Get The App

શિવ અને પાર્વતીના રસિક રોમાન્સની કાલિદાસે લખેલી વાસંતી પ્રેમગાથા...

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
શિવ અને પાર્વતીના રસિક રોમાન્સની કાલિદાસે લખેલી વાસંતી પ્રેમગાથા... 1 - image

- સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

- મહાશિવરાત્રિએ મહાલવસ્ટોરી

- મહાશિવરાત્રિ જ એ તિથિ છે જયારે શિવ જોગીનું જીવન છોડીને પાર્વતી સાથે લગ્નગ્રંથિએ જોડાયા! જાનનું રમુજી વર્ણન લોકસાહિત્યમાં પણ પ્રસિદ્ધ છે એ આ જ દિવસ 

'મધુ દ્વિરેફઃ કુસુમૈકપાત્રે.... સ્ફુરત્પ્રવાલોષ્ઠમનોહરાભ્યઃ'

અર્થાત્, એક બાજુ ભ્રમર (ભમરો) તેની પ્રિયા (માદા ભમરી) સાથે એક જ પુષ્પરૂપી પાત્રમાંથી મીઠું મધ પી રહ્યો છે. બીજી તરફ, કૃષ્ણસાર મૃગ (હરણ) તેની હરણીની ત્વચાને પ્રેમથી પોતાના શિંગડા વડે ખંજવાળ કરી રહ્યો છે, અને હરણી એ સ્પર્શના સુખથી પોતાની આંખો મીંચી દીધી છે. વસંત ઋતુમાં અશોક વૃક્ષ પર ગોળાકાર પુષ્પોના ગુચ્છા એવી રીતે ખીલી ઉઠયા છે જાણે કોઈ નવયૌવનાના મનોહર સ્તન હોય, અને તેના નવા ફૂટેલા લાલ પાંદડા (પ્રવાલ) જાણે તે સુંદરીના લાલ હોઠ હોય. આખું વૃક્ષ એક શૃંગારિક નાયિકા જેવું સુંદર લાગે છે.

આહાહા. શું વર્ણન છે પશ્ચિમનો વેલેન્ટાઈન્સ ડે જેમાં આવે છે એ ગાળામાં પૂર્વમાં આવતી ઋતુ વસંતનું. આપણો જ સનાતન વારસો છે આ. જ્યાં બે વ્યક્તિ પ્રેમમાં હોય એ શરમ નથી. શુદ્ધ પ્રકૃતિ છે. એટલે એનું પ્રદર્શન કોઈ પાપ નથી. સ્પર્શનું સુખ મળે પ્રિયજનનું એ તો મહોત્સવ છે ! અને આપણા દેશનો સંસ્કૃત સર્જક તો વૃક્ષમાં પણ યુવતીના દેહના વળાંક નિહાળે એવો રંગરસિયો છે. એ કવિકુલગુરુ કાલિદાસ છે. અને આ કાવ્ય વેલેન્ટાઇન્સ ડે પૂરો થાય ત્યાં મહાશિવરાત્રિ શરુ થાય એવા આજના દિવસે યાદ કરવું પડે એ છે 'કુમારસંભવમ'. આખા વસંતવર્ણનો એમાં વાંચી લેજો. 

યાદ છે ને, આ મહાશિવરાત્રિ જ એ તિથિ છે જયારે શિવ જોગીનું જીવન છોડીને પાર્વતી સાથે લગ્નગ્રંથિએ જોડાયા ! પેલી જાનનું રમુજી વર્ણન લોકસાહિત્યમાં પણ પ્રસિદ્ધ છે એ આ જ દિવસ. જેનઝીને સમજાય એમ કહો તો આ શંકરપાર્વતીની મેરેજ એનિવર્સરી છે ! અને કુમારસંભવ નામ પણ કેવું પોએટિક ! કથાનું પ્રિમાઈસ એવું છે કે તારકાસુર એક શક્તિશાળી રાક્ષસ હતો. જે વજ્રાંગ અને વજ્રાંંગીનો પુત્ર હતો. તેણે ભગવાન શિવને પ્રસન્ન કરવા કઠોર તપસ્યા કરી અને વરદાન મેળવ્યું કે તેનું મૃત્યુ માત્ર શિવના પુત્ર દ્વારા જ શક્ય બને. શિવ સાથે સતીના પ્રેમલગ્નને લીધે સંકુચિત પિતા દક્ષના મહેણાથી સતીએ અગ્નિસ્નાન કર્યું અને પ્રેમલગ્નના આવા વિરોધીઓ સામે પત્નીનો મૃતદેહ ખભા પર ઊંચકીને શિવે તાંડવ કર્યું જેમાંથી આપણે ત્યાં શક્તિપીઠો રચાઈ. પછી શિવ તો સંસાર છોડી એકલા તપસ્વી હતા. એમને સંતાન થાય નહિ એમાં તારકાસુર 'કૌન રોકેગા મુજે'ની અવસ્થામાં બેફામ બન્યો. કોઈને એવું લાગે કે એને કોઈ હરાવી શકે એમ નથી, ત્યારે એની આસુરી વૃત્તિઓ અને અહંકાર બેલગામ થઇ જાય છે. 

એના પર બ્રેક મારવા દેવતાઓએ તપસ્યા કરી, અને ખબર પડી કે હિમાલયપુત્રી શૈલજા યાને પાર્વતી શિવને ઝંખે છે, એના પ્રેમમાં છે અને જો શિવ પણ પાર્વતીના પ્રણયમાં પડે તો એમના મિલન થકી કુમારનો સંભવ યાને બાળકનો જન્મ પોસિબલ થાય. અને એટલે પાર્વતી ને શિવની લવ સ્ટોરી શરુ થાય એમાં દેવતાઓને રસ છે. વિચાર તો કરો, સનાતનના નામે તાલિબાનની કોપી કરીને પ્રેમી પંખીડાઓને રંજાડતા ચરકટ મર્કટોને ખબર પણ છે કે આ દેશના વારસામાં તો ભગવાનને પ્રેમમાં પાડવા માટે સ્વર્ગલોક આખો મથે એવી કથાઓ છે !

એની વે, આજે વાત કરીએ કુમાર સંભવની. એવા ઉન્માદક વર્ણનો એમાં કાવ્યાત્મક રીતે છે કે અવિશ્વાસી કુમારો પણ આપણે ત્યાં પાછળથી આવ્યા જેમણે ચગાવી માર્યું કે કાલિદાસને એમાં સમાગમ શૃંગાર લખવા માટે ક્રોધનો શ્રાપ મળ્યો ! સાવ ફેંકમફેંક. સત્ય સહન ના થાય એટલે મૂળ વાતમાં ગપ્પા ભેળવીને અભ્યાસ ના કરતી પબ્લિકને બીવડાવવાની ટેવ મર્યાદાપ્યાદાંઓને બહુ હોય. સંસ્કૃતના પ્રકાંડ પંડિતો આ વાતને હંબગ ગણાવે છે. કાલિદાસે તો એ પછી પણ કામુક કહી શકાય એવા કાવ્યો ને શ્લોેકો રચ્યા ને એમની તો વાણી વિદ્યા જ શક્તિની કૃપા હતી. ( લે, ભૂલી ગયા? કાલિનાં દાસ !) આખા કાવ્યની વાત માટે એક લેખ ટૂંકો પડે. પણ આજે વેલેન્ટાઈન મોસમમાં મહાશિવરાત્રિ એટલે શિવ પાર્વતીના વાસંતી પ્રેમમાં ભાંગ વિના પણ ચકચૂર થઈએ.  

તો પહેલા જ સર્ગ (ચેપ્ટર)માં પાર્વતીના સૌંદર્યનું સત્તરેક શ્લોક સુધી જે વર્ણન છે, એમાંથી તો સાહિત્યમાં 'નખશિખ'  શબ્દ આવ્યો ! યાને માથાની શિખા ચોટલા/ચોટલીથી પગના નખ સુધીં સ્ત્રી દેહના રૂપનું વર્ણન ! આ આપણો દંભમુક્ત વારસો છે. આદિ શંકરાચાર્યે પણ ભગવતીની સ્તુતિ આમ જ 'સૌંદર્યલહરી'  નામે લખ્યું. જેના પર પણ લેખ આવી જ ગયો છે અહીં. કોઈ રસિકજન  આજે પણ સિડની સ્વીની જેવી રૂપસુંદરીઓના વર્ણન લખે તો એ ઉમળકામાં કાલિદાસ પંડયમાં આવ્યા કહેવાય અને એ આપણી ભારતીય સંસ્કૃતિને સાચો અર્ધ્ય કહેવાય, જેમાં પ્રકૃતિની લીલા જેવા પ્રણયની ક્રીડાના જાહેર પ્રદર્શનનો છોછ નથી કોઈ !

કાલિદાસ પાર્વતીના યૌવનને એક ચિત્ર સાથે સરખાવે છે. જેવી રીતે કોઈ કુશળ ચિત્રકાર તેના ચિત્રમાં રંગ પૂરે અને તે ખીલી ઉઠે, અથવા સૂર્યના કિરણો પડતા કમળ ખીલી ઉઠે, તેવી જ રીતે કિશોરાવસ્થામાંથી યુવાવસ્થામાં પ્રવેશતા પાર્વતીનું શરીર ખીલી ઉઠયું હતું. કાલિદાસે માત્ર શારીરિક સૌંદર્ય જ નહીં, પણ પાર્વતીના 'લાવણ્ય' પર ભાર મૂક્યો છે. લાવણ્ય એટલે એવું તેજ જે મોતીની અંદર રહેલી ચમક જેવું હોય. તેમનું રૂપ એવું હતું કે કઠોર તપસ્વીઓનું મન પણ વિચલિત કરી શકે !

કાલિદાસના શબ્દોમાંઃ જેમ ઝવેરી હીરાને કંડારે છે, તેમ કુદરતે પાર્વતીના દરેક અંગને એટલી ચોકસાઈથી બનાવ્યા છે કે તેમાં ક્યાંય પણ ખામી શોધવી અશક્ય છે ! બ્રહ્માએ જગતમાં જેટલી પણ સુંદર વસ્તુઓ (તિલોત્તમાની જેમ તલ-તલ જેટલું સૌંદર્ય) બનાવી હતી, તે બધી જ સુંદરતાને એકઠી કરીને પાર્વતીના શરીરનું સર્જન કર્યું હતું. પાર્વતી એ વિધાતાની એવી અદભૂત કૃતિ હતા જે જોઈને સ્વયં સર્જનહાર પણ આશ્ચર્યચકિત થઈ જાય. 

કુમારસંભવના પ્રથમ સર્ગના ૩૨ થી ૫૦ સુધીના શ્લોક નારીદેહની જાણે શબ્દપૂજા છે. એની રસિક ઝલક જુઓ  ઃ પાર્વતીના બંને ચરણોની શોભા અજોડ હતી. એવું લાગતું હતું કે જાણે હાથીની સુંઢની કોમળતા અને લાલ કમળની લાલી-બંનેએ હારી જઈને પાર્વતીના ચરણોમાં આશ્રય લીધો હોય ! ગંગાના જળમાં ખીલેલા કમળો વચ્ચે વિહાર કરતા રાજહંસો જ્યારે પાર્વતીની લલિત ગતિ (ચાલ) જોતા, ત્યારે એવું લાગતું કે હંસોએ શિષ્ય બનીને સુંદર રીતે ચાલવાની કળા ગુરુ પાર્વતી પાસેથી શીખી છે !

હાથીની સુંઢ સ્પર્શમાં કઠોર હોય છે અને કેળના સ્તંભ અતિશય ઠંડા હોય છે. તેથી જગતમાં આ બંને વસ્તુઓ સુંદર હોવા છતાં પાર્વતીની સુકોમળ અને સુડોળ જંઘાઓની બરાબરી કરી શકતી નથી. મતલબ, પ્રચલિત ઉપમાઓ પણ અહીં ટૂંકી પડે છે ! પાર્વતીના ઉરુ (સાથળ) એટલા સપ્રમાણ અને ઘાટીલા હતા કે બ્રહ્માએ જાણે કેળના સ્તંભને અત્યંત ચોકસાઈથી કંડારીને બનાવ્યા હોય, પરંતુ તેમાં શિલ્પીના પથ્થર જેવી જડતા નહીં પણ માખણ જેવી કોમળતા હતી. દેવીના નિતંબ વિશાળ અને ભારે હતા, જે તેમના યૌવનની પરાકાષ્ઠા દર્શાવતા હતા. તેમની ચાલની જે મંથરતા (ધીમી ગતિની મલપતી ચાલ) હતી, તે તેમના શ્રોણિ (બોટમ)ના ભારને કારણે વધુ શોભતી હતી. પાર્વતીની કમર યજ્ઞાની વેદીની જેમ અત્યંત પાતળી હતી. તે એટલી સૂક્ષ્મ હતી કે જાણે મુઠ્ઠીમાં સમાઈ જાય, છતાં તે તેમના શરીરના ઉપરના ભાગના ભારને સુંદર રીતે વહન કરતી હતી. પાર્વતીના ઉદર (પેટ) પર પડેલી ત્રણ રેખાઓ (ત્રિબલી) જાણે યૌવનના સોપાન હોય તેમ લાગતી હતી. તેમની નાભિ અત્યંત ઊંડી હતી, જે શૃંગારના સરોવર જેવી દેખાતી હતી.

ચાલીસમો શ્લોક તો વિદ્વાનો દ્વારા ભારતના સંસ્કૃત સાહિત્યની રસિકતાનું ગુરુશિખર ગણાય છે ! ( મૃણાલ, ઠાકુર નહિ !) એટલે કમળ. એના બારીક વાળ જેવા લીલા તાંતણાને 'મૃણાલસૂત્ર' કહેવાય. અન્યોન્યમુત્પીડયદુત્પલાક્ષ્યાઃ સ્તનદ્વયં પાણ્ડુ તથા પ્રવૃદ્ધમ્... વાળો કુમારસંભવના શ્લોક વર્ણવે છે કે એ પરમ સુંદરી એવા પાર્વતીના સ્તનો એટલા સુડોળ, ઉન્નત અને નિકટ હતા કે તેમની વચ્ચે મૃણાલસૂત્ર પસાર થાય જેટલી પણ જગ્યા બાકી રહી નહોતી ! (છે દુનિયા આખીના અંગ્રેજી સાહિત્યમાં ઉરોજના ક્લીવેજનું આવું લાજવાબ વર્ણન ક્યાંય ? ભારત એટલે મહાન છે, જે આપણે જ અભ્યાસ કરીને ઓળખતા નથી!) તે યૌવનના તેજથી શ્વેત અને કાંતિવાન દેખાતા હતા.

ભુજા હોય કે કંઠ બધાનું વર્ણન છે વિગતે. ચૂંટેલી હાઈલાઈટ્સ જોઈએ તો કાલિદાસ કહે છે કે, પાર્વતીની સુડોળ ગરદન અને તેમણે પહેરેલો મોતીનો હાર એકબીજાની શોભા વધારતા હતા. સામાન્ય રીતે ઘરેણાં સ્ત્રીને શણગારે છે, પણ અહીં દેવીની ગરદન અને એની નીચે ઉપસતો વક્ષવળાંક એટલો સુંદર હતો કે તે મોતીના હારને પણ શોભાવી રહ્યો હતો જેમાં કોણ કોનું આભૂષણ છે, તે કળી ન શકાય ! જો કોઈ લાલ કોમળ પાંદડા પર સુંદર પુષ્પ મૂકવામાં આવે અથવા લાલ પરવાળા પર ઝળહળતું મોતી મૂકવામાં આવે, તો જ તે પાર્વતીના સ્મિતભર્યા લાલ હોઠની બરાબરી કરી શકે. તેમનું સ્મિત અત્યંત તેજસ્વી અને નિર્મળ હતું. પાર્વતીની ભ્રમર કામદેવના ધનુષ્ય જેવી વળાંકવાળી અને કાળી હતી. જો કોઈ એક જ સ્થળે ચંદ્રનું તેજ અને કમળની સુગંધ ભેગા થાય, તો જ તે પાર્વતીના મુખની તોલે આવી શકે. તેમનું મુખ પૂર્ણિમાના ચંદ્ર જેવું આહલાદક અને તેજસ્વી હતું. આગળ વર્ણન સર્ગ ૩ માં આવે છે કે જ્યારે પાર્વતી શિવની પૂજા કરવા આવ્યા, ત્યારે મહાદેવનું ધૈર્ય થોડું વિચલિત થયું. જેવી રીતે ચંદ્રને જોઈને સમુદ્રમાં ભરતી આવે, 

તેમ પાર્વતીના ચંદ્ર જેવા મુખ અને પાકેલા બિમ્બફળ જેવા લાલ હોઠને જોઈને શિવના નેત્રો તેમના પર સ્થિર થઈ ગયા.

પણ આમાં એન્ટ્રી ત્રીજા સર્ગમાં કામદેવની થાય છે. કારણ કે શિવ પાર્વતીની પ્રણયચેષ્ટાઓનો કોઈ જવાબ આપતા નહોતા. એટલે દેવતાઓએ કામદેવને મોકલવાનું નક્કી કર્યું. સુંદર પત્ની રતિ અને મિત્ર વસંત સાથે કામદેવે શિવની તપસ્યા ભંગ કરી એમને પાર્વતી તરફ મોહિત કરવા એન્ટ્રી કરી. યાદ રાખજો, ભારતમાં કામ દાનવ નથી. સેતાન નથી. એ પણ દેવ છે. વસંત યાને સુંદરતાનો, સુગંધનો, કોમળતા અને મધુરતાનો મિત્ર છે. 

ત્રીજા સર્ગમાં જ્યારે કામદેવ શિવજી પર બાણ છોડવા તૈયાર થાય છે, ત્યારે રતિ તેમની બાજુમાં હોય છે. કાલિદાસ રતિને 'મદન-સહચરી' (કામદેવની સાથી) કહે છે. તેનું સૌંદર્ય એ સમયે ભય અને ઉત્સુકતાના મિશ્રણવાળું છે, જે તેના મુખ પર એક અલગ જ પ્રકારનું તેજ લાવે છે.

કામદેવ અને રતિ એકબીજાના પૂરક છે. કામદેવ એટલે 'સંકલ્પ' અને રતિ એટલે 'અનુરાગ'. ઈચ્છા અને આકર્ષણનો સંગમ પ્રેમ પેદા કરે. કાલિદાસ વર્ણવે છે કે કામદેવ જ્યાં પણ જાય છે, રતિ તેમની છાયાની જેમ પાછળ રહે છે. કામદેવનું શેરડીના સાંઠા જેવું ધનુષ્ય પુષ્પોનું છે, અને તે પુષ્પોમાં સુગંધ રતિ સમાન છે. કમળ જેવી આંખો ધરાવતા કામદેવ, ભગવાન શિવ પર પોતાનું બાણ છોડવા માટે તૈયાર થાય છે. તેઓ ધનુષ્ય પર પણછ ચડાવીને, એક પગ વાળીને (વીરાસનમાં) એવી રીતે સ્થિત થાય છે કે જાણે સમગ્ર સૃષ્ટિને પ્રેમવશ કરવા તૈયાર હોય. પત્ની રતિ જાણતી હતી કે મહાદેવના ક્રોધનો સામનો કરવો જોખમી છે, છતાં પતિના કર્તવ્યમાં સાથ આપવા તે હિમાલય પર તેમની સાથે જાય છે. રતિક્રીડા જેવો સેક્સ એક્ટનો ગુજરાતી અનુવાદ કામદેવની રૂપવતી પત્ની પરથી આવ્યો, એ માત્ર સુખમાં સાથી નથી. સંકટની પણ સાથી છે. 

પછીની કથા જાણીતી છે. શિવે ત્રીજું નેત્ર ખોલ્યું અને કામદેવ એમાં ભસ્મ થઇ ગયો. આનાથી સંયમ ને વાસના બાબતે ઉપદેશ આપનારા આગળની પ્રેમકથા નથી કહેતા. અહીં શિવ પાર્વતી સાથે કામદેવ રતિની પણ અનોખી લવ સ્ટોરી છે. 

જ્યારે શિવના ત્રીજા નેત્રની અગ્નિથી કામદેવ ભસ્મ થઈ જાય છે, ત્યારે રતિનું હૃદય ચીરાઈ જાય છે. કાલિદાસે અહીં રતિની મનોસ્થિતિનું અદભૂત વર્ણન કર્યું છે જેને રતિવિલાપ કહે છે. કોઈ વાંક વિના બીજાને મદદ કરવા જતા પ્રેમી યુગલ ખંડિત થાય તો કેવું દર્દ થાય ? મહાદેવના ક્રોધની અગનઝાળ વખતે રતિ બેહોશ થઇ જાય છે. 

રતિ જ્યારે હોશમાં આવે છે ત્યારે તે કામદેવના ધનુષ્ય અને બાણને જુએ છે, પણ પતિને નહીં. પુરુષના શરીર આકારના રાખના ઢગલા પાસે બેસીને વિલાપ કરે છે કે, 'હે નાથ! તમે મારા વિના એકલા જ પરલોક કેમ સિધાવી ગયા? હે સ્મર (કામદેવ)! શું તમને યાદ છે? જ્યારે તમે પ્રેમમાં ભૂલથી મારું નામ લેવાને બદલે બીજી કોઈનું નામ લઈ લેતા, ત્યારે હું ગુસ્સે થઈને મારા કંદોરાથી તમારા હાથ બાંધી દેતી હતી. ત્યારે તમે મારા પગે પડીને મને મનાવતા હતા અને તેવામાં તમારા વાળના બંધન પણ છૂટી જતા હતા. શું એ બધી વાતો તમે ભૂલી ગયા? તમે જ મને તમારા હાથેથી આભૂષણો પહેરાવતા, પણ હજુ તો મારો શણગાર અધૂરો છે ત્યાં જ તમે આંખો મીંચી દીધી. શું આ મારી સાથે છેતરપિંડી નથી?  જુઓ, તમે જે અંગોને પ્રેમ કરતા હતા તે અત્યારે તમારા વિરહમાં તપી રહ્યા છે.'

જેમ રાહુ દ્વારા ગ્રસાયેલો ચંદ્ર ઝાંખો લાગે, તેમ શોકગ્રસ્ત રતિ ઝાંખી લાગી રહી છે. ઘરેણાં વગર પણ રતિનું રૂપ એવું લાગે છે જાણે કોઈ દીવો બુઝાઈ ગયા પછી પણ તેની સુગંધ હવામાં રહી ગઈ હોય. પણ પ્રેમી વગરનું જીવન રતિ માટે વ્યર્થ હતું. તે અગ્નિ પ્રગટાવીને તેમાં બળીને પ્રાણ દેવા રતિ તૈયાર થાય છે. તે વસંતને કહે છે કે, 'ચિતા તૈયાર કર, જે પતિએ મને હંમેશા પ્રેમ કર્યો છે, તેમના માર્ગ પર મારે પણ જવું છે. એ ભસ્મ થયા તો હું પણ થઈશ.'

પણ એ સમયે જાણે શિવની આકાશવાણી થાય છે. આપણા ભાગવાનો પ્રેમના વિરોધી નથી, એના સમર્થક છે. ગગનનો ગેબી અવાજ રતિને આશ્વાસન આપે છે કે તેનો પતિ મર્ર્યો નથી, માત્ર 'અનંગ' યાને અંગ વિનાનો અદ્રશ્ય થયો છે. જયારે શિવ પાર્વતીના લગ્ન થશે ત્યારે એને પાછો મળશે ! થયો છે. પ્રેમ પ્રાપ્ત કરવા માટે જોઈએ ધૈર્ય અને આશા. રતિ ઇન્તેઝાર કરે છે. આર્ટ ઓફ વેઇટીંગ. 

અને ડિવાઈન બ્યુટી પાર્વતીને આ બધા પછી સમજાય છે કે શિવ એ જ્ઞાાન છે. એ જીતવું હોય તો રૂપ ફક્ત ના ચાલે. એની જોડે તપ પણ જોઈએ. કેવળ શારીરિક સૌંદર્યથી શિવ જેવા પુરુષ લાઈફ પાર્ટનર તરીકે ના મળે. એને માટે સમર્પિત થઈને ત્યાગ બતાવવો પડે. પ્રેમની આ પણ કસોટી છે. અને એ તપસ્યા કરી પોતાનો પ્રેમ કેવળ મોહ નથી એ સાબિત કરવાનું નક્કી કરે છે. 

પાર્વતીની માતા મેનાએ તેમને કઠોર તપ કરતા રોકવા માટે 'ઉ મા' (હે પુત્રી, ના કરીશ) એમ કહ્યું, જેના પરથી તેમનું નામ 'ઉમા' પડયું. પરંતુ પાર્વતીએ મનથી નિશ્ચય કરી લીધો હતો કે જે શિવને મેળવવામાં મન્મથ (કામદેવ) નિષ્ફળ રહ્યા, તેમને તે પોતાની ભક્તિથી મેળવશે. તેમણે તપ માટે પોતાની ચંચળતા લતાઓને આપી એવા બેનમૂન વર્ણનો કાલિદાસે કર્યા છે. 

ઉનાળામાં પંચાગ્નિ તપ કરવા વલ્કલ પહેરી પોતાની ચારે બાજુ ચાર મોટી અગ્નિઓ પ્રગટાવી. પાંચમો અગ્નિ એટલે સાક્ષાત સૂર્ય. ઋતુઓ બદલાઈ. પાર્વતીનો શિવપ્રેમ નહિ. જ્યારે આકાશમાંથી મુશળધાર વરસાદ પડતો, ત્યારે પાર્વતી કોઈ પણ છત કે ગુફાના આશ્રય વગર ખુલ્લા મેદાનમાં પથ્થરની શિલા પર બેસી રહેતા. કાલિદાસ કલ્પના કરે છે કે વરસાદનું પ્રથમ ટીપું જ્યારે પાર્વતીની પાંપણ પર પડીને તેમના હોઠ પરથી પસાર થઈ નાભિમાં પડયું, ત્યારે તે ટીપું પણ ધન્ય થઈ ગયું. પાર્વતીએ ખોરાકનો ત્યાગ કર્યો. પહેલા તેઓ કંદમૂળ ખાતા, પછી માત્ર પાંદડાં ખાઈને રહેવા લાગ્યા. અંતે, તેમણે વૃક્ષ પરથી ખરી પડેલા સૂકા પાંદડાં (પર્ણ) ખાવાનું પણ છોડી દીધું એટલે તેમનું નામ 'અપર્ણા' પડયું.

પાર્વતીની તપસ્યાની ચરમસીમા ત્યારે આવી જ્યારે શિવ સ્વયં એક બ્રહ્મચારી (વટુ) ના વેશમાં તેમની પાસે આવે છે. આ વટુ શિવજીની નિંદા કરે છે ઃ એ શિવ તો વિરુપાક્ષ (ત્રણ આંખોવાળા અને વિચિત્ર) છે, તેમના કુળ કે જન્મનો કોઈને પતો નથી. તેમની પાસે સંપત્તિના નામે માત્ર દિગમ્બરત્વ છે. તેમનામાં જે કંઈ દેખાય છે તે બધું જ 'અમંગળ' (સ્મશાનની રાખ, સાપ, મુંડમાળા) છે. તારા જેવી સુકુમાર કન્યા આવા અમંગળ પુરુષ સાથે કેવી રીતે રહી શકશે.' 

પાર્વતીજી વટુની વાતો સાંભળીને વિચલિત થતા નથી, પણ અત્યંત ગૌરવ સાથે ઉત્તર આપે છે ઃ 'હે બ્રહ્મચારી! તું શિવના બાહ્ય સ્વરૂપને જુએ છે, પણ તેમના વાસ્તવિક સ્વરૂપને જાણતો નથી. મહાપુરુષોનું ચરિત્ર સામાન્ય લોકોની સમજની બહાર હોય છે. તેમને ઘરેણાંની જરૂર નથી, કારણ કે તેઓ પોતે જ સૃષ્ટિના આભૂષણ છે. ભલે તેઓ સ્મશાનની રાખ (વિભૂતિ) ચોળે છે, પણ એ રાખ દેવતાઓના મસ્તક પર ચડવા જેવી પવિત્ર બની જાય છે.'

પ્રેમ એ કે ગેરહાજરીમાં પણ પ્રિયજનની ટીકા સહન ના થાય ! પછી તો આગળ વેશધારી શિવ ટીકા કરે છે ત્યારે ક્રોધમાં પાર્વતી બોલે છે 'માત્ર નિંદા કરનાર જ પાપી નથી, પણ જે ધીરજથી નિંદા સાંભળે છે તે પણ એટલો જ પાપી છે.' એ ચાલવાનું શરુ કરે ને સંસ્કૃત સાહિત્યનો એક ક્લાસિક શ્લોેક આવે છે જેમાં શિવ મૂળ સ્વરૂપમાં આવી હાથ પકડે છે અને કાલિદાસે અદ્ભુત શબ્દપ્રયોગ કર્યો છે ઃ 'ન યયૌ ન તસ્થૌ' (તેઓ ન તો જઈ શક્યા, ન તો ઉભા રહી શક્યા). સુખદ આશ્ચર્યની દ્વિધા સામે શિવે પ્રેમ સામે જ્ઞાાનનું સમર્પણ કરી કહ્યું ઃ અદ્ય પ્રભૃતિ અવનતાઙ્ગિ તવાસ્મિ દાસઃ ક્રીતસ્તપોભિરિતિવાદિની ચંદ્રમૌલૌ । 'હે સુંદર અંગોવાળી ! ઉભી રહે. આજથી હું તારી તપસ્યા દ્વારા ખરીદાયેલો તારો 'દાસ' છું.' પાર્વતીનો બધો જ થાક ઉતરી ગયો. કાલિદાસ કહે છે કે, જ્યારે મહેનતનું ફળ મળે છે, ત્યારે વીતેલા તમામ કષ્ટો સુખમાં બદલાઈ જાય છે.

બસ, લવ સ્ટોરીનું હેપી એન્ડિંગ ! સપ્તર્ષિઓ હિમાલયને ત્યાં જઈ વિવાહ પ્રસ્તાવ મુકે ને જે સાયુજ્ય થયું એની કથા ફરી ક્યારેક. શક્તિ શિવને વરદાન યાદ અપાવીને કામદેવને અનંગ રૂપે સંસારમાં વ્યાપ્ત કરે છે, ને રતિને શરીર સાથે દેખાય એવી ગોઠવણ કરે છે ! જે અનંગ થકી આજે પણ વેલેન્ટાઈન ખીલે છે. અત્યારે તો એટલું યાદ રાખો ભારત જ એક અનંત પ્રેમકથા છે. 

ફાસ્ટ ફોરવર્ડ

'હે પાર્વતી! જુઓ, પશ્ચિમ દિશામાં આથમી રહેલો સૂર્ય જાણે રાત્રિ રૂપી નાયિકાના મુખને ચૂમી રહ્યો હોય તેમ લાલચોળ દેખાય છે. પ્રકૃતિ પણ જાણે પ્રેમી- પ્રેમિકાની જેમ વર્તી રહી છે.' 

(કુમારસંભવમાં શિવ )