Get The App

સ્મરણ કરતા ભક્તો માટે પરમ મંગળસ્વરૂપ : શિવોપાસના

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
સ્મરણ કરતા ભક્તો માટે પરમ મંગળસ્વરૂપ : શિવોપાસના 1 - image

- જાણ્યું છતાં અજાણ્યું - મુનીન્દ્ર

- મહાભારતના સમયે શિવલિંગની પૂજા થતી હતી, ઉપમન્યુએ ઇન્દ્રના વેશમાં આવેલા મહાદેવની સ્તુતિ કરતી વખતે શિવલિંગ એ લોકોને શ્રેષ્ઠ લાગવાથી તેની પૂજા સર્વત્ર થાય છે એવું કહ્યું છે

આજે મહાશિવરાત્રીના પર્વના સમયે થોડું વિશેષ ગહન ચિંતન કરીએ. આપણે તહેવારો ઉજવીએ છીએ અને આ તહેવારો એ હકીકતમાં તો ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. એ તહેવારો આપણને જનજીવનની સુવાસ આપવાની સાથોસાથ આપણા જીવનની પગદંડી બની રહે છે. એમાં ઉત્સવનો ઉલ્લાસ છે, એ ઉલ્લાસ આપણને આપણા ચીલાચાલુ રોજિંદા જીવનને મુક્તિ અને મોકળાશ આપે છે. પોતાનાં કાર્યોમાં ડૂબેલો માનવી આ તહેવારોનાં સમયે એની ભાવનાઓને અનુસરીને ઉત્સવનો ઉલ્લાસ પામે છે. બીજા અર્થમાં કહીએ તો તહેવારો એને એકધારા જીવનમાંથી મુક્તિ અપાવે છે અને એથીયે વિશેષ એને પોતાના પરિવાર સાથે, સમાજ સાથે અને સમાન ધર્મા વ્યક્તિઓ સાથે જોડી રાખે છે. 

આથી જ ભારતીય સંસ્કૃતિનો ધબકાર આ તહેવારોમાં ઝીલાયેલો છે, પરંતુ વર્તમાન સમયે આ તહેવારો માત્ર રજા માણવાનું સાધન બની રહ્યા છે, પણ એને માત્ર રજાનો દિવસ ગણીને એ તહેવારની મજા ખોઈ બેઠા છીએ. આપણું દીપાવલી પર્વ કેવું નિસ્તેજ બની ગયું છે. હકીકતમાં તો આપણે આ ઉત્સવોની પાછળ જે પ્રેમ અને પ્રસન્નતા રહેલા છે, એ પામવા જોઈએ. આ ઉત્સવની પાછળ જે ગહન પ્રતીકો રહેલા છે, તે સમજવા જોઈએ અને એ પ્રતીકો પાછળનો મર્મ પામીને એનું જીવનમાં રૂપાંતર કરવું જોઈએ. 

આ ઉત્સવો એ જેમ ઐક્યના પ્રતીકો છે તો વળી ધર્મના સંરક્ષક છે, પરંતુ આજે આ ઉત્સવો એની ગરિમા ગુમાવી બેઠા છે. દુર્ભાગ્યે જે કોઈ ઉત્સવો ઉજવે છે, એમાંથી મોટાભાગની વ્યક્તિઓ પાસે એ ઉત્સવના મર્મની જાણકારી હોતી નથી, એમાં રહેલી સંસ્કૃતિની ભાવનાની ઓળખ હોતી નથી અને આને પરિણામે એ બાહ્ય દ્રષ્ટિએ ઉત્સવ ઉજવે છે, પરંતુ એના જીવનમાં એનાથી કોઈ ઉલ્લાસ પ્રગટતો નથી. 

એ ઉત્સવનું ભાવદર્શન કઈ રીતે પામી શકાય એ અંગેની જિજ્ઞાસા અવકાશે તૃપ્ત કરીશું, પણ આજે તો મહાશિવરાત્રીના પર્વ પ્રસંગે એની કેટલીક નોખી-અનોખી વાત તમને કહું. હિંદુ ધર્મમાં દરેક દેવને માટે ઉપાસનાનાં જુદાં જુદાં દિવસો છે. એ દિવસે વિશેષ શ્રદ્ધાથી એ દૈવી ઉપાસના કરવામાં આવે છે. જે દિવસે શિવનો ઉત્સવ વિશેષ શ્રદ્ધા અને ભક્તિથી કરવામાં આવે તે મહાશિવરાત્રી. આમ તો પ્રત્યેક મહિનાની વદ ચૌદસને શિવરાત્રી કહેવામાં આવે છે, પણ મહા મહિનાની શિવરાત્રી વિશિષ્ટ મહત્ત્વની હોવાથી એને મહાશિવરાત્રી કહી છે.

ઘણી વ્યક્તિઓએ જિજ્ઞાસા પ્રગટ કરતા સવાલ કર્યો કે આ શિવોપાસના ક્યારે શરૂ થઈ હશે ? હકીકતમાં આપણા પ્રથમ વેદ 'ઋગ્વેદ'માં શિવના મહિમાનું વર્ણન રુદ્રની સંજ્ઞાથી થયું છે. સૌથી પહેલા વેદ એવા ઋગ્વેદના પહેલા મંડળના ૧૨૪મા સૂક્તમાં કહ્યું છે કે, 'જેમને માથે જટાનો મુકુટ છે, સર્વ યોદ્ધાઓ જેનો આશ્રય લે છે એવા પ્રત્યક્ષ પરાક્રમ રૂપ રુદ્રને અમે સ્તુતિ અર્પણ કરીએ છીએ.' 

અહીં ભયાવહ શક્તિને રુદ્રનું નામ આપ્યું છે અને એની પાસે અનેક રીતે દયાની યાચના કરી છે. અહીં એ રુદ્રને બે પગવાળાં પ્રાણીઓ પર સત્તા ચલાવનારો, તેમનો સંહારકર્તા અને હિતકર્તા વર્ણવવામાં આવ્યો છે. વળી એ કલ્યાણનો કર્તા હોવાથી તેની પાસેથી વરદાન માગવા પ્રાચીન આર્યો તત્પર રહેતાં. સર્વ વનસ્પતિઓનો સ્વામી હોવાથી સર્વ ઔષધોનો જાણકાર મોટો વૈદ્ય છે અને એણે કહ્યું છે કે, 'તમારી ઔષધિઓ અત્યંત પવિત્ર મંગલકારક અને કલ્યાણપ્રદ છે અને તમારા વરદ્ હસ્તથી પીડિતોનાં રોગમાં મુક્ત કરનારી છે.' 

રુદ્રને 'વૈદ્યરાજ' માનવાનું કારણ એ કે તે સર્વ વનસ્પતિનાં નિવાસસ્થાન હિમાલય ૫૨ વસે છે. ઋગ્વેદમાં રુદ્રની પ્રાર્થના કરવામાં આવી છે અને એ પછી રુદ્ર પ્રત્યેનો આદરભાવ ઓછો થવાને બદલે સતત વધતો ગયો છે. ઋગ્વેદ પછીનો દ્વિતીય વેદ છે યજુર્વેદ અને આ યજુર્વેદની તૈતિરીય સંહિતામાં રુદ્રનું વર્ણન મળે છે. એમ જણાય છે કે એ સમયે રુદ્રની પૂજા વિશેષ પ્રચલિત હતી. એ માત્ર આર્યોનાં જ દેવ નહોતા, પરંતુ અનાર્યોનાં પણ દેવ હતા. શિક્ષિત અને અશિક્ષિત સહુ કોઈ રુદ્રભક્તિ કરતા હતા. 

પુરાણકાળમાં મહેશ્વર એવું નામ રુદ્રને આપવામાં આવ્યું, જે સમયે શિવ નામ પણ પ્રચલિત હતું અને માયા અથવા પ્રકૃતિ એ શિવની અર્ધાંગના બની. મહાભારતનાં સમય સુધીમાં આવતા તો શિવ પ્રત્યેનો આદરભાવ વિશેષ જોવા મળે છે. શિવના અનેક ઉલ્લેખો આવે છે, વિશેષ તો આર્ય પ્રજામાં શિવ પૂજ્ય મનાતા હતા. અર્જુન અને કૃષ્ણને હિમાલય પર શંકરના દર્શન, અશ્વત્થામાને શંક૨ તરફથી ખડગની પ્રાપ્તિ, અર્જુનને પાશુપતાસ્ત્રની શિવ તરફથી ભેટ, ઉપમન્યુને ઉમામહેશ્વરના દર્શન, અર્જુને યુદ્ધની શરૂઆતમાં કરેલું દુર્ગાસ્તવન એ પ્રત્યેક પ્રસંગોમાં શિવ પ્રત્યેની ભક્તિ જોવા મળે છે. 

બીજી બાજુ લિંગપૂજા વિશે પણ વિચારી શકાય. વેદનાં સમયમાં લિંગપૂજા પ્રચારમાં નહોતી, પરંતુ રામાયણકાળના સમયમાં પણ મોટેભાગે આવી પૂજા નહોતી. એ સાચું કે રામાયણમાં લિંગપૂજા કરતા રાવણ અને સેતુબંધન પહેલા રામે રામેશ્વરમાં શિવલિંગ સ્થાપન કર્યું, એવો જે ઉલ્લેખ આવે છે, તે પાછળના સમયથી આવે છે એટલે કે પ્રક્ષેપ છે, પરંતુ મહાભારતના સમયે શિવલિંગની પૂજા થતી હોવાનું જોવા મળે છે, કારણ કે ઉપમન્યુએ ઇન્દ્રના વેશમાં આવેલા મહાદેવની સ્તુતિ કરતી વખતે શિવલિંગ એ સર્વ લોકોને શ્રેષ્ઠ લાગવાથી તેની પૂજા સર્વત્ર થાય છે એવું કહ્યું છે. આ પરિસ્થિતિમાં ઘણું મોટું પરિવર્તન પુરાણકાળમાં આવે છે. 

અહીં લિંગપૂજાનો મહિમા થાય છે અને બાર જેટલાં શિવસ્થાનો પ્રસિદ્ધ બન્યા. પ્રાચીન સમયમાં એ શિવપુરી તરીકે પ્રખ્યાત હતા અને એ બાર જ્યોતિર્લિંગ આ પ્રમાણે છે. (૧) પ્રભાસપાટણમાં સોમનાથ, (૨) શ્રી શૈલ્યમાં મલ્લિકાર્જુન, (૩) ઉજ્જયનીમાં મહાકાલ, (૪) નર્મદા કિનારે ઓમ કારમાંધાતા, (૫) હિમાલય પર કેદાર, (૬) ડાકિની જંગલમાં ભીમાશંકર, (૭) શ્રીક્ષેત્ર કાશીમાં વિશ્વેશ્વર, (૮) નાસિક પાસે ત્ર્યંબકેશ્વર, (૯) ચિતાભૂમિમાં વૈજનાથ, (૧૦) દારૂકાવનમાં નાગનાથ, (૧૧) સેતુબંધ પર રામેશ્વર, (૧૨) વેરૂલમાં ઘૃષ્ણેશ્વ૨. 

આ ઉપરાંત દેશમાં ભિન્ન ભિન્ન સ્થળે આવેલા શિવલિંગ પણ પ્રસિદ્ધ છે અને પુરાણકાળ આવતા સુધીમાં તો શિવોપાસનામાં ઘણું પરિવર્તન આવે છે. રુદ્રની ઉપાસનાથી પ્રારંભ થયા બાદ એમાં ઘણા ફેરફારો થયા છે, પરંતુ પુરાણકાળમાં શિવપૂજાનું સ્વરૂપ નિશ્ચિત થાય છે. આર્યો અને અનાર્યો બંને ભિન્ન ભિન્ન દ્રષ્ટિથી એનું મહત્ત્વ કરે છે અને શિવ એ મહાયોગી, નાટયકુશળ અને સંગીતપ્રવીણ તરીકે પ્રસિદ્ધ થાય છે. 

એ પણ નોંધવું જોઈએ કે મહાન વ્યાકરણી પાણિનીને શિવ પાસેથી વ્યાકરણના સૂત્રોની માહિતી પ્રાપ્ત થઈ હતી, તેમ કહેવામાં આવે છે. જ્યારે શિવ નાટયકળામાં કુશળ હોવાથી તેમને નટેશ્વર કહેવાય છે અને દક્ષિણ ભારતમાં આ નટેશ્વરનું દેવાલય વિશેષ પ્રસિદ્ધ છે અને માગસર સુદ છઠ્ઠના દિવસે અહીં મોટો ઉત્સવ યોજાય છે અને શિવના નૃત્યને તાંડવનૃત્ય કહેવાય છે. 

મહાશિવરાત્રીનો વિચાર કરીએ, ત્યારે એ વિચારવું જોઈએ કે પુરાણકારોએ શિવોપાસના વિશે ઘણી વિગતો લખી છે અને એને કારણે જ બાર જ્યોતિર્લિંગો અને અન્ય લિંગો પ્રસિદ્ધ થયા છે. શિવની ઉપાસનાનો સૌથી મોટો દિવસ એ મહા વદ ચૌદસનો દિવસ ગણાય છે. જોકે ઇતિહાસકાર અલ્બેરુનીએ લખ્યું છે કે, 'ફાગણ વદ પડવાના દિવસને લોકો શિવરાત્રી તરીકે પાળે છે. દરેક મહિનો પૂનમથી ગણવામાં આવે, તો એ તિથિ મહા વદ પડવો ગણાય. બંગાળમાં ફાગણ વદ ચૌદસના દિવસે એટલે કે આપણે ત્યાં જે રીતે થાય છે, તે રીતે શિવરાત્રી પાળવામાં આવે છે, કારણ કે ત્યાં પણ મહિનો પૂનમથી ગણાય છે. આમ શિવરાત્રીના પ્રારંભની કથા ઈશાનસંહિતા અને શિવપુરાણ જેવા ગ્રંથોમાં મળે છે, જે સત્યપરાયણ હરણાંઓની કથા સર્વત્ર જાણીતી છે. 

મહાશિવરાત્રીનાં પ્રસંગે શ્રી શિવમહિમ્નઃનાં સ્તોત્ર શ્લોક ૨૪થી સમાપન કરીએ. 

ૈઊંૈ્ઝ્રયઘશ્ન્ઉંફક્ન્ શઊંર્ઝંઝ ેંહ્લૈ્ટ્ટ્ થ ર્િંંટ્ટઝ્-

ઋ।્ઊંશઊં્લ્યહ્લ થ શહ્વ્ઙ્મેંહ્લ ઝ્રરૂદ્વઝ્યદ્બફ હ્લેંઝદ્વઝથ ળ

હ્ય્ઊંછઙ્મમ્પ્છ ૈ્ફલ્છ ।શ્ન ગ્શ્ન।ઢ ઝ્ર્ઊંસશ્નઊંેંજ્જલ્છ

।પ્ર્ેંહ્લ શઊં।રૂીઙ્ઘ્છ શ્નઝ હ્લઝઊંછ ઊંછઙ્મલ્ઊંેંિં ળળ

'હે કામદેવનો નાશ કરનાર ! સ્મશાનોમાં ૨મવું, ભૂતપ્રેતોની સોબત, ચિતાની ભસ્મ ચોળવી અને મનુષ્યની ખોપરીની માળા પહેરવી, એમ તમારી રીતભાત ભલે અમંગળ હોય; છતાં હે વરદાતા ! તમે સ્મરણ કરતા ભક્તો માટે તો પરમ મંગળસ્વરૂપ છો.'