- બાયોસ્કોપવાલા-મન્નુ શેખચલ્લી
- હકીકતમાં તો આ બધાં ગીતોની ધૂનો આનંદબક્ષી અને સુભાષ ઘાઈની જ હોય એમ લાગે છે ! બિચારા રહેમાન પાસેથી તો નવી સ્ટાઈલનું ઇલેકટ્રોનિક 'ઓરકેસ્ટ્રા' જ લીધું છે!
ભ લે એ આર રહેમાનનું આજે આટલું મોટું નામ હોય, ભલે રહેમાનની છેલ્લી બે ફિલ્મોનું એક પણ ગાયન યાદગાર ના લાગતું હોય અને ભલે રહેમાન 'માઈનોરીટી કાર્ડ' ખેલીને લાઈમ લાઈટમાં રહેવા ફાંફાં મારતા હોય... છતાં એક વાત તો માનવી પડે કે રહેમાને શરૂઆતની કારકીર્દીમાં જે ગીતો આપ્યાં તે ખરેખર ગોલ્ડન લેવલનાં હતાં !
છતાં એ જ તબક્કામાં જ્યારે 'તાલ'નાં ગાયનો આવ્યાં ત્યારે અમને તો રીતસર 'પૈસા પડી ગયા' જેવી જ ફિલીંગો થયેલી ! કેમ ? કારણ કે આજ ેપણ તમને જરીક જ ધ્યાન આપીને 'તાલ'નાં ગીતો સાંભળો તો લાગશે કે બોસ, આમાં રહેમાનનું તો કંઈ છે જ નહીં ! ઉલ્ટું સુભાષ ઘાઈ અને આનંદ બક્ષી જ ચડી બેઠાં છે !
માન્યામાં નથી આવતું ? તો વારાફરતી એક એક ગીતોનું 'ડિસેક્શન' કરી જુઓ...
સૌથી પહેલું ગાયન લો 'કોઈ લગન લગે લગ જાવે...' એમાં પેલું 'જંગલ મેં બોલે કોયલ કુકુકઉ...' પછી જે 'કુકુકુઉઉ... કુકુઉઉઉ...' કરાવ્યું છે એમાં તો 'ખલનાયક'ના ગાયન 'ચોલી કે પીછે ક્યા હૈ' વાળું 'કૂક કૂક કૂક કૂક' હજી સુભાષ ઘાઈના દિમાગમાં ખસ્યું જ ના હોય એમ લાગે છે ! એમાંય વળી રીચા શર્માના અવાજમાં 'આવો સૈંયોઓંઓં...'ના જે રાગડા તણાવ્યા છે, તે તમને શું લાગે છે, કે આ રહેમાનનો આઈડીયા હશે ?
એ જ ગીતમાં છેલ્લે છેલ્લે તો જાણે બધાને 'વાઈ' ચડી હોય તેમ ડબલ સ્પીડમાં 'આવો સૈંયોં, આવો સૈંયો' કરીને ધૂણતાં ધૂણતાં ગાતાં હોય એવું લાગે છે ! યાર, રહેમાને શી રીતે આવું રેકોર્ડિંગ પોતાની નજર સામે (એટલે કે કાન સામે) થવા દીધું હશે ?
અને ભૈશાબ, ભારતની કઈ ભાષામાં 'સૈંયા' ને 'સૈંયો' કહે છે ? અમને તો બે મિનિટ માટે એવું લાગેલું કે એ લોકો ગુજરાતીમાં સવાલ કરે છે કે 'યાર, છેક 'આવો' સૈંયો ?' હવે બીજું ગાયન લો... 'ની મૈં સમજ ગઈ !' આમાં તો બિચારા રહેમાન બરોબરના હલવાયા છે ! એક તો એમને સીધું સાદું હિન્દી જ બહુ સમજાતું નથી, એમાં આનંદ બક્ષી સાવ તળપદી પંજાબી ગીત લઈને પહોંચી ગયા ! ઉપરથી બબ્બે ફૂલ-ટુ પંજાબી ગાયકો! સુખવિન્દર અને રીચા શર્મા!
આ આખું ગીત એ બન્ને જણાને સુભાષ ઘાઈએ રેકોર્ડિંગ રૂમમાં 'છૂ...!' કહીને છોડી મુક્યાં હોય એ રીતે પોતાની જ તાનમાં ગાઈ નાંખ્યું છે ! બિચારા રહેમાનને એમાં માત્ર બે ખંજરીઓ જ વગાડવાની છૂટ મળી છે ! (ફરી સાંભળજો, ખાતરી થઈ જશે)
'તાલ'માં રહેમાન સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો એવું એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવેલું ત્યારે ઘાઈ સાહેબે જરાય શરમ રાખ્યા વિના બળાપો કાઢ્યો હતો કે 'એ ખરેખર ત્રાસદાયક અનુભવ હતો ! કેમકે રહેમાન સાહેબ એક તો મુંબઈ આવે નહીં, ગીતનાં સેશન્સ માટે મારે અને આનંદ બક્ષીએ ચેન્નાઈ જવું પડે. એ તો ઠીક, પણ ત્યાં એ ભાઈ માત્ર રાત્રે જ કામ કરે ! અઢી-અઢી ત્રણ-ત્રણ વાગ્યા સુધીના ઉજાગરા થઈ હું ઢીલો ઢફ થઈ જતો હતો...'
બસ, આ જ કારણસર સુભાષ ઘાઈએ બરાબરનો 'બદલો' લીધો હોય એવું લાગે છે ! કેમકે અનિલ કપૂર ઉપર ફિલ્માવેલું ગીત 'રમતા જોગી' સાંભળી લો... શું એમાં ક્યાંય રહેમાનનો ટચ લાગે છે ? એમાં પણ સુખવિંદર પોતાની જ ધૂનકીમાં છે ! જે રીતે એ 'મૈં પિયાયા મૈં પિયાયા મૈં પિયાયાઆઆ..' કર્યા કરે છે અને જે રીતે 'રમતા-રમતા રમતા-રમતા જોગી જોગી જોગી જોગી...' કરીને ગાયનને રીતસર 'ગબડાવે' છે, એ રહેમાને શી રીતે સહન કર્યું હશે ?
હકીકતમાં તો આ બધાં ગીતોની ધૂનો આનંદબક્ષી અને સુભાષ ઘાઈની જ હોય એમ લાગે છે ! બિચારા રહેમાન પાસેથી તો નવી સ્ટાઈલનું ઇલેકટ્રોનિક 'ઓરકેસ્ટ્રા' જ લીધું છે !
હજી એક નબળું ગીત યાદ કરો. 'કરિયે ના કોઈ વાદા કિસી સે કરિયે ના...' આ તો બોસ સુભાષ ઘાઈ જ્યારે 'કાલીચરન' બનાવતા હતા ત્યારે કલ્યાણજી આનંદજીએ બનાવેલી કોઈ 'રફ' ધૂનને કચરાપેટીમાંથી કઢાવીને રહેમાન સાહેબને તેની સાફસૂફી કરવા આપી હોય, અને પછી તેની ઉપર નકલી ચાંદીનાં વરખ ચોંટાડવાની સૂચના આપી હોય તેવું નથી લાગતું ?
આખા આલ્બમમાં જો કોઈ ખરેખર રહેમાને બનાવેલું ગીત લાગતું હોય તો એક જ હતું : 'નહીં સામને તૂ, મેરે પાસ હૈ...' (અક્ષયખન્ના અને એના દોસ્તો ભીની સડકો ઉપર સાઈકલ ચલાવતાં ગાય છે તે) પરંતુ ફિલ્મમાં એની સિચ્યુએશન જ એવી ફાલતુ હતી કે ખોવાઈ ગયું.
હા, 'ઇશ્ક બિના ક્યા જીના યારો...' સરસ હતું. પરંતુ એ તો રહેમાને પોતે ગાયું એટલે. અને સૂફી કવ્વાલીનો ટચ હતો એટલે. બાકી એમાંય જો સુખવિંદરને 'છૂ...' કરીને છોડી મૂક્યો હોત તો બીજાં ગાયનો જેવી જ દશા થવાની હતી.
રહી વાત ફિલ્મના ટાઈટલ સોંગ 'તાલ સે તાલ મિલા'ની, તો એમાંય, એ કર્ણપ્રિય એટલા માટે બન્યું કે એમાં રહેમાનની 'ઓરકેસ્ટ્રા એરેન્જમેન્ટ'માં પણ ખૂબ બારીકીઓ અને ઘણી વિવિધતા હતી. (છેલ્લે ક્લાઈમેક્સ વખતે વેસ્ટર્ન વર્ઝન પણ જોરદાર હતું)
જોવાની વાત એ કે, 'તાલ' પહેલાં રહેમાને ઓરીજિનલ હિન્દી ગાયનોવાળી ફિલ્મો 'રંગીલા' અને 'દૌડ'માં બેમિસાલ સંગીત પીરસ્યું હતું જેમાં રહેમાનની અમીટ 'છાપ' વર્તાતી હતી. અરે, 'તાલ' પછી પણ 'પુકાર', 'લગાન', 'સાથિયા', 'યુવા', 'સ્વદેશ', 'રંગ દે બસંતી', 'ગુરુ' અને 'જોધા અકબર' જેવી ફિલ્મોમાં યાદગાર કહી શકાય તેવાં ઓરીજિનલ હિન્દી ગાયનો આપ્યાં... પણ એ જ ગાળા દરમ્યાન સુભાષ ઘાઈની 'કિસ્ના'માં 'યે કિસ્ના હૈ...' ગાયનના એ ત્રણ શબ્દો સિવાય યાદ રહે એવું કશુંય આપ્યું નહીં ! એવું જ ઘાઈ સાહેબની 'યુવરાજ'માં તો એક પણ ગીત ગણગણવા લાયક આપ્યું નહીં ! જાણે કે રહેમાન સુભાષ ઘાઈને કહેતા હોય કે 'લો.... બેટમજી, લેતા જાવ !'
બાય ધ વે, 'તાલ' માટે એ આર રહેમાનને બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટરનો ફિલ્મફેર એવોર્ડ સુભાષ ઘાઈએ જ 'અપાવ્યો' હતો !
= 'તાલ' ભારતમાં તો હિટ હતી જ, પણ અમેરિકામાં ટોપ-૨૦ કમાણી કરનારી ફિલ્મોમાં તેનો સમાવેશ થયો હતો.
= અનિલ કપૂરના રોલ માટે આમિર ખાન સાથે વાત ચાલી હતી. શાહરૂખખાને પણ રસ બતાડયો હતો. પરંતુ સુભાષ ઘાઈને લાગ્યું કે શાહરૂખ હશે તો અક્ષય ખન્નાને 'ખાઈ' જશે !
= 'કહીં આગ લગે...' ગીતમાં શાહિદ કપૂર ગુ્રપ ડાન્સરોમાંના એક તરીકે દેખાય છે !
= 'તાલ'માં પ્રોડક્ટ પ્લેસમેન્ટ માર્કેટિંગનો પહેલો પ્રયોગ થયો છે, જેમાં 'ઇશ્ક બિના...' ગાયન આખેઆખું 'કોકા-કોલા' માટે જ બનાવાયું હોય તેવું લાગે છે.
= એ જ રીતે 'કહીં આગ લગે લગ જાયે'માં પાન મસાલાની બ્રાન્ડ 'માનિકચંદ'ને ઘૂસાડી હતી. જેની સામે સેન્સર બોર્ડે સખત વાંધો લીધો હતો.
= ફિલ્મનું શૂટિંગ લાંબુ ચાલ્યું હતું એ દરમ્યાન અક્ષય ખન્નાના માથાના વાળ ખરવાનું અચાનક વધી ગયું હતું !


