- સિનેમા એક્સપ્રેસ-શિશિર રામાવત
- 'અનુપમજી, અન્નાનું પાત્ર બીજા કોઈ એક્ટરને આપવાનું મેં નક્કી કર્યું છું, કારણ કે આ કિરદાર ભજવવા માટે એક્ટરમાં જેટલું ઝેર હોવું જોઈએ એટલું તમારામાં નથી!'
અ નુપમ ખેરે આ મહિને ૭૧ વર્ષ પૂરાં કર્યાં. આજે એમની આત્મકથા 'લેસન્સ લાઇફ ટૉટ મી અનનોઇંગ્લી'માંથી થોડી ઇન્ટરેસ્ટિંગ વાતો શેર કરવી છે, જે એમના ડિરેક્ટરો વિશે છે. પહેલી વાત હશે ૧૯૮૮-૧૯૮૯ની. વિધુ વિનોદ ચોપડા તે વખતે 'પરિંદા' ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ અનુપમ ખેર પાસે અન્નાના રોલની ઓફર લઈને આવ્યા. અન્ના એટલે 'પરિંદા'નું ગેંગસ્ટરનું પાત્ર, જે ફિલ્મના એન્ડમાં હીરો-હિરોઈનનું ઠંડે કલેજે મર્ડર કરાવી નાખે છે. વિધુ વિનોદ ચોપડાએ આખી ફિલ્મ અનુપમ ખેરને કહી સંભળાવી. અનુપમજીએ ખુશ થઈને હા પાડી. પણ થોડા દિવસો પછી અચાનક વિધુ વિનોદ ચોપડાનો ફોન આવ્યો. એમણે કહ્યું, 'અનુપમજી, અન્નાનું પાત્ર બીજા કોઈને આપવાનું મેં નક્કી કર્યું છું, કારણ કે આ કિરદાર ભજવવા માટે એક્ટરમાં જેટલું ઝેર હોવું જોઈએ એટલું તમારામાં નથી! હું તમને અન્નાને બદલે ઇન્સપેક્ટર પ્રકાશનો રોલ આપવા માગું છું....'
દેખીતું છે કે અનુપમ ખેર આ સાંભળીને નારાજ થયા વગર ન રહે, પણ એમણે ઇન્સ્પેક્ટરનો રોલ સ્વીકારી લીધો, કારણ કે તેઓ માને છે કે ઇન્ડસ્ટ્રીમાં વિધુ વિનોદ ચોપડા જેવું પદ્ધતિસર કામ કરનારા ડિરેક્ટરો બહુ ઓછા છે. અન્નાનો રોલ પછી નાના પાટેકરે કર્યો. નાના પાટેકરે આ કિરદારમાં એટલી જમાવટ કરી હતી કે આપણે હવે 'પરિંદા'ના ખલનાયકના રોલમાં બીજા કોઈ એક્ટરને કલ્પી શકતા નથી. ખેર, તે પછી વિધુ વિનોદ ચોપડા અને અનુપમ ખેરે '૧૯૪૨- અ લવસ્ટોરી' (૧૯૯૪)માં પણ સાથે કામ કર્યું. આ ફિલ્મમાં અનુપમ ખેર મનીષા કોઈરાલાના પિતા બન્યા હતા.
અનુપમ ખેરે ડિરેક્ટર દિવાકર બેનર્જી વિશે જે લખ્યું છે તે પણ વાંચવા જેવું છે. દિવાકર બેનર્જીએ ડિરેક્ટ કરેલી સૌથી પહેલી ફિલ્મ 'ખોલસા કા ઘોસલા' (૨૦૦૬) આજે તો કલ્ટ ક્લાસિક ગણાય છે. અનુપમજી લખે છે, 'મેં દિલ્હીના બે એડ્ ફિલ્મમેકર્સ વિશે સાંભળ્યું હતું. એમાંનો એક હતો જયદીપ સાહની અને બીજો હતો, દિવાકર બેનર્જી. તેઓ 'ખોલસા કા ઘોસલા' નામની ફિલ્મ પર કામ કરી રહ્યા હતા અને તેના સંદર્ભમાં જ મને મળવા માગતા હતા. એ સમયે હું ક્રિયેટિવ સ્તરે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો હતો. આ બન્ને છોકરાઓ એકાદ મહિનાથી મને મળવાની કોશિશ કરી રહ્યા હતા. આખરે મેં એમને મારી ઓફિસે મળવા બોલાવ્યા.'
નક્કી કરેલા સમયે બે જુવાન, સ્માર્ટ અને ચામગ છોકરાઓ આવી પહોંચ્યા. આ બેમાંથી જયદીપ લેખક હતો અને દિવાકર ફિલ્મ ડિરેક્ટ કરવા માગતો હતો. દિવાકર કહે, 'સર, અમે તમને અમારી ફિલ્મનાં અમુક સીન સંભળાવવા માગીએ છીએ, અને જો તમે કહો તો આખી ફિલ્મ પણ ટૂંકમાં કહી સંભળાવીશું.'
અનુપમ ખેર કહે, 'જો તમારી ફિલ્મ સારી હશે તો મને પાંચ જ મિનિટમાં ખબર પડી જશે, પણ સૌથી પહેલાં એ કહો કે તમે મને શું કામ તમારી ફિલ્મમાં લેવા માગો છો?'
'કારણ કે તમારા સિવાય બીજું કોઈ આ રોલ કરી શકે તેમ છે જ નહીં,' દિવાકરે કહ્યું.
અનુપમ ખેર આ વાક્ય અગાઉ હજારો વખત સાંભળી ચૂક્યા હતા. તેઓ જોકે કશું બોલ્યા નહીં. તેમણે પૃચ્છા કરી, 'અને પ્રોડયુસર કોણ છે?'
'પ્રોડયુસર અમે હજુ શોઘી રહ્યા છીએ...' જયદીપે સહેજ ખચકાટ સાથે જવાબ આપ્યો.
પછી દિવાકરે ફિલ્મની વાર્તા સંભળાવવાનું શરૂ કર્યું. વચ્ચે વચ્ચે જરૂર પડે ત્યાં જયદીપ પણ ટાપશી પૂરાવતો હતો. અનુપમ ખેરે આ જુવાનિયાઓ માટે વીસેક મિનિટ ફાળવી હતી, પણ આ વીસ મિનિટ છ કલાક સુધી ખેંચાઈ ગઈ.
સ્ક્રિપ્ટ અફલાતૂન હતી. અનુપમ ખેરને લાગ્યું કે આ લખાણમાં જાદુ છે. તેમણે નરેશન પૂરું થાય તે પહેલાં જ મનોમન નક્કી કરી નાખ્યું હતું કે હું આ ફિલ્મમાં ખોસલાનું પાત્ર કરીશ. ખોસલા ભારતના કરોડો આમ આદમીની જેમ હાડમારીભર્યું જીવન જીવતો એક સાધારણ માણસ છે. ઘરનો વડીલ છે, નોકરીમાંથી નિવૃત્ત થઈ ચૂક્યો છે. અનુપમ ખેરે બન્નેને એ જ વખતે કહી દીધું કે હું ફિલ્મમાં કામ કરવા તૈયાર છું.
આખી ફિલ્મ ખૂબ જ મર્યાદિત બજેટમાં બનાવવાની હતી. જૂનની ભયંકર ગરમીમાં દિલ્હીમાં શૂટિંગ શરૂ થયું. ફિલ્મનું યુનિટ કોઈ સાધારણ હોટલમાં ઉતર્યું હતું, જ્યારે અનુપમ ખેર એકલા આઇટીસી મૌર્યમાં ઉતર્યા હતા. એમને આ હોટલમાં ઓછા ભાવે સારી ડીલ મળી ગઈ હતી. અનુમપ ખેર લખે છે, 'શૂટિંગ બહુ સરસ રીતે કામ આગળ વધી રહ્યું ગયું. દિબાકરનું ડિરેક્શન હંમેશા ઓન-ધ-પોઇન્ટ રહેતું. એ ખીજ ચડે એટલી હદે જિદ્દી હતો, પણ એ બ્રિલિયન્ટ હતો, અને બરાબર જાણતો હતો કે પોતે શું કરી રહ્યો છે.'
ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત બમન ઇરાની, પરવીન દબાસ, વિનય પાઠક, કિરણ સિપ્પી અને રણવીર શૌરી જેવા ઉત્તમ કલાકારોનો કાફલો હતો. આ સૌ રંગભૂમિનું બેકગ્રાઉન્ડ ધરાવતાં હતાં. શૂટિંગ દરમિયાન નાણાભીડનો અનુભવ સતત થયા કરતો હતો. એવુંય એકાધિક વખત બન્યું કે હોટલનું ભાડું ચૂકવાયું ન હોય એટલે કલાકારોને રૂમમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હોય. ક્યારેક હોટલથી સેટ સુધી જવા માટે કારની વ્યવસ્થા ન હોય. અનુપમ ખેર લખે છે: 'મને સમજાતું હતું કે જો શૂટિંગ અત્યારે અટકી જશે તો આ ફિલ્મ ક્યારેય બની નહીં શકે. હું કલાકાર-કસબીઓનો જુસ્સો ટકાવી રાખવા મારાથી શક્ય હોય એટલું બધું જ કરતો. એમની સાથે ગેમ્સ રમું, એમને ડિનર પર લઈ જાઉં, એમને મારી સાથે મારી હોટલમાં રાખું...'
સવિતા રાજ હિરેમઠ નામનાં એક મહિલા ફિલ્મનાં પ્રોડયુસર તરીકે જોડાયાં હતાં ખરાં, પણ એમને બહુ દોષ દઈ શકાય તેમ નહોતો, કેમ કે આ પ્રકારની ફિલ્મ બનાવવી અઘરી જ છે. લગભગ આખી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું અને માત્ર એક જ દિવસનું કામ બાકી હતું ત્યારે રોની સ્ક્વાલા ચિત્રમાં આવ્યા. એમની કંપનીએ આખી ફિલ્મ પોતાને હસ્તક લઈ લીઘી. આમ છતાંય ફિલ્મને રિલીઝ થતાં ત્રણ વર્ષ નીકળી ગયાં. કમશયલ મસાલા ફિલ્મોના ઘોડાપૂર વચ્ચે 'ખોસલા કા ઘોસલા' તાજગીની લહેરખી સમાન પૂરવાર થઈ. ફિલ્મ બોક્સઓફિસ પર સફળ પૂરવાર થઈ. અનુપમ ખેરનો રોલ ખૂબ વખણાયો. ફિલ્મને ૨૦૦૬નો બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ અવોર્ડ સુધ્ધાં મળ્યો.
અનુપમ ખેર ઉમેરે છે, 'હું 'ખોસલા કા ઘોસલા'ને મારાં બેસ્ટ પાંચ પર્ફોર્મન્સીસમાં સ્થાન આપું છું. મારે આમઆદમીના જીવનની રોજિંદી જદ્દોજહદને મારા રોલમાં આરોપિત કરવાની હતી. સાચું પૂછો તો માત્ર એક્ટર તરીકે જ નહીં, પણ આ આખો પ્રોજેક્ટ સુખરૂપ પાર પડે તે માટે મેં આ ફિલ્મમાં ખૂબ જદ્દોજહદ કરી હતી. એક વાત હું ખાતરીપૂર્વક કહી શકું છું કે જો હું 'ખોસલા કા ઘોસલા'નો લીડ એક્ટર ન હોત તો આ ફિલ્મ કદી બની શકી ન હોત. હું પૂરેપૂરી પ્રામાણિકતાથી માનું છું કે આ ફિલ્મ બની શકી તે બદલ દિવાકરે મારા ઋણી હોવું જોઈએ.'
૨૦૦૬માં જ દિવાકર બેનર્જીએ બીજી ફિલ્મ અનાઉન્સ કરી - 'ઓયે લકી! લકી ઓયે!' અભય દેઓલ અને નીતુ ચંદ્રા એનાં મુખ્ય હીરો-હિરોઇન હતાં. દિવાકર અનુપમ ખેર પાસે આવ્યા અને કહે, 'એક ફાધર કા રોલ હૈ, અને હું ઇચ્છું છું કે તે રોલ તમે કરો.' પછીની મીટિંગમાં એણે કહ્યું, 'સ્ટોરીમાં થોડાઘણા ફેરફાર થયા છે. હવે નવા ડ્રાફ્ટ પ્રમાણે ફિલ્મમાં બાપના ત્રણ રોલ છે. આ ત્રણમાંથી તમને જે બેસ્ટ લાગતો હોય તે તમે પસંદ કરી લો. બાપનો બીજો રોલ હું પરેશ રાવલને ઓફર કરવાનો છું.'
અનુપમ ખેર સહમત થયા. બધું કન્ફર્મ થઈ ગયું... અને પછી એક દિવસ અચાનક અનુપમ ખેરને ખબર પડે છે કે દિવાકર બેનર્જીએ બાપના ત્રણેય રોલ પરેશ રાવલને આપી દીધા છે. આ ફેરફાર વિશે અનુપમ ખેરને જાણ કરવાનો વિવેક સુધ્ધાં દિવાકરે ન કર્યો. અનુપમ ખેર લખે છે: 'આઈ વોઝ વેરી ડિસઅપોઇન્ટેડ એન્ડ હર્ટ. આ માણસ બદલાઈ ગયો હતો. મને એવું લાગ્યું કે જાણે એણે મને 'વાપરી' લીધો છે... પણ પછી મારા સ્વભાવ પ્રમાણે હું આ બધું એક બાજુ હડસેલીને બીજાં કામોમાં વ્યસ્ત થઈ ગયો. તે પછી દિવાકરે છ ફિલ્મો બનાવી - 'લવ સેક્સ ઔર ધોકા', 'શાંઘાઈ', 'બોમ્બે ટોકીઝ', 'ડિટેક્ટિવ વ્યોમકેશ બક્ષી', 'લસ્ટ સ્ટોરીઝ', 'ઘોસ્ટ સ્ટોરીઝ' અને 'સંદીપ ઔર પિંકી ફરાર.' આમાની કેટલીક એવરેજ કહી શકાય એવી છે ને બાકીની બધી ખરાબ છે. આવો તેજસ્વી ફિલ્મમેકર, કે જે ઉત્તમ ફિલ્મો આપી શક્યો હોત, એનું સતત અવમૂલ્યન થતું ગયું. આ ખરેખર દયનીય વાત છે. અ શીઅર કેસ ઓફ બ્રિલિયન્સ ગોન ઇન્ડિફરન્ટ!'
દિવાકર બેનર્જીની છેલ્લી ફિલ્મ હતી 'લવ સેક્સ ઔર ધોકા-ટુ' (૨૦૨૪). આ ફિલ્મને પણ સદંતર નિષ્ફળતા મળી.
ખેર, અનુપમ ખેરનો રથ એકધારો આગળ ધપતો રહ્યો છે. આજે ૭૧ વર્ષની ઉંમરે પણ તેઓ સુપર એક્ટિવ અને બિઝી બિઝી છે.
શો સ્ટોપર
જિંદગીમાંથી અર્થ શોધતા રહેવું તે આપણા કંડિશનીંગનું પરિણામ છે. માણસનો અહંકાર ખુદને ટકાવી રાખવા માટે સતત કારણો ઊભાં કરતો રહે છે. એ અહંકાર છે, જે જિંદગીમાંથી સતત અર્થ શોધવાનો પ્રયત્ન કરતો હોય છે.
- શેખર કપૂર (ફિલ્મમેકર)


