- આજકાલ - પ્રીતિ શાહ
- આ વર્ષે પદ્મશ્રી મેળવનાર ડૉ. અશોકકુમાર સિંહ ૨.૫ મિલિયન હેક્ટરના જી.આઈ.ટેગ ઝોનમાં દસ મિલિયન ટન બાસમતીનું ઉત્પાદન કરે છે
ઉત્તરપ્રદેશના ગાઝીપુર જિલ્લાના બરહટ ગામમાં એક ખેડૂત પરિવારમાં અશોકકુમાર સિંહનો જન્મ થયો હતો. એમના પિતા કેદારનાથ સિંહે માત્ર સાત ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો, પરંતુ શિક્ષણ દ્વારા જ વિકાસ થઈ શકે તેવી દ્રઢ શ્રદ્ધા ધરાવતા હતા. અશોકે નાનપણમાં ગામડાંના ગરીબ લોકોને ઢોરના ગોબરમાં નીકળેલું આખું અનાજ ધોઈને તેમાંથી રોટલી બનાવતા જોયા હતા. આ દ્રશ્ય તેમના મનમાં ઊંડે સુધી આઘાત કરી ગયું. ગરીબોના જઠરાગ્નિનો અગ્નિ અશોક સિંહમાં પ્રજ્વલિત રહ્યો. આ પરિસ્થિતિએ તેમને કૃષિ વૈજ્ઞાનિક બનવાની પ્રેરણા આપી. એક નાના ગામમાં રહીને આવું નક્કી કરવું સહેલું નહોતું. તેઓ દરરોજ પચીસ કિમી. સાઈકલ ચલાવીને અભ્યાસ કરવા જતા હતા. અભ્યાસની સાથે સાથે ખેતર ખેડવાનું, પશુઓને ચારો ખવડાવવાનો, ગાય-ભેંસોને દોહવાની અને શેડની સફાઈનું કામ પણ નિયમિત રીતે કરતા. અભ્યાસમાં તેજસ્વી અશોકકુમારે યુ.પી. બોર્ડમાં ચોથા ક્રમે ઉત્તીર્ણ થઈને બનારસ હિંદુ યુનિવર્સિટીમાં સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ દિલ્હીમાં આવેલી ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં પ્રો. ઈ.એ. સિદ્દીકી પાસે પીએચ.ડી. કર્યું. પ્રો. સિદ્દીકી પ્રસિદ્ધ કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથનના શિષ્ય હતા, જેમણે પારંપરિક બાસમતી ચોખાની ગુણવત્તા સાથે અધિક ઉત્પાદનની પરિકલ્પના કરી હતી.
બનારસ હિંદુ યુનિવર્સિટીમાં એમ.એસસી.ના અભ્યાસક્રમ દરમિયાન સંકર જાતો પર સેમિનાર હતો, ત્યારે ચોખાની અમુક જાતોની અનુકૂલન ક્ષમતાથી અશોકકુમાર પ્રભાવિત થયા. તેમણે જોયું કે કુટ્ટાનાડના સમુદ્રથી બે મીટર નીચેથી લઈને જમ્મુ-કાશ્મીરના બે હજાર મીટર ઉપર સુધી ચોખાનું ઉત્પાદન થાય છે. તેમણે ૧૯૮૬માં પીએચ.ડી.ના વિદ્યાર્થી તરીકે અને ૧૯૯૪માં એક વૈજ્ઞાનિક તરીકે અન્ય અધ્યાપકો સાથે પૂસા બાસમતી ૧ અને પૂસા બાસમતી ૧૧૨૧ પર કામ કર્યું. બાસમતી ચોખા તેની સુગંધને કારણે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. સંસ્કૃત શબ્દ 'વાસમતી' પરથી બાસમતી નામ પડયું છે, 'વાસમતી'નો અર્થ સુગંધિત થાય છે. બાસમતી ચોખાનો સાડા છ - સાડા સાત મિ.મી.નો કાચો દાણો રાંધ્યા પછી બારથી ચૌદ મિ.મી. જેટલો મોટો થાય છે અને તે પણ તૂટયા વિના અને એકબીજાને ચોંટયા વિના. પહેલાં દેહરાદૂન અને કરનાલના બાસમતી ચોખા તેની લંબાઈ, પાતળા દાણા અને સુગંધ માટે જાણીતા હતા. ૧૯૯૨ સુધી બાસમતી ૩૭૦ અને તારાઓરી બાસમતીની સરખામણીમાં કરનાલ લોકલ ગુણવત્તાવાળા અને શ્રેષ્ઠ મનાતા હતા, પરંતુ અશોકકુમાર સિંહે સંશોધન કરીને ઘણી શ્રેષ્ઠ જાતો આપી. તેમણે પૂસા બાસમતી ૧૫૦૯ અને ૧૬૯૨ની જાતને વિકસિત કરી, જે ૧૨૦ દિવસમાં તૈયાર થવા લાગી. પારંપરિક બાસમતી ૩૭૦ને પરિપક્વ થવામાં દોઢસો દિવસ થાય છે તે પ્રતિ એકર માત્ર નવ-દસ ક્વીન્ટલની ઉપજ આપે છે જ્યારે પૂસા બાસમતી ૧૧૨૧ એકર દીઠ વીસ ક્વીન્ટલની ઉપજ આપે છે અને ૧૪૦ દિવસમાં પરિપક્વ થઈ જાય છે.
ડૉ. અશોકકુમારે તાતા એનર્જી રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં રાઈના બ્રીડરનું કામ કરતા ડૉ. દીપક પેન્ટલ પાસેથી તેમને મોલેક્યૂલર બાયોલોજીનું જ્ઞાન પ્રાપ્ત થયું અને તેમણે પણ મોલેક્યુલર બ્રીડિંગમાં કામ કર્યું. પોતાની પ્રયોગશાળા અને પીચએ.ડી.ના પાંત્રીસ વિદ્યાર્થીઓ દ્વારા પંદર જેટલી બાસમતીની જાતો વિકસાવી. એમાંથી જે જાતોમાં સુગંધ, દાણાની લંબાઈ અને સ્વાદમાં ઉત્કૃષ્ટ હતી તે જાતોને પસંદ કરી. પરંપરાગત ચોખામાં પ્રતિ કિલો માટે બેથી ચાર હજાર લીટર પાણી વપરાય છે, જેમાં કાદવકીચડવાળાં ખેતરો અને સ્થિર પાણી ભરેલું હોય છે. અશોકકુમાર સિંહે બાસમતી ૧૯૭૯ અને ૧૯૮૫ જેવી નિંદામણનાશક-સહિષ્ણુ જાતો દ્વારા ડાયરેક્ટ સીડેડ રાઈસનું સમર્થન કર્યું.
આ જાતોના પરિણામ ચોંકાવનારા હતા. તેમાં ત્રીસ ટકા પાણીની બચત થયેલી. એક એકર દીઠ શ્રમ પાછળ ચાર હજાર રૂપિયા ખર્ચ થયો હતો. ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન પાત્રીસ ટકા ઓછો થયો હતો, જેને કારણે પ્રતિ એકર દસ હજાર રૂપિયા સુધી કાર્બન ક્રેડિટ મળી શકે. આ જાતોમાં પૂસા બાસમતી ૧૭૧૮, ૧૭૨૮, ૧૮૪૭, ૧૮૮૫ અને ૧૮૮૬નો સમાવેશ થાય છે. તેઓ ભારતનાં બાસમતી ચોખાના વિસ્તારનો સિત્તેર ટકા વિસ્તાર ધરાવે છે અને ૪૩ લાખ હેક્ટરમાં તેનું વાવેતર કરીને ૨૦૨૧-૨૨માં પચીસ હજાર કરોડ રૂપિયાની નિકાસ કરી છે. ત્રીસ વર્ષ સુધી ઇન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટમાં કામ કરી ડિરેક્ટર પદેથી ૨૦૨૪માં નિવૃત્ત થયેલા અશોકકુમાર સિંહ આજે પણ વૈજ્ઞાનિક તરીકે કામ કરે છે.
આજે 'બાસમતી કિંગ'ની ઓળખ ધરાવનાર અને આ વર્ષે પદ્મશ્રી મેળવનાર ડૉ. અશોકકુમાર સિંહ ૨.૫ મિલિયન હેક્ટરના જી.આઈ.ટેગ ઝોનમાં દસ મિલિયન ટન બાસમતીનું ઉત્પાદન કરે છે તેમાંથી છ મિલિયન ટન ચોખાની નિકાસ કરીને એકાવન હજાર કરોડનો વ્યવસાય કરે છે. ભારતના ખેતપેદાશોની નિકાસમાં તેમનો ફાળો બાર ટકા છે. આમ ભારતના નિકાસમૂલ્યમાં એમનું બહુ મોટું પ્રદાન છે અને અનેક ખેડૂતોના જીવનમાં પણ !

- યોગેશ્વરીની વહાલી માઝી વસુંધરા
- યોગેશ્વરીએ સરપંચ તરીકેના કાર્યકાળમાં સહુની સાથે સંવાદનો સેતુ રચ્યો. પંચાયત સાથે મિટિંગ કરી અને કામોની યાદી બનાવી
મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં સડક અર્જુની નામનો તાલુકો છે અને આ તાલુકામાં સાડા ત્રણ હજારની વસ્તી ધરાવતું ડવ્વા ગામ આવેલું છે. આ ડવ્વા ગામે ૨૦૨૫નો ક્લાઇમેટ એક્શન સ્પેશિયલ પંચાયત ઍવૉર્ડ મેળવીને સહુનું ધ્યાન ખેંચ્યું છે. તેની પાછળ છે યોગેશ્વરી ચૌધરીની નિષ્ઠા અને ઇચ્છાશક્તિ. યોગેશ્વરીએ બારમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેની ઇચ્છા તો આગળ અભ્યાસ કરવાની હતી, પરંતુ અઢાર વર્ષની ઉંમર થતાં જ માતા-પિતાએ તેના લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું. તે લગ્ન કરીને ડવ્વા ગામમાં આવી. પતિને જ્યારે ખબર પડી કે યોગેશ્વરીને અભ્યાસ કરવાની તીવ્ર ઇચ્છા છે, ત્યારે તેને પ્રોત્સાહન આપ્યું. અન્ય લોકોના મ્હેણાં-ટોણાંને અવગણીને પણ કૉલેજમાં અભ્યાસ કરાવ્યો. બી.એ. કર્યા બાદ બી.એડ. કર્યું અને ક્રાફ્ટ વિષયમાં ડી.એડ. પણ કર્યું. ૨૦૦૩માં લગ્ન કરીને ડવ્વા ગામમાં આવેલી યોગેશ્વરી જીવનમાં ખૂબ સુખી હતી, પરંતુ ૨૦૧૭માં તેના પતિનું અચાનક અવસાન થતાં ઘરની બધી જવાબદારી તેના શિરે આવી.
એકાએક આવી પડેલી આપત્તિ સમયે શિક્ષણ તેની મદદે આવ્યું અને ગામની સ્કૂલમાં નોકરી મળી ગઈ. યોગેશ્વરી દિનપ્રતિદિન પોતાના ગામની બગડતી જતી પરિસ્થિતિ અને સમસ્યાઓ જોયા કરતી હતી. માટીમાં ફળદ્રૂપતા ઓછી થવાથી પેદાશ ઓછી થતી, ખેતરોમાં પાક બગડી જતો, વરસાદની અનિયમિતતા અને રોજગારીની ઓછી થતી જતી તકો વચ્ચે યુવાનો ગામમાંથી બહાર જવા લાગ્યા હતા. ગામમાં સુધારણા કરવાના મક્કમ ઈરાદા સાથે કોઈપણ રાજકીય પીઠબળ વિના ડિસેમ્બર ૨૦૨૩માં પંચાયતની ચૂંટણીમાં ઊભી રહી. આજ સુધી ડવ્વામાં કોઈ મહિલા સરપંચ નહોતી બની અને એ પણ વિધવા ! પરંતુ ગામની સ્ત્રીઓનો સાથ મળવાથી ચૂંટણીમાં જીત થઈ અને તે ગામની પહેલી મહિલા સરપંચ બની.
યોગેશ્વરીએ તેના સરપંચ તરીકેના કાર્યકાળમાં સહુની સાથે સંવાદનો સેતુ રચ્યો. ગામના લોકો અને પંચાયત સાથે મિટિંગ કરી અને કામોની પ્રાથમિકતાની યાદી બનાવી. વનની જાળવણી માટે પાણી, બાયોડાયવર્સિટી, સેનિટેશન, આપત્તિ વ્યવસ્થાપન અને પાણી વ્યવસ્થાપન માટે સમિતિઓ બનાવી.મહારાષ્ટ્ર સરકારના એન્વાયર્મેન્ટ અને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટે ચલાવેલા માઝી વસુંધરા અર્થાત્ મારી પૃથ્વી અભિયાન સાથે ડવ્વા ગામને જોડયું અને થોડા જ મહિનામાં સ્માર્ટ ગ્રામ ઍવૉર્ડ મળ્યો. યોગેશ્વરીએ ખેડૂતોના પાંચ અને મહિલાઓના આડત્રીસ સેલ્ફ હેલ્પ ગ્રૂપ બનાવ્યા. તેના દ્વારા સોલર પાવર દ્વારા સિંચાઈ શરૂ કરાવવાનું આયોજન કર્યું. મુખ્યમંત્રી સૌર કૃષિ યોજના અંતર્ગત પમ્પ માટે સબસિડી મેળવી. જે ખેડૂતો પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા હોય તેમને ત્રણ એચ.પી. પમ્પમાં પંચાણું ટકા સબસિડી મળી.
યોગેશ્વરી કહે છે કે સરકારી યોજનાની માહિતી મેળવવી અને તે માટેની પ્રક્રિયા કરવી સહેલી નહોતી. તેણે કૃષિવિભાગ અને એગ્રિકલ્ચર ટૅક્નૉલૉજી મેનેજમેન્ટ એજન્સી સાથે મળીને 'ફાર્મ સ્કૂલ' શરૂ કરી, જેથી ખેડૂતો માત્ર થિયરીથી નહીં, પણ ખેતરમાં પ્રેક્ટિકલ કામ સાથે શીખી શકે કે માટીને કેવી રીતે તૈયાર કરવી, વાવણી કરવી, પેસ્ટ કંટ્રોલનો ઉપયોગ અને લણણી કેવી રીતે અને ક્યારે કરવી. વર્ષમાં માત્ર એક ચોખાનો પાક લેવાને બદલે શાકભાજી અને ફળોની ખેતી કરવાનું શરૂ કરાવ્યું. તેણે પોતાની આઠ એકર જમીનમાં ત્રણ એકરમાં ચોખા અને પાંચ એકરમાં ટીકના વૃક્ષો વાવ્યા છે. તે કહે છે કે જો તે આવું કરી શકે તો કોઈ પણ ખેડૂત આવું કરી શકે. આજે ડવ્વાની ઘણી સ્ત્રીઓ પોતાની જમીન માટે નિર્ણય લે છે, હિસાબો સંભાળે છે અને સારી રીતે ખેતી કરે છે.
આજે ડવ્વામાં એક લાખથી વધુ વૃક્ષો છે. બે નર્સરી છે જે લોકોને રોપા આપે છે. હજારોની સંખ્યામાં સીડબોલ બનાવીને જમીન પર નાખવામાં આવે છે, જેથી વરસાદ આવતાં જ તેમાંથી છોડ કે વૃક્ષો ઉગે. ઇલેક્ટ્રીક વ્હીકલનો વપરાશ વધે અને પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય તેવા પ્રયત્નો થાય છે. શરૂઆતમાં પંચાયત ફંડમાંથી એંશી ઘરો પર સોલર પેનલ લગાડવામાં આવી છે, જેથી વીજળીનું બિલ આવતુ ંનથી. આજે મોટાભાગના ખેડૂતો સોલર પંપનો ઉપયોગ કરે છે. સરકારી ભવન અને મોટાભાગના ઘરો સોલર એનર્જીથી ચાલે છે. યોગેશ્વરીએ તહેવારોમાં મૂર્તિઓને ગામના પાણીમાં પધરાવવાની ના પાડી, ત્યારે કેટલાક લોકોએ પોલીસને બોલાવી, ત્યારે યોગેશ્વરી ચૌધરીએ કહ્યું કે, 'તેની જવાબદારી માત્ર ગામના રોડ કે ગટર પૂરતી સીમિત નથી, પરંતુ ગામના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પૃથ્વી, હવા, પાણી, અગ્નિ અને આકાશ - પાંચેય તત્ત્વોને સાચવવાની છે.' ગોંદિયા શહેરથી પાંત્રીસ કિમી. નાગપુર-ગોંદિયા રાજમાર્ગ પર આવેલા ડવ્વા ગામને ક્લાઇમેટ એક્શન સ્પેશ્યલ પંચાયત ઍવૉર્ડ મળે તે માટે અરજી કરી ત્યારે ઘણા લોકો મશ્કરી કરતા હતા, પરંતુ યોગેશ્વરી ચૌધરીના નેતૃત્વમાં છેલ્લાં બે વર્ષમાં ઘણી પ્રગતિ કરીને આ ઍવૉર્ડ ઉપરાંત સંત ગાડગે બાબા ઍવૉર્ડ અને માઝી વસુંધરા ઍવૉર્ડ પણ મેળવ્યા અને એ દ્વારા ગામને એક કરોડ અને એકસઠ લાખ રૂપિયા પણ મળ્યા !


