- Sports ફન્ડા - રામકૃષ્ણ પંડિત
- છ ફૂટ પાંચ ઈંચ ઊંચાઈ ધરાવતા દક્ષિણેશ્વરે ડેવિસ કપમાં લિએન્ડર પેસના ૨૨ વર્ષ જૂના રેકોર્ડની બરોબરી કરી
જનારી રાત્રિ જતા કહેજે સલૂણી એવી સવાર આવે - સમયનાવહેતા પ્રવાહમાં ચડાવની સાથે ઉતાર જોડાયેલો હોય છે અને રાત્રિના અંધકાર બાદ પ્રગટતા ઉષાના નવા ઓજસની સાથે જાણે ઊર્જાનો નવો સંચાર પણ જોવા મળે છે. જે નવી ઊંચાઈને સ્પર્શવા માટેનું જોશ તો જગાવે જ છે, તેની સાથે સાથે પડકારોને હાંસલ કરવાનો હોંસલો પણ બુલંદ કરે છે. ભારતીય ટેનિસ જગતમાં પણ નવી શરુઆતનો પ્રકાશ રેલાવાનો શરુ થઈ ગયો છે અને તેના કારણે સમગ્ર ભારતીય રમત જગત આ નવી પ્રતિભાને આવકારવા માટે ઉત્સુક બની છે. આ યુવા પ્રતિભા એટલે દક્ષિણેશ્વર સુરેશ.
માત્ર ૨૫ વર્ષના તરવરિયા યુવાન ટેનિસ સિતારાએ ડેવિસ કપમાં ધમાકેદાર પ્રવેશ મેળવતા ભારતને યાદગાર સફળતા અપાવી છે. ઘરઆંગણે બેંગાલુુર ખાતે યોજાયેલી ડેવિસ કપ ક્વોલિફાયર-વન ટાઈમાં દક્ષિણેશ્વર સુરેશે સ્વિત્ઝરલેન્ડ સામેની બંને સિંગલ્સ મેચ જીતી લીધી હતી. તેણે ડબલ્સમાં પણ યુકી ભામ્બરી સાથે ડબલ્સ મેચમાં પણ મેરેથોન સંઘર્ષ બાદ વિજય મેળવ્યો હતો. ડેવિસ કપની કારકિર્દીની શરુઆત જ થઈ રહી છે, ત્યારે દક્ષિણેશ્વરે જે પ્રકારની પરિપિક્વતા સાથે દેખાવ કરી બતાવ્યો છે, તે દાદ માંગી લે તેવો છે. કટોકટીની પળોમાં સ્પર્ધામાં ટકી રહેવાના મિજાજની સાથે તેની આક્રમક સર્વિસ પણ હરિફ ખેલાડીને બેકફૂટ પર ધકેલી દેવા માટે પુરતી છે. તેના જ સહારે દક્ષિણેશ્વરે સફળતા મેળવતા ઈતિહાસ આલેખી દીધો છે.
હજુ ગત વર્ષે જ દક્ષિણેશ્વરને પહેલીવાર ભારતીય ઼ડેવિસ કપ ટીમ તરફથી ટેનિસ કોર્ટ પર ઉતરવાની તક મળી હતી. સ્વિટઝર્લેન્ડના બિયલમાં યોજાયેલી વર્લ્ડ ગુ્રપ વન ટાઈમાં ભારતનો ૧-૩થી પરાજય થયો હતો અને તે મેચમાં ભારતનો એકમાત્ર વિજય દક્ષિણેશ્વરના નામે જ નોંધાયેલો હતો. હવે તેણે નેધરલેન્ડ સામેની ભારતની જીતમાં યાદગાર દેખાવ કરતાં ડેવિસ કપમાં કારકિર્દીની શરુઆતની ત્રણેય સિંગલ્સ મેચ જીતવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે ડેવિસ કપમાં તેણે રમેલી ચારેય મેચમાં ભારત જીત્યું છે. તેમાં ય દક્ષિણેશ્વરે નેધરલેન્ડ સામે તો વર્લ્ડ રેન્કિંગમાં ૮૮મું સ્થાન ધરાવતા જેસ્પર ડે જોંગ જેવા સુપરસ્ટર ખેલાડીને પરાજીત કર્યો હતો.આ તેનો એટીપી રેન્કિંગમાં ટોપ-૧૦૦માં સ્થાન ધરાવતા ખેલાડીઓ સામે સૌપ્રથમ વિજય હતો.
ભારતીય ટેનિસ જગતમાં છેલ્લા બે દાયકાથી વધુના ઈતિહાસમાં આ પહેલી વખત છે કે, કોઈ ખેલાડી ડેવિસ કપની એક ટાઈમાં બે સિંગલ્સ અને એક ડબલ્સ એમ ત્રણ મેચમાં ભાગ લીધો હતો અને ત્રણેયમાં વિજય મેળવ્યો હતો. દક્ષિણેશ્વરે આ મામલે ભારતના જ મહાન ટેનિસ સુપરસ્ટાર લિએન્ડર પેસની હરોળમાં સ્થાન મેળવી લીધું છે. લિએન્ડર પણ ૨૨ વર્ષ પહેલા આ પ્રકારે એક ટાઈમાં બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચ જીતવામાં સફળ રહ્યો હતો. લિએન્ડરે આ સફળતા ૨૦૦૪માં જાપાન સામે મેળવી હતી. રસપ્રદ બાબત એ છે કે, ભારતે તે મેચ પછી આ વખતે પહેલીવાર કોઈ એક ખેલાડીને ટાઈની ત્રણ મેચમાં ઉતાર્યો હતો અને તેણે ત્રણ મેચ જીતી બતાવી હતી.
છ ફૂટ અને પાંચ ઈંચ ઊંચાઈ ધરાવતો દક્ષિણેશ્વર કોઈને પણ પહેલી નજરે બાસ્કેટબોલની રમતનો ખેલાડી જ લાગે. જોકે, ટેનિસમાં તેની ઊંચાઈનો ફાયદો તેને આક્રમક સર્વિસમાં મળે છે. તે તેની રમતનું સૌથી મજબુત પાસું છે. આમ છતાં હજુ તેને ગ્રાઉન્ડસ્ટ્રોક્સમાં મહેનત કરવાની જરુર છે. વધુમાં તેના જેવી ઊંચાઈ ધરાવતા ખેલાડીઓને ઈજા થવાનું જોખમ રહે છે. જોકે મદુરાઈમાં જન્મેલા આ ખેલાડીએ તેની ફિટનેસમાં સુધારો કરવા તરફ પણ વિશેષ ધ્યાન આપ્યું છે અને તેનો ફાયદો હાલના તબક્કે તેને મળેલી સફળતાના પાયામાં જોવા મળી રહ્યો છે.
અમેરિકાની વક ફોરેસ્ટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા દક્ષિણેશ્વર સુરેશ મે મહિનામાં સ્નાતક તરીકેનો અભ્યાસ પુરો કર્યા બાદ પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકેની કારકિર્દીનો પ્રારંભ કરશે. હાલમાં તે માત્ર કોલેજ ટેનિસ અને ડેવિસ કપમાં જ ભાગ લઈ રહ્યો છે. જોકે તેણે આ સ્તરે મેળવેલી સફળતા અને તેની રમત તેમજ ફિટનેસનું સ્તર જોતાં આગામી સમયમાં તે નવો ઈતિહાસ રચશે તેવી આશા ભારતીય ટેનિસના દિગ્ગજો રાખી રહ્યા છે.
ભારતીય ટેનિસના પોસ્ટર બોય બનવા તરફ આગળ વધી રહેલા દક્ષિણેશ્વર સુરેશની ભારતીય ટેનિસ ટીમ સુધની સફર અત્યંત લાંબી અને સંઘર્ષમય રહી છે. તમિલનાડુના મદુરાઈમાં જન્મેલા દક્ષિણેેશ્વરને ટેનિસ પ્રત્યેનો લગાવ અમેરિકાના નોર્થ કારોલિનાની વૅક ફોરેસ્ટ યુનિવર્સિટી સુધી લઈ ગયો અને ત્યાં મેળવેલી સફળતાના પગલે તેને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ.
દક્ષિણેશ્વરને ટેનિસના સંસ્કાર લોહીમાં જ મળ્યા. તેના પિતા સુરેશ અક્કા તમિલનાડુના ડિન્ડિગુલમાં વસતા અને ત્યાં કલબ લેવલે ટેનિસ રમતાં હતા. તેમના કારણે દક્ષિણેશ્વર પણ ટેનિસ કોર્ટમાં પ્રવેશ્યો. પિતાની સાથે ટેનિસ રમતાં નાનકડા દક્ષિણેશ્વરની પ્રતિભાનો ચમકારો સૌથી પહેલા ચેન્નાઈના કોચ લક્ષ્મણ ચક્રવર્થીને દેખાયો હતો. તેમના આગ્રહથી સુરેશે તેમના પુત્રને ટેનિસની પદ્ધતિસરની તાલીમ માટે ચેન્નાઈ ખાતેની એકેડમીમાં મૂક્યો.
નવ વર્ષના દક્ષિણેશ્વરની ટેનિસ ખેલાડી તરીકેની સફરનો આ સાથે પ્રારંભ થયો. તે દરરોજ બસમાં બેસીને ૧૬ કિલોમીટરનું અંતર કાપીને એકેડમી પર જતો અને ત્યાં પ્રેક્ટિસ કર્યા બાદ પરત ફરતો. આ પછી અભ્યાસ પર ધ્યાન આપતો. બરોબર સાત વર્ષ સુધી આ સિલસિલો અવિરત ચાલતો રહ્યો. દક્ષિણેશ્વરે ક્યારેય પ્રેક્ટિસમાં પાછી પાની કરી નહતી. કોચના આકરા નિર્ણયો અને પડકારોને ઝીલવા માટે તે તૈયાર રહેતો. મોટી ઉંમરના ખેલાડીઓ સામેના મુકાબલામાં પણ તેે શ્રેષ્ઠ દેખાવ બહાર લાવવાની કોશીશ કરતો.
આખરે ૨૦૧૬માં તેની પસંદગી ફ્રાન્સમાં યોજાનારા એક ટેનિસ ક્લિનિકમાં તાલીમ માટે થઈ હતી અને તેનો અનુભવ નિર્ણાયક સાબિત થયો. તેણે ત્યાંથી પરત ફર્યા બાદ દિલ્હીમાં યોજાતી અંડર-૧૬ નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ - ફિનેસ્ટા ઓપન જીતી બતાવી. અલબત્ત, પુરતા આર્થિક પીઠબળ અને પ્રાયોજકોના અભાવને કારણે તેની પ્રતિભાને ઉડાન માટે ખુબ જ મર્યાદિત આકાશ મળી શક્યું.
દક્ષિણેશ્વર ૧૮ વર્ષનો હતો, ત્યારે તેને પીઠની ઈજા પરેશાન કરવા માંડી. તેના કારણે તે ટેનિસથી છ મહિના દૂર રહ્યો. આ પછી કોરોનાનો કાળ શરુ થયો, જેમાં ટુર્નામેન્ટ્સ પણ બંધ થઈ ગઈ. આ પછી ભારતના ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી સોમદેવ દેવવર્મનની સલાહ પર દક્ષિણેશ્વરે અમેરિકામાં વિકલ્પોની તલાશ શરૂ કરી અને તેને અમેરિકાના કોલેજ ટેનિસમાં સ્પોન્સરશિપ પણ મળી ગઈ.
અમેરિકાની વૅક ફોરેસ્ટ યુનિવર્સિટીમાં કોમ્યુનિકેશન સ્ટડીઝનો અભ્યાસ કરી રહેલા દક્ષિણેશ્વરને વધુ સારી સુવિધાઓ મળવા માંડી. વૈજ્ઞાાનિક ઢબની તાલીમ અને ઉચ્ચ સ્તરની સુવિધાઓને કારણે તેની રમતમાં આગવો નિખાર આવવા માંડયો. અમેરિકાના કોલેજ ટેનિસમાં પ્રભાવ પાડનારા દક્ષિણેશ્વરને ગત વર્ષે ભારતીય ડેવિસ કપ ટીમમાં સમાવી લેવામાં આવ્યો હતો અને સ્વિત્ઝર્લેન્ડ સામે ભારતની હાર છતાં દક્ષિણેશ્વરે તેની સિંગલ્સ મેચ જીતીને પસંદગીકારોના નિર્ણયને ખરો ઠેરવ્યો.
હવે નેધરલેન્ડ સામે યાદગાર જીતમાં પાયાનું પ્રદાન કરનારા દક્ષિણેશ્વરે ભારતીય ટેનિસ જગતમાં નવી ચેતનાનો સંચાર કર્યો છે. હવે મે મહિના પછી તે પ્રોફેશનલ ટેનિસ ખેલાડી તરીકે કારકિર્દી શરુ કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.


