- બાયોસ્કોપવાલા - મન્નુ શેખચલ્લી
આ એ જ ઐતિહાસિક ફિલ્મ છે જેના શૂટિંગ વખતે મારમારીના એક દ્રશ્યમાં અમિતાભના પેટમાં ટેબલનો ખૂણો વાગી ગયો હતો, જેને 'સામાન્ય ઇજા' માનીને ખુદ અમિતાભે કલાકો સુધી ગણકારી નહોતી...
હેડિંગ વાંચીને ચોંકી ગયા ? 'કુલી' એક મુસ્લિમ સામાજિક ફિલ્મ હતી ?
મોટાભાગના લોકો એમ જ માને છે કે ૧૯૮૨માં આવેલી 'નિકાહ' હિન્દી કોમર્શિયલ સિનેમાની છેલ્લી મુસ્લિમ સામાજિક ફિલ્મ હતી. કેમકે એમાં મેઇન સ્ટોરી 'તલાક'ની આસપાસ હતી. (ફિલ્મનું નામ પહેલાં 'તલાક, તલાક, તલાક' રાખવાના હતા પરંતુ એ બોલવામાં પતિ-પત્ની વચ્ચે ગેરસમજ ના થઈ જાય એમ વિચારીને એ નામ પડતું મુકાયું હતું) પરંતુ 'કુલી' ? કયા હિસાબે મુસ્લિમ મુવી ગણાય ?
તો સાહેબો, આ કોલમ જ એ ટાઇપની નજરથી લખવામાં આવે છે કે જે વાત નોર્મલ લોકોની નજરે ના ચડી હોય એની ઉપર ફોકસ થયું હોય ! હવે વાત 'કુલી'ની, તો જુઓ...
ફિલ્મનાં તમામ મુખ્ય પાત્રો મુસ્લિમ જ છે.
કાદર ખાન (જફર ખાન), વહીદા રહેમાન (સલમા ખાન), અમિતાભ બચ્ચન (ઇકબાલ ખાન), ઋષિ કપૂર (સની ખાન) સત્યેન કપ્પુ (અસલમ ખાન) અને બાકી હતું તે અમિતાભના ખભે જે પક્ષી સતત બેઠું હોય છે અને વિલનોની ખોપડીઓ ઉપર ભાતભાતની ચીજો ફેંકે છે તેનું નામ પણ 'અલ્લા રખ્ખા' છે !
એટલું જ નહીં, અગાઉની હિન્દી ફિલ્મોમાં ક્યારેય નહોતું આવ્યું એવું એક આખું ગીત છે, જે મુસ્લિમોની પવિત્ર યાત્રા 'હજ' અને પવિત્ર મહિનો 'રમઝાન' વિશે છે ! (મુબારક હો તુમ કો હજ કા મહિના)
એ તો ઠીક, ફિલ્મના ક્લાઈમેક્સમાં જે ફાઇટ છે તે મુંબઇની પ્રખ્યાત હાજી અલીની દરગાહમાં થાય છે. અને દરગાહની ચાદર પવનના સૂસવાટામાં ઊડીને અમિતાભના આખા શરીરને લપેટાઈ જાય છે... જેની ઉપર વિલનો બેફામ ગોળીબાર કરે છે છતાં અમિતાભ છેવટે બચી જાય છે !
હા, એક કસર રહી ગઈ ! ફિલ્મમાં માત્ર એક જ ગાયન છે જેમાં 'અલ્લા' શબ્દ આવે છે ! (અમિતાભ બૂમ પાડે છે ઃ 'અલ્લા રખ્ખા... અલ્લા રખ્ખા...') એ જ ગાયનમાં 'રબ્બા રબ્બા' શબ્દો તો પંજાબીમાં પણ ભગવાન માટે વપરાય છે.
બાકી જુની ફિલ્મોમાં તો હિરો હિન્દુ હોય, હિરોઇન પણ હિન્દુ હોવા છતાં બન્ને ગાતાં હોય કે 'યા અલ્લા યા અલ્લા દિલ લે ગઈ... યા અલ્લા યા અલ્લા દિલ લે ગયા...' (ફિલ્મ ઃ ઉજાલા)
'હરિયાલી ઔર રાસ્તા'માં તો દિવાળીના તહેવારનું પણ એક ગીત છે (દેખ કે દુનિયા કી દિવાલી, દિલ મેરા ચૂપચાપ જલા) છતાં એમાં હિન્દુ હિરો અને હિન્દુ હિરોઇન નાચતાં નાચતાં ગાય છે ઃ 'અલ્લા જાને ક્યા હોગા આગે.. મૌલા જાને ક્યા હોગા આગે...' !
આવાં તો ડઝનબંધ ગાયનો આવી ગયાં અને હજી પણ આવતાં જ રહે છે ! પરંતુ છોડો, 'કુલી'ની બીજી મજેદાર વાતો વાગોળવા જેવી છે. જેમ કે...
મનમોહન દેસાઈ તો એમના ક્રેઝી આઇડિયાઝ માટે જાણીતા છે જ ? તો જ્યારે 'એક્સિડેન્ટ હો ગયા રબ્બા રબ્બા'નું શૂટિંગ ઊટીમાં ચાલી રહ્યું હતું ત્યારે ચાલુ શૂટિંગે મનમોહનજીને વિચાર આવ્યો કે 'આખી સફરજન ભરેલી ટ્રક સાથે એક્સિડેન્ટ થાય, અને રોડ ઉપર ચારેબાજુ લાલ લાલ સફરજનો ફેલાઈ ગયાં હોય તો કેવું જોરદાર લાગે ?'
આમાં બિચારો ફિલ્મનો પ્રોડકશન મેનેજર ધંધે લાગી ગયો હતો ! ઊટી જેવા દક્ષિણના શહેરમાં સફરજનો લાવવા ક્યાંથી ? પરંતુ સલામ કરવી પડે એ ભાઈને, જેણે રાતોરાત મુંબઈના હોલસેલ માર્કેટમાંથી આખી ટ્રક ભરીને સફરજનો મંગાવીને હાજર કરી દીધાં હતાં !
બીજી રસપ્રદ વાત એ છે કે મનજી (મનમોહન દેસાઈ) શૂટિંગ કરતાં કરતાં એવા રમમાણ થઈ ગયા હતા કે વાર્તામાં નવા નવા ટ્વિસ્ટ ઉમેરતા જ જતા હતા ! કાદર ખાન પણ કંઈ કમ નહોતા ! એ રાતોરાત નવા સીન લખી આપતા હતા.. પરંતુ જયારે શૂટિંગ પુરું થયું ત્યારે ભાન થયું કે બોસ, આ તો સાડા ત્રણથી પોણા ચાર કલાક ચાલે એટલો મસાલો થઈ ગયો છે ! હવે કરવું શું ?
ત્યારે મનમોહન દેસાઈએ કોને યાદ કર્યા ? ઋષિકેશ મુખર્જીને ! જી હા, ઋષિદા ભલે દિગ્દર્શક તરીકે મશહૂર હોય પરંતુ તે એક અચ્છા એડિટર પણ હતા !
'મેરા નામ જોકર', જે સાડા ત્રણ કલાકની ફિલ્મ હતી, તેને ડિસ્ટ્રીબ્યુટરોની માગણીને ધ્યાન આપીને જ્યારે અઢી કલાકની કરવાની હતી ત્યારે સ્વ. રાજકપૂરે ઋષિકેશ મુખરજીને જ યાદ કર્યા હતા. અહીં મનમોહન દેસાઈએ પણ એ જ કર્યું ! કમાલની વાત અહીં એ છે કે ૨ કલાક ૪૮ મિનિટની ફિલ્મમાં ૪૦ મિનિટ તો ગાયનો જ છે ! છતાં સ્ટોરીના એકપણ ભાગનો છેદ ઉડાડયા વિના ઋષિદાએ પોતાની 'કાતરનો કસબ' દેખાડયો હતો.
એમ તો આજે જે વાત ઉપર મોટાં મોટાં રાજકીય વિવાદો ફાટી નીકળે એવી બે વાતો કુલીમાં હતી ! એક ઃ ઋષિ કપૂર મુસ્લિમ હોવા છતાં હિન્દુ યુવતીને પોતાના પ્રેમમાં પાડે છે ! અને અમિતાભ ખ્રિસ્તી યુવતીને પટાવે છે ! છતાં આમાં કોઈને 'લવ જિહાદ' દેખાઈ નહોતી.
બીજું, 'લંબૂજી લંબૂજી, ટિંગૂજી ટિંગૂજી..ફિલ્મ ગાયનમાં રીતસર સાઉથની જુની ફિલ્મોની ઠેકડી ઉડાડતા હોય એવી વેશભૂષા અને મેકપ વડે પેરોડી કરવામાં આવી હતી ! છતાં તે વખતે સાઉથની ઇન્ડસ્ટ્રીમાં પણ કોઇના પેટમાં કશું દુઃખ્યું નહોતું.
અને હા.. આ એ જ ઐતિહાસિક ફિલ્મ છે જેના શૂટિંગ વખતે મારમારીના એક દ્રશ્યમાં અમિતાભના પેટમાં ટેબલનો ખૂણો વાગી ગયો હતો, જેને 'સામાન્ય ઇજા' માનીને ખુદ અમિતાભે કલાકો સુધી ગણકારી નહોતી... અને પછી એના જ કારણે તેઓ લગભગ મોતના મોં સુધી જઈને પાછા આવ્યા હતા...
આખા દેશમાં અમિતાભ માટે જે દુઆ પ્રાર્થનાઓ થઈ હતી તેવું કદાચ આખી દુનિયામાં જોવા મળ્યું નથી ! અમિતાભને કંઈ એમને એમ 'મહાનાયક'નું બિરૂદ નથી મળ્યું. સૌને યાદ હશે કે ફિલ્મમાં જ્યારે એ દ્રશ્ય આવતું હતું ત્યારે રીતસર એ શોટને 'ફ્રીઝ' કરીને લખાણ સુપર ઇમ્પોઝ થતું હતું કે 'આ છે એ દ્રશ્ય...'
* 'કુલી' એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ તો હતી જ, એ સાથે 'કુલી'ની અધધ... સાત કરોડ ટિકીટો વેચાઇ હતી !
* દિગ્દર્શકની ક્રેડિટમાં બે નામો લખેલાં હતાં ઃ પ્રયાગ રાજ અને મનમોહન દેસાઈ
* વાર્તા માટે મનમોહનજીનાં પત્ની જીવનપ્રભા દેસાઈનું પણ નામ છે !
* કહેવાય છે કે તે સમયના વડાપ્રધાન રાજીવ ગાંધી, જે અમિતાભ સાથે એક જ કોલેજમાં સાથે ભણેલા, તેમણે હોસ્પિટલમાં અમિતાભની સાથે રહેવા માટે અમેરિકાનો પ્રવાસ રદ કર્યો હતો.
* કહેવાય છે કે અમિતાભને જે જીવલેણ ઇજા થઈ તેના બે દિવસ પહેલાં સ્મિતા પાટિલને તેનું સપનું આવ્યું હતું ! તેણે આ બાબતે અમિતાભની ખબર પૂછવા ફોન પણ કર્યો હતો ! બોલો.


