- સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા
- દુનિયામાં મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માર્કેટ 35 અબજ ડોલરનું છે. પાંચ વર્ષમાં એ વધીને 59 અબજ ડોલરે પહોંચી જવાનું છે
મેડિકલ સાયન્સમાં ટેકનોલોજીનો સંયોગ થયો તેના પરિણામે હેલ્થકેર સેક્ટર છેલ્લાં એક-દોઢ દશકાથી ખૂબ વિકસ્યું છે. દુનિયાભરની સરકારો આરોગ્ય બજેટ સતત વધારતી જાય છે અને સામાન્ય લોકોમાં પણ સ્વાસ્થ્યની અવેરનેસ આવતી જાય છે. ૮૦૦ કરોડની વસતિમાંથી ૪૫૦ કરોડ લોકો હેલ્થ પૉલિસી ધરાવે છે. આમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની હેલ્થ પૉલિસીનો સમાવેશ થાય છે. હજુય ૪૦ ટકા વસતિ પાસે હેલ્થ કવર નથી. પરંતુ દોઢેક દશકા પહેલાં દુનિયાની માત્ર ૨૩ ટકા વસતિ પાસે જ હેલ્થ પોલિસી હતી, તેની સરખામણીએ અત્યારે સ્થિતિ ઘણી સુધરી છે.
અત્યારે ગ્લોબલ હેલ્થકેર સેક્ટર ૧૨ ટ્રિલિયન ડોલરે પહોંચી ગયું છે. આ આંકડો માત્ર અમેરિકા અને ચીનની જીડીપીથી ઓછો છે. તે સિવાયના એકેય દેશનું અર્થતંત્ર હેલ્થકેર સેક્ટર જેટલું મોટું નથી. આવતા પાંચ-છ વર્ષમાં ગ્લોબલ હેલ્થકેર સેક્ટર ૧૭ ટ્રિલિયન ડોલરને પાર થઈ જશે. હેલ્થકેરની સાથે સાથે ડિજિટલ હેલ્થકેર, હોમ હેલ્થકેર જેવા પેટા સેક્ટર્સ પણ એટલા જ ઝડપથી વિકસી રહ્યાં છે
મેડિકલ સેક્ટરના આવા ગ્રોથની સાથે બાયો-મેડિકલ વેસ્ટના સ્વરૂપે તેની ગંભીર આડઅસર પણ મોટો પડકાર સર્જી રહી છે. માનવજાત કેટલાય પ્રકારનો કચરો પેદા કરે છે અને પછી તેની સામે લડત ચલાવીને એમાંથી છૂટકારો મેળવવા મથે છે. બાયો-મેડિકલ વેસ્ટ એવો જ એક કચરો છે જે માનવજાતે પેદા કર્યો છે અને હવે એનાથી છૂટકારો મેળવવા મથામણ શરૂ થઈ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિતની સંસ્થાઓ અંદાજ આપે છે કે દર વર્ષે દુનિયામાં ૫૦ કરોડ લોકો હોસ્પિટલમાં દાખલ થઈને કોઈને કોઈ પ્રકારની સર્જરી કરાવે છે. વર્ષે ૩૫ કરોડ લોકો પર ગંભીર સર્જરી થાય છે. નોંધણી થતી ન હોય એવી હોસ્પિટલોમાં દાખલ થતાં લોકોનો આંકડો પણ કરોડોમાં હશે. બે કરોડ લોકો મેડિકલ ટૂરિઝમના ભાગરૂપે એક દેશમાંથી બીજા દેશમાં જઈને સારવાર કરાવે છે. ૧૮૦ કરોડ ઈન્જેક્શન્સની વર્ષે જરૂર પડે છે.
આ બધાના પરિણામે દર વર્ષે ગ્લોબલી ૪.૭ અબજ ટન બાયો-મેડિકલ વેસ્ટ પેદા થાય છે. બાયો-મેડિકલ વેસ્ટ કહો કે હોસ્પિટલ વેસ્ટ કહો કે હેલ્થકેર વેસ્ટ કહો - કચરાનો આ જથ્થો દિવસે દિવસે મોટો થઈ રહ્યો છે. એ ચિંતાનો વિષય તો છે જ, એનાથી મોટો ચિંતાનો વિષય આ છે - ૨૦ ટકા મેડિકલ વેસ્ટનો નિકાલ થઈ શકતો નથી. દર વર્ષે ૭૦ કરોડ ટન મેડિકલ વેસ્ટ નિકાલ થયા વગરનો પડયો રહે છે અને માનવ સ્વાસ્થ્ય, પર્યાવરણ પર ગંભીર જોખમ સર્જે છે. પ્લાસ્ટિક સહિતનો કચરો ઠાલવવાનો દોષ અમેરિકા જેવા વિકસિત દેશો વિકાસશીલ અને ગરીબ દેશો પર મઢે છે. અવેરનેસના અભાવે આ દેશો ચારેબાજુ પ્રદૂષણ ફેલાવે છે એમ કહે છે, પરંતુ મેડિકલ વેસ્ટની બાબતે સ્થિતિ તદ્ન જુદી છે.
વિકાસિત દેશોમાં વ્યક્તિ દીઠ દરરોજ ૫૦૦ ગ્રામ મેડિકલ વેસ્ટ જનરેટ થાય છે. તેની સરખામણીએ વિકાસશીલ અને ગરીબ દેશોના લોકો દરરોજ ૨૦૦ ગ્રામ મેડિકલ વેસ્ટ પેદા કરે છે. વિકસિત દેશોમાં મેડિકલની બાબતે ઓવર-કેરની સ્થિતિ પ્રવર્તે છે. તેના પરિણામે ન જોઈતી દવાઓ-મેડિકલ સામગ્રી પણ ખરીદીને રાખી મૂકે છે. એ થોડા મહિના પડી રહે છે અને પછી એક્સપાઈયરી ડેટ આવી જતાં તેને કચરામાં પધરાવી દેવામાં આવે છે. આ વિષચક્ર ચાલતું રહે છે, મેડિકલ વેસ્ટનો ઢગલો ઊંચો થતો રહે છે.
કમનસીબે હવે ભારતમાં પણ આ સમસ્યાએ માથું ઊંચક્યું છે.
ભારતમાં દર વર્ષે ૨.૫૫ લાખ ટન બાયો-મેડિકલ વેસ્ટ સર્જાય છે. દેશમાં દરરોજ એવરેજ ૭૦૦ ટન મેડિકલ કચરો પેદા થાય છે. હોસ્પિટલોએ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન સાથે જોડાઈને કામ કરવું ફરજિયાત છે, પરંતુ હજુય દેશમાં અનેક શહેરોમાં મેડિકલ વેસ્ટની કામગીરી યોગ્ય રીતે થતી નથી. કુલ બાયો-મેડિકલ વેસ્ટમાંથી ૨૫-૩૦ ટકાનો યોગ્ય પ્રોસેસથી નિકાલ થતો નથી. ખરી ચિંતા આ છે.
હોસ્પિટલ વેસ્ટની સમસ્યા ઉપરાંત લોકો જે વેસ્ટ પેદા કરે છે એ પણ ગંભીર પરિણામો લાવે છે. જેમકે, આપણે ડોક્ટરની સલાહ વગર આડેધડ દવાઓ ખરીદી લઈએ છીએ. એ દવાઓમાંથી અમુક વપરાય છે. અમુક પછીથી કચરામાં ફેંકી દેવામાં આવે છે. એ દવાઓ સામાન્ય કચરા સાથે નદી-નાળામાં પહોંચી જાય છે. પાણીના સ્ત્રોતમાં ભળી જાય છે અને તે જ ફરીથી આપણાં સુધી આવે છે. તાજેતરમાં એક રિપોર્ટમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી કે શરીરમાં એન્ટી-બોયોટિક્સની અસર ઘટવા માંડી છે એમાંના ઘણાં કારણોમાં એક કારણ છે - મેડિકલ વેસ્ટ.
આપણે એમ માનીએ છીએ કે મેડિકલ વેસ્ટ પૃથ્વી પર પ્રદૂષણ ફેલાવે છે. પર્યાવરણને નુકસાન કરે છે, પરંતુ આપણાં શરીરમાં તેની સીધી કોઈ અસર થતી નથી. પરંતુ એવું બિલકુલ નથી. લેટેસ્ટ સંશોધનોએ ચોંકાવનારો દાવો કર્યો છે કે મેડિકલ વેસ્ટ પાણી કે અનાજના સોર્સથી ફરી આપણાં શરીરમાં પ્રવેશે છે અને તે એન્ટી-બાયોટિક્સ બેઅસર થવામાં વિલનની ભૂમિકા ભજવે છે.
વેલ, આ મેડિકલ વેસ્ટના કારણે એક તરફ સ્વાસ્થ્ય પર જોખમ છે ને પર્યાવરણ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. બીજી તરફ એણે એક મોટા વિકસતા બિઝનેસનું રૂપ લીધું છે. દુનિયામાં મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માર્કેટ ૩૫ અબજ ડોલરનું છે. પાંચ વર્ષમાં એ વધીને ૫૯ અબજ ડોલરે પહોંચી જવાનું છે. સેંકડો ઉદ્યોગ સાહસિકો સરકારી સહાયનો લાભ લઈને મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટના બિઝનેસમાં આવી રહ્યાં છે.
ભારતમાં પણ આ બિઝનેસ વિશાળ બની રહ્યો છે. દેશનું મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ માર્કેટ ૨૦૨૪માં ૨.૩૨ અબજ ડોલર હતું. એમાં ૭થી ૮ ટકાના દરે વૃદ્ધિ થઈ રહી છે. ૨૦૩૦માં વધીને આ માર્કેટ ૩.૫૩ અબજથી ૪ અબજ ડોલર થાય તેવો અંદાજ છે.
મેડિકલ વેસ્ટ મેનેજમેન્ટનો આ બિઝનેસ ભલે વધતો રહે, પરંતુ એનું નામ પ્રમાણે મેનેજમેન્ટ થાય તે આવશ્યક છે. જો સમયસર તેના પ્રોસેસિંગ અને નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં ગોઠવાય તો એ બીજા બધા પ્રદૂષણોની જેમ માનવજાત સામે માથાનો દુખાવો બની રહેશે.

- ભારતના ઘણાં રાજ્યોમાં મેડિકલ વેસ્ટ જમીનમાં દાટવામાં આવે છે
નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે બાયોમેડિકલ વેસ્ટના એક મુદ્દે સુનાવણી દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારોને ગંભીરતાથી બાયોમેડિકલ વેસ્ટની સમસ્યા સામે લડવાનો નિર્દેશ કર્યો હતો અને હજુય અમુક રાજ્યોમાં મેડિકલ વેસ્ટને જમીનમાં ખાડો કરીને દાટી દેવામાં આવે છે તે પદ્ધતિ બંધ કરવાનું સૂચન કર્યું છે. ભારતમાં ૧૦ વર્ષ પહેલાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ બન્યો હતો. તેની ગાઈડલાઈન પ્રમાણે દરેક હોસ્પિટલોમાં મેડિકલ વેસ્ટના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ. શરૂઆતમાં મેડિકલ વેસ્ટને જમીનમાં ઊંડો ખાડો કરીને દાટી દેવામાં આવતો હતો.
એમ મનાતું હતું કે એ રીતે મેડિકલ વેસ્ટ લાંબાંગાળે સડી જાય છે, પરંતુ નવી પદ્ધતિમાં સાયન્ટિફિક પ્રોસેસ કરીને મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનો હોય છે. જમીનમાં દાટી દેવાથી ભૂમિ પ્રદૂષણ વધે છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની સુનાવણીમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ-સીપીસીબીએ રિપોર્ટ આપ્યો હતો એ પ્રમાણે રાજસ્થાન, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, આસામ જેવા ઘણાં રાજ્યો અને અમુક કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મેડિકલ વેસ્ટને જમીનમાં દાટી દેવામાં આવે છે. એ સિવાયના ઘણાં રાજ્યોમાં એ પ્રક્રિયા બંધ થઈ ગઈ છે અને તેનો નિકાલ યોગ્ય પ્રોસેસથી કરવામાં આવે છે. જોકે, જમીનમાં આ મેડિકલ વેસ્ટને દાટવામાં આવે છે એના પર પણ ચોક્કસ પ્રક્રિયા થાય છે. એની વિગતો રાજ્યના પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે રહે છે. ટેન્ડરથી સરકારી હોસ્પિટલો મેડિકલ વેસ્ટના નિકાલનું કામ ખાનગી એજન્સીઓને સોંપે છે. બે મીટરથી વધારે ઊંડા ખાડામાં કચરાની સાથે ચુનો ભેળવીને આ મેડિકલ વેસ્ટને એમાં દાટી દેવામાં આવે છે.
આ પ્રક્રિયા સામે પર્યાવરણ નિષ્ણાતો વર્ષોથી સવાલ ઉઠાવે છે. જમીનની અંદર ખાડો કરીને મેડિકલ વેસ્ટ પધરાવી દેવાથી ભલે સપાટી પર કોઈ નુકસાન થતું નથી, પરંતુ ગ્રાઉન્ડ વોટરમાં તેની અસર થાય છે. તેનાથી જમીનની અંદર અદૃશ્ય રીતે પ્રદૂષણ ફેલાય છે અને લાંબાંગાળે સ્વાસ્થ્ય પર જોખમ વધે છે. મેડિકલ વેસ્ટ માટે ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ બનાવવામાં આવે છે અને તેમાં જુદા જુદા પ્રકારના વેસ્ટ માટે અલગ અલગ પ્રોસેસ થાય છે. આ પ્રક્રિયાથી જ બધા મેડિકલ વેસ્ટનો નિકાલ કરવો જોઈએ એવી હિમાયત થાય છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો જમીનમાં કચરો દાટવાના બચાવમાં એમ દલીલ કરે છે કે અમુક અંતરિયાળ વિસ્તારોમાંથી મેડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝ સુધી પહોંચી શકતો નથી એટલે ત્યાં જ તેને દાટી દેવામાં આવે છે. દુનિયાભરમાં પહેલાં આ જ પ્રોસેસ હતી, પરંતુ હવે મોટાભાગના દેશોમાં ટ્રીટમેન્ટની પ્રોસેસથી જ નિકાલ થાય છે.


