Get The App

બોઇંગ અને એરબસ વચ્ચે સ્કાય વોર અને મુસાફરોના શ્વાસ અદ્ધર

Updated: Jun 15th, 2025

GS TEAM


Google News
Google News
બોઇંગ અને એરબસ વચ્ચે સ્કાય વોર અને મુસાફરોના શ્વાસ અદ્ધર 1 - image


- વિમાનના ઓર્ડર મેળવવાની અને શક્ય એટલી ઝડપી ડિલિવરી આપવાની હોડમાં જાણે સલામતી જોડે ચેડાં થતાં હોય તેવી ગંદી હરીફાઈ

- હોરાઈઝન-ભવેન કચ્છી

- અમદાવાદનું વિમાન તૂટી પડતા હવે એર ઈન્ડિયા પાસે 33 ડ્રીમ લાઇનર છે અને બીજા 20ની ડિલિવરી બાકી છે 

- જાણો 265 અબજ ડોલરના વિમાનના ધંધા માટેની રોચક દુનિયા

- બોઇંગના 737 મેક્સ મોડલ સામે અમેરિકામાં વ્હીસલ બ્લોઅરની ફોજ મેદાને ઊતરી છે જેમાંથી બેના રહસ્યમય મૃત્યુ થયા છે

- બે વ્હીસલ બ્લોઅરના શંકાસ્પદ મોત

અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાએ ભારત જ નહીં વિશ્વભરને હચમચાવી દીધું છે કેમ કે આ કરુણાંતિકા બોઇંગ કંપનીનું વિમાન ક્રેશ થતા થઈ છે અને વિશ્વના જુદા જુદા દેશોમાં વર્ષ ૨૦૨૩માં જ  ૪૮૦ જેટલા કોમર્શિયલ વિમાનની બોઇંગે ડિલિવરી કરી છે. આ સૌ એરલાઈન્સને પેટમાં ફાળ પડી ગઈ છે. 

બોઈંગના બે મોડલ

જે બે વિમાનો બોઇંગ કંપની મુખ્યત્વે ડિલિવરી કરે છે તેમાં અમદાવાદમાં જે વિમાનમાં અકસ્માત થયો તે બોઇંગના ૭૮૭ ડ્રીમલાઇનર વિમાનનો અને ૭૩૭ મેક્સ મોડલના વિમાનનો સમાવેશ થાય છે. બોઇંગ ૭૮૭ ડ્રીમલાઇનર ૨૦૧૧માં તેની અતિ અદ્યતન સિદ્ધિ તરીકે લોન્ચ થયું હતું. ૧૪ વર્ષની આવરદામાં આ વિમાનનો  આ પહેલો અકસ્માત છે.અન્ય  એક મોડેલ ૭૩૭ મેક્સ છે. જેણે ભારે વિવાદ સાથે હોબાળો મચાવ્યો હતો. ૨૦૧૮માં આ મોડલના વિમાન ઈન્ડોનેશિયાના જાકાર્તાથી ટેક ઓફ થયા બાદ ૧૮૯ અને  ઇથોપીઆના અડીસ અબ્બા એરપોર્ટથી ટેક ઓફ થયા બાદ ૧૫૭ મુસાફરોના મૃત્યુ નિપજાવવા માટે જવાબદાર ઠર્યું હતું. તપાસમાં ઉત્પાદનની  ટેક્નિકલ ખામી બહાર આવી હતી. અને કેટલાક વર્ષો આ  મોડેલને ચીન સહિત કેટલાક દેશોએ ગ્રાઉન્ડ કરી દીધેલું એટલે કે સર્વિસમાંથી સ્થગિત કરી દીધું હતું. બોઇંગ કંપનીએ આ જ વિમાનને તે જ નામ સાથે સુધારેલ ડિઝાઇન અને પાર્ટસ સાથે  ફરી મૂકયુ છે.આમ અમદાવાદમાં જે વિમાન ક્રેશ થયું તે ૭૮૭ ડ્રીમલાઇનર અને ૭૩૭ મેક્સની ડિલિવરી હાલ બોઇંગ કંપની વિશ્વની એરલાઈન્સને કરે છે.

બોઇંગ વિરૂદ્ધ એરબસ

જો કે એક જમાનામાં ખાસ્સી સરસાઇ ધરાવતી અમેરિકાની બોઇંગ કંપનીને છેલ્લા છ વર્ષથી ફ્રાન્સ અને નેધરલેન્ડમાં અનુક્રમે કોર્પોરેટ અને લીગલ હેડ ક્વાર્ટર ધરાવતી એરબસ કંપનીએ પાછળ પાડી દીધી છે.બોઇંગે વર્ષ ૨૦૨૩માં ૪૮૦ વિમાનો વિશ્વની એરલાઈન્સ અને લીઝિંગ કંપનીને વેચ્યા જ્યારે એરબસે ૮૪ એરલાઇન્સને ૬૬૧ વિમાનો વેચ્યા. તેઓ પાસે હજુ ૭,૨૩૯ વિમાનોનો ઓર્ડર છે જ્યારે બોઇંગ કંપની પાસે ૪,૫૭૮ વિમાનોનો વિશ્વવ્યાપી ઓર્ડર બુક છે.આમ આગામી દાયકા સુધી બોઇંગ કરતા એરબસની સરસાઇ નિશ્ચિત છે.

કોમર્શિયલ વિમાનોનું માર્કેટ ૧૬૯ અબજ ડોલર છે જે ૨૦૩૨ સુધીમાં ૨૬૫ અબજ થઈ જશે તેવું બજારના નિષ્ણાતો અનુમાન કરે છે.

દાયકાઓથી આ બે કંપનીઓ વચ્ચે જ ગળાકાપ સ્પર્ધા પ્રવર્તે છે કેમ જેવી કોઈ વિમાનના પાર્ટ્સની કે વિમાન બનાવવાની કંપની ઊભી કરવાનો વિચાર કરે તો બંને વચ્ચે તેવી કંપનીઓને ખરીદવાની પણ હોડ જામે.એરબસ આ રીતે યુરોપની નાની મોટી વિમાન કે પાર્ટ્સ બનાવતી કંપનીઓ હસ્તગત કરીને યુરોપિયન કોન્સર્ટિયમ કહી શકાય.બોઇંગ અમેરિકા અને અન્ય દેશોની કંપનીઓને તેમની વિરાટ પાંખો જેવી બાહુમાં સમાવી લે છે. જેમાં મેકડોનાલ્ડ  ડગલાસને ૧૯૯૭માં મર્જ કરવામાં સફળતા મેળવી તે તેઓની વ્યૂહાત્મક રીતે મોટી જીત હતી. જ્યારે એરબસે વળતો પ્રહાર કરતા બ્રિટિશ એરોસ્પેસ કંપનીને ખરીદી લીધી હતી.

છેલ્લા દસ વર્ષની વાત કરીએ તો એરબસે ૮,૯૫૦ અને બોઇંગે ૫૦૧૨ એરક્રાફ્ટના ઓર્ડર મેળવ્યા છે.

10,000નું સીમાચિન્હ

બોઇંગે ઓક્ટોબર ૧૯૫૮થી નવેમ્બર ૨૦૦૦ એમ ૪૨ વર્ષમાં ૧૦,૦૦૦મું વિમાન વેચ્યું જ્યારે તેના પછી મેદાનમાં ઉતરેલ એરબસે મે ૧૯૭૪થી ઓક્ટોબર ૨૦૧૬ એમ ૪૨ વર્ષમાં જ તેમનું ૧૦,૦૦૦મું વિમાન ડિલિવર કર્યું આમ બંનેનો વેચાણ દર સમાંતર અંતરે આકાશમાં ઉડતા વિમાન જેવો કહી શકાય પણ હવે ઉપર મુજબના આંકડા પ્રમાણે એરબસ કંપનીનું હરીફાઈમાં વિમાનની દુનિયાની  ભાષામાં કહીએ તો નોઝ (નાક) આગળ છે. આજની તારીખે ઓર્ડર બુકિંગની રીતે એરબસ બોઇંગ પર ૩૦૭૮ વિમાનની સરસાઇ ધરાવે છે જો કે તેની ડિલિવરી કરતા કેટલાક વર્ષો નીકળી જાશે.

એન્ટર ધ ડ્રેગન

એક અભ્યાસ પ્રમાણે વિશ્વમાં ૨૦૪૩ના વર્ષમાં ૫૦,૨૦૦ જેટલા નાના મોટા કોમર્શિયલ વિમાનો ઉડતા હશે.બોઇંગ અને એરબસની ઊંઘ ઉડાડવા ચીન હવે મોટે પાયે  વિમાનોના બજારમાં ઝુકાવવાની તૈયારી કરી ચૂક્યું છે અને ૧૦,૦૦૦ વિમાનો સાથે ૨૦ ટકા માર્કેટ શેર તેઓનો ૨૦૪૩માં હશે.૧૪૨ ટકાના ગ્રોથ સાથે ચીન આ બંને કંપનીઓને ચોંકાવી દેશે.

બોઇંગ તેની પ્રણેતા સમાન ઓથોરિટીને લીધે બજાર મેળવે છે. પ્રમાણમાં ઓછું બળતણ તેઓનું વિમાન વાપરે છે તે તેઓનો સેલિંગ પોઇન્ટ છે. જ્યારે એરબસ આધુનિક ડિઝાઇન અને ટેક્નોલોજી સાથે પ્રચાર કરે  છે. જેમ ઘણા કાર ચાલકો મર્સિડીઝ અને ઘણા બી.એમ.ડબલ્યુ પસંદ કરે તેમ એરલાઈન માટે વિમાનની ખરીદીમાં કહી શકાય. બંનેના ફીચર્સ  જટિલ ટેક્નિકલ બાબત છે તેથી આપણે તેમાં નથી પડતા. એરલાઇન કંપની તેના પાઇલોટ્સનો અભિપ્રાય પણ લેતી હોય છે.જેમાં પણ ૫૫ ટકા - ૪૫ ટકાનો ફર્ક પડે છે.

વ્હિસલ બ્લોઅરના મોત

બોઇંગના બજારને ફટકો પહોંચ્યો તેનું સૌથી મોટું કારણ તેમના વિમાનમાં કેટલીક ગુનાઇત કક્ષાની કહી શકાય તેવી  ટેકનિકલ ખામી ૭૩૭ મેક્સ મોડેલમાં આવી હતી.

બોઇંગ કંપનીમાં વિમાન ઉત્પાદનમાં કઈ હદે બેદરકારી ચાલે છે તેનો પર્દાફાશ કરતી અમેરિકામાં વ્હિસલ બ્લોઅરની ટીમ છે. હાલ આવા દસ વ્યક્તિઓ છે. અગાઉ એક આવી વ્યક્તિએ કોર્ટમાં કેસ દાખલ કરે તે પહેલા અંગત કારણસર લમણા પર ગોળી વીંધીને આત્મહત્યા કરી અને બીજી એક વ્યક્તિ કે જે બોઈંગમાંથી નિવૃત્તિ બાદ કંપનીની વિરુદ્ધમાં પડી હતી તેને રહસ્યમય રીતે કોઈ ચેપી બીમારી થઈ અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. જે વ્હિસલ બ્લોઅર છે તેમાંના કેટલાક કંપનીના વિમાનના  ઉત્પાદન સાથે સંકળાયેલા હતા પણ આ રીતે વિમાન ઉત્પાદન કરીને અમે મુસાફરીના મૃત્યુ માટે નિમિત્ત નથી બનવા માંગતા તેમ કહીને કંપની છોડી ચૂક્યા છે અને મીડિયાને આમંત્રણ આપીને બોઈંગને ખુલ્લું પાડે છે. કેટલાક આવા વ્હિસલ બ્લોઅર નિવૃત્તિ બાદ કંપનીને ઉઘાડી પાડીને તેની સામે કેસ કરી ચૂક્યા છે. વિમાનમાં અકસ્માત માટે કારણભૂત બની શકે તેવી શક્યતાની ખબર હોવા છતાં બોઇંગ કંપનીએ  એરબસ સામે હરીફાઈમાં ટકી રહેવાય અને ડિલિવરીના બેકલોગમાં પાછળ ન રહી જાય તેવા ડરથી જાણ છતાં અક્ષમ્ય બેદરકારી સાથે ઉત્પાદન અને ડિલિવરી જારી રાખી હતી તેમ આ વ્હિસલ બ્લોઅર્સ મીડિયાને કોન્ફરન્સ યોજી જણાવે છે. તેઓ કંપની પર આરોપ મૂકે છે કે કંપની યેન કેન પ્રકારે  અમેરિકાની સરકાર દ્વારા નિયુક્ત કરેલ વિમાન જાંચ  કે ઓડિટ સમિતિ પાસેથી તેને મંજૂર કરાવી  વિમાનને બજારમાં મૂકે છે.બોઇંગના બચાવ છતાં પણ તેની ઇમેજને  ફટકો તો પહોંચ્યો જ.

બોઇંગનો બચાવ

જો કે બોઇંગ કંપની એરબસનું નામ આપ્યા વગર એવો બચાવ કરે છે કે ' અમારી શાખ (પ્રતિષ્ઠા) પર ફટકો પહોંચાડવાનું વ્હિસલ બ્લોઅર પદ્ધતિ તે સુનિયોજિત ષડયંત્ર છે. તેઓ બ્લેક મેઇલ કરતા હોય છે અને ચોક્કસ તત્ત્વો તરફથી તગડી રકમ પણ મેળવે છે. તેઓ હોબાળો મચાવે એટલે ઓડિટ ઓફિસર પણ મેદાનમાં આવી તેમની કિંમત મેળવતા હોય તેવું આખુ ચક્કર છે.'

જો કે બોઇંગ બેક ફૂટ પર રહ્યું છે તેનું કારણ એ હતું કે ૭૩૭ મેક્સના ઉત્પાદન વખતે તેના પૂર્જા (પાર્ટસ) કેવી રીતે સુસંગત ન હોય તો પણ મારી 

મચડીને બેસાડવામાં આવતા હતા તે કંપની છોડી ગયેલા ઘણા કર્મચારીઓએ સમર્થન આપ્યું હતું. પાર્ટ આ રીતે બેસાડોને વાંધો નહીં આવે તેવા બેદરકાર  અભિગમ સાથે ઉત્પાદન થતું રહ્યું.  અમુક કન્ફ્યુગરેશનની ભુલ પછી રિસર્ચ અને ડેવલપમેન્ટમાં પાર્ટસ જાય અને ઉત્પાદન ધીમું કે ઠપ્પ થઈ જાય તો એરબસ બોઇંગના ઓર્ડર પણ મેળવી લે તેવો ભય પણ બોઈંગને રહેતો. તેમ મનાય છે.આ ઉપરાંત બજારમાં વાત ઉડે તો ઓર્ડર મોટે પાયે રદ થાય અને કંપની બેઠી ન થઈ શકે.

જો કે બોઇંગે નવા ફેરફાર સાથે ૭૩૭ મેક્સના મોડલને જ જારી રાખીને બજારમાં એમ પુરવાર કરવામાં સફળતા મેળવી કે અમે  ફ્લોપ રહેલા તે ફેલાવેલ ખોટો પ્રચાર જ હતો.

ડ્રીમલાઇનરની વાત

હા, બોઇંગનું ૭૮૭ ડ્રીમલાઇનર છેલ્લા ૧૩ વર્ષથી એરબસને ટક્કર આપતું રહ્યું છે. કેમ કે તેનો ટ્રેક રેકોર્ડ અમદાવાદની દુર્ઘટના બની તે અગાઉ ઝીરો મૃત્યુનો રહ્યો હતો.હા, એક અકસ્માતમાં ૫૦ ઘાયલ થયા હતા. અમદાવાદમાં જે  અકસ્માત થયો તે ૭૮૭ ડ્રીમ એરલાઈનર મોડલના હાલ વિશ્વમાં ૧,૧૪૮ વિમાનો કોઈને કોઈ એરલાઈન્સ માટે સરેરાશ ૭.૫ વર્ષથી ઉડ્ડયન કરે છે. હજુ આવા ૧૪૦૦ વિમાનની ડિલિવરી બાકી છે.

વિમાનના નિષ્ણાતોના મતે ડ્રીમલાઇનર વિમાન પાંચ પ્લસ જનરેશનનું ઉત્કૃષ્ટ વિમાન કહી શકાય. તેનું ફ્લાઇટ ડેટા રેકોર્ડર અતિ આધુનિક છે જે ક્રેશનું કારણ કહી આપશે.આ વિમાન બ્રેક થુ્ર ડિઝાઇન તરીકે વખણાયું છે. લો ફ્યુઅલ અને લાઇટ વેઇટ કોમ્પોઝિટ મટીરિયલ્સ તેમજ લેટેસ્ટ ઇલેક્ટ્રિક સિસ્ટમ તેનું જમા પાસું છે. બે વેરિયન્ટના એન્જિન આ વિમાનમાં છે એક જનરલ ઇલેક્ટ્રિક કંપનીનું એરોસ્પેસ (અમદાવાદના વિમાનમાં તે હતું) અને રોલ્સ રોયસ.

એર ઈન્ડિયા પાસે 33 વિમાનો

એર ઇન્ડિયાએ ૨૦૧૩માં પ્રથમ જથ્થો આ વિમાનનો મેળવ્યો હતો. એર ઈન્ડિયા પાસે આ એક તૂટી પડતા હવે  ૩૩ ડ્રીમલાઇનર છે પણ આશ્ચર્યની વાત છે કે ભારતમાં જ્યારથી ડ્રીમલાઇનરની  ડિલિવરી થઈ ત્યારથી  તેમાં સોફ્ટવેર, ફોર્સ ફ્લાઇટ ડાઇવર્ઝન, તૂટી જતી વિન્ડશિલ્ડ સહિત ૧૩૬ ટેકનિકલ ફોલ્ટ નોંધાયા છે અને રીપેર થયા છે.અમુક વિમાનોમાં જે ફ્યુઅલ એફિસિયન્સીની કંપનીએ ખાતરી આપી હતી તે પ્રમાણે પરિણામ નહીં મળતા એર ઇન્ડિયાએ બોઇંગ પાસે વળતર પણ માંગ્યું હતું.

જો કે એર ઇન્ડિયાએ તે પછી કહ્યું હતું કે 'હવે તમામ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે.'

એર ઇન્ડિયાએ ૫૪ વિમાનના ઓર્ડર આપ્યા હતા તેમાંથી હજુ ૨૦ આવવાના બાકી છે અને વધુ ૨૪ આગળ જતા ખરીદ કરીશું તેવો ઇરાદો લેખિતમાં આપવામાં આવ્યો છે.

આશા રાખીએ કે અમદાવાદના વિમાન ક્રેશનું સત્તાવાર કારણ ઝડપથી જાણવા મળે.  બોઇંગ અને એરબસ વચ્ચે તગડો ધંધો મેળવવા ઉપરાંત સલામત મુસાફરી અને સુરક્ષિત વિમાન માટે પણ અવકાશી સરસાઇ મેળવવાની  સ્પર્ધા થાય તેવી પ્રાર્થના.

Tags :