Get The App

સંજુ સેમસન : આત્મશ્રદ્ધાના સથવારે ક્રિકેટમાં અમીટ સ્થાન હાંસલ કરનાર સુપરસ્ટાર

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
સંજુ સેમસન : આત્મશ્રદ્ધાના સથવારે ક્રિકેટમાં અમીટ સ્થાન હાંસલ કરનાર સુપરસ્ટાર 1 - image

- Sports ફન્ડા-રામકૃષ્ણ પંડિત

- દિલ્હીની અંડર-14ની ક્રિકેટ ટ્રાયલ્સમાં રિજેક્ટ થયેલા સંજુની કારકિર્દી માટે પિતાએ પોલીસની નોકરીમાં નિવૃત્તિ લઈને વતન કેરળની વાટ પકડી અને તેની જિંદગીની રાહ બદલાઈ ગઈ

વિ શિષ્ટ પ્રતિભા અને સખત મહેનતની સાથે સાથે સફળતા માટે આત્મશ્રદ્ધા અત્યંત પાયાની જરુરિયાત બની રહે છે. ઘણી વખત દુનિયાને હીરા અને પથ્થર વચ્ચેનો તફાવત કરવામાં ચૂકી જતી હોય છે. આ સમય અત્યંત કપરો હોય છે. જ્યારે પણ કોઈની પ્રતિભાને પ્રથમ દ્રષ્ટીએ નકારી કાઢવામાં આવે છે, ત્યારે નિર્વેદના કારણે ખુદની પ્રતિભાની સામે શંકા જન્મે તે સ્વાભાવિક છે, પણ જે પ્રતિભાઓ આ સમયે પોતાની આત્મશ્રદ્ધાના દીપકને પ્રજ્વલ્લિત રાખવામાં સફળ રહે છે, તેઓ જ અંધકારમાં સફળતાની રાહને શોધી શકે છે. આ પછી તો સફળતાના સૂરજને આવકારા હજ્જારો મળી રહે છે, પણ તેના પ્રાગટય પૂર્વે માત્ર આત્મશ્રદ્ધા જ એકમાત્ર આધાર સમાન બની રહે છે. 

ભારતીય ક્રિકેટ બોર્ડની સ્થાપનાને તો શતાબ્દી પૂર્ણ થવા આવી છે, ત્યારે ભારતીય ક્રિકેટમાં જાણે સ્વર્ણિમ મૌસમ છવાયેલી જોવા મળી રહી છે. બે વર્ષ પહેલા ટી-૨૦ વર્લ્ડ કપ, તે પછી ચેમ્પિયન્સ ટ્રોફી, ત્યાર બાદ મહિલા વન ડે વર્લ્ડ કપ અને હવે ફરી ટી-૨૦ વર્લ્ડ કપ જીતવાની સિદ્ધિ એ ક્રિકેટ વિશ્વમાં ભારતીય પ્રભુત્વનું પ્રમાણ રજુ કરે છે. તેમાં ય ભારતની ઘરઆંગણાની ટી-૨૦ વર્લ્ડ કપની જીતના પાયામાં સંજુ સેમસનની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. ટી-૨૦ વર્લ્ડકપ - ૨૦૨૬ની શરુઆતમાં સંજુને તક આપવામાં આવી નહતી અને તે જાણે રિઝર્વ ઓપનર હોય તેમ તેને એકાદ મેચમાં તક મળી હતી. જોકે, આ પછી રિન્કુ સિંઘના અંગત જિવનમાં સર્જાયેલા તોફાનને કારણે કેરળના ૩૧ વર્ષના જમણેરી ઓપનરને તક આપવામાં આવી અને તેેણે ધમાકેદાર દેખાવ કરતાં એક તબક્કે તેના વિશે મૌન રહેનારાઓને પણ તેના વખાણ કરતા કરી દીધા. 

એક સમયે પરદાની પાછળ ધકેલી દેવાયેલા સિતારાના ઉદય માટે પરિસ્થિતિને જ યેનકેન પ્રકારે ભૂમિકા ભજવવી પડે છે. સેમસન અગાઉ ૨૦૨૩ના વર્લ્ડકપમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને ૨૦૨૫ના મહિલા વન ડે વર્લ્ડ કપમાં જેમીમા રોડ્રિગ્સ તેમજ શેફાલી વર્માએ પણ આત્મશ્રદ્ધાને સહારે તમામ વિઘ્નો છતાં ઈતિહાસમાં આગવી ઓળખ ઉભી કરી છે. આ જ સિલસિલાને સેમસને આગળ ધપાવ્યો છે. 

ટી-૨૦ વર્લ્ડ કપ - ૨૦૨૬માં નામિબીયા સામેની મેચમાં અભિષેક શર્માને ઈજા થતાં સેમસનને તક મળી હતી. જોકે ત્યાર બાદ તેને ઈલેવનમાંથી બહાર કરી દેવાયો. આ પછી ઝિમ્બાબ્વે સામેની સુપરએઈટની મેચમાં તેણે ફરી ઈલેવનમાં પુનરાગમન કર્યું, પણ ત્યારે તેનો દેખાવ સાધારણ રહ્યો. આ પછી વિન્ડિઝ સામેની ક્વાર્ટર ફાઈનલ સમાન મેચમાં તેના વિજયી અણનમ ૯૭ રન તેમજ તે પછી ઈંગ્લેન્ડ સામે સેમિ ફાઈનલમાં અને ન્યુઝીલેન્ડ સામે ફાઈનલમાં તેના ૮૯-૮૯ રન ભારતની યાદગાર જીતમાં પાયારુપ બની રહ્યા. આ જ કારણે તેણે ટી-૨૦ વર્લ્ડકપ ૨૦૨૬માં માત્ર પાંચ જ મેચ રમવા છતાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીતવાની સાથે ભારતના તમામ ફોર્મેટના વર્લ્ડ કપ વિજયમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બનેલા મોહિન્દર અમરનાથ(૧૯૮૩), યુવરાજ સિંઘ (૨૦૧૧), જસપ્રીત બુમરાહ (૨૦૨૪) અને દીપ્તિ શર્મા (૨૦૨૫)ની હરોળમાં પોતાનું નામ પણ સુવર્ણાક્ષરે અંકિત કરાવી લીધું છે. 

સેમસનની પ્રતિભાએ છેલ્લા ૧૩ વર્ષથી ઘરઆંગણાના ક્રિકેટથી લઈને આઈપીએલ સુધીની ટુર્નામેન્ટમાં સંઘર્ષ કર્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ જેવી ટીમોનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલો ૩૧ વર્ષના સેમસનનું ઘડતર એક બેટસમેન અને વિકેટકિપર તરીકે અસરકારક રીતે થયું છે અને તેનું જ પરિણામ ટી-૨૦ વર્લ્ડકપમાં જોવા મળ્યું. કેરળના તિરુવનંતપુરમ કે જે અગાઉ ત્રિવેન્દ્રમ તરીકે ઓળખાતું હતુ, ત્યાં સેમસનનો જન્મ થયો હતો.

સેમસનનું બાળપણ દેશની રાજધાનીમાં વિત્યું. તેના પિતા વિશ્વનાથ સેમસન દિલ્હી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા હતા અને દિલ્હી પોલીસની ફૂટબોલ ટીમ તરફથી રમતાં. તેઓ ફૂટબોલનું કોચિંગ પણ આપતા. જોકે તેઓ ઈચ્છતા હતા કે, તેમના બંને પુત્રો સેલી અને સંજુ ક્રિકેટર બને અને આ માટે તેઓ ખુદ પણ ઘણો પ્રયાસ કરતા. સેલી અને સંજુ પશ્ચિમી દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં આવેલી દેવ એકેડમીમાં કોચ યશપાલના માર્ગદર્શનમાં તાલીમ મેળવતા. સ્થાનિક ટુર્નામેન્ટમાં શાનદાર દેખાવ છતાં ૧૨ વર્ષના સેમસનને દિલ્હીની અંડર-૧૩ ટીમમાં સ્થાન મળી ન શક્યું. 

વિશ્વનાથને આ તબક્કે લાગ્યું કે, દિલ્હી જેવા વિસ્તારમાં તેમના બાળકોના વિકાસને મોકળું મેદાન મળી શકે તેેમ નથી. સંજુની પસંદગી ન થતાં તેઓ ખિન્ન પણ હતા. આ પછી તેમણે વતન તિરુવનંતપુરમમાં પાછા ફરવાનો નિર્ણય લીધો. તે સમયે તેમને ઘણાએ સલાહ આપી કે, દિલ્હી જેવા મોટા સેન્ટરને છોડીને પાછા ફરવાનો નિર્ણય બાળકોના ક્રિકેટના ભવિષ્યને ખાસ ઉજ્જવળ નહીં બનાવે. વળી, તે સમયે માત્ર કેરળના બે જ ખેલાડીઓ ટીનુ યોહાન્ના અને શ્રીસંત જ ભારતીય ટીમ સુધી પહોંચી શક્યા હતા. ઘરઆંગણાના ક્રિકેટમાં પણ કેરળની વિશેષ ઓળખ નહતી. આમ છતાં વિશ્વનાથે આંતરસૂઝને સહારે વતન વાપસીનો નિર્ણય લીધો. 

દિલ્હીમાં ક્રિકેટના પાયાના કૌશલ્યો શીખીને કેરળ પહોંચેલા સંજુુ સેમસને આગવું આકર્ષણ જમાવ્યું. કારણ કે તે સમયે સંજુ તેના સમવયસ્ક ખેલાડીઓ કરતાં ચઢિયાતો સાબિત થયો. વળી, તેની પાસે ફિટનેસ અને તાલીમ માટેનો પદ્ધિતસરનો કાર્યક્રમ પણ હતો. તિરુવનંતપુુરમમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કોચ બિજુ જ્યોર્જના માર્ગદર્શનમાં તેની ક્રિકેટર તરીકેની નવી સફરની શરુઆત થઈ. 

કેરળના જુનિયર ક્રિકેટમાં રનના ઢગલા ખડકનારા સંજુ સેમસનને ઘરઆંગણાના ક્રિકેટના પ્રભાવશાળી દેખાવના કારણે ૨૦૧૧ના એશિયા કપ અંડર-૧૯ની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. જોકે તેમાં તે ખાસ પ્રભાવ પાડી શક્યો નહતો અને આ કારણે તેને અંડર-૧૯ વર્લ્ડ કપની ટીમમાં સ્થાન મળી ન શક્યું. જોકે આ દરમિયાન તેને ૧૭ વર્ષની ઉંમરે સૌપ્રથમ આઇપીએલનો કોન્ટ્રાક્ટ કોલકાતા નાઈટ રાઈડર્સે આપ્યો. જ્યાં તેને સિઝનમાં એક પણ મેચ રમવા મળી ન શકી. જોકે આ પછી મુંબઈ ઈન્ડિન્સ તેમજ રાજસ્થાનની ટીમ તરફથી શાનદાર દેખાવ કરતાં આગવી સફળતા મેળવી હતી. વર્ષ ૨૦૧૧ની આઈપીએલની સિઝનમાં તેણે ૨૦૦થી વધુ રન ફટકાર્યા હતા અને તેને સિઝનનો શ્રેષ્ઠ યુવા ખેલાડી પણ જાહેર કરવામાં આવ્યો હતો. 

આક્રમક મિજાજ સાથેની રમત અને હરિફ બોલરો પર હાવી થવાની કુશળતાના સહારે તેણે ભારતીય પસંદગીકારોનું પણ ધ્યાન ખેચ્યું હતુ. જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેને ચડાવ-ઉતારનો સામનો કરવો પડયો હતો. ૨૦૨૪માં વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમમાં પણ સંજુ સામેલ હતો. જોકે પંતની હાજરીના કારણે તેને તક મળી શકી નહતી. આ વખતે પણ તેનું સ્થાન રિઝર્વ ઓપનર-વિકેટકિપર તરીકેનું જ હતુ, પણ પછી પરિસ્થિતિ જ એવી સર્જાઈ કે, તેને ઈલેવનમાં સ્થાન મળ્યું અને તેણે આ તકને બંને હાથે ઝડપી લીધી. સંજુની નિર્ણાયક મુકાબલાની છેલ્લી ત્રણ ઈનિંગ ભારતીય ક્રિકેટ ઈતિહાસમાં અને ચાહકોના દિલોમાં કાયમ માટે અંકિત થઈ ગઈ છે. સંજુએ ભારતીય ક્રિકેટની સ્વર્ણિમ યાદોમાં અમીટ સ્થાન મેળવી લીધું છે, જે તેના લાંબા સંઘર્ષ અને ઈંતજારની ફલશ્રુતિ છે.