- કોઈની વર્ષોની તપસ્યા, શિસ્ત અને બલિદાનને આપણે 'સસ્તા' તર્કથી સેકન્ડોમાં ફગાવી દઈએ છીએ
- હોરાઈઝન-ભવેન કચ્છી
- આપણી નકારાત્મક માનસિકતાનું સ્તર : કોઈ પ્રગતિ કરે તો કહીશું કે 'નસીબનો બળિયો કે પછી બોસની ખુશામત' .. કોઈ કંઈ સફળતા મેળવે તો તેને 'સેટિંગ' કે બે નંબરી તરીકે ઉતારી પાડીશું
'બીજાની સફળતામાં જો તમને આનંદ નથી થતો, તો સમજી લેજો કે તમે હજી સફળતાના અર્થથી ઘણા દૂર છો.'
- અજ્ઞાત
થો ડા દિવસો પહેલા સોશિયલ મીડિયાના પ્રવાહમાં વહેતી એક 'રીલ' (Reel) પર નજર અટકી. એ વીડિયો દેખાવમાં સાદો હતો, પણ એનો સંદેશ આપણી સામાજિક નબળાઈ પર સીધો પ્રહાર કરતો હતો. એમાં વાત હતી આપણી એ માનસિકતાની, જે બીજાની સિદ્ધિને સ્વીકારવાને બદલે તેને 'નાની' સાબિત કરવામાં વધુ રસ ધરાવે છે.તેમાં એન્કરે આપણામાંના ઘણાની માનસિકતા કઈ હદે નકારાત્મક બની ચુકી છે તે વિષય છેડયો હતો. એન્કરે ઉદાહરણ આપ્યું કે, હમણાં જ જ્યારે ભારતે ટી ૨૦ વર્લ્ડ કપ જીત્યો, ત્યારે કરોડો ભારતીયો ગર્વથી ઝૂમી ઉઠયા, પણ એક બહોળો વર્ગ એવો પણ હતો જેઓએ તરત જ નિસ્તેજ બની ગયેલા ચહેરા સાથે કહી દીધું કે, 'આમાં શું મોટી વાત છે? પીચો સપાટ (flat) હતી એટલે રન બની ગયા,' અથવા 'સામેવાળી ટીમનો કેપ્ટન પ્લેયિંગ ઇલેવનની પસંદગીમાં થાપ ખાઈ ગયો એટલે આપણે જીતી ગયા.'
આ ઘટના માત્ર ક્રિકેટ પૂરતી મર્યાદિત નથી. આ એક માનસિક વાયરસ છે જે આપણા સમાજમાં, ઓફિસોમાં, ગલીઓમાં અને ઈવન પરિવારમાં પણ ફેલાયેલો છે.
સ્વીકારનો ઇન્કાર
જર્મન ભાષામાં એક શબ્દ છે - 'Schadenfreude' (શાદનફ્રોઈડ). એનો અર્થ થાય છે બીજાના દુ:ખમાં આનંદ મેળવવો. પણ આપણે ત્યાં એનાથી ઉલટી પરિસ્થિતિ વધુ જોવા મળે છે : બીજાના સુખ કે સફળતામાં દુ:ખી થવું.
પ્રખ્યાત મનોવૈજ્ઞાનિક એબ્રાહમ મેસ્લોએ તેમના હાયરાર્કી ઓફ નીડ્સમાં 'સેલ્ફ-એસ્ટીમ' (સ્વ-સન્માન) પર ભાર મૂક્યો છે. જ્યારે આપણે કોઈ બીજાની મોટી સફળતા જોઈએ છીએ, ત્યારે ઘણીવાર આપણી અંદર રહેલી લઘુતાગ્રંથિ જાગી જાય છે. બીજાની જીત આપણને આપણી નિષ્ફળતાની યાદ અપાવે છે. પોતાની જાતને માનસિક રીતે બચાવવા માટે (Defense Mechanism), આપણું મગજ સામેવાળાની સિદ્ધિ પર પ્રશ્નાર્થ ચિન્હ લગાવી દે છે. 'એ તો નસીબદાર છે,' 'એની ઓળખાણ છે,' 'એને તો બધું થાળીમાં પીરસાયેલું મળ્યું છે' - આ બહાનાઓ વાસ્તવમાં આપણી પોતાની અસુરક્ષા અને નિષ્ફળતા કે ઈર્ષાના પડઘા છે.
અન્ય રમતોમાં પણ
માત્ર ક્રિકેટ જ નહીં, અન્ય રમતોમાં પણ આ માનસિકતા જોવા મળે છે. ટેનિસની દુનિયાના લેજેન્ડ નોવાક યોકોવિચ કે નડાલ જ્યારે કોઈ ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટ જીતતા હતા , ત્યારે એવા ટીકાકારો પણ હતા કે , 'એના તો ડ્રેો નબળા ખેલાડીઓ સામે જ મોટાભાગની મેચો રમવા મળે તેવા સહેલા હતા, મોટા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હતા એટલે એ જીતતા હોય છે.'
ઓલિમ્પિકમાં જ્યારે કોઈ એથ્લેટ સેકન્ડના સોમા ભાગના તફાવતથી ગોલ્ડ મેડલ જીતે છે, ત્યારે આપણે તેની ૧૦-૧૫ વર્ષની સખત ટ્રેનિંગ જોવાને બદલે કહીએ છીએ, 'પેલો બીજો ખેલાડી લપસી ગયો, જે તે દિવસે તેનું નસીબ કામ ન કર્યું એટલે આ જીતી ગયો.' આપણે એ ભૂલી જઈએ છીએ કે એ મેદાન પર ટકી રહેવું અને અંત સુધી લડવું એ જ સૌથી મોટી સિદ્ધિ છે.
અખાડાને શ્રેય
થિયોડોર રૂઝવેલ્ટનું એક બહુ પ્રખ્યત કથન છે કે 'ક્રિટીક (ટીકાકાર) એ નથી જે ગણતરી કરે છે.. શ્રેય તો એ માણસને ફાળે જાય છે જે ખરેખર અખાડામાં (Arena) છે, જેનો ચહેરો ધૂળ, પરસેવા અને લોહીથી લથબથ છે.'
આપણે કમનસીબે અખાડામાં ઉતરવાને બદલે સ્ટેન્ડમાં બેસીને ધૂળ ઉડાડનારા બની ગયા છીએ.
મહેનતનું મૂલ્ય
આપણા સમાજમાં પણ આના અસંખ્ય ઉદાહરણો છે.એક મધ્યમ વર્ગના યુવકે સખત મહેનત કરીને સિવિલ સવસની પરીક્ષા પાસ કરી. આખા મહોલ્લામાં આનંદ હતો, પણ બે-ત્રણ વડીલો ખૂણામાં બેસીને ચર્ચા કરતા હતા : 'અરે ભાઈ, અત્યારે તો બધું સેટિંગ ચાલે છે. એના પિતાએ ક્યાંક પૈસા ખર્ચ્યા હશે અથવા કોઈ મોટી ભલામણ હશે, ચોરી ચપાટીમાં પાવરધો હશે. બાકી આ છોકરો તો રખડતો હતો.'
પેલા યુવકે રાત-દિવસ એક કરીને જે વાંચન કર્યું હતું, ટાંચા સાધનોથી એક નાની ઓરડીમાં જે તપસ્યા કરી હતી, એ કોઈને દેખાઈ નહીં. લોકોને માત્ર એ દેખાયું જે એમના મનને શાંતિ આપે ' એટલે કે 'ભ્રષ્ટાચાર' કે 'નસીબ'. બીજાની સિદ્ધિને નસીબ કે સેટિંગનું નામ આપી દેવાથી આપણને આપણી આળસ છુપાવવાનું એક બહાનું મળી જાય છે.
વિચારકો શું કહે છે?
ફ્રેડરિક નિત્શે નામના ફિલોસોફરે 'રિસન્ટમેન્ટ' (Resentment) વિશે લખ્યું છે. તેમના મતે, જે લોકો પોતે કંઈ સર્જન કરી શકતા નથી, તેઓ સર્જકો અને વિજેતાઓ પ્રત્યે નફરત કેળવે છે. આ નફરત એમને એવું માનવા પ્રેરે છે કે વિજેતા વ્યક્તિ 'ખોટી' છે અથવા 'નસીબદાર' છે.
કોઈ જમીન, બંગલો કે એપાર્ટમેન્ટ કે મોંઘી કાર ખરીદે એટલે કહીશું કે બ્લેક કે ભ્રષ્ટાચાર કે પછી તેના ગ્રાહકને પૈસેટકે ચીરીને કમાણી કરી હશે.
હિમશીલાનું ટોચકું
આવી ઝેરીલી અને બીજાને ઉતારી પાડતી માનસિકતા વ્યક્ત કરતી વખતે આપણને સામી વ્યક્તિની સફળતાનો 'આઈસબર્ગ' (Iceberg) એટલે કે સમુદ્રમાં તરતી હિમશીલાની નાની ટોચ જ દેખાય છે. પાણીની ઉપરનો જે થોડો ભાગ દેખાય છે તે 'સફળતા' છે, પણ પાણીની નીચે જે મોટો ભાગ છુપાયેલો છે જેમાં અસંખ્ય નિષ્ફળતાઓ, રાતોની ઊંઘ, સામાજિક ત્યાગ અને
માનસિક દબાણ રહેલું છે, તે આપણે જોતા નથી.
સોશિયલ મીડિયાની એન્ટ્રી
'આજના ડિજિટલ યુગમાં આ માનસિકતાને સોશિયલ મીડિયાએ વેગ આપ્યો છે. કોઈ કલાકાર જ્યારે પ્રખ્યાત થાય છે, ત્યારે લોકો તેની કલા જોવાને બદલે તેના જૂના વિવાદો શોધવા લાગે છે. ચંદ્રયાન-૩ ની સફળતા વખતે પણ કેટલાક લોકોએ તેના ખર્ચ પર સવાલો ઉઠાવ્યા હતા, એ ભૂલીને કે એ સફળતાએ ભારતને વિશ્વના નકશા પર કયા ગૌરવવંતા સ્થાને પહોંચાડયું છે.
સફળતાના મૂલ્યને ઓછી કરવાની આ આદત આપણને એક એવા ખાડામાં ધકેલી રહી છે જ્યાં પ્રશંસા માટે કોઈ સ્થાન નથી. જો આપણે બીજાની મહેનતને માન આપી શકતા નથી, તો આપણે પોતે ક્યારેય એ મહેનત કરવા પ્રેરાઈશું નહીં.
પતનનું લક્ષણ
ઈર્ષા અને અસહિષ્ણુતા એ પતનનું પ્રથમ લક્ષણ છે. જો આપણે એક રાષ્ટ્ર તરીકે અને એક સમાજ તરીકે આગળ વધવું હોય, તો આપણે 'એપ્રીસીએશન' (પ્રશંસા અને કદર)ની સંસ્કૃતિ વિકસાવવી પડશે.જો તમને એમ લાગે કે તમે, તમારો પરિવાર અને સમાજની ભૌતિક અને આદ્યાત્મિક પ્રગતિ વર્ષોથી ઠપ્પ થઈ ગઈ છે તો એક કારણ એ હશે બીજા સમુદાયના જે લોકો આગળ વધી રહ્યા છે તેઓની પ્રેરણા લેવા કરતા તેઓની સફળતાનો તમે નકારાત્મક કારણ આપીને સ્વીકાર જ નહીં કર્યો હોય. કૂવામાંના દેડકાની જેમ ભૂતકાળની પરંપરાને અંદરોઅંદર થાબડયા કરતા હોઈશું. આપણાની જ ઈર્ષા કરતા હોઈશું. આપણી સફળ વ્યક્તિને પણ પ્રોત્સાહનના બે શબ્દો નહીં કીધા હોય. તો જ ઠેરના ઠેર કે વધુ કથળ્યા હોઈએ તેમ સમજવું.
જ્યારે ભારત વર્લ્ડ કપ જીતે, ત્યારે એ 'સપાટ પીચ' ની જીત નથી, પણ એ ૧૪૦ કરોડ લોકોની આશાઓ અને ૧૧ ખેલાડીઓના વર્ષોના સમર્પણની જીત છે. કેમ કે સપાટ પીચ તો હરીફ ટીમ માટે પણ હતી જ ને. જ્યારે તમારો પડોશી નવી ગાડી લાવે, ત્યારે એ 'નસીબ' કે ઉપરની આવકથી આવી હશે તેમ હવેથી ન વિચારતા. જ્યારે કોઈ મહિલા ઓફિસમાં પ્રગતિ કરે ત્યારે તે બોસની જોડે આંખો લડાવતી હશે તેવા હીન વિચારને પણ સ્થાન ન આપતા.
જ્ઞાન પોસ્ટ
બીજાના દીવા ઓલવી દેવાથી તમારા ઘરમાં અજવાળું નહીં થાય. અજવાળું તો ત્યારે જ થશે જ્યારે તમે તમારા પોતાના દીવાને હકારાત્મકતાના તેલથી પ્રજ્વલિત રાખશો. કોઈની સફળતા વિશે સાંભળો, ત્યારે 'આહ' લગાડવાને બદલે 'વાહ' કહેવાનો પ્રયત્ન કરજો. સફળતા ક્યારેય 'સપાટ પીચ' પર મળતી નથી; એના માટે માનસિકતાની પીચ મજબૂત હોવી જોઈએ. જો બીજાની પ્રેરણા લેવાની જગ્યાએ ટીકા કે ઈર્ષા જ કરશો તો તેનો અર્થ એમ સમજવો કે તમારી પ્રગતિના દરવાજા તમે જ બંધ કરી દીધા છે. શક્તિશાળી દેશની સભ્યતા અને સંસ્કૃતિ એક બીજાના પગ ખેંચવાની નથી અને એટલે જ આપણી યુવા પેઢીને તેમની જ્ઞાતી, સમાજ, સિસ્ટમ અને દેશ સામે છૂપો બંડ છે અને તેઓ વિદેશ અભ્યાસ કરવા અને સ્થાયી થવાની દોટ લગાવે છે.


