Get The App

નિયતિ .

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
નિયતિ                                                                    . 1 - image

- પ્રફુલ્લ કાનાબાર

- 'જનક, મારે વરદાન નહીં, માત્ર વર જ જોઈએ છે.' એટલું બોલીને મોનિકા જનકને વળગી પડી હતી. મોનિકાની આભામાંથી મુક્ત થવાનું જનક માટે અશક્ય હતું

- યુવાનીનો ઉન્માદ અને આવેગ જ્યારે માણસને ભાન ભુલાવે છે ત્યારે હંમેશાં તે અંગત વ્યક્તિને જ અન્યાય કરી બેસતો હોય છે

- 'એક્સક્યુઝ મી અંકલ ...' એટલું બોલીને પેલી છોકરી ઊભી થઈ. એટલે જનકે તેના લાંબા પગ સંકોચી લીધા. પેલી છોકરી પડદો પાડીને ઊંઘી ગઈ. એસીની અસર ધીમે ધીમે વધી રહી હતી. લગભગ તમામ યાત્રીઓ નિદ્રાધીન થઈ ગયા હતા.

અ મદાવાદના રેલવે-સ્ટેશન પરથી મુંબઈ જતો ગુજરાત મેલ ધીમે ધીમે ગતિ પકડી રહ્યો હતો. બારી પાસે બેઠેલી નિયતિ પ્લેટફોર્મને દૂર જતું નિહાળી રહી હતી. ડબ્બામાં સૌ કોઈ પોતાની બર્થ પર પહોંચી ગયા હતા. નિયતિની બરોબર સામેની લોઅર બર્થ ખાલી હતી. મણિનગર સ્ટેશનથી પચાસેક વર્ષની ઉંમરના લગભગ છ ફૂટ હાઈટ ધરાવતા જનક દવેએ ડબ્બામાં પ્રવેશ કર્યો. બિઝનેસની અગત્યની મીટિંગ માટે તે ઘણાં વર્ષો બાદ આજે સવારે જ મુંબઈથી અમદાવાદ આવ્યો હતો અને અત્યારે મુંબઈ પાછો ફરી રહ્યો હતો.

જનકે હાથમાં પકડેલી એટેચી સીટ નીચે મૂકીને સીટ-નંબર કન્ફર્મ કરીને નિયતિની બરાબર સામે બેઠક લીધી. અચાનક જનકનું ધ્યાન સામેની સીટ પર બેઠેલી યુવાન છોકરી પર પડયું જે બારીની બહાર અંધારામાં પણ દૂર દૂર સુધી નજર કરીને તાકી રહી હતી. જનકને તે છોકરીની મોટી આંખો તથા જોવાની સ્ટાઈલ જાણીતી લાગી. બંનેની નજર એક થઈ એટલે પેલી છોકરીએ હળવું સ્મિત કર્યું. જનકને તેનું સ્મિત પણ અત્યંત ચિરપરિચિત લાગ્યું. આ છોકરીને આજે તે પહેલી જ વાર જોઈ રહ્યો હતો છતાં કેમ તેને અગાઉ ક્યાંક જોઈ હોય તેવું લાગી રહ્યું હતું? 

'એક્સક્યુઝ મી અંકલ ...' એટલું બોલીને પેલી છોકરી ઊભી થઈ. એટલે જનકે તેના લાંબા પગ સંકોચી લીધા. પેલી છોકરી પડદો પાડીને ઊંઘી ગઈ. એસીની અસર ધીમે ધીમે વધી રહી હતી. લગભગ તમામ યાત્રીઓ નિદ્રાધીન થઈ ગયા હતા.

આખા દિવસની દોડધામનો અત્યંત થાક લાગ્યો હોવા છતાં જનકને ઊંઘ આવતી નહોતી. તેની આંખોમાં ઊંઘનું સ્થાન અતીતે લેવા માંડયું હતું. આ જ અમદાવાદમાં તે વર્ષો પહેલાં જાન લઈને ક્ષમાને પરણવા માટે મુંબઈથી આવ્યો હતો. અરે, પણ અચાનક ક્ષમા કેમ યાદ આવી ગઈ ? એ પણ આટલાં વર્ષે ? ક્ષમા યાદ આવવાનું કારણ અમદાવાદની આબોહવા તો હરગિજ નહોતી જ. આખરે જનકના વ્યથિત મને ક્ષમા યાદ આવી જવાનું કારણ પકડી પાડયું. હા.. પેલી સામેની સીટવાળી યુવાન છોકરી અદ્દલ ક્ષમા જેવી જ દેખાતી હતી. તેનો ભીનો વાન પરંતુ નમણો ચહેરો, મોટી આંખો અને તેના વડે જોવાની સ્ટાઈલ બિલકુલ ક્ષમાની જ યાદ અપાવી રહ્યાં હતાં.

જીવનમાં કેટલાક સંબંધો આકાશમાંથી તૂટતા તારાની જેમ તૂટી જતા હોય છે. ક્ષમાને ઘર છોડીને ગયાને પણ લગભગ અઢી દાયકા થવા આવ્યા હતા.

આટલાં વર્ષોમાં જનકે ક્યારેય ક્ષમાને યાદ જ નહોતી કરી. ક્ષમા જનકની પત્ની હતી. નામ પ્રમાણે જ ગુણવાન અને દરેકને ક્ષમા આપવામાં જ માનતી હતી. પતિ-પત્ની અલગ થયાં ત્યારે પણ તે માત્ર એટલું જ બોલી હતી... 'જનક, ભગવાન તમને સુખી રાખે.' 

જોકે ત્યારે જનકને ક્ષમા શું બોલે છે તે સાંભળવામાં બિલકુલ રસ નહોતો, કારણ કે તે મોહાંધ હતો. તેની પર્સનલ સેક્રેટરી મોનિકાના મોહપાશમાં તે સંપૂર્ણપણે લપેટાઈ ચૂક્યો હતો.

હંમેશા ટૂંકાં અને આધુનિક વસ્ત્રો પહેરીને ઓફિસે આવતી મોનિકાએ જનકના જીવનમાં જાણે કે 'મેનકા' બનીને જ આગમન કર્યું હતું. મોનિકાના લટકા અને મટકાની સરખામણીમાં સ્વાભાવિક રીતે જ જનકને તેની પત્ની ક્ષમા ગામડિયણ અને ભોટ લાગવા માંડી હતી. પરણેલો પુરુષ અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ રાખે તેને પ્રેમ તો હરગિજ ન જ કહેવાય, પરંતુ લફરું જરૂર કહી શકાય. જનક અને મોનિકાના લફરાનો સાક્ષી જૂહુ બીચનો ઊછળતો દરિયો હતો. બંને વચ્ચેનું આકર્ષણ સમુદ્રનાં ઊછળતાં મોજાંથી કમ નહોતું. બોસ અને પર્સનલ સેક્રેટરીના સંબંધો તમામ સરહદો ઓળંગી ચૂક્યા હતા. એની જાણ ક્ષમાને ઘણી મોડી થઈ હતી. વળી ત્યારે ક્ષમાને પાંચમો મહિનો ચાલતો હતો. છતાં તેણે તરત જ કાયમ માટે પિયરની વાટ પકડી લીધી હતી. ઝઘડો કરવાનું ક્ષમાના સ્વભાવમાં જ નહોતું.

પ્રેગ્નન્ટ દીકરીને કાયમ માટે ઘરે પરત આવેલી જોઈને પિતા બળવંતરાય ખળભળી ઊઠયા હતા. દુનિયાનો કોઈ પણ બાપ દીકરીનું દુ:ખ જોવા માટે સક્ષમ નથી હોતો. જોકે ક્ષમાની વાત સાંભળીને બળવંતરાય ઊંડા વિચારમાં જરૂર પડી ગયા હતા.

'પપ્પા, જે માણસને તેની પત્ની કરતાં વધારે અન્ય સ્ત્રીમાં રસ હોય તેને પરાણે પકડી રાખવાનો શું મતલબ છે ? નિયતિએ કદાચ અમારો સંગાથ આટલે સુધીનો જ નિયત કર્યો હશે.'

'પણ બેટા, સમાજ...' ક્ષમાની મમ્મી ધીમેથી બોલી હતી.

'હું જનકની નિશાનીને ઉછેરીને મોટી કરીશ, દીકરો આવશે કે દીકરી.. બસ, તેને કેન્દ્રમાં રાખીને જીવી બતાવીશ. પપ્પા. હું તમને પ્રોમિસ આપું છું કે હું તમને ઝડપથી પગભર થઈને પણ બતાવીશ.'

બળવંતરાયે મનોમન દીકરીની હિંમતને સલામ કરી હતી.

નિયતિના જન્મ પછી થોડા સમયમાં જ ક્ષમાએ પપ્પાના મકાનમાં ઉપરના માળે એક રૂમ ખાલી હતો તેમાં બેબી-સીટિંગ ચાલુ કરીને તેના જીવનને પ્રવૃત્તિમય બનાવી દીધું હતું.

નિયતિ જે ઝડપથી મોટી થતી હતી તેના કરતાં અનેકગણી વધારે ગતિએ તેની સમજણશક્તિ ખીલતી જતી હતી. નિયતિએ ક્યારેય તેની મમ્મીને પપ્પા વિશે પૂછીને દુ:ખી નહોતી કરી.

સમયનું ચક્ર ફરતું ગયું. નિયતિએ ફેશન-ડિઝાઈનિંગના માસ્ટર કોર્સમાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો. મુંબઈની પ્રખ્યાત કંપનીએ નિયતિને ખૂબ જ સારા પેકેજની ઓફર કરી હતી, જે નિયતિએ તરત જ સ્વીકારી લીધી હતી.

નિયતિને નોકરીમાં લાગ્યાને ત્રણ મહિના થઈ ગયા હતા. તેણે મમ્મીને મુંબઈ સાથે આવવા માટે ખૂબ આગ્રહ કર્યો હતો, પરંતુ જે શહેરમાં પોતાના લગ્નજીવનનાં તમામ સપનાંઓ તૂટયાં હતાં તે જ શહેરમાં ફરીથી રહેવા જવા માટે ક્ષમાનું મન માનતું નહોતું. આખરે નિયતિ મુંબઈમાં પેંઈગ ગેસ્ટ તરીકે ધીમે ધીમે સેટ થઈ ગઈ હતી.

ટ્રેનની પૂરપાટ ગતિને કારણે ડબ્બો હાલકડોલક થતો હતો. ડબ્બાની જેમ જ જનકના વિચારોની ગતિ પણ હાલકડોલક થતી હતી. ક્ષમાની આબેહૂબ પ્રતિકૃતિ જેવી આ છોકરી ક્ષમાની જ હશે? ક્ષમા ઘર છોડીને ગઈ પછી જનકે તો ક્યાં ક્યારેય ક્ષમાનો સંપર્ક જ કર્યો હતો? ક્ષમા સાથેના બ્રેક-અપ બાદ એક વાર કોઈક દૂરના સગા મારફત સમાચાર મળ્યા હતા કે ક્ષમાએ દીકરીને જન્મ આપ્યો છે, પરંતુ ત્યારે તો જનક મોનિકા સાથે એક છત નીચે રહેતો થઈ ગયો હતો.

મોનિકાની ખુશીમાં જ ખુશ રહેતા જનકને ત્યારે આઘાત લાગ્યો હતો. જ્યારે મોનિકાએ જનકને પૂછયા વગર જ એર્બોર્શન કરાવી લીધું હતું. જનકને મોનિકા સાથેનો તે દિવસનો સંવાદ યાદ આવી ગયો.

'જનક, બાળકને જન્મ આપીને હું મારું સુંદર ફિગર બગાડવા માગતી નથી.'

'મોનિકા, માતૃત્વ એ તો ઈશ્વર દ્વારા સ્ત્રીને મળેલું અમૂલ્ય 

વરદાન છે.'

'જનક, મારે વરદાન નહીં, માત્ર વર જ જોઈએ છે.' એટલું બોલીને મોનિકા જનકને વળગી પડી હતી. મોનિકાની આભામાંથી મુક્ત થવાનું જનક માટે અશક્ય હતું. મોનિકાએ તેના રૂપનાં કામણ પાથરીને જનકના મન પર એટલી હદે વશીકરણ કરી નાખ્યું હતું કે જનકે મોનિકાનું આધિપત્ય સ્વીકારીને માત્ર તેનો ફ્લેટ જ નહીં, તેની તમામ પ્રોપર્ટી મોનિકાના નામે કરી નાખી હતી. સમય વીતતો ગયો તેમ મોનિકા શેઠાણી બની ગઈ હતી અને જનક માત્ર તેનો કહેવાતો પતિ બનીને રહી ગયો હતો!

યુવાનીનો ઉન્માદ અને આવેગ જ્યારે માણસને ભાન ભુલાવે છે ત્યારે હંમેશાં તે અંગત વ્યક્તિને જ અન્યાય કરી બેસતો હોય છે. જનકે પણ ક્ષમાને હળાહળ અન્યાય જ કર્યો હતો.

ઉંમર વધતી ગઈ તેમ જે રીતે જનકના વાળમાં સફેદી આવતી ગઈ હતી, એ જ રીતે અમદાવાદમાં ક્ષમાના વાળ પણ સફેદ રંગ પકડવા લાગ્યો હતો.

તફાવત માત્ર એટલો જ હતો કે જનક ક્ષમાને ભૂલીને જીવ્યો હતો, જ્યારે ક્ષમા જનક સાથે વિતાવેલી કેટલીક યાદગાર ક્ષણોના સહારે જીવન જીવી હતી. ક્ષમાનું તદ્દન સાદું અને સરળ જીવન કોઈ તપસ્યાથી કમ નહોતું. ક્ષમાને પોતાના લગ્નજીવન બાબતે પણ કોઈ ફરિયાદ નહોતી. ક્ષમાએ કાળજું કઠણ કરીને નિયતિનો ખેલ સ્વીકારી લીધો હતો.

કદાચ તેથી જ તેણે પોતાની દીકરીનું નામ પણ નિયતિ જ રાખ્યું હતું!

અચાનક ટ્રેન હળવા આંચકા સાથે ઊભી રહી. બોરીવલી સ્ટેશન આવી ગયું હતું. મોટા ભાગના મુસાફરો ઊતરી રહ્યા હતા. 

નિયતિ ફ્રેશ થઈને બારી પાસે ગોઠવાઈ ગઈ હતી. થોડી વાર બાદ જનક પણ નિયતિની બરોબર સામેની સીટ પર બેસી ગયો હતો.

કમ્પાર્ટમેન્ટમાં હવે માત્ર જનક અને નિયતિ બે જ પેસેન્જર બેઠા હતા.

જનક અનાયાસે જ નિયતિને નીરખી રહ્યો હતો. થોડી થોડી વારે નિયતિ પણ જનકની સામે જોઈ લેતી હતી.

જનકના ચહેરા પર આખી રાત ચાલેલી વિચારયાત્રાનો થાક હતો. વળી આટલાં વર્ષો બાદ પહેલી વાર જનક અપરાધભાવ મહેસૂસ કરી રહ્યો હતો.

જીવનમાં સ્વેચ્છાએ લીધેલા કેટલાક ખોટા નિર્ણયો ક્યારેક માણસને થકવી દેતા હોય છે. જનક જાણતો હતો કે જીવનની બાજીમાં ક્યારેય કોઈને ત્રણ એક્કા નથી મળતા હોતા, પરંતુ મળેલાં પાનાંમાં કયા પાનાંને પકડી રાખવાં અને કયાં પાનાંને છોડી દેવાં તેમાં જો ગફલત થઈ જાય તો માણસ જીવનની બાજી હારી જતો હોય છે. જનકની દશા પણ બિલકુલ હારેલા જુગારી જેવી જ હતી. જ્યારે નિયતિ સાથે જનકની નજર ટકરાતી હતી ત્યારે નિયતિ અવશ્ય હળવું સ્મિત કરી લેતી હતી. જનકના મન પર ઉદાસીનતાએ એવો ભરડો લીધો હતો કે નિયતિ જ્યારે સ્મિત કરતી ત્યારે તે સામે ફોર્મલ સ્માઈલ પણ આપી શકતો નહોતો.

આખરે મુંબઈ સેન્ટ્રલ આવ્યું. ડબ્બાની બહાર નીકળીને જનકે છેલ્લી વાર નિયતિની સામે જોયું. નિયતિએ હિંમતપૂર્વક જનકની આંખમાં જોયું. જનકની આંખમાં આંસુ તગતગ્યાં. જનકથી અનાયાસે જ બોલાઈ ગયું. 'સોરી બેટા... મારે પણ એક દીકરી છે. અમે ક્યારેય મળ્યાં નથી. કદાચ તારા જેવી જ દેખાતી હશે તેમ માનીને હું તારી સામેથી નજર હટાવી શકતો નહોતો.'

'તમે નાહકના દુ:ખી થાવ છો. જીવનનું પણ આ ટ્રેન જેવું જ છે. કયો મુસાફર ક્યા સ્ટેશને ઊતરીને છૂટો પડશે તે નિયતિએ અગાઉથી નક્કી કરી જ રાખ્યું હોય છે.  મેં પણ મારા પપ્પાને ક્યારેય જોયા નથી... માત્ર મારી મમ્મીની આંખોમાં જ જોયા છે. બિલકુલ તમારા જેવા જ દેખાય છે. ગુડ બાય મિસ્ટર જનકરાય દવે.' એટલું બોલીને નિયતિ વાયુવેગે મુંબઈ સેન્ટ્રલની ભીડમાં સરકી ગઈ.

જનક ચમક્યો. તેના દિમાગમાં ચમકારો થયો. તેણે ડબ્બાની નજીક જઈને રિઝર્વેશન ચાર્ટમાં પોતાની સીટમાં બેઠેલી છોકરીનું નામ વાંચ્યું, 'નિયતિ જનક દવે' નામ વાંચીને થોડી વાર માટે જનકની આંખ સમક્ષ અંધારું છવાઈ ગયું.

હવે જનકને સમજાઈ ગયું કે નિયતિ તો અમદાવાદ સ્ટેશનેથી બેઠી ત્યારે તેની સામેની સીટ પર કોણ આવશે તેનું નામ અગાઉથી ચાર્ટમાં વાંચીને જ બેઠી હતી. કદાચ તેથી જ તે ખૂબ જ આત્મવિશ્વાસપૂર્વક જનકને સ્મિત આપતી હતી. એટલું જ નહીં, કિસ્મતે નિર્માણ કરેલી અણધારી પરિસ્થિતિનો તે હસતે મોઢે સામનો કરીને જતી પણ રહી હતી. ગમે તેમ તો પણ ક્ષમાની દીકરી હતી ને?

મુંબઈ સેન્ટ્રલના કોલાહલ અને ભીડ વચ્ચે જનક ભયાનક એકલતામાં સરી પડયો હતો.