- સરદાર @150 - હસિત મહેતા
- આ લડત દરમ્યાનના અનેક ભાષણોમાં વલ્લભભાઈએ ગાંધીમાર્ગના રચનાત્મક કાર્યો, સત્ય અને અહિંસાના પ્રજાપાઠ વારંવાર લોકોને ભણાવ્યાં છે
વલ્લભભાઈ પટેલની આખી જીવનગાથામાં બોરસદ સત્યાગ્રહનું વિશિષ્ટ સ્થાન છે. તેઓ બોરસદની પ્રજાને આ લડતમાં ઉતારી શક્યાં અને તેમાં સફળતા પણ અપાવી શક્યાં એ તો ખરું, પરંતુ આ લડતકાળ દરમ્યાન તેમણે એક સાચા ગાંધીભક્ત તરીકે, માનવીય મૂલ્યોના નિષ્ઠાવાન નેતા તરીકે અને પ્રજાકીય જીવન કેળવવામાં જે સંગીન ફાળો આપ્યો છે, તે બેનમૂન છે.
આ લડતમાં તેમણે પોતાના પૂર્વાશ્રમના બોરસદી વકીલાતકાળના અનુભવો ઘણાં ખપમાં લગાડયાં હતા. આમ તો ૧૯૧૦ આસપાસ બોરસદ છોડયાં પછી વલ્લભભાઈએ નીચલી કોર્ટની વકીલાત છોડે બાર-તેર વર્ષ વીતી ચૂક્યાં હતા. વળી અમદાવાદે ઉપલી અદાલતની સક્રીય વકીલાતને પણ તિલાંજલી આપી હતી. છતાં જ્યારે બોરસદ સત્યાગ્રહમાં સરકાર સામે બાંયો ચઢાવવાની આવી ત્યારે તેમણે પોતાની બોરસદમાં કરેલી વકીલાત સમયની બાહોશગીરી મુજબ, સરકાર સામેના પુરાવાઓ એકઠાં કરવામાં અને તેમના જુઠ્ઠાણાં ખુલ્લાં પાડવામાં એક ચતુર અને પીઢ વકીલની વિલક્ષણતા દાખવી હતી.
એ સત્યાગ્રહમાં સરકારે વધારાનો એક કર પ્રજા માથે ઠોકી બેસાડયો હતો. આ આરોપમાં મુખ્ય બહાનું એવું બતાવવામાં આવેલું કે પ્રજા બહારવટિયાઓને છુપાવે છે, રક્ષણ આપે છે, અને એ રીતે આ બદી પ્રજાને વાંકે ફેલાય છે. સિંગલાવના ગુલાબરાજા બહારવટિયાના ત્રાસથી પ્રજા તો ઠીક, ખુદ સરકારી અમલદારો પણ ત્રાસી ચૂક્યા હતા. ઉપરાંત બાબરદેવા નામના બહારવટિયાના જુલમ બેસૂમાર વકર્યા હતા. પરંતુ તે પછવાડેની એક કડવી હકીકત એ હતી કે બાબર દેવાને ખુદ પોલીસના આશીર્વાદ હતા. તેને પકડવાને બદલે પાછલે બારણેથી ચેતવીને ભગાડી મુકવાના કાળા કામ પોલીસે કરેલાં. એને માટેની પ્રજાએ જે કોઈ બાતમી આપી હોય તેને પોલીસ જ જાહેર કરી દેતી. તેથી પેલો બહારવટિયો બાતમી આપનારને મારી નાંખતો અને છૂટથી ફરતો. બાબર દેવા ઉપરાંત અલી નામના બહારવટિયાઓની લૂંટફાટો ઘણી વધી હતી, પરંતુ તેને ઉતરસંડાના એક સાગરીતે દગાબાજી કરીને પોલીસને હાથે પકડાવી દીધો. પછી ખુદ પોલીસે જ એ અલી બહારવટિયાની હથકડી છોડીને, તેને બાબર દેવાને પકડી લાવવાના બહાના હેઠળ પોલીસ જાપ્તામાંથી છૂટો મૂક્યો. એ દરમ્યાન બાબર દેવો તો પકડાયો નહીં, પરંતુ અલીની લૂંટફાટો અને હત્યાઓ બેસૂમાર વધી. છતાં પોલીસે અંદરોઅંદર ખાનગી સરક્યુલર કરીને અલીને પકડવામાં છૂટછાટો રાખીને બાબર દેવાને પકડી પાડવાની લેખિત સૂચનાઓ નીચલા અધિકારીઓને આપવા માંડી હતી.
વલ્લભભાઈએ આ વાત જાણી લેવા પોતાના વકીલાતકાળના એવા તો કીમીયાઓ અજમાવ્યાં કે પેલી સરકારી સુચનાઓ, અલીને છૂટો રાખવાની બાબતના કાગળીયાઓ ખાનગી રાહે પકડી પાડયાં. પછી જાહેરમાં તેનો આક્ષેપ કરતાં, ૨-૧૨-૧૯૨૩ના ભાષણમાં હીંમતભેર બોલ્યાં કે 'પોલીસે આ અલીની દોસ્તી કરી. બહાવટિયાને પકડવા માટે બહારવટિયા સાથે સંધિ કરી, તેને બંદૂકો આપી, જે ખૂની અને લૂંટારો હતો તેના હાથમાં એક બીજા લૂંટારાને પકડવા માટે બંદૂકો આપવી પડે એ સરકારને માટે કેટલું શરમભરેલું છે? એ તો સરકારનું નહી, પણ બહારવટિયાનું જ રાજ થયું...... અલીએ જે અત્યાચારો ગરીબ પ્રજા ઉપર કર્યો, તેની જવાબદારી સરકારની જ છે.'
સરકાર સામેના આવા પુરાવા એકઠાં કરીને વલ્લભભાઈએ લડતની વિજયકૂચના પાયા નાંખ્યા હતા. તેમણે બોરસદ પંથકમાં કાર્યકરો પાસે ગામડાઓમાં જાતતપાસ કરાવી હતી. તેનો જે રિપોર્ટ આવ્યો, એ વિશે રવિશંકર વ્યાસ (મહારાજ) અને મોહનલાલ પંડયાને જાણે કે ઉલટતપાસ કરતાં હોય તે રીતે બહુ બધા સવાલો કરવા માંડયા. એ બંને સંનિષ્ઠ કાર્યકરોએ બોરસદ પંથકના ગામડાઓમાં ફરી-ફરીને ખૂબ ઝીણવટથી અહેવાલ તૈયાર કરેલો. છતાં વલ્લભભાઈએ એમની સામે બોરસદકાળના વકીલની જેમ ઉલટતપાસ કરવા માંડેલી. એથી રવિશંકર મહારાજને તો ઘણું માઠું લાગેલું. એમને મનમાં એમ થયું કે 'અમે ગામેગામ ફરીને ખંતથી એટલી બધી વિગત મેળવીને પ્રાંતિક સમિતિ આગળ રજૂ કરી છે, અને આ ભાઈસા'બ (વલ્લભભાઈ) તેની કદર તો કરતાં નથી, ઉલટું અમને જાતજાતના પ્રશ્નો કરે છે. જાણે અમે સાદર કરેલાં રિપોર્ટ પર તેઓ શંકાની નજરે જોતા હોય.'
પરંતુ આગળ જતાં જ્યારે વલ્લભભાઈએ કાર્યકરો સમક્ષ જાહેરમાં એ રિપોર્ટની મુક્તકંઠે પ્રશંસા કરી, ત્યારે રવિશંકર મહારાજ વલ્લભભાઈની સાચી નિષ્ઠા, વિચક્ષણ વકીલ અને સફળ લોકનેતા તરીકેને પ્રતિભાને પારખી શક્યા હતા.
આ લડત દરમ્યાનના અનેક ભાષણોમાં વલ્લભભાઈએ ગાંધીમાર્ગના રચનાત્મક કાર્યો, સત્ય અને અહિંસાના પ્રજાપાઠ વારંવાર લોકોને ભણાવ્યાં છે. તેમણે કહેલું કે 'આ પ્રજાને (લૂંટારાઓને) સુધારી લેવી પડશે. એ લોકોમાં તાકાત છે, બુદ્ધિ છે,... તેમને કાંઈ ચોરીનો શોખ નથી... તેમને સુધારવા માટે સત્યમાર્ગે ચાલનારા સ્વયંસેવકોએ તેમની વચ્ચે આશ્રમ બાંધીને રહેવું જોઈએ. જેઓ ભણીભણીને શહેરમાં ચાલ્યાં જાય છે, એમણે શહેરનો પંથ છોડી સેવાકાર્ય માટે પાછું ગામડામાં આવવું પડશે..... આપણી વચ્ચે ચોર, લૂંટારા ન રહી શકે. આપણાં ગામમાં એવું ધાર્મિક વાતાવરણ થવું જોઈએ કે જેમાં એવું કામ કરતાં હોય તે થરથરી ઉઠે. અહીંના સ્ત્રીપુરુષોમાં એવી ધર્મભાવના આવવી જોઈએ કે જેથી એ લોકોને પ્રભુનો ડર લાગે. એ લોકોને સીધે રસ્તે ચઢાવવા જોઈએ.'
બોરસદ પંથકમાં વલ્લભભાઈના આવા શબ્દોની એવી તો ઘેરી અસર થઈ, કે એ પછી રવિશંકર મહારાજે આ પંથકને જ પોતાની કર્મભૂમિ બનાવીને બહારવટિયાઓને સુધારવાનું પોતાનું જીવનકાર્ય અહીંથી જ આરંભી દીધું હતું. આ અર્થમાં વલ્લભભાઈએ માણસાઈના દીવા પ્રગટાવનાર ગાંધીસેવક રવિશંકર મહારાજનો જન્મ આ સત્યાગ્રહ નિમિત્ત કરાવ્યો છે એમ નિઃશંક કહી શકાય. બોરસદની લડતમાં વલ્લભભાઈએ આવા અસંખ્ય કાર્યકરોને રચનાત્મક કાર્યક્રમમાં વાળ્યાં, અને તેમને સમાજની, પ્રજાની નબળાઈઓ ઉપર વિજય મેળવવા તૈયાર કર્યા.


