- પારિજાતનો પરિસંવાદ-ડૉ. કુમારપાળ દેસાઈ
- વીસમી સદી અમેરિકા સદી તરીકે ઘોષિત કરવામાં આવી. એકવીસમી સદી વિઝા, ટેરિફ, યુદ્ધો, જોરજુલમ એ બધાને કા૨ણે અમેરિકાની 'આબરુ વિનાશક આતંકી સદી' તો નહીં બને ને!
૧૯ ૪૧ની પહેલી ફેબ્રુઆરીએ પ્રતિષ્ઠિત ટાઈમ-લાઈફ સામયિકોનાં પ્રકાશક હેન્રી લ્યૂસે એના સંપાદકીય લેખમાં વીસમી સદીને 'અમેરિકન સદી' તરીકે ઘોષિત કરી હતી. એણે આનંદ પ્રગટ કર્યો કે અમેરિકા હવે પોતાની એકાંતવાદી નીતિનો ત્યાગ કરીને અતિશય વિસ્તૃત રીતે વૈશ્વિક નેતૃત્વ સંભાળી રહ્યું છે. અમેરિકાના પ્રચૂર કુદરતી સંસાધનો, ઉત્સાહથી ભરપૂર એવા 'નવી દુનિયા'નાં પ્રજાજનો, જીવનશક્તિથી ભરપૂર એવા વિદેશી વસાહતીઓ આ બધાને કા૨ણે એણે કહ્યું કે, 'વીસમી સદી એ અમેરિકાની સદી છે' વળી એની સાથોસાથ એવો આનંદ પણ પ્રગટ કર્યો કે બીજા બધા દેશોનો પોતાના પડોશી દેશો કે અન્ય દેશો સાથે ગજગ્રાહ કે વિગ્રહ ચાલ્યા કરતા હોય છે, જ્યારે અમેરિકાને તો કેટલું બધું સારું ! એની પૂર્વ દિશામાં એટલાન્ટિક મહાસાગર છે અને પશ્ચિમ દિશામાં પેસિફિક મહાસાગર છે. આમ બે-બે મહાસાગરોનું એને સંરક્ષણ પ્રાપ્ત થયું છે. એ પછી અમેરિકાના સદ્ભાગ્યને દર્શાવતા એમણે કહ્યું કે, એમની ઉત્તર તરફ કેનેડા અને દક્ષિણ તરફ મેક્સિકો જેવા બે મિત્ર પડોશી દેશો છે.' આમ અમેરિકા પ૨ ચારે બાજુથી ઈશ્વરના આશીર્વાદ વરસ્યા છે અને તેથી જ એ વિશ્વનું નેતૃત્વ લઈને નવા વિશ્વનું સર્જન કરી રહ્યું છે.
અને તમે કલ્પના તો કરો કે આજે અમેરિકાએ એ વિશ્વને સર્જનને બદલે કેટલું બેહાલ કરી મૂક્યું છે. અબ્રાહમ લિંકનના ગૌરવશાળી વ્યક્તિત્વનો વિચાર કરીએ અને એના જીવનની માનવતાવાદી ઘટનાઓનંય સ્મરણ કરીએ અને સામે પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પના તિરસ્કારયુક્ત વિધાનો કે ઉતારી પાડતા અટ્ટહાસ્યનો વિચાર કરીએ. એને સત્ય સાથે સાતમો ચંદ્રમા છે. સવારે જે વિધાન કરે છે, એનાથી સાવ વિપરીત વિધાન સાંજે કરે છે. રાજકારણમાં શિષ્ટાચાર અને આભિજત્ય હોય છે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તુમાખીથી ઇંગ્લેન્ડ કે ફ્રાંસના નેતાઓની હાંસી ઉડાવે છે અને બીજા બધાનું અપમાન કરે છે.
'મેક અમેરિકા ગ્રેટ અગેઇન'નું સૂત્ર આપીને ચૂંટણીમાં વિજય મેળવનાર ડોનાલ્ડ ટ્રમ્પના ઈરાન પરના લાંબા આક્રમણ બાદ હવે એવો વ્યંગ પણ થાય છે કે એની ત્વરિત યુદ્ધવિજયની સઘળી આશા પર પાણી ફરી વળ્યું છે. તેથી એણે હકીકતમાં 'મેક ઈરાન ગ્રેટ અગેઇન' સૂત્ર સાર્થક કર્યું છે. આપણી એક કથામાં કહેવાયું છે કે, 'સરોવરમાં ન્હાવા માટે ગયેલા સત્યએ એના કપડાં કિનારે મૂક્યા હતા અને એ કપડાં અસત્યએ પહેરી લીધા અને આજે એ સત્યનાં વેશમાં અસત્ય ઘૂમી રહ્યું છે.'
આવી જ ઘટના શાંતિ માટેનાં નોબેલ પારિતોષિક માટે વલવલાટ કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ જગતમાં અશાંતિ ફેલાવે છે. એણે પ્રમુખપદની ચૂંટણી માટેનાં પ્રચાર સમયે એમ કહ્યું હતું કે, 'હવે કોઈ નવું યુદ્ધ નહીં (No New Wars)'' અને એમ કહીને દાવો કર્યો હતો કે અમેરિકા અન્ય દેશોમાં અંદરોઅંદર થતા યુદ્ધોને પણ શાંત કરશે અને શત્રુ દેશો વચ્ચે સુલેહ કરાવશે. એણે આપેલા આ વચનને હજી માત્ર બે વર્ષ જ થયા છે અને આ બે વર્ષમાં એણે કરેલી લશ્કરી કાર્યવાહી એને એના યુદ્ધશોખીન માનસનો પરિચય એ વચન કેટલું જૂઠ્ઠું અને વિશ્વાસ વગરનું હતું, એ દર્શાવે છે.
અમેરિકાને માટે દુર્ભાગ્ય તો એ છે કે બીજા વિશ્વયુદ્ધ સમયે યુરોપિય દેશો અને તેમાંય ખાસ કરીને બ્રિટન વિજય મેળવવા છતાં ઘણું થાકી ગયું હતું. જ્યારે અમેરિકાને એ બીજા વિશ્વયુદ્ધનાં વિનાશમાંથી લગભગ અસ્પર્શીત રહ્યું હતું અને એ અમેરિકાએ નાટો, યુનો, વિશ્વઆરોગ્ય સંસ્થા (WHO), આંતરરાષ્ટ્રીય નાણાકોશ (IMF) તથા વિશ્વ વ્યાપાર સંસ્થા(WTO) દ્વારા આખા વિશ્વની સુખાકારીનો વિચાર કર્યો હતો. વિવાદો અને વિનાશોને અટકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ સંસ્થાઓની હાંસી ઊડાવી, એને નબળી ગણીને એની ઉપેક્ષા કરી અને એનાથી અમેરિકાને અળગું કરી દીધું.
વર્ષોથી અમેરિકાના બંને રાજકીય પક્ષોનાં પ્રમુખોએ જાળવી રાખેલી આ અમેરિકાના નેતૃત્વવાળી વૈશ્વિક વ્યવસ્થાને ડોનાલ્ડ ટ્રમ્પે રફેદફે કરી નાખી. આ સઘળું ઓછું હોય તેમ એણે ઈરાનનાં દક્ષિણ શહેર મિનાબમાં કથિત મિસાઈલ હુમલો કરીને માનવતાનો મહાસંહાર કર્યો છે અને કેવો છે આ મહાસંહાર ?
સાત વર્ષના બાળક રેઝા હબસીઆન હજી નવોસવો સ્કૂલમાં દાખલ હતો અને પ્રાર્થના રૂમમાં પ્રાર્થના કરવાનો પ્રારંભ કરે તે પહેલાં એના જીવનનો અંત આવી ગયો !
આઠ વર્ષની ત્રીજા ધોરણમાં ભણતી હાના દેહકવાનીના પિતા માછીમાર હતા. આ આઠ વર્ષની છોકરીના મનમાં એક સ્વપ્ન હતું કે ભણીગણીને મોટા થઈને મારે ડોક્ટર બનવું છે, પણ એ સ્વપ્ન મિસાઇલના હુમલામાં એકાએક આથમી ગયું.
નવ વર્ષની અર્યા બહાદોરીને નિશાળમાં ભણવાનું ખૂબ ગમતું હતું. એમાં પણ ગણિતનો વિષય તો એ ભારે હોંશથી ભણતી હતી. એની સાથે રોજ સથવારા તરીકે એના પરિવારના બે બાળકો પણ એની સાથે સ્કૂલમાં આવતા હતા. એ ત્રણેયનું આયુષ્ય થોડીક ક્ષણોમાં પૂર્ણ થઈ ગયું.
દસ વર્ષનો અલી હબાશી ફૂટબોલની રમતનો શોખીન હતો. સદાય હસતા ચહેરાવાળો આ છોકરો એના સાથી સહાધ્યાયીઓમાં ખૂબ લાડકો હતો અને એ હસતા છોકરાના જીવનભરનું એ હાસ્ય આ એરસ્ટ્રાઈકમાં ક્યાંય વિલીન થઈ ગયું. નવ વર્ષની ફતેમેહ કરીમી ચોથા ધોરણમાં ભણતી હતી. એને ચિત્રકલાનો ભારે શોખ. સ્કૂલમાં યોજાયેલી ચિત્રસ્પર્ધામાં ફતેમેહ મોખરે આવી હતી. મિસાઈલના હુમલા સમયે એ ગણિતના વર્ગમાં હતી અને અહીં જ આખા જીવનનો દાખલો પૂરો થઈ ગયો. ઝેહરા અહમદી એ હુમલાની થોડી જ ક્ષણો પહેલા એની માતાને પોતે ખુશી- મજામાં છે એવો ફોન કર્યો હતો અને ડોક્ટર બનવાનાં સ્વપ્ના સેવતી આ છોકરીનાં સઘળા સ્વપ્નાંથોડાં સમયમાં આથમી ગયા.
નેગીન રહીમીએ સ્કૂલમાં સંગીત અને કવિતાની સ્પર્ધામાં ભાગ લેતી હતી. એણે મિસાઈલનો પહેલો હુમલો સાંભળ્યો એટલે તરત જ પોતાના મિત્રને બચાવવા માટે વર્ગમાં દોડી ગઈ. એક જ પરિવારના એક સાથે આ મિનાબની પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરતા આ બાળકો મૃત્યુ પામ્યા. ૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૬ની સવારે અગિયાર વાગે ઈરાન પર મોટા એરસ્ટ્રાઈક શરૂ થતા સ્કૂલની મેનેજમેન્ટે ક્લાસ બંધ કરવાનો નિર્ણય કર્યો. માતા-પિતાને એમનાં નાનાં બાળકોને લેવા માટે તત્કાળ આવવા જાણ કરી અને સવારના દસથી દસ પિસ્તાળીસ વચ્ચે નિશાળ પર પહેલી મિસાઈલ પડી. પ્રથમ ધડાકા પછી બાળકોને એક રૂમમાં ખસેડયા અને એવામાં જ બીજો અને ત્રીજો મિસાઈલ હુમલો થયો. સ્કૂલની છત તૂટી પડી. એની નીચે ઘણાં બાળકો દબાઈને મૃત્યુ પામ્યા. ૧૭૦ જેટલાં મૃતકોમાં મોટેભાગે સાતથી બાર વર્ષની છોકરીઓ મૃત્યુ પામી છે. સ્કૂલની ઈમારતનો અડધો ભાગ તૂટી પડયો. વર્ગખંડોમાં બાળકોનાં બેગ, પુસ્તકો અને યુનિફોર્મ લોહીથી ભીંજાયેલા હતા.
એક બચાવકર્મીએ પોતાના હાથમાં પુસ્તક બતાવીને કહ્યું, 'આ બાળકોની સ્કૂલબૂક છે અને એના પર છે બાળકોનું લોહી.' ઘણાં બાળકોનાં માથા પર અને શરીર પર ઘણી ઈજાઓ થઈ હતી. મિસાઈલ્સને કારણે નજીકમાં આવેલું આઈ.આર.જી.સી. મિલેટ્રી બિલ્ડિંગ પણ નુકસાન પામ્યું હતું અને સ્કૂલના મેદાનમાં મોટા ક્રેટર પડી ગયા હતા. હુમલા પછી આ સ્કૂલ બિલ્ડિંગમાંથી કલાકો સુધી ધુમાડો નીકળતો હતો.
પહેલી મિસાઈલ પડી ત્યારે બાળકો ચીસો પાડી રહ્યા હતા. શિક્ષકોએ એમને બહાર કાઢવા પ્રયત્ન કર્યો, પણ ત્યાં તો બીજી અને ત્રીજી મિસાઈલ પડી. માતા-પિતા એમના બાળકોને શોધતા દોડી આવ્યા, પણ કેટલાકને માત્ર પોતાની દીકરીની બેગ મળી, તો કેટલાકને ક્યાંક કપડાં મળ્યાં.
આ હુમલામાં બચી ગયેલી દસ વર્ષની છોકરીએ કહ્યું, 'એક મોટો વિસ્ફોટ થયો, આખું મકાન ધ્રૂજવા લાગ્યું, હું જમીન પર પડી ગઈ અને મારાં પર પથ્થરો પડયાં, લગભગ વીસ મિનિટ સુધી કાટમાળ નીચે ફસાઈ ગઈ. મને બચાવકર્મીઓએ બહાર કાઢી, પણ પછી જાણ્યું કે આ હુમલામાં સ્કૂલમાં શિક્ષણકાર્ય કરતી મારી માતા અને અભ્યાસ કરતો મારો ભાઈ બંને મૃત્યુ પામ્યા છે.'
આ સમયે સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર માટેની પૂરતા પલંગ નહોતા અને સેંકડો કફન એક સાથે રાખીને અંતિમવિધિ કરવામાં આવી. ૧૬૮થી ૧૮૦ લોકોનાં મોતનો અંદાજ હતો અને ૧૯૫ લોકો ઘાયલ થયા હતા. રેડ ક્રેસેન્ટ અને સ્થાનિક લોકોએ ૨૮ કલાક સુધી શોધકામગીરી ચલાવી. મૃતદેહોને બોડીબેગમાં રાખી એમ્બુલન્સમાં હોસ્પિટલમાં મોકલાયા. શહે૨ના મોર્ગ ભરાઈ ગયા એટલે કેટલાંક મૃતદેહોને રેફ્રિજરેટેડ ટ્રકમાં રાખવા પડયા અને ત્રીજી માર્ચે સેંકડો કફન સાથે જ્યારે સામુહિક અંતિમવિધિ યોજાઈ, ત્યારે એ બાળકોનાં માતાપિતા પોતાનાં બાળકોનાં ફોટા લઈને કરુણ આક્રંદ કરતા હતાં.
આ સમયે 'પ્રેસિડેન્ટ ઓફ પીસ' તરીકે પોતાની જાતને રજૂ કરતા અને એ માટે દાવો કરતા ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનનાં ખામીયુક્ત શસ્ત્રોને કારણે થયું હોય તેમ કહીને હુમલાની જવાબદારી સ્વીકારવાનો ઈન્કાર કર્યો. તો બીજી બાજુ આ હુમલાનાં ફૂટેજ દર્શાવે છે કે આમાં 'ટોમાહોક' ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ થયો છે અને આ મિસાઈલ સિસ્ટમ માત્ર અમેરિકા પાસે છે. ઇઝરાયેલ પાસે પણ નથી. ખુદ ન્યૂયોર્ક ટાઇમ્સે પણ લાંબી તપાસ બાદ તારણ કાઢયું છે કે આ હુમલો મોટેભાગે અમેરિકન સૈન્ય દ્વારા જ કરાયો છે. વીસમી સદી અમેરિકા સદી તરીકે ઘોષિત કરવામાં આવી. એકવીસમી સદી વિઝા, ટેરિફ, યુદ્ધો, જોરજુલમ એ બધાને કા૨ણે અમેરિકાની 'આબરુ વિનાશક આતંકી સદી' તો નહીં બને ને ! ઈરાનના અખબાર તેહરાન ટાઈમ્સે પ્રાથમિક સ્કૂલનાં બાળકોનાં કરુણ મૃત્યુની ઘટનાનાં વિરોધમાં ફ્રન્ટ પેજ પર મૃતક બાળકોની તસવીર છાપી અને એનું શીર્ષક હતું 'ટ્રમ્પ, આ બાળકોની આંખોમાં જુઓ !'
પણ હકીકતમાં ટ્રમ્પ પાસે ક્યાં આવી આંખ છે ? એને તો આ બાળકોની નિર્દોષ આંખો મળે તો જ કંઈ સમજાય.


