Get The App

જો પાની સે નહાતે હૈ વો લિબાસ બદલતે હૈ જો પસીને સે નહાતે હૈ વો ઈતિહાસ બદલતે હૈ!

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
જો પાની સે નહાતે હૈ વો લિબાસ બદલતે હૈ જો પસીને સે નહાતે હૈ વો ઈતિહાસ બદલતે હૈ! 1 - image

- સ્પેક્ટ્રોમીટર-જય વસાવડા

- ક્રિકેટ અને કસોટી 

- પરીક્ષાના પેપર આપીને નવરા પડેલા કે એકઝામ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે ટીટ્વેન્ટી વર્લ્ડ કપમાંથી કેટકેટલા 'ટેઇક અવે લેસન્સ' છે?

૧૯ ૬૦ના દશકામાં અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી નામે ફ્રેડ સ્મિથે એકઝામમાં એક પ્રોજેક્ટ બનાવવાનો હતો, એમાં એક આઈડિયા લખ્યો. અરજન્ટ ડોર ટુ ડોર ડિલીવરી ઓફ પાર્સલનો ! એ સમયે જગત હજુ સ્લો મોશનમાં જીવતું. ફાસ્ટ કાર, ટ્રેન કે ફલાઈટનો યુગ નહોતો. આજના જેવી ભાગમભાગ ને ઉતાવળ નહોતી. મોબાઈલ કે ઈન્ટરનેટનું તો અસ્તિત્વ જ નહોતું. ફિલ્મો કે ટીવીમાં પણ ફાસ્ટ કટસ નહોતા.

સ્મિથના પ્રોફેસર સાહેબ ખીજાયા. એમને વિદ્યાર્થીનો જવાબ અક્કલ વગરનો તુક્કો લાગ્યો. પાંચ સાત દિવસે પહોંચતી ટપાલ ને એના જવાબના જમાનામાં ફટાફટ પાર્સલ ડિલિવરીમાં કોણ પૈસા ખર્ચે, ને ે આવી ડિલિવરી થાય જ કઈ રીતે ? એવું એમને લાગ્યું. એ માટે વધુ ખર્ચ થાય ને પ્રેકટિકલી એવી દોડમદોડ શકય નથી એ માનીને સ્મિથની એન્સરશિટમાં એમણે ''અવ્યવહારૂ'', ''ખર્ચાળ'', ''ફાલતુ'', ''અમલમાં અસંભવ'' એવા રિમાર્કસ લખીને ગિન્નાઈને સીથી પણ માઈનસ ગ્રેડ આપ્યો.

પણ સ્મિથ એ રિઝલ્ટથી નાસીપાસ ન થયો. એને ખુદ પર ભરોસો હતો ને એટલે ખાતરી હતી કે સમય આવ્યે એ આ આઈડિયા પ્રેકટિકલી ડિલિવર કરી શકશે. પેલા નીચલા ગ્રેડને હતાશાને બદલે એણે પ્રેરણા બનાવી. આ બહુ જ અગત્યની વાત છે. ધારો કે, તમને નિષ્ફળતા મળી, નાપાસ થયા કે પછી સાચે જ ન આવડયું, ભૂલ થઈ. તો એ ઘટના તમને પછાડી નથી દેતી. જેટલું તમારું એના પરનું વર્તન તમને પછાડે છે ! રિઝલ્ટ તમને ડિફાઈન નથી કરતું, રિએકશન તમને ડિફાઈન કરે છે. તમે ભૂતકાળની ભૂલોમાંથી નવું શીખી શકો. અથવા ભૂલ જ ન હોય તો આત્મવિશ્વાસ ડગાવ્યા વિના ખુદને બેહતર કરતા રહીને ફરી નવો મોકો મળે એની રાહ જોઈ શકો. એ રાહમાં અખૂટ ધીરજ અને થાક્યા કંટાળ્યા વિના તકને તાકાતમાં પલટાવવાની તૈયારી જોઈએ.

તો ફ્રેડ સ્મિથના પેલા પ્રોફેસરનું નામ આજે કોઈ જાણતું નથી. પણ એમની કડક ટીકા છતાં એ જ માળખા પર એણે ૧૯૭૧માં આર્કાન્સાસ સ્ટેટ ખાતે જે ફાસ્ટ ડિલિવરીની 'ફેડરલ એક્સપ્રેસ' સીસ્ટમ ડેવલપ કરી, એ આખી દુનિયા જાણે છે. એનું નામ છે : ફેડેકસ. જીભાજોડીને બદલે જવાબ એણે પરફોર્મન્સથી આપ્યો, ને વધુ એકવાર એ સાબિત કર્યું કે તમારા ગ્રેડ કે માર્કસ માત્ર જે-તે સમયે તમે કેવા ને કેટલા હોશિયાર હતા, એની દસ્તાવેજી તવારીખ છે. એ તમારું આખું જીવન કે કામગીરી કે વ્યક્તિત્વ નથી. એકઝામમાં સારા રેન્કવાળા પછડાટ ખાઈ શકે છે, નબળા રેન્કવાળા ઉપર આવી શકે છે. જો થાક્યા વિના મહેનત કરવાની ધગશ અને નવું સમજીને જાતને સુધારવાનું જોશ હોય તો ! પેપર નબળા ગયા હોય તો મૂંઝાવું નહિ, સ્કોર ઝીરો હોય તો ગભરાવું નહિ. પ્રિપેરેશન નબળી ન જોઈએ નેકસ્ટ ટાઇમ. સ્ટ્રેન્થ ઝીરો ન હોવી જોઈએ. સેકન્ડ ચાન્સ એ ક્વોલિટી હશે, ને ફ્રસ્ટ્રેશન કે નખરાં વિના ચૂપચાપ શિસ્તબદ્ધ કામની આદત હશે, તો ચેમ્પિયન બનવાનો બીજો ચાન્સ મળશે જ !

લાઇક સંજૂ સેમસન !

***

ઓક્ટોબર ૨૦૨૫માં યાને છ મહિના પહેલા ભારતના ઓરિજીનલ વિસ્ફોટક ઓપનર અને અગરકર કરતા સાવ સામે છેડે અપવાદરૂપે બનેલા અદ્ભૂત સિલેકશન કમિટી ચેરમેન (૨૦૧૧ની વન ડે વિશ્વકપ વિજેતા ટીમ એમને આભારી હતી) કૃષ્ણમાચારી શ્રીકાંતે ભારતીય ક્રિકેટ ટીમના ઘૂરિયલ કોચ ગૌતમ ગંભીરની નામજોગ ઝાટકણી કાઢીને સંજુ સેમસનની કરિઅર સાથે થયેલા ચેડાં બાબતે ટીકા કરી હતી. અગાઉ ટીટ્વેન્ટીમાં દુર્લભ કહી શકાય તેવી ઉપરાછાપરી ત્રણ સદીઓ ફટકારવાનું મહાપરાક્રમ કરી ચૂકેલા સંજુ સેમસન એક અલગ ટેમ્પરામેન્ટનો ખેલાડી છે. એ ક્યારેક ન ચાલે, પણ જો ચાલે તો ભુક્કા કાઢી નાખે. વળી બોનસમાં એ વિકેટકીપર પણ છે, પણ કોઈ બેટ્સમેનની જગ્યા રોકતો નથી. રિષભ પંત ધુંઆધાર બેટ્સમેન પણ હજુયે બેજવાબદાર રમે. રાહુલ ધીમું રમે. ઈશાન ધરખમ બેટધર પણ કીપિંગ એબાઉ એવરેજ ટાઈપ. સંજુ નેચરલ સ્ટ્રોકમેકર.

ઓપનિંગમાં કમ્ફર્ટેબલ સંજુને ગાંગડા જેવા પ્રયોગો કરી ત્યારે ટીમ મેનેજમેન્ટે વન ડાઉન ત્રીજા નંબરથી છેક આઠમા નંબરની પોઝિશન સુધી વારાફરતી રમાડેલો. સેટ એન્ડ સક્સેસફુલ ક્રિકેટર સાથે આ દેખીતી મેન્ટલ ગેમ હતી. જેથી એનું મોરાલ તૂટે ને ફલોપ જતા એને ટીમમાંથી બહાર કરી શકાય. તો પણ એ પાંચમા નંબરે એક ઈનિંગ રમી ગયેલો. પણ મેનેજમેન્ટના લાડકા શુભમન ગિલને ધરાર ટીટ્વેન્ટીમાં સ્ટાર કેપ્ટન બનાવવાના ધખારામાં સંજુની ઓપનિંગ પોઝિશનનો ભોગ લેવાયેલો. ઈશાનની જેમ જ ડોમેસ્ટિક ક્રિકેટમાં ચૂપચાપ સારું પ્રદર્શન કરીને સંજુ ટીમમાં તો રહ્યો, પણ વર્લ્ડ કપમાં કેપ્ટન-કોચે એને મહત્વનો કી પ્લેયર ગણ્યો જ નહોતો. એટલી હદે કે પ્રેસ કોન્ફરન્સમાં ચાલુ વર્લ્ડ કપે એને રમાડવા બાબતે ''પણ કોની જગ્યાએ રમાડું'' એવો ઉડાઉ જવાબ આપેલો. પણ નિયતિ નક્કર પરિશ્રમની કદર ક્યારેક તો કરે જ છે. સાવ અચાનક રિંકુ સિંહના પિતા ગુજરી ગયા, શુભમન તો ઈન્જર્ડ હતો જ. સંજુને ઓપનિંગ કરવા મળ્યું ને જેને સામેથી ઈલેવનમાં લેવાને લાયક નહોતો ગણ્યો, એણે મોકો મળતા ઓછા મેચોમાં સર્વાધિક રન, એ પણ કલાસ ગેમ અને ઓથોરિટી સાથે કરીને મેન ઓફ ધ સીરિઝનો ખિતાબ મેળવી લીધો ! યાદ રહે, સંજુની ટોપ ઈનિંગ્સની એ ત્રણે મેચો નોક આઉટ હતી. વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ કે ન્યુઝીલેન્ડ સામેના કવાર્ટર, સેમી અને ફાઈનલમાં હાર્યા તો સીધા ફેંકાઈ જવાનું હતું, ને તો નબળા ફોર્મમાં ચાલતા સૂર્યકુમાર કે વન ડે, ટેસ્ટમાં ભારતને ઐતિહાસિક તળિયું બતાવનારા સિરિયસકુમાર ગંભીરને જ ચાહકોના રોષમાં વિદાય લેવી પડત. પણ સંજુ સેમસનને લીધે તો બૂમરાહ સિવાય સાવ નબળી પુરવાર થયેલી આપણી બોલિંગનો રકાસ પણ ઢંકાઈ ગયો !

સફળતા એકસામટા સેંકડો સવાલોનો એક જ સોલિડ જવાબ હોય છે. થૂંકેલું ચાટીને બધાએ સંજુના વખાણ કરવા પડયા ! એણે પર્સનલ સેન્ચુરીની પરવા વિના ટીમ માટે રમેલા ઝમકદાર રનોને લીધે કોઈ વિચિત્ર હેરસ્ટાઇલ, સીનસપાટા કે ઓરા ફાર્મિંગ વિના જ એ સુપરસ્ટાર હીરો બની ગયો. વિકેટકીપર તરીકે હરીફ ગણાય એવા પ્રતિભાવંત ઈશાનનો એને બેટિંગમાં પણ સથવારો મળ્યો. પણ સંજુ પહેલા જેટલો જ શાંત રહ્યો. જીત્યા પછી પણ એણે મેદાન પર એનો હક હોવા છતાં કોઈ ઉછાંછળાવેડા ન કર્યા. જેની સાથે ભણતા ભણતા આંતરધર્મીય પ્રેમલગ્ન કર્યા (સંજુ ખ્રિસ્તી છે, કેરળનો ને પત્ની ચારૂલતા હિન્દુ. સેલિબ્રિટી ન હોત તો કેરળની ચૂંટણીમાં કેરાલા સ્ટોરીબ્રાન્ડ હોબાળો થાત !) એ પ્રિય પત્નીને સંબોધીને સરસ પ્રેમપત્ર જેવી એક પોસ્ટ લખી બસ. મેદાનમાં આળોટવાને બદલે એની જોડે.

અને કહ્યું : પ્રિયે, તે મારી સારી ને ખરાબ (યાને ઉતાર ને ચડાવ) ચડતી-પડતીની બેઉ દશા જોઈ છે, ને મારી જેટલું જ ક્રિકેટને તે મારા ખાતર અગત્યનું ગણ્યું છે ને સતત મારામાં ભરોસો મૂકીને મારી પડખે રહી છો. આ જીતની તું  પણ હકદાર છે. સંજુ શાંત છે. ઉડઝૂડિયા કોચ જેવો તેર મણનો 'તોબરેશ' નથી. એ ધોની કે સચિન જેવી ટ્રસ્ટવર્ધી બ્રાન્ડ બની શકે છે. જે બીજા અવળચંડા કારણોથી ન્યુઝમાં ન હોય. એ ઉતાવળા રિએકશન આપવાને બદલે, એલફેલ બોલવા જેવો મગજ પર કંટ્રોલ ગુમાવવાને બદલે ચૂપ રહે છે. આત્મખોજ કરે છે. ધ્યાન દઈ ભૂલો સુધારે છે ને કોઈ સ્ટંટ કર્યા વિના બાઉન્સ બેક કરે છે.

અમુક સંસ્કારઘડતર પરિવારનું પણ હોય. દિલ્હી પોલિસની નોકરી છોડીને સંજુની ક્રિકેટ ટેલન્ટ ખાતર વતન કેરળ ફરી ધસી જનાર પિતા વિશ્વનાથે 'હવે શું સેલિબ્રેશન કરશો ?' એવું રાજદીપ સરદેસાઈએ પૂછ્યું ત્યારે કહ્યું, 'મારા દીકરાએ એ કર્યું જે એનું દેશની ટીમ માટે રમવાનું ક્રિકેટર તરીકે કામ હતું. સારું રમવું એ એની જવાબદારી ગણાય. અમે ખુશ છીએ. પણ આમાં બીજી કોઈ સ્પેશ્યલ પાર્ટી નથી !'

શશી થરૂર જેવાના સપોર્ટ કરતા જાહેરમાં પછી પણ તરત ચાન્સ નહોતો મળ્યો, એવા સંજુને આઈપીએલમાં પણ ટીમ બદલવી પડી. કેપ્ટન તરીકે હીર ઝળકાવી હવે ચેન્નઈ સુપર કિંગ્સમાં ધોનીના હાથે ઘડાશે વધુ. આ ફટાફટ ક્રિકેટના જમાનામાં જ્યાં હવે સિક્સર પણ સ્પેશ્યલ લાગવાને બદલે રૂટિન થઈ ગઈ છે, ત્યારે સંજુની રમતમાં વિન્ટેજ ચાર્મ જોવા મળે છે.

***

પરીક્ષાના પેપર આપીને નવરા પડેલા કે એકઝામ આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટે કેટકેટલા 'ટેઇક અવે લેસન્સ' છે આ ટીટ્વેન્ટી વર્લ્ડ કપમાં અનોખી રીતે ભારત બીજી વાર બેક ટુ બેક ચેમ્પિયન થયું તે એમાં પણ ઘરઆંગણે એ હરખથી છલોછલ ઘટનામાં. લેટ્સ ચેક.

(૧) અશ્વિનને આપેલા ઈન્ટરવ્યૂમાં રોહિત શર્માએ ૨૦૨૨માં કેપ્ટન બન્યા પછી પોતે બદલેલા અભિગમની વાત કરેલી. જેને લીધે આઈસીસી ટ્રોફીનો લાંબો દુકાળ પુરો થયો. એ વાત હતી કે પર્સનલ રેકોર્ડ પર ધ્યાન આપ્યા વિના રમો. રોહિતે પોતે જ દાખલો બેસાડેલો. એ ધમાકેદાર ઓપનિંગ કરે. મોટા સ્કોરની પરવા વિના સ્ટ્રાઈક રેટનું મોમેન્ટમ સ્ટાર્ટ કરાવે. મોટો ખેલાડી ને કેપ્ટન નિવૃત્તિને આજે પણ વ્યકિતગત સ્વાર્થને બદલે બધાની બેહતરી વિચારે છે, એ વાતની અસર પડી. કરિઅર પણ ક્યારેય કોઈ ગમે તેવો મોટો સ્ટાર હોય એની સાવ ઈન્ડિવિજ્યુઅલ હોતી નથી. એનાં ઉપર કે નીચે કે જોડે કામ કરનારા લોકો સાથે તાલમેલનું પણ મહત્વ છે. તમે માત્ર તમારા હિત નથી વિચારતા એવી ખાતરી થાય, પછી આપોઆપ વધુ લોકો તમારો ભરોસો કરે છે. સ્કોર અને માર્ક ઓછા હોય તો પણ આ અભિગમ એની ખોટ પુરી દે છે. અને એક દિવસે વધુ સ્કોરવાળા કરતા, વધુ મોટા નામો કરતા તમે નોંધપાત્ર ગણાવ છો.

(૨) આજના ઝપાટા જમાનામાં ધીરજ, શાંતિ, વધુ વિવાદો ટાળતું સમજણપૂર્વકનું મૌન એ બધા ગુણ ઘણા 'શ્રીસંત સાયકોલોજી' - ધરાવતા કજીયાખોર ને કિન્નાખોર લોકોને ભલે અવગુણ લાગે, એનું આગવું મૂલ્ય છે. નકામી ચર્ચા અને જરૂર વગરના ખુલાસા એ ઊર્જાનો વેડફાટ છે. બીજાની પોપકોર્નના મસાલા માટે આપણે કૂટાવાનું ન હોય. સંજુની જેમ એક ગરિમામય મૌન રાખી કોઈને નડયા વિના, ઝાઝી ધાંધલધમાલ વિના બસ આવડે તે કામમાં ફોકસ કરવાનું. નવી ઈનિંગમાં સારું રમશો, તો જૂની ઇનિંગના ધબડકા ભૂલાઈ જશે. આપણી ગલતી હોય કે કિસ્મતની ગફલત, નિષ્ફળતા વારંવારની ચર્ચાઓથી ભૂલાતી નથી. ભલે તમારી પાસે મજબૂત મુદ્દા હોય બચાવમાં. એ મૌન રાખી આગળ વધ્યા કરવાથી ભૂલાય છે.

(૩) ક્રિકેટ હોય કે એકઝામ, દરેક વખતે રિઝલ્ટ તમારી ક્વોલિટી બયાન નથી કરતું. રિમેમ્બર ધેટ. આ ટીટવેન્ટી વર્લ્ડકપમાં સાવ ફાસફુસિયા દેશોના ગુ્રપમાં આપણે હતા. 

સુપરએઈટ તો નિશ્ચિત હતું. પછી પ્રમાણમાં પહેલા કરતાં નબળી હરીફ ટીમો સામે આપણે બોલિંગ-ફિલ્ડિંગ ને ટીમ કોમ્બિનેશનમાં એટલા ઉત્તમ નહોતા. બૈથલ તો ઠીક જોફ્રા આર્ચર પણ આપણી નબળાઈ સામે સેમી ફાઇનલમાં ખેંચી ગયેલો. છતાં આપણે જીત્યા. કરોડો કમાયા. દેશે માથે ચડાવ્યા. સાર : રિઝલ્ટ દરેક વખતે રિઝન સાથે સંકળાયેલું હોય એવું જરૂરી નથી. એમાં બીજા પરિબળો પણ હોય છે. એટલે હંમેશા બેસ્ટ રિઝલ્ટ માટે મહેનત કરવી, પણ ક્યારેય એને જ આખરી મંઝિલ ન માનવી. એમાં સફળતાથી છકી ન જવું કારણ કે એ ય છેતરામણી હોઈ શકે ને એમાં નિષ્ફળતાથી નિરાશ ન થવું કારણ કે એ કાયમી ન હોય. કી પોઈન્ટ ઇઝ ધ પરફોર્મન્સ. પરફોર્મન્સ સારું હશે તો - કોમેન્ટ્રી બોક્સમાં પણ બેઠા હશો ને દુનિયા યાદ કરશે, એનું વળતર પણ આપશે.

(૪) ભારતમાં ટીટ્વેન્ટી ક્રિકેટ ઈંગ્લેન્ડમાં શરૂ થયું ને લલિત મોદી લઈ આવ્યા, પછી આઈપીએલને લીધે આખો ટેલન્ટ પુલ છે એનો. કમાણી પણ એમાં છે. ૬૨કરોડ લોકો ટીવી પર જુએ એવો તગડો બિઝનેસ છે ને બીજી જાહેરાતો, ટિકિટ્સ જુદી. તમે નોંધ્યું છે કે કોર્પોરેટ પ્રોફિટના અતિરેકને લીધે હવે પહેલા સિક્સર લાગતી એવો જાદૂ જ મહેસૂસ નથી થતો. બોલરોને ઝુડાવા માટે રખાય છે. ગ્રાઉન્ડ નાના છે. ક્લાસિક શોટ્સ રમાતા નથી. સેંકડો સિક્સરોમાં ડોપામાઈન કિક વારંવાર આવતા મજા બુઠ્ઠી થઈ જાય છે. એક નશા જેવું મનોરંજન છે ટીટ્વેન્ટી, સ્પોર્ટસ નહિ. આવું જ  અત્યારે શિક્ષણ જગતમાં છે. અમુક બ્રાન્ડેડ કરિઅર ફોકસમાં છે. બધા એની પાછળ જ દોટ લગાવે છે. વિચારજો, ભારતના ૯૫ ટકા ક્રિકેટર્સ કદી ઇન્ટરનેશનલ તો શું આઇપીએલ સુધી પંહોચતા નથી. જેને ખાસ કવરેજ નથી મળતું એવું ઘરેલુ ક્રિકેટ રમે છે. જેમાં માંડ થોડા લાખ મળે છે. જે સ્ટાર છે એ કરોડો ઉભાઉભા કમાઈ લે છે. છતાં બીજા ક્રિકેટરો છે. બીજી રમતોના ખેલાડીઓ છે. બધા પોતાની પેશન માટે જિંદગી ખર્ચે છે. લર્ન ધેટ. દરેક વખતે તમે પોપ્યુલર પ્લેટફોર્મ પર નહિ હો. ત્યાં ઝાઝી જગ્યા નથી ને ભીડ બહુ વધુ છે. એટલે એવું કંઈક લક્ષ્ય શોધો જેમાં કમાણી કે લોકપ્રિયતા ઓછી હોય, તો પણ ટકી શકો. લાંબુ ખેંચી શકો. ડિપ્રેશન ન આવે. ચમકતી આગમાં બળી મરતા ફૂદાં કરતાં અંધારામાં લાંબુ જોતું ઘુવડ થવું સારું !

(૫) જે લોકપ્રિય છે એવા મોટા ભાગના ક્રિકેટર્સે લવમેરેજ કર્યા છે. કોઈ રાહુલ કે હાર્દિક નથી ચાલ્યા તો પણ એ ફરીથી પ્રેમમાં જ પડવાનું મુનાસિબ ગણે છે. એમાં જ્ઞાાતિ, પ્રદેશ ભાષા, ધર્મના ભેદ વિના પરણે છે, પ્રેમ કરે છે. ડેટિંગ કરવાથી, બ્રેકઅપથી, રોમાન્સથી કોઈ શક્તિહીન કે નબળું નથી થતું. કોઇની કરિઅર સિવાય કે ટેલન્ટ પર ફોકસ ન કરે એ સિવાય બરબાદ નથી થતી. લવ કે સેક્સ કોઈ અવરોધક પરિબળ છે કારકિર્દી માટે એ માન્યતા સંકુચિત ડરપોક સમાજમાં જડબેસલાક ઘુસેલી હોય છે. રિલેશનશિપ હોય કે લાઈફ, બધું ધાર્યું ન થાય. પણ એટલે બધું ખરાબ જ થાય એવું નથી. શિવમ દૂબેની પત્ની અંજુમ ખાન મુસ્લિમ છે, જસપ્રીત બૂમરાહ તો ભારતની બધી જીતમાં શિલ્પી હોય છે. એ પંજાબી ને પત્ની સંજના દક્ષિણની છે. અનુશાસન હોય તો, ક્યારે શું કરવું ને ન કરવું એનું 'શિક્ષણ' હોય તો વાંધો નથી આવતો. સાચો પ્રેમ ભગવાનો જ કરી શકે એવું નથી. પણ જે કામ (વર્ક) હોય એની આડે તમારો 'કામ' (વાસના) આવે તો નક્કી ગયા સમજો. આ સમજણ હશે તો ભણવામાં ચિત્ત ચંચળ નહિ રહે. ને અભ્યાસના નામે આકર્ષણનો ધિક્કાર નહિ રહે. ઇનફેક્ટ લવિંગ કેરિંગ પાર્ટનર જ એક મોટીવેશનલ બૂસ્ટર છે, સ્ટ્રેસ ને પ્રેશરના મુકાબલામાં !

તો રમો, જીતો, મોજ કરો.

ફાસ્ટ ફોરવર્ડ

''ક્યારેક આપણે ધારેલી સપનાની જિંદગીને જતી કરવી પડે છે, જેથી એની જગ્યાએ વાસ્તવમાં જે જીવન આપણી રાહ જુએ છે, તે આવી શકે. (જોસેફ કેમ્પબેલ)