Get The App

સૂર્યાનો નવો સંકલ્પ .

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
સૂર્યાનો નવો સંકલ્પ                                         . 1 - image

- આજકાલ-પ્રીતિ શાહ

- સૂર્યા કહે છે કે બાળકોને ટ્રાફિક અંગે વાત કરતા તે સમજતા હતા, પરંતુ તેને યાદ રાખીને ધારણ કરવાની સમસ્યા રહેતી હતી

સ રકારના અહેવાલ મુજબ ૨૦૨૪માં ભારતમાં માર્ગ અકસ્માતમાં રોજના ૪૮૫ મૃત્યુ થયા હતા. બૅંગાલુરુમાં વસતો સૂર્યા ઉત્કર્ષ પણ માત્ર છ વર્ષની વયે માર્ગ  અકસ્માતનો ભોગ બનેલો. તેના પરિવારને શિવમોગ્ગા પાસે અકસ્માત નડયો હતો. જોકે છ ઍરબેગ ખુલી જવાથી કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ આટલી નાની ઉંમરના સૂર્યાના ચિત્ત પર તે કારમી ઘટના અંકિત થઈ ગઈ. આજે નવમા ધોરણનો વિદ્યાર્થી સૂર્યા વિચારે છે કે જો ઍરબેગ ન ખૂલી હોત તો શું થાત? બૅંગાલુરુની રાજાજીનગરમાં આવેલી નેશનલ પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરતાં સૂર્યા ઉત્કર્ષે બાર વર્ષની ઉંમરે ધ માર્ગ ઇનિશિયેટીવની સ્થાપના કરી છે, જે બાળકોને રોડ સેફ્ટી વિશે સમજાવે છે.

તેણે નોંધ્યું કે ઘણા રોડ તો અસલામત હોય છે, પરંતુ તે ઉપરાંત ડ્રાઈવર પણ જાગૃતિ રાખ્યા વિના વાહન ચલાવે છે. માત્ર સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે માત્ર જાગૃતિથી નહીં ચાલે. બંને સાથે હશે તો જ અકસ્માત ઓછા થશે. આવા વિચારો કરનાર સૂર્યાને ૨૦૨૩માં યુએન દ્વારા આયોજિત વન મિલિયન ફૉર વન બિલિયન એસ્કલેટર પ્રોગ્રામમાં જવાની તક મળી અને તેનો વિચાર એક મિશનમાં પરિવર્તિત થયો, તેની ઇચ્છા કોઈ નાનો પ્રોજેક્ટ કરવાની નહોતી. એક એવો પ્રોજેક્ટ કરવો કે જે ધીમે ધીમે વિકસે, લોકો તેમાં જોડાય અને તે પોતે વ્યક્તિગત રીતે હાજર ન રહે તો પણ તે ચાલતો રહે એવા વિચાર સાથે ૨૦૨૪ના માર્ચ મહિનામાં ધ માર્ગ ઇનિશિયેટીવની શરૂઆત કરી. તેમના મુખ્ય ચાર સ્તંભ છે - અવેરનેસ, એડવોક સી, ઈનોવેશન અને ફંડરેઝિંગ. બાળકોમાં આ અંગે જાગૃતિ આવે તે માટે સ્કૂલોમાં, અનાથાશ્રમોમાં અને અન્ય જગ્યાઓએ ટ્રાફિકના નિયમો શીખવવાનું શરૂ કર્યું. તેમાં ટ્રાફિક સિગ્નલ્સના નિયમો, પગપાળા ચાલતા હોય તે લોકો માટેના નિયમો, સલામત રીતે રસ્તો કેવી રીતે ઓળંગવો, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ વગેરે બાબતો શીખવવાથી શરૂઆત કરી.

સૂર્યા ઉત્કર્ષ છથી અઢાર વર્ષની ઉંમરના બાળકોને ટ્રાફિકના નિયમો શીખવે છે, ત્યારે પ્રશ્ન એ થાય કે જે ઉંમરે તેમને વાહન ચલાવવાનું નથી તો તેમને શા માટે શીખવવું જોઈએ, પરંતુ તે માને છે કે એક તો બાળકો રોડનો ઉપયોગ કરે છે, ત્યારે તેમનું ધ્યાન રમતમાં વધુ અને પોતાની સલામતીમાં ઓછું હોય છે. બીજું કારણ એ છે કે બાળકોનું મન કંઈ પણ શીખવા માટે હંમેશાં ખુલ્લું હોય છે અને તરત જ શીખી જાય છે. ખરેખર તો આ બાબતોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. જો તેમને નાની ઉંમરથી જ આ શીખવવામાં આવે તો તે એમના વર્તનમાં સ્વાભાવિક રીતે જ વણાઈ જાય છે. તેની આ વાતે શિક્ષણવિદો પર ઊંડો  પ્રભાવ પાડયો. બૅંગાલુરુની કેપ્સ્ટન હાઇસ્કૂલમાં તેણે માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે ધ માર્ગ ઈનિશિયેટીવ અંતર્ગત વર્કશોપ કરી. સ્કૂલના કો-ઓર્ડિનેટરે કહ્યું કે રોડ સેફ્ટી રોજિંદા જીવનમાં સહુના માટે મહત્ત્વની છે અને જ્યારે વિદ્યાર્થીઓને ઔપચારિક શિક્ષણ આપીએ કે સમજાવીએ એના કરતાં એક વિદ્યાર્થી આવી વાત કરે તેનો પ્રભાવ વધુ હોય છે અને તે તરત સ્વીકાર્ય બને છે.  

તેણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ મેન્ટલ હેલ્થ અને ન્યૂરોસાયન્સીઝ તથા ડિપાર્ટમેન્ટ ઑફ એપિડીમિઑલૉજીના પ્રોફેસર સાથે મળીને બંગાલુરુના દસથી બાર સ્કાયવૉકના ડેટા મેળવવાનું નક્કી કર્યું. તેની પાછળ તેનો હેતુ એ હતો કે કોઈ ધારણાના આધારે નહીં, પણ ડેટાના આધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવે. સ્કાયવૉકમાં લિફ્ટ અને ઍસ્કેલેટર મોટાભાગે સિનિયર સીટીજન અને દિવ્યાંગો વાપરતા હતા, તેથી તેની સલામતીનો વિચાર કરવામાં આવે. સૂર્યા કહે છે કે બાળકોને ટ્રાફિક અંગે વાત કરતા તે સમજતા હતા, પરંતુ તેને યાદ રાખીને ધારણ કરવાની સમસ્યા રહેતી હતી. તેથી ઑક્ટોબર ૨૦૨૪માં તેણે રોડીઝ નામની મોબાઈલ ગેઇમ બનાવી, જે રમત દ્વારા રોડ સેફ્ટીની વાત સમજાવે છે. તે રમત રમનારા એવું માને કે આ સાધન કે નિયમનો ઉપયોગ કરવાથી રમતમાં જીત મેળવી શકાય છે તો વાસ્તવિક જીવનમાં પણ તેનો ઉપયોગ કરીને સફળતા મેળવી શકાશે. શરૂઆતમાં તેણે ત્રીસ હજાર રૂપિયામાં આ ગેઇમ બનાવી. સૂર્યા અને તેની ટીમે ધ માર્ગ ઈનીશિયેટીવ અને રોડીઝને એથર એનર્જી, ફોન પે, રેપિડો, નો બ્રોકર, કોઈન સ્વીચ જેવી કંપનીઓને બતાવી. આની પાછળ તેમનો ઉદ્દેશ ફંડરેઝિંગનો નહીં, પરંતુ ફીડબૅક મેળવવાનો હતો. આ બધામાં તેમને બૅંગાલુરુ ટ્રાફિક પોલીસનો સહયોગ મળ્યો છે. સૂર્યા સાથે વીસ સ્વયંસેવકો કામ કરે છે. અત્યાર સુધીમાં તેઓ પચાસ હજાર લોકો સુધી પોતાની વાત પહોંચાડી શક્યા છે. તે કહે છે કે દરેક સ્કૂલમાં વર્કશોપ કરવા માટે તેમની સંમતિ લેવી મુશ્કેલ હોય છે. તેથી તેણે બે હજાર સ્કૂલોને ઈમેલ કર્યા છે. આજે બૅંંગાલુરુ ઉપરાંત આગ્રા, દિલ્હી, સૂરત, કૉલકાતા અને અસમમાં કામ કરે છે.

શબનમની સૌંદર્ય-ખોજ

પચીસ વર્ષની શબનમ કહે છે કે, 'આવા સ્થળો શોધવા તે મારું પેશન હતું, પરંતુ હેતુ તો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો

જ મ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં શબનમ બશીરનો જન્મ થયો હતો. ગુજ્જર-બકરવાલ નામની જનજાતિમાં જન્મેલી શબનમને નાનપણથી પહાડો અને તેના અનુપમ પ્રાકૃતિક સૌંદર્ય પ્રત્યે અદમ્ય આકર્ષણ હતું. આ વિચરતી જાતિની રોજી-રોટી આમ તો ઘેટાં-બકરાંનો ઉછેર, દૂધ અને દૂધની બનાવટ પર આધારિત હોય છે. તેઓ ગોજરી ભાષા બોલે છે. આ જનજાતિમાં છોકરીઓના ખૂબ નાની ઉંમરે લગ્ન કરવામાં આવે છે અને બહાર હરવાફરવાનું પણ મર્યાદિત હોય છે, પરંતુ તે હરમુખની તળેટીમાં ઊભી રહીને યાત્રીઓને કે પર્વતારોહીને જોયા કરતી અને પોતે પણ એક દિવસ આવી યાત્રા કરશે એવી કલ્પના કરતી, પરંતુ એક છોકરી તરીકે તેને માટે એકલા યાત્રા કરવાનું મુશ્કેલ હતું. એણે ટ્રેકિંગ કરવાનું શરૂ કર્યું, પરંતુ કેટલાકને તો લાગ્યું કે શબનમનું માનસિક સ્વાસ્થ્ય બરાબર નથી. કેટલાક વડીલોએ કહ્યું કે આ છોકરી પર્વતો પર આવારાની જેમ આમતેમ ભટક્યા કરીને આબરુને નુકસાન પહોંચાડશે.

પરંતુ શબનમ કાશ્મીરના અજાણ્યા સ્થળોને પ્રવાસન સ્થળમાં પરિવર્તિત કરવા ઈચ્છતી હતી. તેને ગામ અને જિલ્લાની આસપાસ પ્રવાસનને વિકસાવીને પોતાની ગુજ્જર-બકરવાલ જનજાતિના ભવિષ્યને ટુરીઝમ દ્વારા આવક ઊભી કરવામાં મદદ કરવી હતી. શબનમ ઘૂંટણ સુધીના ઘાસની વચ્ચે અને પીગળતા બરફ વચ્ચે બૂટ પહેરીને ચાલતી. તે સમયે ન તો મોબાઈલ સિગ્નલ મળતાં કે ન કોઈ સાઇનબોર્ડ! પ્રવાસીઓ માટે કોઈ સગવડ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું. માત્ર એકાંત, નીરવ શાંતિ, પર્વતીય ફૂલો અને ઘેટાંબકરાંના ચરવાનો અવાજ - આવા વાતાવરણમાં કેમેરા અને  બૅકપૅકમાં નોટ લઈને નીકળી પડતી. બાંદીપોરામાં આવેલી અનેક ખીણોને શોધતી, નોંધતી અને નકશો બનાવતી. બચતમાંથી તે આ કામ કરતી હતી. કોઈ વાહનમાં જવાને બદલે કલાકો સુધી ચાલતી અને પોતાની પાસે ખાવાનું રાખતી, તેના આ પ્રવાસ કે ટ્રેકિંગ દરમિયાન ઘણી વાર અજાણી જગ્યાએ હોય અને રાત પડી જતી. ઘણી વાર પર્વત પર એકલી હોય ત્યારે ભય લાગતો અને એને થતું કે તેણે ત્યાંથી નીકળીને ઘરે પહોંચી જવું જોઈએ, પરંતુ દરેક વખતે તેને કોઈ નવી સુંદર ખીણ મળી આવતી.  તેની જાતિના લોકો કેટલો બધો સંઘર્ષ કરે છે. તેમાંથી તેમને વધુ સારું જીવનધોરણ મેળવવામાં આ પ્રવાસન ઉદ્યોગ મદદરૂપ થઈ શકે તેમ છે.

શ્રીનગરથી એંસી કિમી. દૂર આવેલા બાંદીપોરાની એક બાજુ વુલર સરોવર છે અને બીજી બાજુ હરમુખ પર્વત છે. આવા સુંદર પ્રદેશમાં ટુરીઝમ વિકસાવવાના ઉદ્દેશથી શબનમ બશીરે સત્તર વર્ષની ઉંમરે ઘણો પ્રવાસ કર્યો. ત્યાંના પાણીના સ્ત્રોતો, ઋતુ પ્રમાણે હવામાનમાં આવતાં પરિવર્તનો, ઈકોલોજિકલ માહિતી, કેમ્પિંગ ઝોન અને પશુઓને ચરાવવાની જગ્યાઓના ફોટોગ્રાફ લીધા. તેણે એક ટ્રેકિંગ રૂટ બનાવ્યો. ટૂરીસ્ટ ઑફિસ, વનવિભાગના અધિકારીઓ અને સ્થાનિક પંચાયતને આની માહિતી આપતા પત્રો લખ્યા. ચંદાજી અને નાગમર્ગ જેવા ગામોમાં અધિકારીઓને મળવા જાતે ગઈ. આઠ વર્ષમાં તેણે સોળ જેટલી જગ્યાઓ શોધી અને આજે એ ટૂરિઝમના નકશામાં અસ્તિત્વ ધરાવે છે. શબનમ બશીરે ૨૦૨૩માં 'અનએક્સપ્લોર કાશ્મીર' નામનું પુસ્તક પ્રકાશિત કર્યું. આ પુસ્તક બાંદીપોરાની ખીણો, ઘાસનાં મેદાનો, પર્વતીય સરોવરો અને ટ્રેકીંગ રૂટમાં પ્રવાસીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. આ પુસ્તક વાંચીને ઘણા પ્રવાસીઓ અહીં આવે છે. તેનું કારણ એ છે કે કાશ્મીરની જાણીતી જગ્યાઓએ ભીડ હોય છે, જ્યારે અહીં ઓછા પ્રવાસીઓ હોવાથી શાંતિ અનુભવાય છે તેમજ કુદરતી સૌંદર્ય પણ ઘણું જળવાયું છે. આજે ચંદાજી, ક્વિલમુકામ, નાગમર્ગ અને તેના આસપાસના વિસ્તારમાં કુલ ચાળીસ હોમસ્ટે ચાલે છે, જ્યાં પહેલાં માત્ર બે સામાન્ય ગેસ્ટરૂમ હતા. ઉનાળામાં અહીં આશરે ત્રણસોથી પાંચસો પ્રવાસીઓ આવે છે અને ઘણા તો ટ્રેકિંગ કરવા આવે છે, જે રૂટ શબનમે શોધ્યો છે! આજે અહીં ત્રીસ પુરુષો ટ્રેકિંગ ગાઈડ તરીકે કામ કરે છે, તો કેટલાક ટટ્ટુ ચલાવનારા છે. પ્રવાસીઓની સીઝન હોય ત્યારે ત્રીસ સ્ત્રીઓ ત્યાંનું પરંપરાગત ભોજન બનાવે છે અને ઊનમાંથી પોતે બનાવેલી વસ્તુઓ વેચે છે. કેટલાક કુટુંબો માત્ર પશુપાલન પર નિર્ભર હતા, તેઓ સીઝનમાં પંદરથી સાઠ હજારની કમાણી કરે છે. તો ટ્રેકિંગમાં આશરે વીસ હજારની આવક થાય છે. ગામમાં રહેતા લોકો કહે છે કે પ્રવાસીઓએ એમનું જીવન બદલી નાખ્યું છે. તે પ્લાસ્ટિકનો વપરાશ ન કરવાનું શીખવે છે, તે સરકારી યોજનાની માહિતી પણ આપે છે. આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત જનજાતીય લોકોને પ્રશિક્ષિત કરીને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું હોય છે, જે જનજાતીય કાર્ય મંત્રાલય દ્વારા ચલાવવામાં આવતું એક મહત્ત્વનું જન આંદોલન છે. તે અંતર્ગત શબનમને જિલ્લા પ્રશાસન તરફથી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. પચીસ વર્ષની શબનમ કહે છે કે, 'આવા સ્થળો શોધવા તે મારું પેશન હતું, પરંતુ હેતુ તો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો હતો. મારી જાતિની એક છોકરીને પણ હું પ્રેરણા આપી શકું તો મારો પરિશ્રમ લખે લાગશે.'