા લેવા ઈડર પણ ગયા હતા, જેથી ઈંગ્લેન્ડ જઈ શકાય. પરંતુ વલ્લભભાઈ પેલા ભાષણમાં આગળ જતાં ચોખ્ખું જણાવી દે છે કે 'શેખચલ્લીના વિચારો કરી (અમે) ગામની પ્રદક્ષિણા ફરી પાછા આવ્યા. છેવટે એમ નક્કી થયું કે વિલાયત જવું હોય તો પૈસા કમાઈને જ જવું. પછી વકીલાતનો ધંધો કરી ખર્ચ જેટલી કમાણી કરી વિલાયત જવાનો ઈરાદો કર્યો.'

આ રીતે વલ્લભભાઈએ બોરસદથી જ વિલાયત જઈને  બૅરિસ્ટર થવાનો માર્ગ મોકળો કરવા અથાગ પ્રયત્નો કર્યા હતા. જો કે તેઓ તેમાં સફળ પણ થયા. એટલે કે પૂરતાં પૈસા એકઠાં થયાં, અને તેમણે ઈંગ્લેન્ડ જવાનો સઘળો બંદોબસ્ત ગોઠવી દીધો. એ વર્ષો હતા ઈ.સ.૧૯૦૫-૬ દરમ્યાનના. પરંતુ વિધાતાએ એમના નસીબના પાનામાં કંઈક જુદું લખ્યું હતું, એટલે વલ્લભભાઈ ઈંગ્લેન્ડની આગબોટ સુધી પહોંચી જ શક્યા નહીં. એ ઘટના પણ ઘણી રસપ્રદ અને નવાઈ ભરેલી છે.