- માથા સાટે માથું વાઢી નાખે તેવી ઝનૂની, ચબરાક ઇઝરાયેલની જાસૂસી સંસ્થા
- હોટલાઈન-ભાલચંદ્ર જાની
- 86 વર્ષના આયાતોલ્લાહ ખોમેનેઇ તેમની ઓફિસમાં કેટલા વાગે આવશે, તેમની સાથે કોણ કોણ મિટિંગમાં હાજર હશે એ ફુલપ્રૂફ માહિતી મેળવ્યા પછી શનિવાર સવારના નિર્ધારિત સમયે હુમલો કરવાનું પ્લાનિંગ થયું
- દુનિયાની બીજી બધી જાસૂસી એજન્સીઓ કરતાં મોસાદની કામ કરવાની પદ્ધતિ ઘણી અલગ અને આધુનિક છે. તે એવા આયોજનો પાર પાડે છે જેની બીજા માટે કલ્પના કરવી અઘરી થઈ પડે છે
ઇ રાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના ત્રિપાંખિયા જંગમાં કોનો હાથ ઉપર રહેશે એ તો કહી ન શકાય, પરંતુ એક વાત ફરી સાબિત થઇ ગઇ છે કે જાસૂસીના વિશ્વમાં ઇઝરાયલી ગુપ્તચર સંસ્થા મોસાદનો જોટો જડવો મુશ્કેલ છે.
ઇરાન સામે યુદ્ધ છેડવાના પહેલાં જ દિવસે જે રીતે ત્યાંના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ ખોમેનેઇની હત્યા કરવામાં આવી તેની ચર્ચા આખા વિશ્વમાં થઇ રહી છે.
૨૮ ફેબુ્રઆરીની એ ઘટનાના દિવસે ઈરાન સરકાર અને મિલિટરીના સર્વોચ્ચ અધિકારીઓના વફાદાર ડ્રાઈવરો તહેરાનની પેસ્ટુર સ્ટ્રીટમાં તેમની કાર પાર્ક કરીને આગલા ઓર્ડરની રાહ જોતા ઊભા હતા ત્યારે ઊંચે આકાશમાં ઘૂમતા અમેરિકા અને ઈઝરાયલના જાસૂસી ઉપગ્રહ તેમની પર ચાંપતી નજર રાખતા હતા. એ દિવસે તહેરાનના તમામ માર્ગો પરના ટ્રાફિક સીસીટીવી કેમેરા ઈઝરાયલ દ્વારા હેક કરવામાં આવ્યા હતા. આ કેમેરા દ્વારા ઝડપાતી તસવીરોની માહિતી તેલ અવીવ ખાતેના કમ્પ્યુટર સર્વરને પહોંચાડવામાં આવતી હતી. એક અહેવાલ એવો પણ છે કે છેલ્લાં એક વર્ષથી તહેરાનના તમામ ટ્રાફિક કેમેરાનું આડકતરી રીતે સંચાલન મોસાદની એક ખાસ ટીમ કરતી હતી. આ ગોઠવણ મારફતે મોસાદને ઈરાનના કયા ટોચના અધિકારી કે લશ્કરી અમલદાર કયા સમયે ક્યાં જાય છે તેની માહિતી મળતી રહેતી. આ માહિતી થકી જ ઈરાન સરકારની દરેક મહત્ત્વની વ્યક્તિનું પળ પળનું પગેરું ઈઝરાયલ મેળવતું હતું. એટલું જ નહીં, જે ગુપ્ત અડ્ડા પાસે સર્વોચ્ચ સત્તાધીશો મળતા હતા તેનો સમય, રોજનો રૂટિન, તેમના નામ-સરનામા, કામના કલાકો, આવવા જવાનો રૂટ વગેરે ઝીણામાં ઝીણી માહિતી મોસાદે મેળવી હતી. સતત એક વર્ષ આ રીતે માહિતી મેળવતા રહીને આખરે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈને ખતમ કરવાનો પ્લાન મોસાદે બનાવ્યો.
જો કે ફક્ત આટલી માહિતીના આધારે તહેરાનના એ ગુપ્ત અડ્ડા પર હુમલો કરવો એ અંધારામાં તીર મારવા બરાબર સાબિત થાય. એ વાત મોસાદના એજન્ટો સુપેરે જાણતા જ હોય. તેમને ખોમેનેઈને ખતમ કરવાનો પ્લાન વર્ષ પૂર્વે બનાવેલો. મોસાદના કેટલાક એજન્ટો જેઓ મેડિકલ ડિગ્રીધારી ડોક્ટર હતા તેમણે તહેરાનમાં ડેન્ટિસ્ટ તરીકે નામના મેળવી. ધીરે ધીરે ઈરાનની સ્પેશિયલ કમાન્ડો ફોર્સ 'ઇસ્લામિક રિપબ્લિક ગાર્ડ કોર્પ્સ'ના કેટલાક ટોચના અધિકારીઓ સાથે ઘરોબો કેળવ્યો. તેમને ત્યાં સારવાર લેવા આવનારા ઈરાનના પ્રધાનો મિલિટરી હાકેમો સરકારી અમલદારોમાંથી કેટલીક ખાસ વ્યક્તિઓના દાંતમાં ગુપચુપ રીતે મોસાદના એજન્ટોએ ટ્રેકિંગ ચીપ ઈમ્પ્લાન્ટ કરી દીધી. આ રીતે ખૂબ જ બારીક આ માઈક્રોચીપથી મેળવેલા સિગ્નલ થકી મોસાદના એજન્ટો બધી માહિતી મેળવતા હતા. આ માહિતીનું મોસાદની જ એક ખાસ ટીમ યુનિટ ૮૨૦૦ દ્વારા સંકલન અને પૃથ્થકરણ કરી એક રિપોર્ટ તૈયાર કરાય છે. જે ઘટનાને દિવસે પણ થયું.
૮૬ વર્ષના આયાતોલ્લાહ ખોમેનેઇ તેમની ઓફિસમાં કેટલા વાગે આવશે, તેમની સાથે કોણ કોણ મિટિંગમાં હાજર હશે એ ફુલપ્રૂફ માહિતી મેળવ્યા પછી શનિવાર સવારના નિર્ધારિત સમયે હુમલો કરવાનું પ્લાનિંગ થયું. અને છેવટે ટ્રમ્પ અને નેતન્યાહુનો સહિયારો આદેશ મળતા શનિવાર, ૨૮ ફેબુ્રઆરીએ ખોમેનેઈનું તમામ કામ થયું.
મોસાદના કેટલાક જાસૂસી કારનામાએ જગતના ઈતિહાસને શકવર્તી વળાંક આપ્યો છે.
૧૯૬૧-૬૨માં રશિયાએ કેટલાંક નવા નક્કોર મિગ-૨૧ વિમાનો ઇજિપ્ત, ઈરાક અને સિરિયાને વૈચ્યા. ઈઝરાયલ ચિંતામાં પડી ગયું. જો આ ફાઈટર પ્લેન પોતાના શત્રુદેશોને પ્રાપ્ત થાય તો તેમનું સુરક્ષા પલ્લુ ભારે થાય. ઈઝરાયલે આ પરિસ્થિતિને પલટાવવા ફ્રાન્સ પાસેથી વધુ બળુકા મિરાજ પ્લેન મેળવ્યાં. પરંતુ રશિયન મિગ-૨૧ વિમાનને જોવા-પારખવાની તેમની તાલાવેલી ઓછી થઈ નહોતી. તેમણે ઓપરેશન ડાયમંડ લોંચ કર્યું. એક ફુટડી યુવતી જે મોસાદની બાહોશ એજન્ટ હતી તેને કામ સોંપ્યું. જાવ, ઈરાકની ભૂમિ પરથી મિગ-૨૧ વિમાન ઉઠાવી લાવો. પેલી યુવતીએ બગદાદમાં
ધામા નાંખ્યા. મિગ-૨૧ માટે ઈરાકે રોકેલા પાયલટની યાદી બનાવી. આ યાદીમાં એક પાયલટ મુનીર રેફદા મૂળ તો સીરિયન ખ્રિસ્તી હતો.
મોસાદની મહિલા એજન્ટે મહિના સુધી મુનીર સાથે મૈત્રી કેળવી. છેવટે તેને બાટલીમાં ઊતારવા પ્રપોઝલ આપ્યું કે જો તે મિગ-૨૧ ને તેલ અવીવ પહોંચાડી દે તો બદલામાં તેને એક લાખ ડોલર, બંગલો, ઇજરાયલની નાગરિકતા તથા પૂરાં ફેમિલીને માન-પાન સાથે રહેવા મળે. કેપ્ટન રેફદા માની ગયો અને આ રીતે ઓપરેશન ડાયમંડ પાર પડયું!
તા.૨૭મી જૂન,૧૯૭૬ના દિવસે ૨૪૮ પ્રવાસીઓ સાથે એર ફ્રાન્સનું ફ્લાઈટ ૧૩૯ વિમાન ઉપડતાની સાથે પેલેસ્ટીની હાઈજેકરો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. તેમણે આ વિમાનને સહિસલામત મુક્ત કરવા પોતાના ઈઝરાયલમાં બંદી રખાયેલા ૪૦ પેલેસ્ટીની અને કેન્યા ફ્રાન્સ, સ્વીટ્ઝર્લેન્ડ તથા જર્મનીમાં બંદી રખાયેલા ૧૩ કેદીઓને છોડી દેવાની માગણી કરી હતી. તેમણે સાથે સાથે એવી પણ શરત મુકી હતી કે જો તેમની માગણીનોે અમલ ૧લી જુલાઈ સુધીમાં નહિ કરવામાં આવે તો તેઓ તમામ ઉતારુઓને મોતને ઘાટ ઉતારવાની શરૂઆત કરી દેશે. ૧લી જુલાઈના દિવસે ઈઝરાયલી સરકારે અપહરણ કર્તાઓ સાથે વાટાઘાટો કરવા અને આ અંતિમ તારીખ ૪થી જુલાઈ સુધી લંબાવવાની માંગણી કરી જે મંજુર પણ રાખવામાં આવી તો સાથોસાથ ઈઝરાયલ સરકારે ૩જી જુલાઈના દિવસે બ્રીગેડિયર જનરલ ડેન શોમરોનના કમાન્ડ હેઠળ ઓપરેશન એન્ટીબી નામે બચાવમીશન હાથ ધરવા મંજુરી આપી. આ ઓપરેશનને એન્ટીબી નામ એટલા ંમાટે આપવામાં આવ્યું કે અપહરણકર્તાઓ આ વિમાનને એન્ટીબી ખાતે લઈ ગયા હતા. લાંબા સમય સુધી ગુપ્તચર માહિતી મેળવ્યા બ ાદ મોસાદના ટોચના અધિકારી મુકી બેતઝર દ્વારા કાળજીપૂર્વક યોજના ઘડી કાઢવામાં આવી જેના પરિણામે ઈઝરાયલ હવાઈ દળનાં ચાર સી-૧૩૦ હરક્યુલસ ટ્રાન્સપોર્ટ વિમાનો રાતના ભેંકાર અંધકારમાં ગ્રાઉન્ડ કન્ટ્રોલની મદદ વિના એન્ટીબી વિમાની મથકે ઉતર્યાં. આ સાથે બીજું એક હવાઈ દળનું વિમાન જરૂરી તબીબી સાધન સામગ્રી સાથે કેન્યામાં નાઈરોબીના જોનો કેન્યાટ્ટા આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ઉતર્યું. આ બચાવ કાર્યમાં ૈ૨૯ આઈડીએફ યુનિટની ટુકડીના સૈનિકો તથા સાયેરેત મતકલ યુનિટના ખતરનાક કમાન્ડો હતા. ઈઝરાયલના આ કમાન્ડો રાતે ૧૧ વાગે વિમાની મથકે ઉતર્યાં. તેમની સાથે આ જંગી વિમાનમાંથી એક મર્સીડીઝ અને લેન્ડ રોવર ગાડી પણ ઉતારવામાં આવી.તેઓ અપહરણકર્તાઓ ઉપર એવી છાપ પાડવા માગતા હતા કે ઈઝરાયલના સૈનિકો ટર્મીનલ બીલ્ડીંગ તરફ એટલા માટે જઈ રહ્યા છે કે તેઓ ઈદી અમીનના એસ્કોર્ટ્સ છે.
આ વિમાનના બાન રખાયેલા ઉતારૂઓને રનવે પાસેના એરપોર્ટ બિલ્ડીંગના મુખ્ય ખંડમાં રાખવામાં આવ્યા હતા. એરપોર્ટ બિલ્ડંીંગ પાસે પહોંચતાની સાથેજ ઈઝરાયલી કમાન્ડો તૂટી પડયા જેમાં ત્રણ હાઈજેકરો માર્યા ગયા. માત્ર ૩૦ મિનિટ જ ચાલેલા આ ઓપરેશન એન્ટીબી પૂરું થયા બાદ બચાવવામાં આવેલા પ્રવાસીઓને બાદમાં નાઈરોબી થઈને ઈઝરાયલ લઈ જવામાં આવ્યા હતા.
હવે મોસાદનું ત્રીજું પરાક્રમ જુઓ પચાસના દાયકામાં ઘણા યહુદીઓ તથા બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નાઝીઓ દ્વારા કરવામાં આવેલા નરસંહારનો ભોગ બનેલા યહુદીઓના સંબંધી યહુદીઓએ નરસંહાર માટેનો મુખ્ય પ્રણેતા એડોલ્ફ આઈચમેનને ગમે તે ભોગે શોધી કાઢવા પ્રતિજ્ઞાા કરી. આ યહુદીઓમાં એક નાઝીનો કટ્ટર દુશ્મન હતો યહુદી સીમોન વીસેન્થેલ. તેણે મોસાદની મદદ લીધી. પરિણામે ૧૯૬૦માં મોસાદે શોધી કાઢ્યું કે આઈચમેન આર્જેન્ટીનામાં હતો અને તેનોે પત્તો મેળવવા મોસાદે અથાગ પ્રયાસો શરૂ કરી દીધા. પરિણામે મોસાદને પાકી ખાતરી થઈ ગઈ કે હકીકતમાં રીકારડો ક્લેમેન્ટ બીજું કોઈ નહિ પરંતુ આઈચમેન પોતે હતો. તુરતજ લેવામાં આવેલાં પગલાંના પરિણામે ૧૧મી મે, ૧૯૬૦ના દિવસે બ્યુનોસ એર્સના એક ઉપનગરમાંથી મોસાદ અને શબક એજન્સીની એક ટુકડીએ આખરે આઈચમેનને પકડી લીધો. તા.૨૧મી મે, ૧૯૬૦ના દિવસે ઈઝરાયલ એરલાઈન્સ એલ આઈએઆઈના વિમાન બ્રીસ્ટલ બ્રિટાનીઆ દ્વારા ઈઝરાયલ લાવવામાં આવ્યો હતો.
હવે જુઓ માત્ર મોસાદની જ નહિ પરંતુ વિશ્વમાં જાસુસી પ્રવૃત્તિની સૌથી મોટામાં મોટી સિધ્ધિ તરીકે પ્રખ્યાત બનેલી મોસાદની કામગીરી દરમિયાન આ સંસ્થાએ જર્મની મ્યુનીક શહેરમાં ૧૯૭૨માં આયોજિત સમર ઓલિમ્પીક રમતોત્સવ દરમિયાન ઈઝરાયલના ૧૧ જેટલા ચુનંદા રમતવીરોને મોતને ઘાટ ઉતારી દેનારા પેલેસ્ટીન બળવાખોર જૂથ બ્લેક સપ્ટેમ્બરના હત્યારાઓને વીણીવીણીને એક પછી એક ખતમ કરી નાખ્યા હતા. આ સિદ્ધિ બાદ મોસાદ વિશ્વની સૌથી ભયાનક ખૂંખાર સંસ્થા તરીકે પંકાવા લાગી હતી. આ હત્યાકાંડ બાદ ઈઝરાયલમાં મોસાદ માટે આ હત્યામાં સંડોવાયેલા લોકોેની યાદી તૈયાર કરવાનું. આ યાદી તૈયાર કરવામાં આવી. ત્યાર બાદ આ હત્યારાઓનો ખાતમો બોલાવવા માટે ૧૫ જણા ચૂંટી કાઢવામાં આવ્યા હતા અને તેમને પાંચ જૂથોમાં વહેંચી દેવામાં આવ્યા હતા.
શરૂઆતના બે વર્ષમાં ઘણા ખરા હત્યારા તો મરાઈ ચૂક્યા હતા. ત્યારબાદ મ્યુનીક હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર, ફોર્સ-૧૭ અને બ્લેક સપ્ટેમ્બરના વડા તથા રેડ પ્રીન્સનું હુલામણું નામ ધરાવતા અલી હસન સાલામેહને શોેધવામાં બીજા ત્રણ વર્ષ લાગી ગયાં ત્યારે તે બૈરૂતમાં હોવાની જાણકારી પ્રાપ્ત થઈ. ૧૯૭૫માં મોસાદની એરીકા મેરી એમ્બર્સ બૈરૂત પહોંચી અને ચાર વર્ષ સુધી અલી હસનની ગતિ વિધિઓનો અભ્યાસ કરતી રહી અને જે શેરીમાં અલી વારંવાર આવતો તે શેરીરૂ વેરહુનમાં ઘર ભાડે રાખ્યું. તા.૨૨મી જાન્યુઆરી, ૧૯૭૯ના દિવસે આ શેરીમાં સ્ફોટક સામગ્રીથી ભરેલી વોક્સવેગન પાર્ક કરી રાખી આ દિવસે બરાબર, બપોરે ૩.૩૫ વાગે અલી હસન અને તેના ચાર સાગરીતો સાથે તેમની શેવરોલેટ સ્ટેશન વેગન આ વોક્સ વેગન પાસે આવી ત્યાં જ એરીકાએ પોતાના એપાર્ટમેન્ટમાં બેઠાં બેેઠાં રીમોટ કન્ટ્રોલથી વોક્સ વેગન ફૂંકી મારી. તે સાથે અલી હસન અને તેના સાગરીતો સાથે તેમની ગાડીના ફુરચે ફુરચા ઉડી ગયા. આમ મોસાદે ૧૯૭૨ના હત્યારાઓનો ૧૯૭૯ સુધીમાં ખાતમો બોલાવી દીધો.
મોસાદના ઓર એક ઈન્તકામનો બદલો જાણવા જેવો છે. પેલેસ્ટાઇનના વિવિધ આતંકવાદી સંગઠનોને રશિયા, ચીન, વગેરે દેશોનાં શસ્ત્રો મેળવી આપનાર અબુ નાઝર નામના એક દલાલને ઇઝરાયલની સરકાર ખતમ કરી નાંખવા ઇચ્છતી હતી. ૧૯૮૩ની સાલમાં વડા પ્રધાન યાશિક શમીરની સરકારે મોસાદના વડાને બોલાવ્યા અને પોતાની યોજના સમજાવી. શમીર પોતે એકવાર મોસાદના એજન્ટ હતા એટલે આ ખતરનાક ઓપરેશનની ગંભીરતા સમજતા હતા. તેમણે મોસાદના વડાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અબુ નાઝર (સાચું ન ામ ખલીલ હસન ઇબ્રાહિમ)ને ખતમ કરી નાંખવાનો છે, પરંતુ આ કામ ઇઝરાયલના મિત્ર દેશો કે સારા રાજદ્વારી સંબંધો ધરાવતા દેશમાં ન થવું જોઇએ. વળી આ કામ એટલી ચીવટ સાથે પાર પાડવું જોઇએ કે તેના કોઇ પુરાવા રહી ન જાય કે આ ષડયંત્રમાં ઇઝરાયલ સરકારની સંડોવણી છે તેવી લેશમાત્ર શંકા કોઇને ન જાય.
વડા પ્રધાનનો ઓર્ડર મળ્યા પછી મોસાદના જાસૂસોની ટીમે સતત એક વર્ષ અબુનાઝર પર વૉચ રાખી તેના વિશે ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરી. મોસાદની બે મહિલા જાસૂસને આ ખતરનાક કામ માટે તૈયાર કરી. તેમણે એર હોસ્ટેસ બનવાની તાલીમ લીધી અને સ્વિસ એરમાં નોકરી મેળવી. તેમને ખબર હતી કે અબુ નાઝર શસ્ત્રોના સોદામાંથી મળેલી કરોડોની રકમ જમા કરાવવા વારંવાર ઝ્યુરીચ જાય છે. માર્ચની સત્તરમી તારીખે (૧૯૮૪) સ્વિસ એરની એક ફ્લાઇટમાં અબુનાઝર ઝ્યુરીચથી બૈરૂત જવા નીકળ્યો. એ જ ફ્લાઇટના ફર્સ્ટ ક્લાસ કેબિનમાં આ બે એર હોસ્ટેસો ડયુટી પર હતી. તેમને એ વાતની ખબર હતી કે ઝ્યુરીચમાં પૈસા સગેવગે કર્યા પછી હળવાશ અનુભવતો નાઝર બૈરૂત પાછો ફરતા મોજથી શરાબ સેવન કરતો. પેલી બે સુંદર પરિચારિકાઓએ તેને શરાબ સાથે કોઇ ખાસ પ્રકારનું ઝેર મેળવીને પીવડાવ્યો ત્યારે વિમાન ૩૨,૦૦૦ ફુટની ઉંચાઇએ ઉડતું હતું. શરાબના સેવન પછી અબુ નાઝર તેની સીટ પર જ પગ લંબાવીને સુઇ ગયો. એમ કહો કે તેના શ્વાસ સદાય માટે થંભી ગયા. બૈરૂત એરપોર્ટ પર પ્લેન ઉતર્યું ત્યારે આ બે એર હોસ્ટેસો ખૂબ જ ચપળતાથી પોતાનો યુનિફોર્મ બદલી પ્લેનમાંથી ઉતરીને ગાયબ થઇ ગઇ.


