Get The App

કેવી એક સરખી હોય છે સરમુખત્યારોની ચાલ!

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
કેવી એક સરખી હોય છે સરમુખત્યારોની ચાલ! 1 - image

- પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

- હિટલરની જેમ જ ડોનાલ્ડ ટ્રમ્પ ઉચ્ચસ્થાને રહીને એની સામે વિરોધનો સૂર ઉઠાવનારાઓને દાબી દેવાનો પ્રયત્ન કરે છે. અત્યારે ટ્રમ્પ સ્વતંત્ર વિચારકો અને રાજકારણીઓની મજાક કરે છે.

જર્મનીનો એડોલ્ફ હિટલર હોય કે અમેરિકાનો ડોનાલ્ડ ટ્રમ્પ, એ વિશ્વના રાજકીય આકાશમાં ધૂમકેતુની માફક પ્રગટ થતા હોય છે અને ચોતરફ માનવ અને માનવતાના વિનાશની આંધી જગાવતા હોય છે. પહેલાં પોતાના પક્ષ પર પ્રભુત્વ મેળવતા હોય છે અને પછી એ પક્ષના નેતા બનીને અમર્યાદિત સત્તાઓનો દોર ચલાવે છે. વખત આવ્યે કશાય પરિણામની પરવા કર્યા વિના પોતાનું ધાર્યું કરતા હોય છે. 

આજે ‘Make America Great Again’ કહીને અમેરિકામાં વસતી અન્ય પ્રજાઓ તરફની નફરતની નીતિ અપનાવીને ડોનાલ્ડ ટ્રમ્પે વિજય હાંસલ કર્યો. તો એ જ રીતે જર્મનીના 'ફયુહ૨૨'(સમ્રાટ) તરીકે પોતાને ઘોષિત કરીને હિટલરે 'હેઈલ હિટલર' અર્થાત્ 'હિટલરનો જય'ના નારાથી સત્તા હાંસલ કરી. પ્રજાને આવેશયુક્ત સૂત્રો આપીને અને લોભામણી લાલચો આપીને આ સરમુખત્યારાઓ સત્તા હાંસલ કરે છે અને પછી એ સત્તાની લગામ દ્વારા મન ફાવે તેમ દમન ગુજારે છે. 

જર્મનીમાં હિટલરે જેમ યૂરોપના ૬૬ ટકા યહૂદીઓની સામુહિક હત્યા કરી હતી અને સાથે એવો આદેશ આપ્યો હતો કે કોઈપણ જાતની દયા દાખવ્યા વગર પાશવી બળથી દુશ્મનોનો નાશ કરો. બરાબર એ જ રીતે ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રન્ટ સામે કાર્યવાહી કરી છે અને ICE દ્વારા હાથ- પગમાં બેડીઓ પહેરાવીને અથવા તો ઈમિગ્રન્ટને જમીન પર પછાડીને કે પછી એને ગોળીથી ઠાર કરીને પોતાની ઘેલછા સિદ્ધ કરી છે અને ઇમિગ્રન્ટોનો નિર્દય રીતે દેશનિકાલ કરી રહ્યા છે. અમેરિકાની ઇમિગ્રન્ટ્સની ભૂમિ 'પ્રોમિસ્ટ લેન્ડ' એટલે કે 'તકોની ભૂમિ' તરીકે ઓળખાતું હતું. એની છબી અત્યારે તદ્દન કલંકિત થઈ ગઈ છે અને વિશેષ તો અમેરિકાની સોફ્ટ સુપર પાવર તરીકેની છબી પ્રતિભા સાવ ખરડાઈ ગઈ છે. 

જેમ હિટલરે અનેક દેશો પર વિજય પ્રાપ્ત કર્યો હતો, ચેકોસ્લોવેકિયાને અપમાનિત કર્યું હતું, પોલેન્ડને તહસનહસ કરી નાખ્યું હતું અને ડેન્માર્કને પરાજિત કરી દીધું હતું. નોર્વે, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ અને લક્ઝમ્બર્ગને સહેલાઈથી જીતી લીધા હતા, ફ્રાન્સ પરાજિત થયું હતું - આજે એ જ ઘટનાઓનું પુનરાવર્તન થતું હોય, તેમ ડોનાલ્ડ ટ્રમ્પ વેનેઝુએલાના પ્રમુખને પોતાના દેશમાંથી ઉપાડીને અમેરિકામાં કેદ કરે છે, કેનેડાને ધમકી આપે છે અને ગ્રીનલેન્ડને ગળી જવા માટે તૈયાર છે.

હિટલરે જેમ એ સમયે વર્સેલ્સની સંધિને ફગાવી દઈને લશ્કરોનું વિસ્તૃતીકરણ અને શસ્ત્રોનું મોટાપાયે ઉત્પાદન શરૂ કર્યું હતું. આજે અમેરિકાએ પણ આવાં શસ્ત્રોના ઉત્પાદન દ્વારા દુનિયાનાં દેશોને શસ્ત્ર ખરીદી માટે પોતાને શરણે લાવે છે અને આવાં આધુનિક શસ્ત્રો દ્વારા એક બાજુ અમેરિકાના વેપારની વૃદ્ધિ કરે છે, તો બીજી બાજુ એક યા બીજી રીતે યુદ્ધની ધમકીઓ આપીને અથવા તો યુદ્ધો ચાલુ રાખીને આક્રમણો દ્વારા પોતાની શસ્ત્રતાકાત બતાવી રહ્યું છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની લોકશાહી અને માનવઅધિકારોના સંરક્ષકની છાપને સાવ ભૂંસી નાખી છે. એ વારંવાર આક્રોશભર્યા વિધાનો કરે છે, તો બીજી બાજુ માનવઅધિકારોની હિમાયત કરતી એન્જસીઓને તાળાં મારી રહ્યાં છે. 

વોઇસ ઓફ અમેરિકા અને રેડિયો ફ્રી અમેરિકા જેવા વિવિધ વિભાગો, એજન્સી અને કાર્યક્રમોનું કદ ઘટાડી દીધું છે. તો બીજી બાજુ વર્લ્ડ બેંક, આંતરરાષ્ટ્રીય નાણાકોશ (IMF), વિશ્વ વ્યાપાર સંસ્થા (WTO), વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને સૌથી વિશેષ તો સંયુક્ત રાષ્ટ્ર જેવી આંત૨૨ાષ્ટ્રીય સંસ્થાઓને ઉપેક્ષા અને અવમાનના સાથે બંધ કરી દીધી છે. 

શીતયુદ્ધ દરમિયાન પશ્ચિમ યુરોપની સુરક્ષા નિશ્ચિત કરનાર સંસ્થા 'નાટો'માંથી પણ વિદાય લેવાની વાતો કરે છે અને આજે પરિસ્થિતિ એવી આવી કે ટ્રમ્પના વિધાનો, ટેરિફની ટેરર અને બીજા બધાં કારણોસર હવે અમેરિકા પર અન્ય દેશોને વિશ્વાસ રહ્યો નથી. ગરીબ દેશોને એના ભૂખમરામાંથી ઉગારવા માટે અથવા તો ગરીબ બાળકોનાં શિક્ષણ માટે અમેરિકાની સંસ્થાઓ જે પ્રયાસ કરતી હતી, એ બધી જ સંસ્થાઓને મદદ આપવાનું બંધ કર્યું. આખી દુનિયા જેનાથી ચિંતિત છે, એવી પર્યાવરણની ચિંતાની હાંસી ઉડાવી છે. આજની નાજુક ઇકોલોજીને અવગણીને એણે 'ડ્રીલ બેબી ડ્રીલ'નો નારો આપ્યો અને અશ્મિભૂત ઈંધણ તરફ પાછા જવાની માટેની વાત કરી. 

બરાબર આ જ રીતે હિટલરે પોતાની બહુમતીની મદદથી અમર્યાદિત સત્તાઓ પ્રાપ્ત કરી અને પછી પ્રજાના મૂળભૂત અધિકારોને નાબૂદ કર્યાં. હિટલરની જેમ જ ડોનાલ્ડ ટ્રમ્પ ઉચ્ચસ્થાને રહીને એની સામે વિરોધનો સૂર ઉઠાવનારાઓને દાબી દેવાનો પ્રયત્ન કરે છે. હિટલરે 'ગેસ્ટાપો' નામના છૂપા પોલીસદળ દ્વારા પોતાના વિરોધીઓને ઠાર કરવાનો અથવા તો જેલમાં પૂરીને એમના ૫૨ દમન ગુજારવાનો પ્રયાસ કર્યો હતો. અત્યારે ટ્રમ્પ સ્વતંત્ર વિચારકો અને રાજકારણીઓની મજાક કરે છે અને બહુમતીનાં જોરે પ્રજાના મૂળભૂત અધિકારોની ઐસીતૈસી કરે છે. એ વિદેશનીતિના નિષ્ણાતોનાં માર્ગદર્શનને પણ વજૂદ આપતો નથી અને જાણે અમેરિકાની આખીય રાજનીતિ એ વ્યક્તિગત બની ગઈ છે. પોતાના સલાહકારો અને સાથીઓ તરીકે હા-જી-હા કરનારાને પસંદ કરે છે. 

એ ત્યારે જોવા મળે છે, જ્યારે તેઓ વિશ્વના અગ્રણી રાજપુરુષો સાથે મહત્ત્વના રાજકીય પ્રશ્નોની ચર્ચા કરતા હોય છે, ત્યારે સાથે એમના અધિકારીઓની મંડળી હોતી નથી, પરંતુ તેઓ એકલા હોય છે અને એ રીતે નિષ્ણાત સ્ટાફની મદદ વિના વિરોધી દેશનાં નેતાઓ સાથે વન-ટૂ- વન, સીધી વાતચીત કરે છે. આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિએ આ સાવ જુદી પ્રથા છે, પરંતુ ન્યૂયોર્કના રીયલ એસ્ટેટ બજારમાં એક ચાલાક સોદાગરની જેમ તેઓ ઝડપી સોદાઓ કરતા હતા, તેવા વિશ્વના તખ્તા પર એક પછી એક સોદા કરે છે. આ સોદાઓ સાથે ધમકી પણ હોય છે અને એમાં સહમત થવા માટે નિશ્ચિત સમયમર્યાદા પણ આપે છે તે સહમત ન થાય, તો શું હાલહવાલ થશે, એની પણ જિકર કરે છે. 

અમેરિકા અને રશિયા દ્વારા યુક્રેનમાં શાંતિ સ્થાપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિને કરાર કર્યા. આ સમયે યુક્રેનનો કોઈ અધિકારી ઉપસ્થિત નહોતો, પરંતુ એ કરાર જાહેર કર્યાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે યૂક્રેનને અને ઝેલેન્સ્કીને ધમકી આપી કે જો તમે આમાં સહમત નહીં થાવ, તો પછી તમારે તમારી રીતે લડી લેવું પડશે, અમે સહાયરૂપ નહીં બનીએ. 

આ રીતે કોઈ વેપા૨ી જેમ ફટાફટ સોદાઓ કરે તે રીતે ટ્રમ્પ ચાલાક સોદાગરની માફક સતત સોદાઓ કરતા જાય છે અને તે પછી વેપારનાં હોય, ઇમિગ્રન્ટ્સના હોય કે યુદ્ધ અટકાવવાના હોય. 

૧૯૩૪માં હિટલર સર્વ સત્તાધીશ બન્યા અને પછી એમણે જર્મનીમાં અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પોતાના મનસ્વી વિચારો અને આક્રમક નીતિઓનો અમલ શરૂ કર્યો હતો. એ સમયના ઇતિહાસ જોઈએ તો ૧૯૩૪થી ૧૯૩૯ દરમિયાન યુરોપના અને વિશ્વનાં અનેક દેશોને આંચકા આપે એવા હિટલરે પગલાં લેવા માંડયાં હતાં. હિટલરે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ કરવામાં આવેલી વર્સેલ્સની સંધિનો ભંગ કર્યો, શસ્ત્રોનું ઉત્પાન શરૂ કર્યું અને પછી આજે જેમ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના ૫૧મા રાજ્ય તરીકે કેનેડાને ગણાવે છે, એ જ રીતે હિટલરે પણ જર્મની પાસેથી પડાવી લીધેલાં પ્રદેશો તો પાછા મેળવ્યા, પણ એથીયે વિશેષ જ્યાં જ્યાં જર્મન ભાષા બોલાતી હતી, એ બધાં જ પ્રદેશો યુદ્ધો કરીને જીતી લેશે એવી જાહેરાત કરી અને એ રીતે ૧૯૩૮માં ઓસ્ટ્રીયા પર આક્રમણ કરીને એને જીતી લીધું. 

હિટલરે માગેલા ચેકોસ્લોવેકિયાના જર્મન ભાષા બોલતા વિસ્તારો ફ્રાન્સ અને બ્રિટને વિરોધ કરવાને બદલે સામે ચાલીને આપ્યા. એ સમયે હિટલરે વચન આપ્યું હતું કે હવે વધારે પ્રદેશોની માગણી એ નહીં કરે, પણ એ વચનમાંથી ફરી ગયા અને ૧૯૩૯ના માર્ચમાં હિટલરે ચેકોસ્લોવેકિયાનો બાકીનો પ્રદેશ લશ્કરો મોકલીને જીતી લીધો. જૂઠાં વચનો કે ખાતરી આપીને ફરી જવામાં હિટલરને સહેજે ક્ષોભ થતો નહોતો, આજે ડોનાલ્ડ ટ્રમ્પને પણ ક્યાં આવો ક્ષોભ થાય છે. એ તો રોજેરોજ એટલા વિધાનો બદલે છે કે એની યાદી કરવામાં આવે તો આખી ડાયરી ભરાઈ જાય. દરેક સરમુખત્યારોની ચાલ સરખી હોય છે એનું આ ઉદાહરણ નથી ? 'અબી બોલા, અબી ફોક' જેવી એની રીત છે શું.

- મનઝરૂખો 

યુદ્ધમાં પાછીપાની કરીને રશિયનોએ નેપોલિયનને હરાવ્યો હતો. ઘણી વાર થોડા સમયની પીછેકૂચ એ આગેકૂચ માટે જરૂરી બનતી હોય છે. ૧૯૧૪ની ડિસેમ્બરની રાત્રે વૈજ્ઞાનિક થોમસ આલ્વા એડિસનની લેબોરેટરીમાં ભયાવહ આગ લાગી અને ત્યારે એડિસન શાંતિથી એ સળગતી આગને જોતો હતો. આવી આગથી વ્યથિત એવા એના પુત્ર ચાર્લ્સે કહ્યું કે, 'વીમો માત્ર બે લાખ અને આડત્રીસ હજારનો છે અને નુકસાન તો વીસ લાખ ડોલરથી ય વધુ છે.' 

વળી પિતાની વય પણ ઘણી મોટી હતી. સડસઠ વર્ષના એડિસનની સઘળું સંશોધન ભસ્મીભૂત બની ગયું હતું, ત્યારે સ્વસ્થ એડિસને કહ્યું કે, 'તારી માતાને શોધી લાવ. આવું દ્રશ્ય ફરી વાર નહીં જોવા મળે.' 

એથીયે વિશેષ એમણે કહ્યું, 'આ આગમાં તો આપણી બધી ભૂલો બળીને ખાખ થઈ ગઈ છે. ઈશ્વરનો આભાર કે હવે બધું નવેસરથી શરૂ થશે.' અને આ ભીષણ આગ પછી ત્રણ અઠવાડિયા બાદ થોમસ આલ્વા એડિસને જગતને ગ્રામોફોનની શરૂઆતના સ્વરૂપ સમો ફોનોગ્રામ શોધીને આપ્યો.' આમ ક્યારેક સ્વપ્નસિદ્ધિના માર્ગ પર હતાશા નવસર્જનનું કારણ બને છે, થોડો સમય થોભીને પછી આગળ વધવું પડે. આથી ધ્યેયસિદ્ધિના માર્ગે જતા વચ્ચે આવતી પીછેકૂચ એ ઘણીવાર આગેકૂચ માટે આવશ્યક હોય છે.