Get The App

આત્માની અમરતાની વાતો કરનારા મૃત્યુની નશ્વરતાથી ભયભીત કેમ?

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
આત્માની અમરતાની વાતો કરનારા મૃત્યુની નશ્વરતાથી ભયભીત કેમ? 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું-મુનીન્દ્ર

- આપણા દુ:ખનું એક મોટું કારણ એ છે કે આપણા ક્યાં તો ભૂતકાળમાં જીવીએ છીએ કે પછી ભવિષ્યકાળમાં રાચીએ છીએ, વર્તમાનનો કોઈ વિચાર કરતા નથી

વ્યક્તિ ઘણી રીતે સચ્ચાઈને છાવરતી હોય છે, આથી માણસ જો એના દુ:ખના મૂળની કે સાચા કારણની. શોધ કરે તો પહેલા એને ખ્યાલ આવશે કે એ ભયને કારણે દુ:ખી છે 

આ પણાં  સહુનાં જીવનમાં દુ:ખ પ્રવર્તે છે, પણ હકીકતમાં એ દુ:ખના મૂળ કારણની શોધ કરવામાં આવે તો ખ્યાલ આવે કે આ દુ:ખનો સર્જક કોઈ બાહ્ય પરિસ્થિતિ નથી, સંજોગો નથી, કોઈ શત્રુ પણ નથી, બલ્કે એ દુ:ખના સર્જક આપણે સ્વયં છીએ. જીવનમાં દુ:ખનું સર્જન થાય છે. આપણા મનમાં સતત ઘૂમતા ભયથી હકીકતમાં સલામતીની શોધે જ માણસને અસલામત બનાવ્યો છે. 

માનવી ભિન્ન ભિન્ન પ્રકારનાં ભયનો અંચળો ઓઢીને જીવતો હોય છે અને પછી એ પ્રકારની ડ૨ની પરિસ્થિતિ સામે આવે, ત્યારે અત્યંત ભયભીત બની જતો હોય છે. ઘણી વાર તો પરિસ્થિતિની કલ્પનાથી પણ એના ચિત્તમાં ભય જાગતો હોય છે. વિદ્યાર્થીને પરીક્ષા આવે ત્યારે કે પછી ઉમેદવારને ઇન્ટરવ્યૂ આપવા જતી વખતે આવો કાલ્પનિક ભય સતાવતો હોય છે અને તેથી જ દુ:ખના મૂળ કારણની તપાસ કરવા જતાં પહેલું કારણ આપણે આપણા જીવનમાં ઊભા કરેલાં ભય છે. 

એનું બીજું કારણ છે સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ. તમે જુઓ કે પ્રત્યેક જન્મતી વ્યક્તિને માટે મૃત્યુ એ સચ્ચાઈ છે, હકીકત છે, અવશ્ય બનનારી ઘટના છે - એના સકંજામાંથી ખુદ આપણા ઈશ્વરો પણ બચી શક્યા નથી. આ બધું આપણે જાણીએ છીએ અને તેમ છતાં એ મૃત્યુની આસપાસ આપણે કેટલી બધી માન્યતાઓ વીંટાળી દીધી છે. કેટકેટલાં ક્રિયાકાંડો લપેટી દીધાં છે, એમાં આક્રંદ અને રુદનનો ઉમેરો કર્યો છે, આપણે આત્માની અમરતાને જાણીએ છીએ અને છતાં મૃત્યુની નશ્વરતાને ઓળખતા નથી. આને પરિણામે સ્વર્ગ અને નર્કની કેટલીય કલ્પનાઓ જુદા જુદા ધર્મોએ વિકસિત કરી છે. મૃત્યુ પછીના જીવનનું રહસ્ય ઉકેલવું એ દરેક ધર્મને માટે મોટો પડકાર બની રહ્યું છે. 

હકીકતમાં માનવી જેનાથી ભયભીત થતો હોય છે, એની આસપાસ પોતાની કેટલીય સારી-ખોટી કલ્પનાઓ મઢી દેતો હોય છે. આજનાં સૂરજને આવતીકાલનાં વાદળોથી ઢાંકી દેવાનો એ પ્રયત્ન કરે છે. સામે દેખાતા સત્યને નજ૨ અંદાજ કરીને એ કોઈક બીજા જ ક્રિયાકાંડમાં ડૂબી જાય છે અને એ રીતે સત્ય પર કોઈ આવરણ ઢાંકવાનો પ્રયત્ન કરે છે. 

જરા વિચાર કરો કે આપણી આસપાસ કેટલાં બધાં માન્યતાનાં જાળાં બાઝેલાં છે. શ્રી કેદારનાથજીએ તો કહ્યું છે કે, 'આવા માન્યતાઓનાં જાળા એ જ આપણી જીવનરીતિ બની ગઈ છે.' સેંકડો વર્ષો સુધી આપણા દેશમાં સતીપ્રથાનું પ્રચલન હતું. સેંકડો વર્ષ સુધી પરદેશગમનનો આંધળો વિરોધ કરવામાં આવતો હતો અને વ્યક્તિ પરદેશગમન ન કરે એ માટે એને જ્ઞાાતિબહિષ્કારનો ભય બતાવવામાં આવતો હતો. તમે જ વિચાર કરો કે પરદેશગમન કરનારી વ્યક્તિનો જ્ઞાાતિબહિષ્કાર કરવાની માન્યતાએ કેટકેટલી તેજસ્વી વ્યક્તિઓનાં જીવનને બરબાદ કરી નાખ્યું છે. 

આમ અસત્યની આસપાસ માન્યતાઓનાં એવાં જાળાં બાંધવાં કે જેથી વ્યક્તિ સચ્ચાઈથી દૂર જ રહે. મૃત્યુ પછીનાં મિઠાઈયુક્ત જમણવારો વાસ્તવિકતા સાથે કેટલાં સુસંગત છે ? પણ વ્યક્તિમાં સચ્ચાઈથી ભાગવાની વૃત્તિ પડેલી હોય છે અને તેથી જ એ જેનાથી ડરે છે તેને કેટલાંક ખ્યાલોથી લપેટી દે છે, એની આસપાસ માન્યતાઓનાં કિલ્લા રચી દે છે. આને પરિણામે સચ્ચાઈથી ભાગનારી વ્યક્તિ જાતે જ પોતાનું જીવન બરબાદ કરે છે. 

આપણા દુ:ખનું એક મોટું કારણ એ છે કે આપણા ક્યાં તો ભૂતકાળમાં જીવીએ છીએ કે પછી ભવિષ્યકાળમાં રાચીએ છીએ, વર્તમાનનો કોઈ વિચાર કરતા નથી. માનવીની જેમ ઉંમર વધે છે તેમ તેમ એના મનમાં ભૂતકાળનો બોજ ખડકાતો રહે છે અને સમય જતાં એ વર્તમાનકાળની ટીકા કરવા માટે ભૂતકાળનો આશરો લેતો હોય છે. અમારા જમાનામાં કેવા સદાચાર હતા, કેટલી બધી પિતૃભક્તિ હતી, વડીલોનો કેવો આદર હતો, એકબીજાની કેટલી સેવા કરતા હતા - આ બધી પોતાના ભૂતકાળની બાબતો યાદ કરીને વર્તમાનકાળમાં વ્યક્તિ પારાવાર દુ:ખી થતી હોય છે.

ઘણા વૃદ્ધની વાતનો પ્રારંભ જ 'અમારા જમાનામાં' એ બે વાક્યથી થતો હોય છે અને પછી એમના વીતી ગયેલા જમાનાને યાદ કરીને આંસુ સારતાં હોય છે. હકીકતમાં ભૂતકાળ એ બોધપાઠ લેવા માટે છે, કોઈ કારાવાસ નથી, પરંતુ મોટેભાગે વ્યક્તિ પોતાના ભૂતકાળના અનુભવોમાંથી કોઈ સાર તા૨વીને આગળ વધવાનો વિચાર કરવાને બદલે માત્ર એના ભૂતકાળને વાગોળતો હોય છે અને વારંવાર નિસાસા નાખીને ખોબે ખોબે આંસુ સારતો હોય છે.

તમે સ્વયં તમારા મનને પૂછી જુઓ કે આ ક્ષણે તમે શું વિચાર કરો છો ? અને તો તરત જ ખ્યાલ આવશે કે મન ક્યાં તો કોઈ ભૂતકાળની ઘટનામાં ડૂબેલું હતું અથવા તો કોઈ ભવિષ્યની ફિકરથી વિંટળાયેલું હતું. આપણે ત્યાં 'આજની ઘડી રળિયામણી' એવું એક ગીત છે. એ ગીત એ માટે માર્મિક છે કે જીવનને વર્તમાનમાં જીવીએ તો જીવનનો પ્રત્યેક સમય આનંદમય બની રહે.

વ્યક્તિ ઘણી વાર સચ્ચાઈનો સ્વીકા૨ ક૨વાને બદલે જૂઠનો આડંબર રચતો હોય છે. પોતાના ક્રોધ પર એ અંકુશ રાખી શકતો ન હોય તો ગર્વથી એમ કહે કે, 'આપણો પિત્તો ફાટે પછી બધા જ થરથર કાંપવા લાગે છે.' હકીકતમાં બેકાબૂ ક્રોધને છુપાવવા માટે એ એની દુવૃત્તિને ગર્વનું સ્વરૂપ આપતો હોય છે. કેટલાંક વ્યસની તો એમ કહે કે, 'દિવસમાં માત્ર ચાર જ સિગારેટ પીવું છું, ગમે તે થાય તો પણ વધુ પીતો નથી.' આનો અર્થ એ થાય કે એ એની વ્યસનની ગુલામી બતાવવાને બદલે એ વ્યસનના અવગુણને પોતાના ગુણ રૂપે બતાવવા પ્રયાસ કરે છે. 

આવી રીતે સચ્ચાઈને છુપાવનારા કેવા હોય છે, એને વિશેની સૌરાષ્ટ્રમાં પ્રચલિત એક કથા યાદ આવે છે. કારભારીને અંગ્રેજ અધિકારીએ બોલાવ્યા અને એ કારભારીનું કામ પૂરું થયું, પછી એ તો ત્યાં જ ધામો નાખીને રહી ગયા. આની અંગ્રેજ અધિકારીને ખબર પડતાં એ ગુસ્સે ભરાયો અને એણે કહ્યું કે, 'તમારું કામ તો ક્યારનુંય પૂરું થઈ ગયું છે અને કેમ અહીંથી વિદાય લીધી નથી ?' 

ત્યારે કારભારીએ કહ્યું, 'જુઓ, અહીંથી ગાડીના ફક્ત છ ટાઈમ છે. અમે સૂર્ય ઊંચે ચડે પછી ઉઠીએ, ત્યાર બાદ કસુંબાપાણી કરીએ, હોકાપાણી થાય અને એવામાં તો ગાડી ઉપડી જાય.'

અંગ્રેજ અધિકારીએ કહ્યું, 'અચ્છા, તો પછી પાંચ ગાડી રહી.' 

કારભારીએ કહ્યું, 'નામદાર, પહેલી ગાડી જાય પછી અમે સતત તાકીદ રાખીએ છીએ કે ફરી આવું ન થાય, પણ બને એવું કે જમવા બેઠા હોઈએ, સામસામે બટકાંવાળી (આગ્રહની રીત) ચાલતી હોય, એમાં વખત વીતી જાય અને ગાડી ચાલી જાય.' 

અંગ્રેજ અધિકારીએ કહ્યું, 'તો પછી બાકીની ચાર ગાડીઓનું શું ?' એણે કહ્યું, 'જમીને સૂઈ જવું એ નિયમ એટલે ત્રીજી ગાડી આવે, તે સમયે ભરપેટ ભોજન પછી અમે ઊંઘતા હોઈએ, ત્યારે ચાલી જાય અને ચોથી ગાડી. તો અમે વામકુક્ષી કરીને માંડ માંડ ઉઠયા હોઈએ, આળસથી ઘેરાઈ ગયા હોઈએ, ચા-પાણી અને હોકો ચાલતો હોય અને હોકો તો અમારે માટે અમૃત છે. એને માટે તો એક નહીં હજારો ગાડીઓ ડૂલ! એટલે એટલામાં ચોથી ગાડી પણ જતી રહે. 

ત્યારબાદ મંદિરમાં આરતી થવાનો વખત આવે અને ગાડીની સિસોટી સંભળાય, પણ આરતીના સમયે ગામતરે એટલે બીજે ગામ ન જવાય એવો રિવાજ. એટલે એ ગાડી પણ ચાલી જાય એટલે છેલ્લે ગાડી તો મધરાતે ચાલે. માંડ ઊંઘ ચડી હોય અને ત્યાં એ ગાડી આવે. વળી ઊંઘમાં ય સાહેબ અમને અમારી રીત પ્રમાણે એવું સ્વપ્ન આવે કે અમે ૨વાના થવા જઈએ છીએ અને તમને આગ્રહ કરીને અમારો સામાન ગાડીમાંથી ઉતરાવી લેતા હો એવું લાગે અને પછી ઊંઘમાં આપને સલામ કરવા જાઉં, ત્યારે ખબર પડે કે અમે તો સ્વપ્નમાં પલંગ પરથી નીચે પડી ગયા છીએ ! માટે નામદાર આપ જ ન્યાય કરજો કે અમે ક્યારે નવરા પડયા અને ક્યારે ન ગયા. 

અંગ્રેજ અધિકારી હસી પડયા અને કારભારીને તરત જ સ્ટેશને પહોંચાડવાની વ્યવસ્થા કરી. 

કેવાં કેવાં બહાનાઓ ઊભા કરીને વ્યક્તિ સચ્ચાઈથી ભાગતી હોય છે. એનું આ માર્મિક ઓઠું (ઉદાહરણ) છે. વ્યક્તિ ઘણી રીતે સચ્ચાઈને છાવરતી હોય છે, આથી માણસ જો એના દુ:ખના મૂળની કે સાચા કારણની. શોધ કરે તો પહેલા એને ખ્યાલ આવશે કે એ ભયને કારણે દુ:ખી છે અથવા તો સચ્ચાઈથી ભાગવાની વૃત્તિને કારણે દુ:ખી છે. હકીકતમાં એ દુ:ખી નથી, આ તો માનવીએ સામે ચાલીને જ દુ:ખ ઊભા કર્યા છે. દુ:ખના સાચા સ્વરૂપની શોધ વિશે હવે પછી વિશેષ વાત કરીશું ભૂતકાળના બોજની.