ગામ છોડનારા બસવરાજની સિદ્ધિ .
- આજકાલ-પ્રીતિ શાહ
- એક વાર નોકરીના ઇન્ટરવ્યૂમાં જાકારો મળતા ઘરે આવીને પિતાને વાત કરી. પિતાએ એના હાથમાં એક હજાર મૂકીને વિદાય આપતા કહ્યું કે ઘરે પાછો આવતો નહીં
અભ્યાસમાં તદ્દન સામાન્ય, કૉલેજમાં બે-બે વખત નાપાસ થનાર પણ ફૂટબોલપ્રેમી એવા બસવરાજ એસ. યુવાન થતાં નોકરીની શોધમાં નીકળ્યા, પરંતુ ક્યાંય નોકરી મળતી નહીં. એક વાર નોકરીના ઇન્ટરવ્યૂમાં જાકારો મળતા ઘરે આવીને પિતાને વાત કરી. પિતાએ એના હાથમાં એક હજાર રૂપિયા મૂકીને વિદાય આપતા હોય તેમ કહ્યું કે ઘરે પાછો આવતો નહીં. બસવરાજ કહે છે કે એ ક્ષણ અત્યંત અપમાનજનક અને પીડાદાયક બની રહી. ભગ્નહૃદયે બઁગાલુરુ જતી બસમાં બેઠો. જ્યારે તેણે પોતાનું ગામ છોડયું ત્યારે પોતાની જાતને બે વચન આપ્યાં. એક જ્યાં સુધી જીવનમાં સફળતા ન મળે ત્યાં સુધી હવે ઘરે પાછા ન ફરવું અને માત્ર દસ વર્ષમાં જ સફળતા હાંસલ કરવી. બઁગાલુરુમાં ન કોઈ ઓળખાણ કે ન ખિસ્સામાં પૈસા. વીસથી પચીસ જગ્યાએ ઈન્ટરવ્યૂ અપ્યાં, બધેથી નકારનો સૂર સાંભળવા મળતો.
બસવરાજના થાક્યા વિનાના અવિરત પ્રયત્નને કારણે તેમને સેલ્સમેનની નોકરી મળી. તેઓ યુનિફોર્મ વેચવા લાગ્યા. તેમની સેલ્સમેનશિપ સારી હતી. ધીમે ધીમે સફળતા મળવા લાગી, પરંતુ તેમને થતું હતું કે તેઓ આનાથી કંઈક વધારે સારું કરવા આવ્યા છે. પંચાવન હજારના મૂડીરોકાણ સાથે ૨૦૦૬માં કમ્બાર પ્રોડક્સ ઍન્ડ સર્વિસ પ્રા. લિ.ની સ્થાપના કરી. કંપની યુનિફોર્મ અને આફિસ માટેની વસ્તુઓની સાથે કોર્પોરેટ ગિફ્ટ બનાવે છે. ઇન્ડસ્ટ્રીયલ યુનિફોર્મથી લઈને ગ્રાહકોની પસંદગી પ્રમાણે ગિફ્ટ બનાવી આપે છે. શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ ગિફ્ટથી એમની પ્રતિષ્ઠા વધતી ગઈ. ગુણવત્તા સાથે બાંધછોડ કર્યા વિના પોષાય શકે તેવી કિંમતમાં સરસ ગિફ્ટ મળવા લાગી, તેથી ગ્રાહકો વધવા લાગ્યા. ગ્રાહકોના પ્રતિભાવ મળતા તેમાં ફેરફાર પણ કરવા લાગ્યા. આજે કમ્બાર ગ્રૂપમાં છવ્વીસ વ્યક્તિઓ કામ કરે છે.
તેમણે વિચાર્યું કે કોર્પોરેટ ગિફ્ટને ઈકો-ફ્રેન્ડલી બનાવી શકાય તો પર્યાવરણને નુકસાન થતું અટકે. કારણ કે કોર્પોરેટ ક્ષેત્રે નોકરીમાં નવા કર્મચારીને બોટલ, પેન, નોટબુક કે ચા-કૉફીના મગની ગિફ્ટ આપવામાં આવે છે. આ જ વસ્તુઓને ઈકો-ફ્રેન્ડલી બનાવીને આપી શકાય. જેમકે પ્લાસ્ટિક બોટલની જગ્યાએ બામ્બૂ બોટલ, સાદી નોટબુક ને બદલે રીસાઈકલ પેપર કે પ્લાન્ટ કરી શકાય તેવા પેપરની નોટબુક કે સ્ટેશનરી અને ચોખાના ફોતરામાંથી બનાવેલા ચા-કૉફીના મગ આપી શકાય.
આવા વિચારથી બસવરાજે ૨૦૨૨માં રફતારની શરૂઆત કરી. રફતારનાં ઉત્પાદનો મોટા પાયે બનાવતા નથી, પરંતુ જે લોકો ઈકો-ફ્રેન્ડલી વિચારસરણી ધરાવે છે તેવા લોકો સાથે મળીને તેનું ઉત્પાદન કરવામાં આવે છે અને તે મૈસૂર, દિલ્હી, ગુરુગ્રામ અને બઁગાલુરુમાં આવા ઉત્પાદકોનો સીધો સંપર્ક કરે છે. તેમની પાસે સંશોધન અને વિકાસ માટેની ટીમ કે ડિપાર્ટમેન્ટ નથી. તેઓ આ ક્ષેત્રના નિષ્ણાતોની સલાહ લઈને ગિફ્ટ બનાવે છે. તેઓ રીયુઝ અને રીસાઇકલ થઈ શકે તેવી વસ્તુની પસંદગી કરે છે. કૃષિની આડપેદાશ એવા ચોખાના ફોતરામાંથી સાતથી નવ રંગમાં કૉફી મગ બનાવે છે. જેનો ઉપયોગ માઇક્રોવેવમાં પણ થઈ શકે છે. તે ત્રણ વર્ષ અથવા પાંચ હજાર વાર ધોવાય ત્યાં સુધી ચાલે છે અને આ તેમની સિગ્નેચર પ્રોડક્ટ બની રહી છે.
રફતારની વાત કરતાં બસવરાજ કહે છે કે ઘણા લોકો ટકાઉ વિકાસની વાત કરે છે, પરંતુ તેને અમલમાં મુકનારા બહુ ઓછા લોકો હોય છે. તેને કારણે આવા ઉત્પાદનોની શરૂઆત મુશ્કેલ હોય છે. અન્ય ઉત્પાદનો કરતાં થોડા મોંઘા પણ હોય છે. આ ઉત્પાદનોનું બોક્સ પણ રીસાઈકલ પેપરમાંથી સુંદર અને આકર્ષક બનાવવામાં આવે છે. તેઓ ઇચ્છે છે કે લોકો તેને ફેંકી દેવાને બદલે અન્ય વસ્તુ મૂકવાના ઉપયોગમાં લે. તેઓ દરેક બોક્સનું ગ્રાહકોને ગમે તેવી જુદી જુદી ડિઝાઇનમાં પેકિંગ કરે છે, જેથી ગ્રાહકને જ્યારે મળે ત્યારે ખુશ થઈ જાય. રફતાર અત્યારે પાંચ હજાર વેલકમ કીટ બનાવે છે. તે ઉપરાંત વ્યક્તિગત રીતે બોટલ, મગ, નોટબુકનું વેચાણ કરે છે. ઈન્ફોસિસ, ટીઈએસ ઇન્ડિયા, અપ્લાઇડ મટીરીયલ્સ જેવી અનેક કંપનીઓ તેની ગ્રાહક છે. જન્મદિવસ, લગ્નદિવસ, તહેવાર અને લગ્નપ્રસંગ માટે તેમની પાસે ગિફ્ટ છે. ત્રણસોથી વધારે કંપનીઓ અને ગ્રાહકોને વર્ષે ત્રીસ લાખ ગિફ્ટ પહોંચાડે છે અને એક કરોડનું ટર્નઓવર ધરાવે છે. તેમની નજર આજે પૈસા કરતાં લોકો પોતાની ટેવ બદલે તેના પર છે, જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય. બામ્બૂ ફાઇબર ટી-શર્ટ, પેટ પ્લાસ્ટિક બોટલમાંથી બનેલા કપડાં કે બાયોલેધરનો પણ સમાવેશ તેમના ગિફ્ટમાં કર્યો છે. તેઓ ઇચ્છે છે કે ગિફ્ટ આપવાની વાત આવે ત્યારે લોકોના મનમાં પહેલું નામ રફતારનું આવે. પીડાને એક લક્ષ્યમાં પરિવતત કરીને સફળ વ્યવસાય કરનાર બસવરાજની ઇચ્છા ટકાઉ વિકાસમાં પોતાનાથી શક્ય તેટલું પ્રદાન કરવાની છે.
ઠંડીએ જગાવી મૌલિક વિચારની ચેતના
વાર્મીનો ઉપયોગ માઉન્ટ એવરેસ્ટ, એન્ટાર્કટિકા કે ઠંડા પ્રદેશોમાં પ્રવાસ કરનારા તેમજ જેમને વધુ ઠંડી લાગતી હોય તેવા લોકો કરે છે
એક વિચાર વ્યક્તિના પોતાના જીવનમાં અને અન્યના જીવનમાં કેવું પરિવર્તન લાવે છે, તે ભાવના વી.ના જીવનમાં જોવા મળે છે. શ્રીમંત કુટુંબમાં ઉછરેલી ભાવના ૨૦૦૯માં એના પતિ અને પુત્ર સાથે સ્વીર્ત્ઝલૅન્ડ ફરવા માટે ગયા હતા. ભાવના કહે છે કે અત્યંત ઠંડી જગ્યા પ્રવાસ માટે પસંદ કરતી નહોતી, કારણ કે તેનાથી ઠંડી સહન થતી નહોતી અને તેને લીધે એ પ્રવાસનો આનંદ માણી શકતી નથી. બન્યું એવું કે સ્વીર્ત્ઝલૅન્ડમાં તેના પતિ અને પુત્ર ખૂબ મોજમસ્તી કરતા હતા, પણ તેને હોટલના રૂમમાં ગોંધાઈ રહેવું પડતું હતું. આ પરિસ્થિતિમાં એક દિવસ કાફેમાં બેઠા હતા, ત્યારે ભાવનાને વિચાર આવ્યો કે એવું કંઈક હોવું જોઈએ કે જે ઠંડી આબોહવામાં ગરમાવો આપે. એણે પોતાનો આ વિચાર તેના કેમિકલ એન્જિનીયર પતિને કહ્યો અને તેમાંથી જન્મ થયો વોર્મીનો !
મુંબઈમાં જન્મેલી ભાવનાનો ઉછેર સ્વતંત્ર વાતાવરણમાં થયો હતો. કાર એક્સેસરીઝનો બહોળો વ્યવસાય ધરાવતા સંયુક્ત કુટુંબમાં પંદર વર્ષ પછી દીકરી જન્મી તેનો ઘરમાં આનંદ અને ઉલ્લાસ છે. વળી એ તેના પિતરાઈ ભાઈઓ સહિત અગિયાર ભાઈઓ વચ્ચે એક માત્ર બહેન છે. મુંબઈની પી.ડી. લાયન્સ દાલમિયા કૉલેજમાંથી કોમર્સની ડિગ્રી મેળવી. તેણે ટુ-વ્હીલરની ડીલરશિપ પર પસંદગી ઉતારી. એક સમયે સીટી બઁક અને આઈ.સી.આઈ.સી. બઁકમાં વ્હીકલ ફાયનાન્સની ટુ-વ્હીલર સેલિંગની પ્રથમ એજન્ટ હતી. એણે પોતાના ટુ-વ્હીલર ડીલરશિપ સ્ટોરમાંથી અન્ય પાંચ મલ્ટીબ્રાન્ડ સ્ટોર ઊભા કર્યા હતા અને તેનું ટર્નઓવર બે કરોડનું હતું, પરંતુ ૨૦૦૫માં પુત્ર-જન્મને કારણે તેણે આ વ્યવસાય સમેટી લીધો.
ભાવનાના પતિને બોઈસર પાસે તારાપુરમાં કેમિકલ ફેક્ટરી છે. તેણે ભાવનાની વાત પર વિચાર કર્યો અને બંનેએ સાથે મળીને પ્રયત્ન શરૂ કર્યો. ખુલ્લા વાતાવરણમાં હવા સાથે ભળતાં જ ગરમાવો ઉત્પન્ન કરે એવા કેમિકલ્સનો એણે પ્રયોગ કર્યો. કેટલાય પ્રયોગોને અંતે ૨૦૧૩માં વાર્મી પ્રોડક્ટને બજારમાં મૂકી. આ પ્રોડક્ટ વિશે લોકોને માહિતી પહોંચાડી. તેનો કેવી રીતે ઉપયોગ કરવો એ શીખવ્યું અને ગ્રાહકોને તેના ફાયદાઓનો અનુભવ થયો. ભાવના અને તેના પતિએ તેની પેન્થીઅન ફાર્માકેમ હેઠળ વોર્મીને બજારમાં મૂકી. આ વોર્મર શરીરને હૂંફાળું રાખે છે. આમાં બોડી વોર્મર, હેન્ડ વોર્મર, ફૂટ વોર્મર આવે છે. આ સેલ્ફ હીટીંગ વોર્મર છે. આમાં બેટરી કે ઇલેક્ટ્રીસીટીની જરૂર પડતી નથી. બોડી વોર્મરના એક પેકમાં પાંચ પાઉચ, હેન્ડ વોર્મરમાં ચાર પેર અને ફૂટ વોર્મરમાં ત્રણ પેર આવે છે. દરેકની કિંમત જુદી છે, પરંતુ તે પોષાય તેવી કિંમતમાં અર્થાત્ પાંચસોથી આઠસો રૂપિયામાં મળે છે.
વોર્મીનો ઉપયોગ કરવો હોય ત્યારે પેકમાંથી એક પાઉચ લઈ તેને ખોલીને એકાદ મિનિટ હલાવી તમને જ્યાં વધારે ઠંડી લાગતી હોય ત્યાં મૂકી શકાય છે. શરીરના અંદરના ભાગમાં, કમર પર, પેન્ટના ખિસ્સામાં વગેરે જગ્યાએ. આ એક પાઉચ તમને આઠ કલાક સુધી હૂંફ આપ્યા કરે છે. દિવસ દરમિયાન કે રાત્રે કોઈ પણ સમયે તેનો ઉપયોગ થઈ શકે છે. તમારી સ્લીપીંગ બેગ સાથે કે બ્લેન્કેટ સાથે પણ ઉપયોગ કરી શકાય છે. આનો એક ફાયદો એ છે કે ઠંડા પ્રદેશોમાં જતી વખતે ઘણા બધા ગરમ કપડાં સાથે લઈ જવા પડતા નથી. વાર્મી પેકનું વજન ઓછું છે અને એક પાઉચનો એક વખત જ ઉપયોગ કરી શકાય છે. આમાં વાપરવામાં આવેલી વસ્તુઓથી પર્યાવરણને પણ કોઈ નુકસાન થતું નથી. વાર્મીની પ્રોડક્ટ આઈ.એસ.ઓ. દ્વારા પ્રમાણિત છે. આનો ઉપયોગ માઉન્ટ એવરેસ્ટ, એન્ટાર્કટિકા કે ઠંડા પ્રદેશોમાં પ્રવાસ કરનારા, ઠંડા પ્રદેશમાં રમનારા ક્રિકેટરો તેમજ જેમને સામાન્ય કરતાં વધુ ઠંડી લાગતી હોય તેવા લોકો કરે છે.
ઈ. સ. ૨૦૨૨માં આ દંપતીએ તેમનું નીશ ડૉટ ઇન (Nysh.in) નામું ઇ-કોમર્સનું પ્લેટફોર્મ શરૂ કર્યું અને વોર્મી ઉપરાંત અન્ય પ્રોડક્ટ બ્લુહીટના નામે શરૂ કરી. તે અંતર્ગત શરીરના જુદા જુદા ભાગમાં થતાં દુ:ખાવા પર રાહત થાય તેવા પેચ આપે છે. જેમકે બ્લુહીટ નેક ઍન્ડ શોલ્ડર પેઇન રીલીફ, કફ જામી ગયો હોય તેના માટે તથા ઘૂંટણ, કોણી કે પગની ઘૂંટી માટે પેઇન રીલીફ પેચ બનાવે છે. તેના દરેક પેકમાં આઠ પેચ હોય છે. સ્ત્રીઓને પીરીયડ વખતે થતા દુ:ખાવા માટે ક્રેમ્પ કેર પેચ પણ તૈયાર કર્યા છે. આ બધી પ્રોડક્ટ ભારતના લોકો અને તેમની ચામડીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. અત્યારે તેમની પ્રોડક્ટ મુંબઈ, બઁગાલુરુ, ચેન્નઈ, કૉલકાતા અને દિલ્હીમાં વધારે વેચાય છે. સમગ્ર ભારતમાં ચારસો સ્ટોરમાં આ પ્રોડક્ટ મળે છે. જોકે હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં વધુ સહેલાઈથી મળે છે. પ્રથમ વર્ષે જ તેમનું બે કરોડનું ટર્નઓવર હતું. જે આજે પંદર કરોડે પહોંચ્યું છે અને એકસો કર્મચારીઓ કામ કરે છે. જરૂરિયાત સંશોધનની માતા છે તે ભાવનાના જીવનમાં જોવા મળે છે.