Get The App

સાચો પ્રેમ કાયમ જવાબદારી લાવે છે...

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
સાચો પ્રેમ કાયમ જવાબદારી લાવે છે... 1 - image

- ઝાકળઝંઝા - રવિ ઈલા ભટ્ટ

- 'દાદી, એણે આવું નહોતું કરવા જેવું. તે મને છેલ્લાં એક વર્ષથી પ્રેમ કરતો હતો. હું કોલેજમાં ગઈ ત્યારથી અમારા રિલેશન હતા'

મુગ્ધા કોલેજથી ઘરે આવી અને સીધી જ પોતાના રૂમમાં જતી રહી. કોઈની જોડે વાત નહીં, કોઈને કશું જ કહેવાનું નથી અને સૌથી મોટી વાત તો એ હતી કે, તેની રાહ જોઈ રહેલી દાદીને પણ તેણે બોલાવ્યા નહીં. 

'નીમી... આ છોકરી કેમ હજી આવી નહીં? એક વાગી ગયો. પોણો વાગતા પહેલાં તો મુગ્ધા આવી જ જાય છે. તેનો કલબલાટ પણ ચાલુ થઈ જાય છે. આજે કેમ મોડી પડી હશે?' - પ્રેમલતાબેને હાઉસમેડને કહ્યું.

'દાદી, મુગ્ધા તો એના રૂમમાં છે. આજે સ્કુટી લીધા વગર ગઈ હતી. કદાચ સુહાની સાથે ગઈ હતી અને તેની સાથે જ આવી ગઈ હશે. હું કચરો વાળવા ગઈ ત્યારે તે બેડ ઉપર પડી હતી. મને એમ કે તમને ખબર હશે.' - નીમીએ જવાબ આપ્યો અને પ્રેમલતાબેન મુગ્ધાના રૂમ તરફ દોડી ગયા.

'મુગ્ધા, શું થયું દીકરી તને? તારા ચહેરા ઉપર જરાય નૂર નથી. કોલેજથી આવે અને ઘરમાં ઘુસતાની સાથે કલબલાટ શરૂ કરી દેતી મારી આ કાબર આજે કેમ ચુપચાપ છે. તબિયત તો સારી છે ને બેટા?' - પ્રેમલતાબેન મુગ્ધાના કપાળે હાથ મુકતા કહ્યું.

'દાદી, જવા દો ને યાર, આજે જરાય મૂડ નથી. મને મજા નથી. મારે થોડીવાર આરામ કરવો છે.'  - મુગ્ધાએ નિરસ જવાબ આપ્યો.

'સારું, પહેલાં થોડું ખાઈ લે, પછી આરામ કરજે. હું પરવારી જાઉં તો મારે પણ થોડો આરામ થાય. ચાલ ફ્રેશ થઈ જા, હું આપણા બંનેની થાળી પિરસીને અહીંયા જ લેતી આવું છું.' - પ્રેમલતાબેન એટલું બોલીને રૂમની બહાર નીકળ્યા.

'દાદી, હું બહાર જ આવું છું. અહીંયા કશું ના લાવતા.' - મુગ્ધાએ અંદરથી બુમ મારી. 

પ્રેમલતાબેને થાળી પિરસી અને દસ મિનિટમાં તો દાદી અને દીકરી જમવા માટે ગોઠવાઈ ગયા. અહીંયા પણ એક મોટું આશ્ચર્ય અને કદાચ એમ કહીએ કે મુગ્ધાનો વધુ એક સેડ મોનોલોગ જોવા મળ્યો. લન્ચ દરમિયાન પહેલી વખત મુગ્ધાએ ટીવી ચાલુ કર્યું નહોતું. આ ઉપરાંત તેનું ભાવતું ભોજન થાળીમાં હતું છતાંય સાવ નિરસતાથી ભોજન કરીને દસ મિનિટમાં તો તે પોતાના રૂમમાં જતી રહી.

પ્રેમલતાબેન સમજી ગયા કે કોલેજમાં કંઈક અજૂગતુ થયું છે જેની અસર આ બાળક ઉપર ગંભીર રીતે થઈ છે. 

મુગ્ધાનો જન્મ થયો ત્યારથી આજ દિન સુધી પ્રેમલતાબેન અને મુગ્ધાનું બોન્ડિંગ મજબૂત હતું. બંને એકબીજાના સાથી, મિત્રો અને કદાચ બધું જ હતા. 

મુગ્ધાના મમ્મી-પપ્પા પારિવારિક બિઝનેસ ચલાવવામાં મશગુલ રહેતા હતા. મુગ્ધાના દાદા તો તેના જન્મ પહેલાં જ દેવ થઈ ગયા હતા. તેના કારણે પ્રેમલતાબેનના એકલવાયા જીવનમાં મુગ્ધા જ પ્રેમ લઈને પરત આવી ગતી. મુગ્ધાને નર્સરીમાં અભ્યાસ માટે મૂકી ત્યારથી દરેક ટીચર, ફ્રેન્ડ, દુશ્મન, ઈવેન્ટ, સ્કુલની તમામ નાની-મોટી ઘટનાઓ, ફેવરિટ પર્સન અને બધું જ દાદીને કહેવામાં આવતું. 

સ્કુલથી શરૂ કરીને કોલેજના બીજા વર્ષ સુધી દરરોજ થતી ઘટનાઓની ચર્ચા બંને જણા કરતા. મુગ્ધા આવે એટલે તરત જ બેગ ફેંકે અને ખુરશીમાં પલાઠીવાળીને બેસી જાય. તે ત્યાંથી બોલ્યા કરે અને દાદી હુંકારા કરતા રહે. તે થાળી પિરસીને લાવે ત્યારે ટીવી ચાલુ થાય. ત્યારબાદ જમવાનું, ટીવી જોવાનું, હસવાનું, વાતો કરવાનું પણ ચાલુ જ હોય. કલાક સુધી જમવાનું અને પછી ઉંઘી જવાનું. 

સાંજે મુગ્ધા સરસ મજાની ચા બનાવે અને પછી બંને જણા ચાની ચુસ્કીઓ માણે. ત્યારબાદ મુગ્ધા મ્યુઝિક ક્લાસ જાય અને દાદી ઘર અવેરવા માંડે. આજે આ ક્રમ તૂટયો હતો. લન્ચ પછી પ્રેમલતાબેને જોયું તો મુગ્ધા ઓશિકામાં મોઢું દબાવીને પડી હતી. તેમને ખબર હતી કે આ છોકરી જાગે છે પણ તેઓ માત્ર તેને જોઈને પોતાના રૂમમાં આવ્યા અને થોડીવાર લંબાવ્યું.

સાંજના નિયત સમયે તેઓ ચા લઈને મુગ્ધાના રૂમમાં ગયા અને ટેબલ ઉપર ચા મૂકી.

'અરે, સોરી દાદી. આજે સહેજ થાક લાગ્યો હતો તેમાં થોડું વધારે ઉંઘી ગઈ. તમારે ચા બનાવવી પડી.' - મુગ્ધાએ કહ્યું.

'ચા પી લે અને પછી હિંચકે આવજે. તું આજે મ્યુઝિક ક્લાસમાં જવાની નથી તો આપણે વાતો કરીએ.' - પ્રેમલતાબેન એટલું બોલીને જતા રહ્યા અને મુગ્ધાની આશ્ચર્યભરેલી આંખો તેમને જોતી રહી. થોડીવાર રહીને મુગ્ધા ફ્રેશ થઈને હિંચકે આવી. દાદી તેની રાહ જ જોતા હતા તેમ સજ્જ બેઠા હતા.

'... તો કયા છોકરાએ કર્યું?' - પ્રેમલતાબેને સીધો સવાલ કર્યો.

'દાદી... તમે શું કહેવા માગો છો મને સમજાયું નહીં. મારે કોઈ છોકરા સાથે શું લેવાદેવા.' - મુગ્ધાનો અવાજ તુટતો હતો.

'બેટા, હું પણ કોલેજ ગઈ હતી અને પ્રેમ નામની ગલીમાં અમે પણ ચક્કર કાપ્યા હતા. મને પણ ખોટા એડ્રેસનો સામનો થયેલો છે.' - દાદીએ કહ્યું અને મુગ્ધા રડી પડી.

'દાદી, એણે આવું નહોતું કરવા જેવું. તે મને છેલ્લાં એક વર્ષથી પ્રેમ કરતો હતો. હું કોલેજમાં ગઈ ત્યારથી અમારા રિલેશન હતા. છેલ્લાં પંદર દિવસથી મને ભાવ આપતો નથી. મારી સાથે વાત કરતો નથી. આજે તે એક છોકરીને કિસ કરતો હતો.' - મુગ્ધા એટલું બોલીને ધૂ્રસકે ને ધૂ્રસકે રડી પડી.

'મારી દીકરીને પ્રેમમાં દગો મળ્યો છે. સરસ. બેટા તું હજી લાગણીઓના જંગલમાં નવી છે. તું પેમ્પર્ડ ચાઈલ્ડ છે. તને એમ છે કે તને ગમ્યું તે તારું અને બીજા કોઈનું નહીં. સમાજ તદ્દન જુદી રીતે જીવી રહ્યો છે.'- દાદી બોલ્યા અને મુગ્ધા અટકી ગઈ.

'દાદી તમારા એજની વાતો ન કરશો. મને ક્લીયર કહો.' - મુગ્ધાએ ડૂસકું ખાતા કહ્યું.

'બેટા, કોલેજમાં પ્રેમ થાય અને તુટી જાય તે સ્વાભાવિક છે. અહીંયા મોટાભાગના પ્રેમ નાશવંત હોય છે. ટેમ્પરરી. જે આઈ લવ યુથી શરૂ થયા, વિલ યુ મેરીના પ્રપોઝલ સુધી પહોંચે અને વચ્ચે જો ફર્સ્ટ નાઈટનો એક્સપિરિયન્સ મળી જાય તો કામ પૂરું અને સંબંધ પણ.' - દાદીએ બોમ્બ ફોડયો અને મુગ્ધા ફાટી આંખે તેમની સામે જોઈ રહી.

'બેટા આ ઉંમર એવી છે જેમાં શારીરિક અને માનસિક આકર્ષણ થતા હોય છે. મને પણ કોલેજમાં પ્રેમ થયો હતો.' - દાદી બોલ્યા.

'શું વાત કરો છો? તો દાદા સાથે તમારા લવ મેરેજ થયા હતા? વાહ. મને તમારી લવસ્ટોરી કહો.' - મુગ્ધા જાણે કે પીડામાંથી એકાએક બહાર આવીને ઉત્સુકતાના ઘોડા ઉપર સવાર થઈ ગઈ.

'મને યાદ છે, કોલેજમાં એક પ્રમોદ કરીને છોકરો હતો. અમને બંનેને એકબીજાનું આકર્ષણ હતું પણ હું તેને પ્રેમ સમજતી હતી. થોડા દિવસ તેણે મને ઘાસ નાખ્યું પણ હું ચરવા માટે તેના તબેલા સુધી ના ગઈ એટલે તેણે નવી બકરી ફસાવી.' - દાદી બોલ્યા.

'ના હોય ! તમારા જમાનામાં પણ આવું ચાલતું હતું !' - મુગ્ધા બોલી.

'બેટા, જમાનો કોઈપણ હોય, સંબંધોમાં છેતરવાનું પહેલેથી ચાલે જ છે. પ્રેમના નામે શરીર અને શરીરના નામે પ્રેમ ઝંખનારા લોકો કાયમ છેતરાતા જ આવ્યા છે.' - દાદી બોલ્યા પણ મુગ્ધાને કંઈ સમજાયું નહીં.

'બેટા, મારું અને પ્રમોદનું એકાદ વર્ષમાં બ્રેકઅપ થઈ ગયું. ત્યારબાદ મારી લાઈફમાં કમલેશ આવ્યો હતો. તે મને પસંદ કરતો હતો. તેણે ક્યારેય મને સ્પર્શ શુદ્ધા નહોતો કર્યો. મને પણ તે ગમતો હતો છતાં તેનામાં હિંમત નહોતી કે તે અમારા પ્રેમ વિશે તેના ઘરે વાત કરી શકે. મેં મારા ઘરે વાત કરી પણ કમલેશ મળવા જ ન આવ્યો.' 

'ઓહ શીટ..! તો પછી તમે શું કર્યું! તમારા પેરેન્ટ્સ તો એ જમાનામાં બહુ એગ્રેસિવ અને ઓર્થોડોક્સ હશે.' - મુગ્ધા બોલી.

'હા થોડી તકલીફ થઈ પણ તેમણે મને કહ્યું કે, હવે કોઈ સારો છોકરો પસંદ કરી લેવો જોઈએ. 

ત્યારે મેં તારા દાદાને પસંદ કર્યા.' 

'તારા દાદા સાથેની જિંદગી શરૂ થઈ ત્યારે મને પહેલી વખત સમજાયું કે પ્રેમ માત્ર વાતો કે ગુલાબી લાગણીઓ નથી. પ્રેમમાં જવાબદારી છે. તમારી સાથે જોડાયેલા પાત્રને સાચવવાની, તેને ઈમોશનલ સપોર્ટ આપવાની, તેની ખુબીઓને વધારવાની અને તેની ખામીઓને દબાવવાની કે શક્ય બને તો તેને દૂર કરવાની અથવા તો જતી કરવાની લાગણી છે.' 

'પ્રેમ એટલે માત્ર આઈ લવ યુ કહીને પૂરું થતું જીવન નથી. જે પ્રેમની વાત થાય છે તેને આજીવન નિભાવતા રહેવું પડે છે. ગમે તે સ્થિતિ, ગમે તે ઉંમર અને ગમે તે સ્થળ-કાળ હોય તેમાં તમારા પ્રિય પાત્રની પડખે ઊભા રહો અને તેનો હાથ પકડીને અનુભવ કરાવતા રહો કે ચિંતા ના કરીશ હું છું. તેનું નામ પ્રેમ છે.' 

'આવા ઉછાંછળા પ્રેમીઓ જતા રહે તેમાં બહુ ચિંતા નહીં કરવાની. જે લાગણીઓની દરકાર કરે તેવો કોઈક મળે તો જવા ન દેતી. આનંદ કરવો અને કરાવવો તે યુવાનીની નિશાની છે પણ અવગત થઈને પણ અળગા રહેવું અને એકબીજાની સાથે રહેવું તે પ્રેમ છે.' - દાદીએ કહ્યું અને મુગ્ધાના ચહેરા ઉપર ફરી મુગ્ધ હાસ્ય રેલાઈ ગયું.