Get The App

ગુજરાતી કહેવતોમાં જૂનું અને નવું

Updated: Mar 14th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાતી કહેવતોમાં જૂનું અને નવું 1 - image

- આજમાં ગઈકાલ-ભગીરથ બ્રહ્મભટ્ટ

- સમાજમાં કોઇક જૂનું અસલ ખોળે છે, ને કોઇકને જૂનું સાગમટે કાઢી નાખવું છે. આપણે ત્યાં કેટલાક લોકો અતીતનો મહિમા કરે છે

સ માજમાં કોઇક જૂનું અસલ ખોળે છે, ને કોઇકને જૂનું સાગમટે કાઢી નાખવું છે. આપણે ત્યાં કેટલાક લોકો અતીતનો મહિમા કરે છે. તો કેટલાક જાણતલ ભૂતકાળને ભૂલી જઇ 'નવા'નો સ્વીકાર કરવાનો આગ્રહ રાખે છે. કેટલાંક સંતાનો ઘરડાં મા-બાપની સાથે રહેવા ઇચ્છે છે તો થોડાંક એવાં પણ સંતાનો છે કે તેમને મા-બાપથી અલગ રહેવાનું પસંદ પડે છે. ઘણાં લોકો એલોપથીની દવામાં જ વિશ્વાસ રાખે છે, કોકને આપણી જૂની આયુર્વેદ પદ્ધતિમાં શ્રદ્ધા છે. આમ જૂની અને નવી પેઢી વચ્ચે સંઘર્ષ અને સંવાદ ઉભય પ્રકારનાં ચિત્રો સમાજમાં જોવા મળે છે.

ગુજરાતી કહેવતોમાં પણ જૂના અને નવા શબ્દને ઉજાગર કરતી ઘણી કહેવતો છે. આપણે તેને જોઇએ. 'નવું નવા દા'ડા અને જૂનું જનમારો' આ કહેવત દ્વારા નવાનું આયુષ્ય ટૂંકું, તકલાદી, તૂટી જાય એવું અને જૂનું ટકાઉ કાયમી ચિરંજીવ હોવાનો અર્થ છે. 'નવું પાણી જૂના પાણીને તાણી જાય એટલે નવાનું વર્ચસ્વ વધતું જાય એટલે જૂનું ભુલાવા માંડે, 'નવો આવે એટલે નવી વાતો લાવે'' - નવાનીવાત નવી જ હોય ! 'નવો જોશી અને જૂનો વૈદ્ય' એ કહેવત જ્યોતિષ જોનાર નવો સારો અને અનુભવ સમૃદ્ધ જૂનો વૈદ્ય સારો એવો અર્થ થાય છે. 'નવો વેપારી અને જૂનો કસાઈ' બેઉ સરખા કહેવતમાં બંને શોષણ ખોર જ હોય છે. 'નવો નિશાળિયો નવા દહાડાં - નવો નવો માણસ ધીરે ધીરે શીખી જતો હોય છે એ કહેવત મૂળ તો 'નવો નિશાળિયો નવ દહાડા, ઝાઝું કરે તો દસ દહાડા અગિયારમે દહાડે કોરડો ને બારમે દહાડે ઓરડો'' એવી લાંબી છે - અર્થ તો સરખાં જ છે 'નવી ગિલ્લી નવો દાવ' નિરાશા ખંખેરી ફરી ઉદ્યમ કરવાનો બોધ આપતી કહેવત છે. 'નવી વહુ નવ દહાડા ને રાજ કરે ત્રણ દહાડા' - નવી વહુનું રાજ્ય નવી નવી હોય ત્યાં સુધી જ, જૂના સામ્રાજ્ય છોડે નહિ. 'નવી ફોજદારી ને મરઘી પર નગારાં' નવો અધિકારી આવે એટલે ખાયકીના નવા નુસખા અખત્યાર કરે. 'નવી નારંગી નવ દહાડા' કહેવતમાં પણ જ્યાં સુધી નવા છે ત્યાં સુધી માન-પાન, પછી કંઇ નહિ 'નવી દોસ્તી નાચે ઘણી નવી મૈત્રી શરૂ શરૂમાં ખૂબ મીઠી મીઠી લાગે. 'નવી જણસ નવ દહાડાં' 'નવી વાત નવ દહાડા' જ્યાં જ્યાં નવનો આંકડો આવે છે ત્યાં તકલાદી, અલ્પજીવીનો અર્થ થાય છે. 'નવો નાણાવટી અને જૂનો ગાંધી'' બે વખણાય. નવો નોકર હરણ મારે કહેવતમાં નવો નોકર ખૂબ ધીમે ધીમે કામ કરે છે તેવો અર્થ સમાવિષ્ટ થાય છે. 'નવું એટલું પિત્તળ અને જૂનું એટલું સોનું અહીં જૂની વસ્તુ, સંબંધો, જૂના માણસોનો પક્ષ કરવામાં આવે ત્યારે આ કહેવત વપરાય છે. 

'નવા રાજા અને નવી પ્રજા' કહેવતમાં નવી સત્તાની વાહવાહ થાય. 'નવો જનમ થવો' કહેવત મોતમાંથી બચી જવાનો અર્થ આપે છે.

જૂનાનો મહિમા આપણે ત્યાં વધારે થાય છે. પ્રાચીન પરંપરાઓ પુન: પ્રકાશમાં આવવા માંડી છે. જૂનાં ખાણાં કંસાર, લાડુ, શીરો, રોટલા, કઢી, ખીચડીનો મહિમા વધ્યો છે. જૂનો પોષાક હવે ચલણમાં આવવા માંડયો છે જૂની ચીજ વસ્તુઓ સંઘરો કરનારા વધતા જાય છે. 'જૂનું એટલું સોનું'. 'જૂનું કહોવાઈ ગયેલું શિયાળ નવા વાઘ કરતાં સરસ' ઘરડું શિયાળ નવા વાઘ કરતાં સારું - એ બધામાં પ્રાચીનતાનો પક્ષ છે. 'જૂનો શરાબ અને બુઠ્ઠુ ઢોર' બંને સારાં કહેવાયું છે. 'જૂના જુલમગાર સારા પણ નવા દાદગર માઠાં જૂનો જુલમી સારો પણ નવો ફરિયાદ સાંભળનારો નકામો. 'જૂના જોગી'' રૂઢિપ્રયોગમાં પણ 'અનુભવી'નો અર્થ છે. 'જૂનો કાગડો' રીઢા ચાડીખોર માટે વપરાતો પ્રયોગ છે. 'જૂનું પાપ' એ ઘણા લાંબા સમયથી બદકૃત્ય કરનારા માટે વપરાતું વિશેષણ છે. 'જૂની વાડનાં ઝાંખરાંય સારાં' ભલે કાંટાવાળાં હોય પણ જૂની (જાણીતી) વાડના ઝાંખરાં છે - પરિચિત છે. 'જૂનું કપડું અને બુઠ્ઠુ ઢોર, તેના પૈસા લઇ ગયા ચોર' જૂનું વસ્ત્ર અને ઘરડું ઢોર પાણીના મૂલનાં ગણાય છે. જૂની બરણીનું ઠીકરું - રદબાતલ, નકામું નો અર્થ અપાય છે. 'જૂની આંખે નવા તમાશા' ઉમ્મરલાયક માણસો એમના જીવનમાં જોયા ના હોય એવા પ્રસંગો - પરિસ્થિતિઓ જુએ ત્યારે આ પ્રમાણે બોલતા હોય છે. તમાશા જોવાના પણ જૂની આંખથી ! 'જૂના દોસ્ત નવા લેબાસમાં' દોસ્ત એના એ હોય પણ જ્યારે પરિસ્થિતિમાં પલટાઈ જાય ત્યારે આ પ્રકારની કહેવતનો ઉપયોગ થાય છે. જૂનું જનમારો સાથ આપે એ સ્મરણની બાબતે વધારે સાચો રૂઢિપ્રયોગ છે. 'સંગ્રહ્યો સાપ પણ કામનો' કહેવતમાં પણ જૂની વસ્તુ બિનજરૂરી માની કાઢી ન નખવાનું સૂચન છે. એક જુવાન દીકરો પોતાના ઘરડા બાપને પોતાની જાનમાં નથી લઇ જવાની જિદ લઇને બેઠો. ઘણો સમજાવ્યો ના માન્યો. આખરે ડોસાને ગાડાના ભંડકિયામાં સંતાડીને લઇ જવા પડયા. વેવાઈનું ગામ આવ્યું. 'ટોડે ગાડાં રોક્યાં' સામે પક્ષવાળા આવ્યા... સામસામાં ઉખાણાં પૂછાયાં 'ઠાલાં કૂવામાંથી પાણી કાઢવા માટે જાનવાળાને કહેવામાં આવ્યું બધા મુંજાયા... હવે ? પછી પેલા ઘરડા ડોસાને બહાર કાઢ્યા ઉખાણાનો ઉકેલ લાવતાં તેમણે કહ્યું - 'પાણી તો કાઢીએ પણ તમે ઢુહાનો વરત (દોરડું) વણી આપો તો પાણી નીકળે... બધા રાજી થઇ ગયા. 'ઘરડાં ગાડાં પાછાં વાળે' ત્યાંથી કહેવત આવી, ત્યાં પણ જૂનાનો જ મહિમા છે.