- ફયુચર સાયન્સ-કે.આર.ચૌધરી
રો જ સવારે ઊગતો સૂર્ય આપણા જીવનનો એટલો અભિન્ન ભાગ છે. આપણે ક્યારેય વિચાર્યું જ નથી : જો આ સૂર્ય અચાનક તેનું તેજ ગુમાવવા લાગે તો શું થાય? ૨૦૨૬માં રિલીઝ થનાર હોલીવુડ ફિલ્મ 'પ્રોજેક્ટ હેઇલ મેરી'માં સાયન્સ ફિક્શન લેખક એન્ડી વેઅર, આ જ ભયાનક પ્રશ્નનું વિઝયુઅલાઇઝેશન રજૂ કરે છે. તારાઓની ધૂળથી ભરેલા અવકાશની અનંતતામાં એક શિક્ષક-અવકાશયાત્રી જાગી રહયો છે. તેની સાથે જાગે છે, સમગ્ર માનવજાતની આશા. 'પ્રોજેક્ટ હેઈલ મેરી' ૨૦ માર્ચ, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે. સાયન્સ ફિક્શન નવલકથાનું, મુવીમાં રૂપાંતર કેવી મજા કરાવે છે? તે તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. આ ફિલ્મની નિર્માણયાત્રા પોતે જ એક વૈજ્ઞાનિક પ્રયોગ જેવી રહી છે. મેટ્રો-ગોલ્ડવિન-મેયરે ૨૦૨૦માં આ પ્રોજેક્ટના અધિકારો માટે $3 મિલિયન ચૂકવ્યા હતા. જેમાં ફિલ લોર્ડ અને ક્રિસ્ટોફર મિલરને દિગ્દર્શનની જવાબદારી સોંપાઈ છે. વિશેષ વાત એ છે કે 'ડ્રુ ગોડાર્ડ, ફરીથી વેઅરની એક નવલકથાને પડદે ઉતારી રહ્યા છે.' ઓસ્કાર વિજેતા સિનેમેટોગ્રાફર ગ્રેગ ફ્રેઝર (જેમણે 'ડયુન' શૂટ કરી હતી) અને સંગીતકાર ડેનિયલ પેમ્બર્ટન સાથે, આ ફિલ્મ દ્રશ્ય અને શ્રાવ્ય બંને રીતે અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગણાય છે.
108 મિલિયનની ફિલ્મ
અવકાશની અનંત શૂન્યતામાં એક વ્યક્તિ, લાલ ધૂળથી ભરેલા વિદેશી ગ્રહ પર જીવનની આશા, અને વિજ્ઞાનની અદ્ભુત શક્તિ, આ બધું એન્ડી વેઅરની કલમમાં એક નવજીવન પામે છે. સોફ્ટવેર એન્જિનિયર તરીકે બે દાયકાઓનું કારકિર્દી ધરાવનાર એન્ડી વેઅરે તેમની પહેલી નવલકથા 'ધ માશયન'ની સફળતા પછી પૂર્ણ સમય લેખન તરફ વળ્યા હતા. ધ માર્શિયન નવલકથા ઉપરથી હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ પણ બની હતી. આ રૂપાંતર માત્ર કારકિર્દીનું ન હોતું, તેમણે વૈશ્વિક લેવલે રજૂ થતી સાયન્સ ફિક્શન નવલકથાઓમાં પણ એક અનોખી છાપ છોડી છે. સાયન્સ ફિક્શન શૈલીમાં પણ એક નવો 'વેઅર' યુગનો પ્રારંભ થઈ ચૂક્યો છે, એવું પણ તમે કહી શકો. ૧૯૭૨માં કેલિફોર્નિયાના ડેવિસમાં જન્મેલા વેઅર ભૌતિકશાસ્ત્રી પિતા અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માતાની સંતાન હતા. બાળપણથી જ આર્થર સી. ક્લાર્ક અને આઇઝેક એસિમોવના ક્લાસિક સાયન્સ ફિક્શન વાંચતા, વેઅરમાં અવકાશ પ્રત્યે અનન્ય આકર્ષણ જાગ્યું. આ આકર્ષણ માત્ર શોખ સુધી સીમિત રહ્યું ન હતું. આજે તે તેમના સર્જનાત્મક લેખનની આધારશિલા બન્યું છે. દરેક નવા લેખક સાથે, જે ઘટના બને છે, તેવી જ ઘટના વેઅર સાથે પણ બની હતી. કોઈ સારો પ્રકાશક, તેમની સાયન્સ ફિક્શન નવલકથાને પ્રકાશિત કરવા તૈયાર ન હતા. આ કારણે તેઓ પોતાની વેબસાઇટ પર વાર્તાઓ લખતા અને પ્રકાશિત કરતા રહ્યા હતાં. શરૂઆતમાં 'ધ માર્શિયન'નામની નવલકથા તેમણે વેબસાઇટ પર નિ:શુલ્ક શ્રેણી તરીકે પ્રકાશિત કરી હતી. જેને વાંચીને અભિભૂત થયેલા વાચકોએ 'ધ માર્શિયન'ને કિન્ડલ આવૃત્તિ તરીકે ઉપલબ્ધ કરાવવા વિનંતી કરી હતી. લાગણીને માન આપીને વેઅરે, આ નવલકથાની ઈ-બુક માત્ર ૯૯ સેન્ટમાં વેચવાનું શરૂ કર્યું. અને પછી જે બન્યું તે, એક ચમત્કારિક જાદુ જેવી ઘટના હતી. પુસ્તક કિન્ડલ આવૃતિ બેસ્ટસેલર યાદીમાં પહોંચી ગઈ, એક સાહિત્યિક એજન્ટે તેમનો સંપર્ક કર્યો. છેવટે ક્રાઉન પબ્લિશિંગ ગુ્રપે 'ધ માર્શિયન'ના પ્રકાશન અધિકાર ખરીદી લીધા. 'ધ માર્શિયન'માં મંગળ પર ફસાયેલા અવકાશયાત્રી માર્ક વોટનીની સાહસિક વાર્તાનું આ લેખન કરવામાં આવ્યું છે.
જ્યારે હોલીવુસ નવો દાવ લગાવાશે!
પ્રોજેક્ટ હેઇલ મેરી સાયન્સ ફિક્શન આધારિત ફિલ્મનું શૂટિંગ જૂન ૨૦૨૪માં યુનાઇટેડ કિંગડમમાં શરૂ થયું હતું, અને ફિલ્મનું શૂટિંગ ૧૪૬ દિવસ ચાલ્યું હતું. વિઝયુઅલ ઇફેક્ટ્સ, ફ્રેમસ્ટોર, ઇન્ડસ્ટ્રિયલ લાઇટ એન્ડ મેજિક, સોની પિક્ચર્સ ઇમેજવર્ક્સ જેવી મોટી કંપનીઓ દ્વારા પૂરી પાડવામાં આવી છે. ફિલ્મમાં રાયન ગોસલિંગ એક એવા અભિનેતા છે, જેમણે વિવિધ ફિલ્મોમાં પોતાની બહુમુખી પ્રતિભા સાબિત કરી છે. તેઓ આ ફિલ્મના સહ-નિર્માતા પણ છે. તેમની સામે એક મોટો પડકાર પણ છે, લાંબા સમય સુધી સ્ક્રીન પર એકલા રહેવું અને રોકી નામના એલિયન સાથે લાગણીશીલ સંબંધ સ્થાપિત કરવો. જોકે ફિલ્મ સમીક્ષકોનું કહેવું છે કે ફિલ્મનો સૌથી મહત્વપૂર્ણ સહકલાકાર માનવ નથી. એક પરગ્રહવાસી સજીવ છે. જેનો દેખાવ ખડકો જેવો છે. જેને પાંચ પગ અને પ્રત્યેક પગ પર ત્રણ આંગળીઓ છે. તેની પાસે આંખો નથી, ચહેરો નથી,પરંતુ તેની હાજરી ફિલ્મનું પ્રાણતત્વ છે. આ પાત્ર એટલે રોકી (પથ્થરદિલ). રોકીના પપેટને સંપૂર્ણ રીતે મિકેનિકલ અને કાર્યાત્મક બનાવવા માટે ૮૯ અલગ-અલગ મોટર્સની જરૂર પડી છે.
ફિલ્મમાં સાન્ડ્રા હ્યુલર ઈવા સ્ટ્રાટની ભૂમિકામાં અને મિલાના વેન્ટ્રબ સંભવત: ઓલેસ્યા ઇલ્યુખિનાની ભૂમિકામાં દેખાશે. ભૂતકાળમાં સાન્ડ્રા હ્યુલર, જેમણે 'ધ ઝોન ઓફ ઇન્ટરેસ્ટ' માટે ઓસ્કાર નામાંકન મેળવ્યું હતું, જે ઈવા સ્ટ્રાટની ભૂમિકા ભજવે છે, એક એવી વિજ્ઞાની છે, જે હેઇલ મેરી મિશનને આકાર આપે છે. સાન્ડ્રા હ્યુલરની વિશેષતા અનોખી છે. તે ગૂંચવણભર્યા, નૈતિક રીતે અસ્પષ્ટ પાત્રો ખુબ જ સુંદર રીતે અને આસાનીથી ભજવી શકે છે. પરંતુ સૌથી મહત્ત્વનો સહ-કલાકાર રોકી હશે. જે પપેટ્રી અને CGI એનિમેશનના મિશ્રણથી જીવંત બનશે. ૨૦૨૫માં ગોસલિંગે મજાક કરતાં કહ્યું હતું : ધ રોકી સાથે કામ કરવું સરળ નહોતું, તેને એર કન્ડિશનિંગ અને વિશેષ ખોરાક જોઈએ છે!' પરંતુ વાસ્તવમાં, રાયન ગોસલિંગે અનેક ભૌતિક અસુવિધા સહન કરીછે. શૂન્ય ગુરુત્વાકર્ષણના દ્રશ્યો માટે વાયરમાં લટકવું, ભારે સ્પેસ સૂટ પહેરવો, વગેરે.
કલ્પના અને વિજ્ઞાનનું સંતુલન
૨૦૨૧માં રજુ થયેલી એન્ડી વેઅરની ત્રીજી નવલકથા 'પ્રોજેક્ટ હેલ મેરી' બહુ પ્રશંસા પામી છે. આ નવલકથાને ૨૦૨૨ હ્યુગો એવોર્ડ માટે નોમિનેશન મળ્યું હતું. નવલકથા રાયલેન્ડ ગ્રેસ નામના અવકાશયાત્રીનાં સ્મૃતિભ્રંશ અને અજાણ્યા અવકાશયાન સાથે શરૂ થાય છે, અંતમાં તેની ગહનતા માનવતાના અસ્તિત્વ સુધી વિસ્તરે છે. નવલકથાનાં ૨૯ ગણો અને અંત સમા અંતિમ પ્રકરણમાં, વર્ણનોના પ્રમાણમાં અધિક કહી શકાય તેવાં સુંદર ટૂંકા સંવાદો છે. જે વાર્તાને તમારી આંખો સમક્ષ જીવંત કરે છે. વેઅરની સફળતા એ છે કે 'તેઓ વિજ્ઞાનને સુલભ અને રસપ્રદ બનાવે છે.' તેમનાં પાત્રો સમસ્યા-નિરાકરણમાં તર્કશક્તિ અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે. એક પ્રોગ્રામર તરીકેની તેમની કારકિર્દીએ, તેમને જટિલ સમસ્યાઓને નાના ભાગોમાં વિભાજિત કરવાનું શીખવ્યું છે. આ કૌશલ્ય તેમના લેખનમાં સ્પષ્ટપણે દેખાય છે. તેમનાં ઉકેલો જાદુઈ કે એલિયન તકનીક જેવાં હોતાં નથી. આજે એન્ડી વેઅર માત્ર લેખક નથી, પણ સાયન્સ ફિક્શનમાં નવોદિત લેખકો માટે નવા માર્ગદર્શક તરીકે ઉભરી આવ્યા છે. એક એવા માર્ગદર્શક, જે કલ્પના અને વિજ્ઞાનને સંતુલિત કરવાનું જાણે છે, જે રમૂજ અને ગંભીરતાને એકત્ર વણી શકે છે, જે આપણને બતાવે છે કે 'વિજ્ઞાન પોતે એક સાહસ છે : 'વિશ્વનું શ્રેષ્ઠતમ સાહસ'.
પ્રોજેક્ટ હેઇલ મેરી આવુ જ એક સાહસ છે. જેનું પ્રોડક્શન બજેટ $108 મિલિયન છે. જેની તુલનામાં, ધ માશયન ફિલ્મે વિશ્વભરમાં $630 મિલિયન કમાણી કરી હતી. એમેઝોન એમજીએમ સ્ટુડિયોઝ અને પાસ્કલ પિક્ચર્સ આશા રાખે છે કે 'આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ થશે, અને ક્રિટિકસની પ્રશંસા પણ મેળવશે. કેટલાંક $40-45 મિલિયન ઓપનિંગ વીકએન્ડની આગાહી કરે છે. જે રાયન ગોસલિંગની કારકિર્દીનું સૌથી મોટું ઓપનિંગ હોઈ શકે છે. વિશ્લેષકો માને છે કે 'આ ફિલ્મ ૨૦૨૬ની પ્રથમ મુખ્ય ઓસ્કાર સ્પર્ધક બની શકે છે.' જ્યારે ફિલ્મની વાત કરી રહ્યા છીએ ત્યારે, એક સવાલ અવશ્ય થાય કે 'પ્રોજેક્ટ હેઇલ મેરી'માં ખરેખર શું છે?
સાયન્સ ફિક્શનનો સાર
ફિલ્મ શુટિંગ દરમ્યાન 'ધ વોલ્યુમ' એક વિશાળ ન્ઈઘ સ્ક્રીનની દિવાલરૂપે બેકગ્રાઉન્ડમાં ગોઠવવામાં આવે છે. તેના પર વાસ્તવિક સમયમાં બેકગ્રાઉન્ડ દેખાય છે. આમ કલાકારોને અહીં ગ્રીન સ્ક્રીન સામે અભિનય કરવાની જરૂર પડતી નથી. વિઝયુઅલ ઇફેક્ટ્સ સુપરવાઇઝર પોલ લેમ્બર્ટ આ પ્રોજેક્ટના તકનીકી આર્કિટેક્ટ છે. રોકીને જીવંત બનાવવા માટે દિગ્દર્શકો લોર્ડ અને મિલરે વિએફએક્સનો માર્ગ પસંદ કર્યો છે. તેઓએ વિએફએક્સ માટે લુકાસ ફિલ્મના નીલ સ્કેન્લનનો સંપર્ક કર્યો હતો. આ ઉપરાંત જેમ્સ ઓર્ટીઝ નામના પુરસ્કાર વિજેતા પપેટીયર અને તેમની પાંચ સભ્યોની ટીમ - જેને 'રોકેટીયર્સ'કહેવામાં આવે છે, તેમણે રોકીનું વર્કિંગ પપેટ બનાવ્યું છે. પ્રોડક્શન ડિઝાઇનર ચાર્લ્સ વુડ અને તેમની ટીમે એક અવકાશયાન બનાવ્યું છે. જે સુંદર રીતે કાર્યક્ષમ લાગે છે. ડક્ટ ટેપ, બોલ્ટ્સ, યાંત્રિક હાથ વગેરેને એન્ડી વેઅરનાં પુસ્તકમાં વર્ણવેલા ટેક્નિકલ વિગતો સાથે પ્રામાણિકતા સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે. નાસા અને અન્ય અવકાશ એજન્સીઓ પણ આ જ પ્રકારની ટેક્નિકોનો વિકાસ કરી રહી છે, રેડિયેશન પ્રોટેક્શન, ઉચ્ચ-વેગ પ્રવાસ, જીવન સપોર્ટ સિસ્ટમ્સ. દિગ્દર્શકોએ નાસાના સલાહકારો અને એન્ડી વેઅર સાથે નજીકથી કામ કર્યું છે. તેઓ માંગે છે કે ફિલ્મ વૈજ્ઞાનિક રીતે શક્ય તેટલી સચોટ બને. ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, દરેક બાબત માટે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી છે. પ્રસિદ્ધ કંપની લેગોએ 'હેઇલ મેરી' અવકાશયાનનું મોડેલ બનાવ્યું છે.
ઇન્ટરસ્ટેલર, ધ માર્શિયન, અરાઇવલ અને ડયુન પછી, પ્રેક્ષકો ગંભીર વિજ્ઞાન-કલ્પનાને સ્વીકારે છે. આ ફિલ્મની સફળતા, ભવિષ્યની હાર્ડ સાયન્સ ફિક્શન ફિલ્મો માટે દરવાજા ખોલી શકે છે. પ્રોજેક્ટ હેઇલ મેરી એક મહત્વપૂર્ણ ક્ષણે આવી રહી છે. ૨૦ માર્ચ, ૨૦૨૬ એ તારીખ હવે કેલેન્ડરમાં અંકિત થઈ ગઈ છે, જ્યારે વિજ્ઞાન અને કલ્પના એક અભૂતપૂર્વ મિશન પર નીકળશે, અને આપણે બધા તેના સાક્ષી બનીશું. જે હોલીવુડ માટે એક મોટી અગ્નિ પરીક્ષા છે : શું પ્રેક્ષકો વાસ્તવિક ભૌતિકશાસ્ત્ર, રોકેટ સમીકરણો, અને ગુણાકાર ગણતરીઓ સાથેની. સાયન્સ ફિલ્મને આવકારશે ખરા?


