Get The App

સમર્પણ, એક ઝિંદાદિલ બિનકળયુગી પતિ!

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
સમર્પણ, એક ઝિંદાદિલ બિનકળયુગી પતિ! 1 - image

- કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

- 'આમ તો સમર્પણમાં બીજો કોઈ દોષ નથી. પહેલી તારીખે પૂરેપૂરો પગાર મારા હાથમાં મૂકી દે છે. સમર્પણમાં પતિપણું દાખવવાની લેશમાત્ર વૃત્તિ નથી.'

અ નુભવશેઠનો ધીકતી કમાણીવાળો બિઝનેસ... પાણી માગે ત્યાં દૂધ હાજર થાય તેવી સ્થિતિમાં સમર્પણનો જન્મ થયો હતો. સમર્પણના જન્મ બાદ અનુભવશેઠના ઘરમાં લક્ષ્મીની રેલમછેલ થઈ ગઈ હતી... પણ સમર્પણ એટલે સમર્પણ. તે સ્વાવલંબનનો આગ્રહી હતો. બધાં ભૌતિક સુખોથી અલિપ્ત રહેતો હતો. સમર્પણ ખૂબ પ્રેમાળ, નમ્ર અને નિખાલસ. નિષ્પાપ આંખો, ગૌર વર્ણ, ઊંચો કદાવર બાંધો અને નિરાભિમાની સ્વભાવ. તેના આવા સદ્ગુણોથી ઓપતું નિર્દંભ વ્યક્તિત્વ જ એવું અનોખું હતું કે એને જોતાંની સાથે જ સૌને એના તરફ આદર અને સદ્ભાવની લાગણી થતી.

અનુભવ શેઠ અને તેમનાં પત્ની નીરાદેવી સમર્પણ જેવો પુત્ર પામી ધન્ય બની ગયા હતા. સમર્પણ અંગત જીવનમાં પણ સાવ ગંભીર. ઓફિસે પેન્ટ-કોટ, ટાઈ પહેરીને રૂઆબભેર જનારો સમર્પણ સવારે કલાકો સુધી રેશમી વસ્ત્રો પહેરીને ગાયત્રીના જાપ કર્યા કરતો હશે, એની તમે કલ્પના કરી શકો ખરા ? સાંજે ઘેર આવ્યા બાદ ચિંતનપ્રધાન લેખો કે ગંભીર નવલકથાઓ વાંચ્યા કરે... એ રહે આધુનિક રીતે, પણ સંસ્કારથી સાવ પ્રાચીન, ઉદાર અને શ્રદ્ધાશીલ. પ્રપંચ શબ્દ તો તેના શબ્દકોષ બહારનો હતો.

વાદળની જેમ વરસતો, ફૂલની જેમ ફોરમનું અનાયાસ પ્રદાન કરતો સમર્પણ પોતે એક હાથે કમાતો હતો અને બે હાથે કોષને ઉલેચતો હતો... પગરખાં વિહોણાને પગરખાં, પુસ્તક વિહોણાં માટે બુકબેંક, પથિકો માટે ધર્મશાળાઓ, વિદ્યાર્થીઓ માટે વિદ્યાલયો અને છાત્રાલયો, અનાથો માટે અનાથાલય... સમર્પણના પિતા અનુભવશેઠ પુત્રના કાર્યમાં સાથ આપતા થાકતા નહોતા.

સમર્પણના મમ્મી નીરાદેવીને એકમાત્ર ચિંતા હતી... પોતાના ખોટના દીકરાના લગ્નની. સમર્પણના સ્વભાવ અને સૌજન્યની મહેક તેમની આસપાસના પરિચિતો અને જ્ઞાાતિબંધુઓમાં પ્રસરેલી હતી, એટલે તેની સાથે પોતાની પુત્રીનો વિવાહ કરવા માટે અનેક મા-બાપો ઉત્સુક હતાં.

એક દિવસ સમર્પણના પિતા અનુભવ શેઠે તેને બોલાવીને કહ્યું હતું : 'બેટા સમર્પણ, તું હવે ઘરની જવાબદારી સંભાળી લેવા સમર્થ બન્યો છે. ભાઈ, તારા જીવનનો મધ્યાહ્ન છે. અને મારી જીવનના સૂરજનો અસ્તકાળ હાથવેંતમાં છે. આથમતા સૂરજનો ભરોસો શો ? હવે હું તને સંસારના બંધનમાં બાંધવા માંગું છું. તારી મમ્મીને પણ હવે કોઈના સથવારાની જરૂર છે. મેં મારા મિત્રની પુત્રી નિશ્રા ઉપર પસંદગીનો કળશ ઢળ્યો છે અને તું જાણે છે કે તારા માટેની પસંદગીનો પ્રશ્ન હોય, ત્યારે હું નિષ્કાળજીથી ન જ વર્તું.'

'હા પપ્પાજી, તમે મને જીવનભર લાગણી આપી છે, હું પણ તમારા ખોળામાં બિનશરતી લાગણીની જ ભેટ ધરીશ. નિશ્રાને મેં જોઈ નથી, પણ તમારી લાગણી મેં જોઈ છે. એ લાગણીએ મને નથી છેતર્યો કે નથી દુભવ્યો... મને આપની વાત કબૂલ છે.' કહી સમર્પણે અનુભવશેઠે કરેલા લગ્નના પ્રસ્તાવને સ્વીકારી લીધો હતો.

અનુભવશેઠે નીરાદેવીને બૂમ પાડીને બોલાવ્યાં હતાં : 'અરે સાંભળો છો ? હું નહોતો કહેતો કે મારો દીકરો મારી લાગણીને કદાપિ કસોટીની સરાણે નહીં ચઢાવે ! આજે સમર્પણે એના ઔદાર્યનો મોટો દાખલો આપી દીધો છે. બાપની વાતમાં શ્રદ્ધા રાખતા હોય એવા દીકરાઓ હવે દુનિયાની આઠમી અજાયબી ગણાવા લાગ્યા છે. આપણા સમર્પણે નિશ્રા સાથે લગ્ન કરવાની હા પાડી દીધી છે.'

અને નિશ્રા : શ્રીમતી નિશ્રા સમર્પણ સ્વરૂપે સમર્પણના રામરાજ્યમાં પ્રવેશી હતી. સમર્પણ સ્વભાવે ધીરગંભીર, પણ નિશ્રા ચંચળ, મનમોજી, ભ્રમણશીલ, સ્વચ્છંદી અને આત્મકેન્દ્રી ! સમર્પણ પ્રત્યે લાગણી ખરી પણ પોતાની જાત પ્રત્યેનો રાગ લેશમાત્ર ઓછો નહીં. પતિને ખુશ રાખવાનો પરંપરાગત ખ્યાલ તેને પસંદ નહોતો. નિશ્રાને લાગણીમાં નહિ, અધિકારમાં રસ હતો. સુખ વહેંચવામાં નહીં, એકલપેટા થઈને ભોગવવામાં રસ હતો. નિશ્રાના સામ્રાજ્યમાં દલીલને સ્થાન નહોતું. તે તો એકચક્રી શાસનમાં માનતી હતી. નિશ્રા કલકલ નાદે વહેતી સરિતા જેવી સ્ત્રી નહોતી, એ તો ભર અષાઢે ગાંડીતૂર બનેલી પ્રલયના પૂર રેલાવે એવી ઉધમાતિયણ નદી હતી. પણ સમર્પણનું હૃદય ધસમસતા પૂરનું સ્વાગત કરવા ટેવાયેલું નહોતું. નિશ્રાને નાની હતી ત્યારથી ફિલ્મી મેગેઝીન વાંચવાનો શોખ. ફિલ્મો જોવાનો શોખ, ફેશનેબલ કપડાં પહેરવાનો શોખ અને હોટલોમાં જમવાનો પણ એટલો જ શોખ. ફિલ્મી પરદા પર પ્રણય દ્રશ્યો જોઈને નિશ્રાને પણ થતું હતું કે એનો પતિ પણ એવો જ ઊર્મિશીલ હોય, ભાવવેશી અને તરવરાટભર્યો હોય ! પણ સમર્પણ... તો હતો સાવ સાદો સીધો. તે નિશ્રાને એક વાત વારંવાર સમજાવતો હતો : 'નિશ્રા, મહેરબાની કરીને મને દુનિયાની નજરે ન જોતી. પ્રેમ મૂલ્યાંકનની નહીં, ચૂપચાપ માણવાની વસ્તુ છે. હું દુનિયાની નજરે મપાઉં એટલો છીછરો નથી. મને કૃત્રિમતા અને દંભ જરા પણ પસંદ નથી. તું મારી તુલના ફિલ્મના હીરો કે ફેશનેબલ આધુનિક યુવક સાથે ક્યારેય ના કરીશ. કારણ કે દરેક વ્યક્તિનું એક આગવું વ્યક્તિત્વ હોય છે.'

પણ નિશ્રાને તો ખપતો હતો પોતાના રૂપ પાછળ ઘેલો થાય તેવો પતિ, જે તેના ઇશારે નાચે. તેને વ્યક્તિત્વસંપન્ન જીવનસાથી નહીં, પણ આજ્ઞાાંકિત પતિ ખપતો હતો. નિશ્રાને નહોતો સમર્પણના તત્વજ્ઞાાનની વાતોમાં રસ કે નહોતો એના કલાપ્રિય સ્વભાવમાં રસ. માનવીય દ્રષ્ટિકોણથી મહેકતી સમર્પણની સેવાપ્રવૃત્તિઓ સાથેય એને કશી લેવાદેવા નહોતી. સમર્પણના માતા-પિતાની સેવા કરીને એક આદર્શ પુત્રવધૂ ગણાવા એ તૈયાર નહોતી. પુત્રવધૂ એ ગૃહ સામ્રાજ્યની રાણી છે, વૈતરું કરનારી દાસી નહીં, એવું નિશ્રા માનતી હતી.

નિશ્રાએ સમર્પણને પોતાના ઢાંચામાં ઢાળવાની કોશિશ કરી જોઈ, પણ બધું જ બેકાર. ક્યારેક નિશ્રા મનોમન વિચારતી : 'આમ તો સમર્પણમાં બીજો કોઈ દોષ નથી. પહેલી તારીખે પૂરેપૂરો પગાર મારા હાથમાં મૂકી દે છે. સમર્પણમાં પતિપણું દાખવવાની લેશમાત્ર વૃત્તિ નથી. કશી રોક-ટોક પણ નહોતી. બસ ખામી કેવળ એ જ કે એનો એક આગવો સંસાર હતો, નરી નિર્દોષતા, કળિયુગનું કોઈ લક્ષણ નહીં.'

પણ સમર્પણના આ બધા સદ્ગુણો નિશ્રા માટે અસંતોષનું કારણ બન્યા. તેમના લગ્નને માંડ એક દોઢ વર્ષ થાય તે પહેલાં જ એક દિવસ નિશ્રા પોતાને પિયર ચાલી ગઈ. નિશ્રાના પપ્પાએ તેને પિયર આવવાનું કારણ પૂછ્યું, 

ત્યારે નિશ્રાએ કહ્યું હતું : 'પપ્પાજી, હું મારા પતિ સમર્પણનું ઘર સદા માટે છોડીને આવી છું, એટલા માટે નહીં કે એણે મને ઝઘડો કરીને કાઢી મૂકી છે. પણ એટલા માટે કે હું તેની સાથે માનસિક રીતે અનુકૂળ થઈ શકતી નથી. નદીના બે કિનારા એકબીજા તરફ સહેજ વળી શકે, પણ પરસ્પરને મળી શકતા નથી. બસ મારું સમર્પણનું આવું જ છે.'

નિશ્રાના પપ્પાએ તેને ખૂબ જ આશ્વાસન આપ્યું હતું અને પોતાની ગુણિયલ દીકરીને પતિ બરાબર ન મળ્યાનો વસવસો જાહેર કર્યો હતો. બસ, ત્યારથી નિશ્રા પોતાના પિતૃગૃહે જ રહેતી હતી. નિશ્રાના આવા વર્તનથી સમર્પણના પપ્પા અનુભવશેઠ અને મમ્મી નીરાદેવી સ્તબ્ધ થઈ ગયા હતા. નિશ્રાનું માનસ સાવ આવું હશે, એની કલ્પના પણ તેઓએ કરી નહોતી. તેમણે નિશ્રાને ઘેર પાછી તેડી લાવવાની કોશિશ કરી જોઈ, પણ નિશ્રાએ સાસરે આવવાની ઘસીને ના પાડી દીધી. 'સમર્પણના ઘરના અત્યંત ગંભીર વાતાવરણને લીધે મારું મન ગૂંગળામણ અનુભવે છે.' એવી દલીલ કરી તેણે સાસરે નહીં જવાનો પોતાનો નિર્ણય અફર છે એમ જણાવ્યું હતું.

એક દિવસ સમર્પણને બોલાવીને અનુભવશેઠે કહ્યું હતું : 'બેટા, સમર્પણ, મને માફ કરી દે. તારી વેદના હું સમજી શકું છું. તે મારા પર સંપૂર્ણ ભરોસો રાખીને નિશ્રા સાથે લગ્ન કર્યું હતું. પણ નિશ્રાને ઓળખવામાં હું થાપ ખાઈ ગયો અને તારા દામ્પત્યજીવનને મેં બરબાદ કરી નાખ્યું.' અને તેઓ ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડયા હતા.

સમર્પણે પોતાના પપ્પાને પાણી પીવડાવી શાંત પાડયા હતા અને કહ્યું હતું : 'પપ્પાજી, તમે કોઈ અપરાધ કર્યો નથી કે નથી નિશ્રાએ કોઈ અપરાધ કર્યો. નિશ્રાને પણ તેની પોતાની રીતે જીવવાનો અધિકાર છે.' આટલું કહી સમર્પણ પોતાના રૂમમાં ચાલ્યો ગયો હતો.

આમ તો સમર્પણના પપ્પા અનુભવશેઠે સમર્પણની પર્સનલ લાઈફમાં ક્યારેય દખલ કરી નહોતી, પણ સમર્પણનો ઉદાસ ચહેરો જોઈ એમનું કાળજું જાણે વીંધાઈ જતું હતું. દરરોજ જમવાને સમયે સમર્પણ તેના પપ્પાને અચૂક મળતો અને બન્ને સાથે જ ભોજન કરવા બેસતા. ત્યારે અનુભવશેઠ ચૂપચાપ સમર્પણ પાસે આવતા, તેને છાતીસરસો ચાંપતા અને હંમેશની આદત મુજબ માત્ર એટલું જ કહીને છૂટા પડતા 'ગોડ બ્લેસ યુ, માય સન, ગોડ બ્લેસ યુ.' પિતા પુત્રનો પ્રેમ જોઈ નીરાદેવીને કીચનમાં જઈ સાડીના પાલવથી પોતાની આંખમાંથી વહેતા આંસુ લૂછવાનો પ્રયાસ કરતાં જોઈ સમર્પણ તેમની પાસે દોડી જતો અને તેમનો વહાલસોયો હાથ પોતાના મસ્તક પર મૂકાવતો.

પોતાના દીકરાને દુ:ખી કરીને જતી રહેલી નિશ્રાને બે-ચાર અપશબ્દોથી નવાજવા તૈયાર નીરાદેવી સમર્પણની ખાનદાની આગળ મૌન ધારણ કરી લેતા હતા. નિશ્રાના હજાર ગુનાઓ માફ કરવા તત્પર સમર્પણની ઉદારતા તેમને રોકી રહી હતી.

આમ ને આમ વર્ષો વીતતાં ગયાં. સમર્પણના મમ્મી નીરાદેવીની આંખમાં મોતિયો આવ્યો હોવાથી તેમને બરાબર દેખાતું નહોતું. એટલે એમણે ચોવીસ કલાકની બાઈ રાખી હતી.

એક દિવસ સાંજે કામવાળી બેન ચંદને કહેલું : 'શેઠાણીબા, કોઈ બેન સમર્પણભાઈને મળવા આવ્યાં હતાં. મેં ઘણો આગ્રહ કર્યો પણ બહેને પોતાનું નામ ન કહ્યું, અને પાછા જતાં રહ્યાં.'

'એ બહેન ગોરાં હતાં ? ઉંમર આશરે સમર્પણભાઈ જેટલી ખરી ? એમનો દેખાવ કેવો હતો ?' નીરાદેવીએ ઉલટ તપાસ શરૂ કરી એટલે સમર્પણ સમજી ગયો. તેણે નીરાદેવીને બોલતાં રોકીને કહ્યું : 'મમ્મી, તમે નિશ્રાને હજુ ભૂલ્યાં નથી ? જવા દો જૂની વાતોને. અત્યારે યાદ કરીને ફાયદો પણ શો છે ? નિશ્રાના અહંની જૂનીપુરાણી હિમશીલા ઓગળી જાય... ત્યાં સુધી હું એની રાહ જોઈશ.'

નિશ્રાને ખબર પડી ગઈ હતી કે પોતાના સાસુમાની આંખે મોતિયો આવ્યો છે અને બે દિવસ પછી મોતિયાનું ઓપરેશન કરાવવાનું છે. એટલે જ એ સામેથી સમર્પણને મળવા આવી હતી. પણ સાસુમા તેનો ઉઘડો લેશે એ બીકથી નિશ્રા પાછી ફરી ગઈ હતી.

સાંજના સમયે અનુભવશેઠ દેવદર્શન કરીને કારમાં બેસવા જતા હતા, ત્યાં નિશ્રાએ એમના ચરણસ્પર્શ કરવા ઝુકાવ્યું હતું. અનુભવ શેઠને આશ્ચર્ય થયું હતું. નિશ્રા ઝૂકવાનું જાણે છે ખરી ?

તેઓ કશું બોલે તે પહેલાં જ નિશ્રાએ કહ્યું : 'પપ્પાજી, મારા સાસુમાનો મોતિયો ઉતારવાનો છે તે વાત મેં જાણી. એટલે હું તેમની સેવા કરવા ઘરે પાછી આવવા માગું છું. ગોરમાને પાંચેય આંગળીએ પૂજ્યાં હોય તો જ સમર્પણ જેવો ઝિંદાદિલ બિનકળયુગી પતિ મળે, અને મને તો આપની કૃપાથી વગર વ્રત કર્યે જ સમર્પણ મળ્યો. સારા પતિ-પત્ની બનવા માટે ફેમિલી એજ્યુકેશન જોઈએ. લગ્ન એ સ્નાનાગાર નથી, સ્નેહાગાર છે. એમાં ડૂબે એ જ તરી શકે.

ઘણી સ્ત્રીઓ ચંદ્ર જેવા નિષ્કલંક પતિના જીવનમાં અમાવાસ્યાનો અંધકાર બનીને પ્રવેશતી હોય છે. મેં પણ એવી જ ભૂલ કરી છે. હવે હું ઘરે પાછી આવવા માગું છું. પશ્ચાત્તાપ કરી હું નવજીવનનો આરંભ કરવા માગું છું. મને ખાતરી છે કે સમર્પણ તો સ્નેહનો દરિયો છે, ઇનકાર શબ્દ એ શીખ્યો જ નથી.'- અને અનુભવશેઠ પોતાની પુત્રવધૂને પોતાની કારમાં બેસાડી ઘેર પાછા ફર્યા હતા. દેવદર્શન એમને ફળ્યું હતું.