Get The App

વૉર પોલ્યૂશન : વાતાવરણમાં બ્લાસ્ટ થતો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનો ઘાતક બોમ્બ

Updated: Mar 15th, 2026

GS TEAM

Google News
Google News
વૉર પોલ્યૂશન : વાતાવરણમાં બ્લાસ્ટ થતો ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનનો ઘાતક બોમ્બ 1 - image

- સાઈન-ઈન-હર્ષ મેસવાણિયા

- રશિયા-યુક્રેન યુદ્ધ કરે કે અમેરિકા-ઈઝરાયલ મળીને ઈરાન પર હુમલો કરે - આપણે શું? યુદ્ધગ્રસ્ત દેશમાં નાગરિકો ફસાયા હોય તો વાજબી રીતે ચિંતા થાય છે, વેપારને અસર થવાની હોય તો ચિંતા થવી જોઈએ. પરંતુ તેનાથી પ્રદૂષણ ફેલાય છે એની ચિંતા કોને છે?

યુ દ્ધથી કેવો વિનાશ વેરાય છે? હજારો લોકો જીવ ગુમાવે છે. હજારો લોકો ઈજાગ્રસ્ત થઈને આજીવન પીડા ભોગવે છે. લાખો લોકો માટે યુદ્ધ એવી સંતાપની ચિતા જલાવે છે એમાં એ આજીવન સળગ્યા કરે છે. જીવ ગુમાવનારા કરતાં પણ વધુ કમનસીબ એ લોકો છે જેમના હૃદયમાં સ્વજનો ગુમાવવાની પીડા પળપળ કાંટાની જેમ ખટકતી રહે છે.

સેંકડો ઈમારતો ધરાશાયી થઈને કાટમાળમાં ફેરવાય જાય છે. મકાનો પર મિસાઈલો પડે છે ત્યારે માત્ર એ મકાન પર નથી પડતી, મકાન બનાવનારાના સપનાઓ પર પણ પડે છે - જે કાટમાળની સાથે ચૂરેચૂરા થાય છે. મકાનોની સાથે જે ચીજવસ્તુઓનો નાશ થાય છે ત્યારે માત્ર એ ચીજવસ્તુઓનો નાશ નથી થતો, એને જતનથી રાખનારા લોકોના સ્મરણો પણ નાશ પામે છે.

યુદ્ધ વખતે કે યુદ્ધ પૂરું થાય પછી મૃતકો અને ઈજાગ્રસ્તનો આંકડો મેળવાય છે. મકાનો-હોસ્પિટલો-શાળાઓ ધરાશાયી થાય એની નુકસાનીનો અંદાજ લગાવાય છે. કેટલા સૈનિકો મર્યા અને કેટલા શસ્ત્રોનો ખાતમો બોલ્યો એનો હિસાબ થાય છે. કેટલા વિમાનો તોડી પડાયા ને કેટલી સબમરીન ડૂબી ગઈ એનુંય સરવૈયું નીકળે છે, પણ જેમના હૃદયમાં યુદ્ધથી ઊંડા જખમ થયા હોય એનો કોઈ હિસાબ માંડી શકાતો નથી.

ઘર તૂટે તો કદાચેય એનું વળતર આપી શકાય, ઘરમાં રહેનારા 'તૂટે' એનું તો વળતર શું આપી શકાય? આવું જ પર્યાવરણની બાબતમાં બને છે. યુદ્ધના જોશમાં હોશ ખોઈને માણસ એટલો વિનાશ વેરે છે કે એમાં પ્રકૃતિને અમર્યાદ નુકસાન પહોંચી જાય છે. પ્રકૃતિને થયેલી ક્ષતિનો કોઈ હિસાબ ક્યારેય માંડી શકાતો નથી. 

યુદ્ધથી પ્રકૃતિને, પર્યાવરણને જે નુકસાન થાય છે એ લાંબાંગાળે ગંભીર પરિણામો લાવે છે. યુદ્ધજન્ય પ્રદૂષણ સેંકડો દેશોના પ્રદૂષણ કરતાં વધારે છે.

***

વૉર પોલ્યૂશન.

માણસે પ્રદૂષણ ફેલાવવામાં છેલ્લી એક સદીમાં જબરો 'વિકાસ' કર્યો છે. વાયુ-જળ-ભૂમિ પ્રદૂષણ ઉપરાંત અંતરીક્ષ પ્રદૂષિત કર્યું, દરિયો પ્રદૂષિત કર્યો, નદી-તળાવો પ્રદૂષિત કર્યાં. પર્વતો-જંગલોમાં છૂટથી પ્રદૂષણ ફેલાવ્યું. જ્યાં માનવીની હાજરી ઓછી છે એવા એન્ટાર્ક્ટિકાથી લઈને જ્યાં પહોંચવું પડકારજનક છે એવા એવરેસ્ટ સુધી બધેય પ્રદૂષણ પહોંચી ગયું છે. એક પ્રકારના પ્રદૂષણ સામે જાગૃતિ આવે ત્યાં બીજા પ્રકારનું પ્રદૂષણ માથું ઊંચકવા તૈયાર થઈ જાય એવી સ્થિતિ સર્જી દીધી. હજુ આપણે પ્લાસ્ટિક પ્રદૂષણને પહોંચી નથી વળ્યાં ત્યાં વળી ઈલેક્ટ્રોનિક્સ વેસ્ટના નામે નવો કચરાનો ઢગલો સર્જાઈ ચૂક્યો છે.

આ બધું ઓછું હોય તેમ માણસે યુદ્ધો લડીને પ્રદૂષણ ફેલાવવાનું શરૂ કર્યું છે, જેને કહેવાય છે વૉર પોલ્યૂશન. યુદ્ધમાં સામ-સામા હુમલા થાય ત્યારે એનાથી કેટલું નુકસાન પહોંચાડી શકાયું? નિશાન બરાબર સાધી શકાયું કે નહીં? તેની ધારી અસર થઈ કે નહીં? આ બધા ફેક્ટર્સ વિચારવામાં આવે છે, પરંતુ હુમલામાં મિસાઈલોથી પર્યાવરણનો કચ્ચરઘાણ વળે છે એ દિશામાં બહુ વિચાર થતો નથી. હજારો વૃક્ષો ધ્વસ્ત થાય છે. ખેતરોમાં ઉભો પાક બળીને ખાક થાય છે. કેટલાય સજીવોના મોત થાય છે. એની સીધી અસર ઈકોસિસ્ટમ પર તો થાય જ છે, પરંતુ શસ્ત્રોના કારણે જે પ્રદૂષણ ફેલાય છે તે પર્યાવરણને એનાથીય વધારે નુકસાન પહોંચાડે છે. રશિયા-યુક્રેન છેલ્લાં ચાર વર્ષથી સામ-સામા હુમલા કરે છે. અમેરિકા-ઈઝરાયલે ઈરાનમાં હુમલા કર્યા એના દૃશ્યો તો સાવ તાજાં છે, ઈરાને વળતા હુમલામાં રિફાઈનરીઓ પર એટેક કર્યાં એના વીડિયો પણ સામે આવ્યા છે. એ હુમલામાં તુરંત ધ્યાનમાં આવે એવું શું છે? ધુમાડો!

આ ધુમાડો જોઈને આપણે એની વિનાશકતાનું વિચારીએ છીએ એટલું એનાથી પર્યાવરણ પર થતી અસરનું વિચારતા નથી. ધુમાડાના ગોટેગોટા ઉઠીને હવામાં ભળી જાય છે એનું શું થાય છે?

***

યુદ્ધોના પરિણામે સર્જાતા વૉર પોલ્યૂશનથી વાતાવરણમાં કેટલી ગંભીર અસર થાય છે એનો કાચો-પાકો અંદાજ સંયુક્ત રાષ્ટ્રસંઘે બાંધ્યો છે. દુનિયામાં ચાલતા યુદ્ધો, આતંકવાદી હુમલા, ગૃહ યુદ્ધોમાં મિસાઈલ હુમલાથી લઈને ડ્રોન એટેક, વિસ્ફોટકો, પેટ્રોલ બોમ્બ સુધીના નાના-મોટા શસ્ત્રો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે. એનો જથ્થો એટલો મોટો છે કે દુનિયામાં વર્ષે જેટલો ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જિત થાય એમાંથી છ ટકા ગ્રીનહાઉસ ગેસ યુદ્ધોમાંથી પેદા થાય છે.

દુનિયામાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ચીનનો હિસ્સો ૨૮-૩૦ ટકા રહે છે. એ પછીનો ક્રમ અમેરિકાનો છે. અમેરિકાનો ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ ઈમિશનમાં ૧૪ ટકા હિસ્સો છે. ત્રીજા નંબરે આઠ ટકા સાથે ભારત છે. આ લિસ્ટમાં ચોથો નંબર છે - વૉર પોલ્યૂશનનો.

આજની તારીખે માણસ વૉર પોલ્યૂશન અટકી જાય તો નવ ગીગાટન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન તુરંત ઘટી જાય. એ માટે નથી ઈન્ડસ્ટ્રી પર અંકુશ લાવવાનો, નથી બાંધકામો ઘટાડવાના, નથી વાહનો ઓછા કરવાના, નથી પરંપરાગત ઉર્જા સ્ત્રોતને બંધ કરવાના. બંધ કરવાના છે માત્ર યુદ્ધો. સેક્ટરની રીતે વાત કરીએ તો એનર્જી, ઈન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચર-ડેરી અને બાંધકામ પછી વૉર પોલ્યૂશનથી થતાં કાર્બન ઉત્સર્જનનો પાંચમો ક્રમ છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે નિષ્ણાતો પાસે એક અહેવાલ તૈયાર કરાવ્યો તો જાણવા મળ્યું કે જે દેશ પર હુમલા થાય છે ત્યાં ૨૦ વર્ષ સુધી પર્યાવરણ પર અસર થાય છે અને પાડોશી દેશો પણ એમાંથી બાકાત રહેતા નથી. ક્રૂડ રિફાઈનરીઝ, ક્રૂડ ફીલ્ડ, ક્રૂડ સ્ટોરેજ, પેટ્રોલિયમ કે ગેસ ભરેલાં વેપારી જહાજો, પેટ્રોલપંપો જેવા સ્થળોએ હુમલા થાય ત્યારે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન હદ બહાર વધી જાય છે એ તો ખરું જ, પરંતુ એ દેશના પર્યાવરણ અને માનવીય હેલ્થને ગંભીર અસર કરે છે.

એમાંય ક્રૂડ ભંડાર એવા મિડલ-ઈસ્ટમાં યુદ્ધો થાય ત્યારે કાર્બન ઉત્સર્જનનું જોખમ ખૂબ વધી જાય છે. અગાઉ ગલ્ફવોર વખતે કેટલીય રિફાઈનરી અને ક્રૂડ સ્ટોરેજને નિશાન બનાવાયા હતા. તેના કારણે દિવસો સુધી ધુમાડો નીકળતો રહ્યો હતો. અમેરિકાએ તાજેતરમાં જ ઈરાનના ક્રૂડ ભંડારોને નિશાન બનાવ્યા તેની તો એટલી ખરાબ અસર થઈ કે રીતસર તેહરાનમાં કાળો વરસાદ થયો! ઈરાનમાં વાતાવરણ પલટાયું અને તીવ્ર હવા સાથે વરસાદ પડયો, પરંતુ તે પહેલાં અમેરિકાએ ક્રૂડ ભંડારોમાં આગ લગાવી દીધી હતી એટલે એનો ધુમાડો વરસાદી વાદળોમાં ભળી ગયો હતો. વરસાદ થયો ત્યારે લોકોને રીતસર કેમિકલનો વરસાદ થતો હોય એવો અનુભવ થયો. અસંખ્ય લોકોએ આંખ-ચામડી બળવાની અને શ્વાસ સંબંધી બીમારીઓની દિવસો સુધી ફરિયાદ કરી. તેહરાન સહિત કેટલાય શહેરોમાં દિવસો સુધી આકાશમાં એ ધુમાડાની અસર જોવા મળી.

આ વૉર પોલ્યૂશનનો વરવો અને લેટેસ્ટ દાખલો છે. યુક્રેન-રશિયાનું યુદ્ધ હોય કે પછી ઈઝરાયલ-હમાસનું યુદ્ધ હોય - દરેક મોરચે આધુનિક હથિયારોએ તબાહી સર્જી છે ને સાથે સાથે પ્રદૂષણનો તરખાટ પણ મચાવ્યો છે. યુદ્ધ વખતે દુશ્મન દેશને મરણતોલ ફટકો આપવા માટે તેના મહત્ત્વના સ્થળો પર હુમલો કરવામાં આવે છે. ક્રૂડનો ભંડાર એ ઈરાનની શક્તિ છે. એના પર હુમલો થાય તો દેખીતો ફટકો પહોંચાડી શકાય એવી અમેરિકા-ઈઝરાયલની ગણતરી હશે, પરંતુ તેનાથી જે ગંભીર અસરો થઈ કે હજુય થવાની છે એનો વિચાર થયો નહીં.

જે દેશો સામ-સામા લડે છે તે માત્ર યુદ્ધના પરિણામની ચિંતા કરે છે. માનવજાત, પર્યાવરણ, સજીવસૃષ્ટિ પર થતી અસરોની પરવા થતી નથી. જ્યાં સુધી યુદ્ધખોર માનવી આવો વિધ્વંશક અપ્રોચ રાખશે ત્યાં સુધી આ પરિસ્થિતિ બદલાશે નહીં. દેશો બદલાશે, યુદ્ધના મોરચા બદલાશે, પરંતુ વૉર પોલ્યૂશનની સ્થિતિમાં કોઈ ફરક નહીં પડે. યુદ્ધોના પરિણામ પછી કોઈ એક દેશ જીતશે, યુદ્ધ કરતું કોઈ એક જૂથ જીતશે. પર્યાવરણ, પૃથ્વી, સજીવસૃષ્ટિ વારંવાર હારતી રહેશે.

દુનિયાના ૬૦% ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન માટે જવાબદાર પાંચ દેશો

ચીન અને અમેરિકા મળીને કુલ ૪૪ ટકા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જિત કરે છે. ભારત આઠ ટકા સાથે ત્રીજા અને રશિયા પાંચ ટકા સાથે ચોથા ક્રમે છે. ચાર ટકા સાથે જાપાન પાંચમા નંબરે છે. ચીન-અમેરિકા-રશિયા-ભારત-જાપાન - આ પાંચ દેશોનો દુનિયાના કુલ કાર્બન ઉત્સર્જનમાં ૬૦-૬૧ ટકા હિસ્સો છે. દુનિયામાં કુલ ૫૭ ગીગાટન ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન થાય છે. એક દશકામાં એ ૧૨ ટકા વધી ચૂક્યું છે. એક દશકા પહેલાં ગ્રીનહાઉસ ગેસનું કુલ ઉત્સર્જન ૪૫થી ૪૭ ગીગાટન થતું હતું. સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસ ઉર્જા સેક્ટરમાંથી સર્જાય છે. ગ્લોબલ એનર્જી પ્રોડક્શનમાંથી ૩૫ ટકા ગ્રીનહાઉસ ગેસ પેદા થાય છે. ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જન માટે સૌથી વધારે બદનામ છે ઈન્ડસ્ટ્રીઝ અને ટ્રાન્સપોર્ટેશન. પણ ઈલેક્ટ્રિસિટીની જરૂરિયાત આ બંનેથી વધારે ગ્રીનહાઉસ ગેસ ફેલાવે છે. પરંપરાગત ઉર્જાના સોર્સ વર્ષે ૩૮ અબજ મેટ્રિક ટન ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જિત કરે છે. ઈન્ડસ્ટ્રી અને ટ્રાન્સપોર્ટેશન બીજા અને ત્રીજા ક્રમે છે. કૃષિ આ લિસ્ટમાં ચોથા નંબરે છે.