યક્ષિણી સાધના : દેવી મા સુધી પહોંચવાનો માર્ગ
- સનાતન તંત્ર -બ્રહ્મચારી પરખ ઓમ
- સમગ્ર અનુષ્ઠાન દરમિયાન એમણે મંદિરમાં અખંડ જ્યોતિ સામે બેસીને મંત્રોચ્ચારણ કરવાનો સંકલ્પ લીધો હતો
ગયા અઠવાડિયા સુધીની ગોઠડીમાં વાંચ્યું કે દેવી મા જ્વાલામાલિનીનાં મંદિરમાં જેમની સાથે શ્રી ઓમ સ્વામીની મુલાકાત થઈ હતી, એમણે કહ્યું હતું કે ગણતરીના મહિનાઓની અંદર આપ અહીં એક તંત્રસાધના કરવા માટે પધારશો. સાથોસાથ, એમણે એક મંત્ર પણ આપ્યો. સ્વામીજીએ એમની સાથે સાધના અંગે વિગતવાર વાર્તાલાપ કરવાની ઇચ્છા પણ દર્શાવી, પણ એમણે તો કહી દીધું કે, 'હું તો સામાન્ય સાધુ છું અને ગુરુએ આપેલા મંત્ર સિવાય બીજા કશા મંત્રનું ઉચ્ચારણ કર્યું નથી. હું સાધના વિશે તો શું જાણું !'
સંન્યાસધર્મનું પાલન કરતા સાધુઓમાં ઘણાં સંતો એવા હોય છે, જેમણે એક સ્થાન પર ત્રણ દિવસથી વધુ રોકાણ ન કરવાની નેમ લીધી હોય છે. આ સાધુ એમાંના જ એક હતા. જે દિવસે તેઓ સ્વામીજીને મંદિરમાં મળ્યા, એ એમનો એ સ્થાન પર છેલ્લો દિવસ હતો. એ ઘટના પછી એમનો ફરી બીજી વખત ભેટો સ્વામીજીને ક્યારેય ન થયો. કુદરતની લીલા અપાર હોય છે. ઘણી વખત અમુક મહાપુરુષો અથવા આત્માનું મિલન ક્ષણિક હોય છે, પરંતુ અટકી ગયેલી આધ્યાત્મિક યાત્રાને ફરી પાટે ચડાવવા માટે પૂરતંી નીવડતું હોય છે. આ મુલાકાત એની એક સાબિતી હતી.
જેવું ભવિષ્ય ભાખવામાં આવ્યું હતું, એ મુજબ જ અમિત શર્મા (સ્વામીજીનું પૂર્વાશ્રમનું નામ) ફરી એ મંદિરમાં આવ્યા પણ ખરા... યક્ષિણી સાધના કરવા માટે ! તેઓ દેવી મા પાસે આવનારા ભવિષ્યનું માર્ગદર્શન પ્રાપ્ત કરવા ઇચ્છતા હતા. યક્ષિણી સાધના કરવાનો એમનો મૂળ હેતુ કોઈ દૈવીય તત્વને સ્વનિયંત્રણમાં રાખી, પ્રેયસી અથવા પત્ની બનાવીને સ્વાર્થપૂર્ણ કાર્યો કરાવવાનો નહોતો. તેઓ ખરેખર તો મહાદેવીની અત્યંત સમીપ કહી શકાય એવી સંગિની-શક્તિ પાસેથી મા લલિતા ત્રિપુરસુંદરીનાં દર્શન કઈ રીતે કરી શકાય એ જાણકારી પ્રાપ્ત કરવા ઇચ્છુક હતા.
આ અનુષ્ઠાનનાં શેડયુલનું વિગતવાર વર્ણન એમના હિન્દી પુસ્તક 'પ્રાચીન મંત્રવિજ્ઞાાન'માં આલેખિત છે. મોડી રાત અથવા વહેલી સવારે અઢી વાગ્યે ઊઠીને નિત્યક્રમ પૂર્ણ કર્યા બાદ સવારે ત્રણ વાગ્યાથી શરૂ કરીને નવ વાગ્યા સુધી યક્ષિણીનાં મૂળ મંત્રનો વિધિ-વિધાન સાથે જાપ કરતાં. સમગ્ર અનુષ્ઠાન દરમિયાન એમણે મંદિરમાં અખંડ જ્યોતિ સામે બેસીને મંત્રોચ્ચારણ કરવાનો સંકલ્પ લીધો હતો. સવારે નવ વાગ્યે જાપ પૂર્ણ થયા બાદ દેવી મા જ્વાલામાલિનીનાં ગર્ભગૃહમાં તેઓ માથું ટેકવીને ભગવાન સૂર્યને અર્ધ્ય અર્પણ કરતાં.
સાધનાને વધુ તીવ્ર બનાવવા માટે એમણે એવો નિયમ બનાવ્યો હતો કે આખા દિવસમાં માત્ર એક ગ્લાસ દૂધ અને એક ફળનું જ સેવન કરવાનું ! એ સિવાય કશું નહીં. બીજો નિયમ એ કે માત્ર એક વખત દેવી માની સ્તુતિ કરવા માટે મૌન તોડવાની છૂટ, પરંતુ એ સિવાયના સમયમાં સંપૂર્ણ મૌન !
સવારે દેવી મા જ્વાલામાલિનીને ત્યાં માથું ટેકવીને એક ગ્લાસ દૂધનું સેવન. ગામની એક વ્યક્તિ સાથે પહેલેથી એમણે વાત કરી રાખી હોવાને લીધે કમરાની બહાર દૂધ પહેલેથી જ મૂકી દેવામાં આવતું હતું. ત્યારબાદ ૯૦ મિનિટનો આરામ. સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૨ વાગ્યા સુધી યક્ષિણીનું મંત્રધ્યાન. ત્યારબાદ, ૨ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી ફરી આરામ. એ પછી ઊઠીને માત્ર એક ફળનું ભોજન. ઘણી વખત જો જરૂર ન લાગે, તો એનું પણ સેવન ન થાય. સાંજે ૬ વાગ્યાથી રાતે ૯ વાગ્યા સુધી ફરી મંત્રજાપ. ત્યારબાદ, ફરી એક કલાકની ઊંઘ. રાતે ૧૦ વાગ્યે ઊઠીને ઓરડાની બહાર સ્નાનકર્મ પૂર્ણ કર્યા પછી સાડા દસ વાગ્યે યક્ષિણીમંત્રનો યજ્ઞા શરૂ થાય, જે લગભગ મધ્યરાત્રિ સાડા બાર વાગ્યા સુધી ચાલે. મંત્રશાસ્ત્રનાં નિયમ પ્રમાણે, અનુષ્ઠાનનાં સંકલ્પ પ્રમાણે જેટલા મંત્રજાપ થાય, એના દસમા ભાગની આહુતિ યજ્ઞામાં અર્પણ કરવાની હોય, જેને કહેવામાં આવે છે 'દશાંશ હવન' ! આથી, જો એક દિવસમાં મંત્રજાપની સંખ્યા દસ હજાર હોય, તો રાત પડયે એક હજાર આહુતિ દશાંશ હવનનાં ભાગરૂપે યજ્ઞામાં દેવીને અર્પણ કરવાથી એ દિવસની સાધના પરિપૂર્ણ માનવામાં આવે.
સાડા બાર વાગ્યે યજ્ઞા પૂર્ણ કર્યા પછી એક વાગ્યા સુધીમાં યજ્ઞાસામગ્રી સમેટીને ફરી ઓરડામાં મૂક્યા બાદ દોઢેક કલાક તેઓ ઊંઘ લેવાનો પ્રયત્ન કરતાં. સાધનાની સફળતા માટે સાધકે હંમેશા પોતાના જમણા પડખે સૂવું જોઈએ એવું વિધાન મંત્રશાસ્ત્રમાં અપાયું છે. અલબત્ત, જમીન પર સૂતાં હોય ત્યારે કઠણ સપાટીને લીધે આડા પડખે થવું સંભવ નથી. આથી, તેઓ સીધા સૂઈને ઊંડા શ્વાસ લેતાં લેતાં થોડોઘણો આરામ લઈ લેતાં.
આ પ્રકારના વ્યસ્ત ઘટનાક્રમનું અનુસરણ કરી રહેલાં સ્વામીજી જ્યારે દિવસો સુધી યક્ષિણી સાધના કર્યા પછી બરાબર મધ્યભાગમાં પહોંચ્યા, ત્યારે એક વખત અડધી રાતે રૃંવાડા ઊભો અનુભવ એમને થયો, જે અંગે વાત કરીશું આવતા અઠવાડિયે.