Get The App

મૃત્યુ પછીની યાત્રાનું વૈજ્ઞાનિક સંશોધન કરનાર સર્વપ્રથમ ભારતીય

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
મૃત્યુ પછીની યાત્રાનું વૈજ્ઞાનિક સંશોધન કરનાર સર્વપ્રથમ ભારતીય 1 - image

- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ

- અનુપમ સહિતના તેના પાંચ મિત્રોએ આ ઘટનાને ખરાબ સપનું માનીને હસવામાં ઉડાવી દીધી, પણ રોબિન જાણતો હતો કે કંઈક તો બરાબર નહોતું!

થો ડા મહિના પહેલાં ઑટીટી પ્લેટફૉર્મ પર 'ભય : ધ ગૌરવ તિવારી મિસ્ટ્રી' નામે એક વેબસીરિઝ રીલિઝ થઈ, જે ભારતની પહેલીવહેલી પેરાનોર્મલ સોસાયટીના સંસ્થાપક ગૌરવ તિવારીના જીવન પર આધારિત છે. શરીરનો ત્યાગ કર્યા પછી થતી આત્માની યાત્રા એ સનાતન હિંદુ ધર્મ માટે આજે પણ શાસ્ત્રાર્થનો વિષય છે. જૂના શરીરનો ત્યાગ કર્યા પછી નવું શરીર ધારણ કરવા સુધીની આત્માની યાત્રા અનેક પડાવોમાંથી પસાર થાય છે. ગૌરવ તિવારી આ પરાલૌકિક યાત્રામાં વિશેષ રુચિ ધરાવતા હતા. કહેવાય છે કે એમનું મૃત્યુ વાસ્તવમાં આત્મહત્યા નહીં, પરંતુ કોઈક દુષ્ટાત્મા દ્વારા લેવામાં આવેલાં પ્રતિશોધનું પરિણામ હતું. એમના જીવન પર આધારિત અંગ્રેજી પુસ્તક 'ઘોસ્ટ હન્ટર ગૌરવ તિવારી' (લેખક : અભિરુપ ધર) પરથી જ વેબસીરિઝનું નિર્માણ થયું છે. આ પુસ્તક અમુક વર્ષો પહેલાં વાંચવાનો અવસર મળ્યો હતો, જેમાંની કેટલીક ઘટનાઓ આજે પણ માનસપટ પર અંકિત છે.

આ ઘટના એ સમયની છે, જ્યારે 'ઇન્ડિયન પેરાનોર્મલ સોસાયટી' (IPS-દિલ્હી)ના ફાઉન્ડર ગૌરવ તિવારી જીવિત હતાં. પોતાના ટૂંકા જીવનકાળ દરમિયાન ૬૦૦૦થી પણ વધુ પેરાનોર્મલ-કેસ ઉકેલી ચૂકેલાં ગૌરવ તિવારી માટે 'પટના હાઇ-વે' કેસ ખાસ્સો જટિલ નીવડયો, કારણકે કેટલીક પ્રેતાત્માઓ એટલી હદ્દે નકારાત્મક હોય છે, જેનું દમન શક્ય નથી.

બેંકની પરીક્ષાની તૈયારી કરવા માટે એક વર્ષ પહેલાં દરભંગાથી પટના આવેલો રોબિન મિશ્રા પોતાના પાંચ મિત્રો રોશન, અનુપમ, દીપક, અતુલ અને રિતેશ સાથે ભાડાંના ઘરમાં રહેતો હતો. પરીક્ષાનું પરિણામ આવ્યું, ત્યારે રોબિન સિવાયના પાંચે ય પરીક્ષાર્થીઓ સારા માર્કસ સાથે પાસ થયા હતાં. તેઓ પાછલા બે-ત્રણ વર્ષથી તૈયારી કરી રહ્યા હોવાથી સ્વાભાવિક રીતે એમની ઉત્તીર્ણ થવાની સંભાવના વધારે હતી, એ તથ્ય સમજવામાં રોબિનને વખત લાગ્યો.

હવે ફરી પાછું દરભંગા જઈને પિતાની વર્ષો જૂની સાડીની દુકાનમાં કામે વળગી જવું પડશે, એ વિચારી વિચારીને જ રોબિનની હાલત ખરાબ થઈ ગઈ અને તેણે ખાવા-પીવાનું છોડી દીધું. એના મિત્રોએ પરિસ્થિતિની ગંભીરતા સમજીને રોબિનને થોડો સમય માટે હવાફેર કરવા માટે પ્રેમાગ્રહ કર્યો.

અમુક જ કલાકોમાં ગોઠવાયેલી રોડ-ટ્રિપમાં જવાનું રોબિનને મન નહોતું, પરંતુ મિત્રોના આગ્રહને તે નકારી શક્યો નહીં. રોબિન સહિતના છ જુવાનિયાઓને સ્વપ્નેય અંદાજ નહોતો કે એમની રોડ-ટ્રિપ કેટલી ભયાવહ પૂરવાર થવાની છે!

'મને અડધી કલાકમાં ઉઠાડજો, ઊંઘ આવે છે!' રોડ-ટ્રિપની શરૂઆતમાં જ રોબિને બગાસું ખાઈને કહ્યું.

થોડી મિનિટો માંડ વીતી હશે, ત્યાં પટના હાઇ-વે પર અચાનક રોબિનની આંખ ખૂલી. વિન્ડો-શિલ્ડમાંથી થોડે જ દૂર નજર જતાં તેની આંખો ફાટી ગઈ. લગભગ દોઢસો મીટર દૂર, કેસરી ટી-શર્ટ અને શૉર્ટ્સ પહેરેલો કિશોર એમની કારની બરાબર સામે ઊભો હતો. આમ છતાં, ડ્રાઇવિંગ સંભાળી રહેલો રિતેશ કાર ધીમી પાડવાનું નામ નહોતો લઈ રહ્યો! તેને ચેતવવા માટે રોબિને બૂમ પાડી, પણ તેનો અવાજ ન નીકળ્યો! ગભરાઈને તેણે રિતેશના પોતાના હાથથી સાવધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ શરીર પર જાણે કોઈક અગમ્ય શક્તિએ કબ્જો જમાવી લીધો હોય, એમ એ હલી સુદ્ધાં ન શક્યો!

'થડાકકકકક...' પૂરપાટ વેગે દોડી રહેલી ગાડી રસ્તા વચ્ચે ઊભા રહી ગયેલાં કિશોર સાથે જોરથી અથડાઈ અને રોબિનના મોંમાંથી તીણી ચીસ નીકળી ગઈ!

'...રોબિન?' અનુપમ તેને બોલાવી રહ્યો હતો, 'શું થયું? ખરાબ સ્વપ્ન જોયું?'

રોબિને ઝાટકાભેર ઉપર જોયું તો અનુપમ તેનો ખભો હચમચાવી રહ્યો હતો!

આ સપનું હતું? પણ.. મેં... મેં તો સાચ્ચે જ એક છોકરા સાથે કાર... તે પોતાના વિચારોમાં ડૂબેલો હતો, એટલામાં ફરી તેણે રસ્તાની જમણી બાજુ એ જ કિશોરને જોયો, જેની સાથે થોડી જ ક્ષણો પહેલાં ગાડી અથડાઈ હતી! સફેદ પૂણી જેવો સ્મિતવિહીન ચહેરો, થીજી ગયેલાં હાવભાવ અને તીખી નજરમાં કાતિલ ઠંડક!

રોબિન હચમચી ગયો!

અનુપમ સહિતના તેના પાંચ મિત્રોએ આ ઘટનાને ખરાબ સપનું માનીને હસવામાં ઉડાવી દીધી, પણ રોબિન જાણતો હતો કે કંઈક તો બરાબર નહોતું!

તેઓ સહર્ષા પહોંચ્યા અને આખો શનિવાર ત્યાં જ પસાર કર્યો. સાંજે અંધારું થઈ જતાં ફરી પટના જવાને બદલે કોઈ સારે હૉટેલમાં રાત પસાર કરવાનો સૌએ નિર્ણય કર્યો. એમનો આ નિશ્ચય કેટલી હદે ભયાવહ સાબિત થવાનો હતો, એ અંગે હજુ એમને કલ્પના સુદ્ધાં નહોતી, જે અંગે વાત આગળ વધારીશું આવતાં અઠવાડિયે.