Get The App

મમ્મીના પણ ભાગ પાડવા પડશે?

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
મમ્મીના પણ ભાગ પાડવા પડશે? 1 - image

- ઝાકળઝંઝા-રવિ ઈલા ભટ્ટ

- 'મારા ગયા બાદ પ્રેમિલા આ ઘરમાંથી ક્યાંય જશે નહીં. ત્રણે દીકરા અને તેમની પત્નીઓએ પ્રેમિલાને સાચવવા માટે હાલના ઘરમાં આવવું પડશે...'

'મો ટાભાઈ, મારું શું કહેવું છે કે હવે પપ્પાની બધી ક્રિયા પૂરી થઈ ગઈ છે તો એક વખત મમ્મી સાથે વાત કરવી જોઈએ.' - તનયે પોતાના મોટાભાઈ દિવાકર અને વિનુભાઈની બાજુમાં બેસતા કહ્યું.

'અરે વાહ, ત્રણેય ભાઈઓ સાથે બેસીને વાતો કરશો. ખરેખર તમને આ રીતે જોઈને આનંદ થાય છે. પપ્પાને તો બિચારાને આ દ્રશ્ય આખી જિંદગી જોવા મળ્યું નહીં. બેસો હું ચા બનાવી લાવું.' - તનુજા એટલું બોલીને રસોડામાં જતી રહી.

'મોટાભાઈ, મેં અડધો કલાક પહેલાં વકીલ સાથે વાત કરી હતી. પપ્પાનું વિલ એમની પાસે જ છે.' - વિનોદભાઈએ કહ્યું.

'વિનુભાઈ, મેં તો મહિના પહેલાં જ પુછી લીધું હતું. પપ્પાને પહેલી વખત આઈસીયુમાં રાખ્યા ત્યારે જ મને ડાઉટ હતો પણ થોડું લાંબું ખેંચાયું. હવે ઝડપથી ઉકેલ લાવીને બધું ક્લિયર કરી નાખવું જોઈએ. બાકી અંતિમ નિર્ણય મોટાભાઈનો રહેશે.' - તનયે સાવ બેફિકરાઈથી કહ્યું.

'તનીયા અને વિનિયા તમે બંને સાંભળી લો. આપણા ઘરમાં દાદાજી ગયા પછી લગભગ બે દાયકા પછી આ શોકનો પ્રસંગ આવ્યો છે. એકાએક આ બધું કરીશું તો ગામ આખું વાતો કરશે. એકાદ મહિનો જવા દો, આપણે ફરી મમ્મી પાસે આવીશું અને બધું ક્લિયર કરી લઈશું. મમ્મી અને ઘર થોડા નાસી જવાના છે?' - મોટાભાઈ બોલ્યા. તનય અને વિનુભાઈએ માત્ર હકારમાં માથું ધુણાવ્યું.

'ભાઈઓ, તમે જે ભાગ પાડો અને જે વહેંચો તે પણ તમારી આ નાનકીને ભુલતા નહીં હોં? મને થોડું આપશો તો ચાલશે પણ ગણતરીમાં તો રાખજો.' -તનુજા હાથમાં ચાની કિટલી અને રકાબીઓ લઈને રૂમમાં પ્રવેશતા બોલી.

'તને કોણે કહ્યું કે, અમે કશાના ભાગ પાડવા કે મિલકતની વાતો કરવા બેઠા છીએ. અમે બીજી વાત પણ કરતા હોઈએ ને?' - તનય થોડો અકળાઈ ગયો.

'તનીયા, તું જેટલો દેખાય છે એટલો સીધો નથી. તેમાંય તારી બાયડી તો બહાર દેખાય છે એટલી જમીનમાં છે. મને ખબર છે કે, તમે બધા મિલકત માટે જ બેઠા છો, બાકી આમ શાંતિથી એકબીજાની સાથે વાતો કરો એવા નથી. હું પણ તમારી જ બેન છું. કાકા જોડે ભાગ પડયા ત્યારે દાદાનું જૂનું સ્કુટર લેવા પણ તમે મારામારી ઉપર ઉતરી આવ્યા હતા. આ તો તમારા બાપની મિલકત છે, તમે તો માર-કાપ કરી નાખો એવા છો.' -તનુજાએ ટોણો માર્યો અને ત્રણેય ભાઈઓના ભવા વંકાઈ ગયા.

'તનુ, રૂમમાં આવજે તો? મારો અછોડો મળતો નથી, તે જોયો હતો ક્યાંય?' - રૂમમાંથી પ્રેમીલા બેનનો અવાજ આવ્યો.

'આવી મમ્મી. આ ત્રણમાંથી જ કોઈની ઘરવાળીએ સેરવી ના લીધો હોય? મને તો વધારે ચિંતા થાય છે. આ કોઈનો ભરોસો થાય એવો નથી.' - તનુજાએ રૂમમાં જતા જતા પણ ભાઈઓને ચાબખાં માર્યા. તનય ગુસ્સામાં ઊભો થઈ ગયો પણ વિનુભાઈએ તેનો હાથ પકડી લીધો. તનુજા મમ્મીના રૂમમાં દોડી ગઈ.

દિવસ તો પૂરો થઈ ગયો અને રાત્રે બધા જમી-પરવારની બહાર આંગણામાં બેઠા હતા. વચ્ચે ખાટલામાં મમ્મી તેના ક્રમ પ્રમાણે માળા લઈને બેઠી હતી અને બધા થોડા થોડા અંતરે આસપાસ ગોઠવાયા હતા.

'તમે લોકો હવે તમારા ઘરે જાઓ. આ છોકરાઓનું ભણતર બગડશે, તમારા નોકરી-ધંધા અટવાયેલા હશે. તમારા પપ્પાની આવરદા પૂરી થવાની હશે તે થઈ ગઈ. તમારે મારી ચિંતા કરવાની જરૂર નથી. હું બરાબર છું. તનુજા મારી સાથે છે. તમે લોકો ચિંતા કર્યા વગર આવતીકાલે જ જતા રહેજો.' - મમ્મીએ માળા નીચે મુકતા કહ્યું.

ઘરના બધાએ તરત જ હામી ભરી દીધી. મમ્મીએ દયામણા ચહેરે બધા સામે એક નજર નાખી અને તનુજાએ તિસ્કાર સાથે બધા સામે જોયું.

'તમે બધા આવતા રવિવારે છેલ્લી વખત અહીંયા આવજો. મેં તારા પપ્પાના કહ્યા પ્રમાણે ત્રિવેદી કાકાને બોલાવ્યા છે. પપ્પાના કહ્યા પ્રમાણે બધી વહેંચણી થઈ જાય પછી હું હરિદ્વાર જતી રહીશ. તનુ તો આમેય હોસ્ટેલમાં જવાની છે તો મારે તેનીય ચિંતા નહીં રહે.' -  મમ્મીએ કહ્યું અને ત્રણેય ભાઈઓ તો મલકાઈ ગયા. 

થોડીવાર મમ્મીએ, આઘી-પાછી વાતો કરી અને ત્યારબાદ આરામ કરવા પોતાના રૂમમાં જતી રહી. તનુ પણ તેની પાછળ જતી રહી.

'ચાલો જે થયું તે સારું થયું. મમ્મીએ સામેથી જ આપણને વકીલની વાત કરી લીધી. મને ચિંતા થતી હતી કે, આ વાત કરીશું કેવી રીતે. મમ્મી શું વિચારશે?' - વિનુભાઈ બોલ્યા.

'વિનુભાઈ તમારી વાત સાચી છે, તમારો હરખ અઠવાડિયું હજી સાચવી રાખો નહીંતર પેલી કાગડી નજર લગાડશે.' - તનય બોલ્યો અને બધા હસી પડયા.

બીજા દિવસે બધા જ પોતાનો વસ્તાર લઈને ઘરભેગા થઈ ગયા. તેમના માટે તો અઠવાડિયું જ મહત્ત્વનું હતું. ત્યારબાદ તેમની તકદીર સોને મઢાવાની હતી. જોતજોતામાં અઠવાડિયું પસાર પણ થઈ ગયું. બધા રવિવારે વહેલી સવારે જ મમ્મી પાસે પહોંચી ગયા. ચા-નાસ્તો થયો અને દસ વાગ્યા ત્યાં જ ત્રિવેદી કાકા આવી ગયા. 

'ભાઈ, આમના પપ્પા જે લખી ગયા છે અને જે કરવાનું કહીને ગયા છે તે આ લોકોને જણાવી દો. મારા મન ઉપરનો ભાર હળવો થાય.' - મમ્મીએ કહ્યું અને બધા ભાઈઓ અને ભાભીઓની આંખો ચકળવકળ થવા લાગી. ત્રિવેદી કાકાએ તરત જ પોતાની સુટકેસમાંથી એક ફાઈલ કાઢી અને પપ્પાનું વિલ વાંચવાની શરૂઆત કરી.

'મારી પાસે લખલુટ સંપત્તી તો નથી છતાં પોતાના સંતાનોને આપી શકું તેટલી તો સંપત્તી છે. હું સંપૂર્ણ સ્વસ્થ સ્થિતિમાં, કોઈના દબાણમાં આવ્યા વગર મારી ઈચ્છાથી આ પ્રમાણે વહેંચણી કરું છું.'

'આપણા વતનમાં આવેલી પચ્ચીસ વીઘા જમીનમાંથી એકવીસ વીઘા જમીન ત્રણેય છોકરાઓને આપવી. બાકીની ચાર વીઘા જમીન તનુજા અને મમ્મી માટે રાખવી.'

'દિવાકરને ધંધો કરવા માટે મેં પહેલાં જ પૈસા આપી દીધા હતા તેથી હવે કોઈ રોકડ રકમ તેને આપવાની થતી નથી. બીજી તરફ વિનુને તેના દીકરાને વિદેશ મોકલવા માટે અને તનયને વડોદરમાં મકાન લેવા માટે મેં પૈસા આપ્યા હતા. હવે ખાતામાં જે રકમ વધી હોય તે બધી જ રકમ મારી પત્નીની રહેશે. તનુજાના લગ્ન માટે એક વીસ લાખની એફડી મુકેલી છે તે તેને લગ્ન સમયે ઉપયોગમાં લેવી જેથી ભાઈઓને કોઈ આર્થિક ભાર પડે નહીં.' - ત્રિવેદીકાકાએ વાંચ્યું અને બધા આનંદિત થઈ ગયા.

'બાકી બધું બરોબર છે પણ આ ઘરનું શું કરવાનું? પપ્પાએ તેના વિશે તો લખ્યું નથી. મમ્મીનું પણ શું કરવાનું?' -સુનિતાભાભી બોલ્યા.

'મને ખબર જ હતી કે, આનો જીવ અઘાટીયો છે. આનાથી બોલ્યા વગર રહેવાશે નહીં. એ બાયલા તનીયા તારી બાયડીને શાંત રાખ.' - તનુજાએ સણસણતો ટોણો માર્યો.

'મમ્મીનું કરવાનું શું, તમારી જોડે રાખવાની. ત્રણેય ભાઈઓ સાથે.' -તનુજાએ કહ્યું.

'ત્રણેય ભાઈઓના ઘરે ચાર-ચાર મહિના રાખીશું. કોઈ એકને ભાર પડે તેવું કરવું નથી.' - મોટાભાભી બોલ્યા.

'મમ્મી તો હરિદ્વાર જવાનું કહેતા હતા ને, તો તેમને રાખવાની વાત ક્યાંથી આવી?' - સપના ભાભીએ કહ્યું.

'તમે મારા ગયા પછી ઝઘડી લેજો. હજી તમારા પપ્પાની કેટલીક વાત જણાવવાની બાકી છે.' - ત્રિવેદીકાકાએ ઝઘડો શરૂ થાય તે પહેલાં જ બધાને અટકાવ્યા.

'મને ખબર છે કે, મારા ત્રણેય દીકરા અને તેમની પત્નીઓ અત્યંત સંસ્કારી છે. તેઓ મારી પ્રેમિલાના ટુકડા કરતા પણ વિચાર કરે તેવા નથી. મને વિશ્વાસ છે કે તેઓ મારા મરવાની સાથે જ ઘરના ભાગ પાડશે 

અને તેમની મમ્મીના પણ ભાગ પાડશે. મારા ગયા પછી તેઓ પ્રેમિલાને સાચવશે તો સતયુગ પાછો આવી ગયો હશે તેવું કહેવાશે.'

'મારા ગયા બાદ પ્રેમિલા આ ઘરમાંથી ક્યાંય જશે નહીં. ત્રણે દીકરા અને તેમની પત્નીઓએ પ્રેમિલાને સાચવવા માટે હાલના ઘરમાં આવવું પડશે. તેઓ ચાર-ચાર મહિના અહીંયા આવશે અને તેમની મમ્મી સાચવશે. આ ઘરમાં પ્રેમિલાના રૂમમાં, જાહેર જગ્યાએ, આંગણામાં, મંદિરમાં, રસોડામાં' ડ્રોઈંગરૂમમાં સીસીટીવી નખાવવા અને તેનું એક્સેસ તનુજા અને ત્રિવેદીકાકાની પાસે રાખવું. જો આ ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓમાંથી કોઈપણ પ્રેમિલાને હેરાન-કરે, દબાણ કરે, દુ:ખ આપે, રડાવે તો ઉપરોક્ત તમામ બાબતો રદ બાતલ જાહેર થશે.'

'સૌથી મહત્ત્વની વાત, મેં જે વહેંચણી કરી છે તે બધી જ સંપત્તી અને મિલકત પ્રેમિલાના અવસાન બાદ સંતાનોને મળશે. એ દરમિયાન જો કોઈએ પણ પ્રેમિલાને તરછોડી કે પીડા આપી તો આમાંથી કશું જ તેમને મળશે નહીં. જો પ્રેમિલાનું શંકાસ્પદ સ્થિતિમાં અવસાન થયું તો પણ ત્રણેય દીકરાઓના ભાગે આવતી તમામ સંપત્તી, રકમ અને બાકીનું બધું જ ત્રિભુવન દાદાના ટ્રસ્ટમાં આપી દેવું.' - ત્રિવેદીકાકાએ વિલ વાંચવાનું પૂરું કર્યું અને ત્રણેય ભાઈઓ અને તેમની પત્નીઓ ઊભા થઈને ઘરની બહાર નીકળી ગયા. પ્રેમિલાબેનની અને તનુજાની આંખો છલકાઈ ગઈ.